- અમેરિકા દ્વારા વેગોવી ટેબલેટને મંજૂરી અપાઈ, ભારતમાં લાખો લોકો આ દવાની રાહ જોઈને બેઠા હોવાના અહેવાલ
- અમેરિકામાં 10 કરોડથી વધારે જ્યારે ભારતમાં 14 કરોડથી વધારે લોકો મેદસ્વીતાનો શિકાર થયેલા છે, હવે બાળકો અને ટીનએજર્સમાં મેદસ્વીતા વકરી રહી હોવાથી લોકોમાં ચિંતાનો માહોલ : હાલમાં મેદસ્વીતા ઓછી કરવાના ઈન્જેક્શનો બજારમાં મળી રહ્યા છે તેની કિંમત મહિને લાખોમાં જતી હોવાથી ખૂબ જ ઓછા લોકો તેનું સેવન કરે છે : આ ગોળીઓ દ્વારા શરીરના આંતરિક હોર્મોન જેવા જ કેમિકલ શરીરમાં ફરે છે જે ભુખ ઓછી લાગવી અને પેટ ભરેલું હોવાની લાગણીને લાંબા સમય સુધી જાળવી રાખે છે જેથી વ્યક્તિ વધારે ભોજન કરતી નથી અને પરિણામે વજન ઘટવા લાગે છે : હાલમાં આ દવાના 15 મહિના સતત ઉપયોગ બાદ દર્દીઓમાં સરેરાશ ૧૫ થી ૨૧ ટકા સુધીનો વજનમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે, તે ઉપરાંત બ્લડ સુગરમાં પણ કન્ટ્રોલ આવ્યાના અહેવાલો છે
અમેરિકી રેગ્યુલેટર્સ દ્વારા ઓબેસિટીની સારવાર માટે વેગોવી નામની ટેબલેટને મંજૂરી આપવામાં આવી છે. એફડીએ દ્વારા વજન ઘટાડવા માટે દરરોજ લેવામાં આવતી વેગોવીને મંજૂરી આપતાની સાથે જ અમેરિકન બજારમાં તેની ખૂબ જ ડિમાન્ડ વધી ગઈ છે. બીજી તરફ આ ગોળીઓ ભારતીય બજારમાં પણ આવી ગઈ છે. વાત એવી છે કે, અમેરિકામાં બે કંપનીઓ વચ્ચે મેદસ્વીતાની સારવાર અંગે વિવિધ ગોળીઓ અને ઈન્જેક્શન બજારમાં લાવવાની હોડ ચાલે છે. તેમાં નોવો નોર્ડિસ્ક દ્વારા વેગોવી નામની ગોળી બજારમાં મુકી દેવામાં આવી છે. થોડા સમય પહેલાં આ કંપની દ્વારા મેદસ્વીતાની સારવાર માટે વેગોવી ઈન્જેક્શન પણ બજારમાં ઠાલવવામાં આવ્યા હતા. નવાઈની વાત એ છે કે, અમેરિકામાં ૧૦ કરોડ કરતા વધારે લોકો લાંબા સમયથી મેદસ્વીતાનો શિકાર છે અને તેની સારવાર શોધી રહ્યા છે.
મહત્ત્વનું એ છે કે, કંપની દ્વારા અત્યાર સુધી ઈન્જેક્શનો જ બજારમાં મુકવામાં આવ્યા હતા. સામાન્ય લોકો સુધી તે પહોંચાડવા માટે હવે ટેબલેટ બનાવવામાં આવી છે.
ટૂંક સમયમાં આ ગોળીઓ બજારમાં ઉપલબ્ધ થઈ જશે. જાણકારો માને છે કે, ઈન્જેક્શનની સાથે ગોળીઓ બજારમાં આવતા જ મેદસ્વીતાની સારવારનું માર્કેટ ઘણું મોટું થઈ જશે. થોડા સમય પહેલાં એક સર્વે આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે, અમેરિકામાં દર આઠમાંથી એક મેદસ્વી વ્યક્તિ દ્વારા સારવાર માટે ઈન્જેક્શન લેવામાં આવે છે. જો કે આ સારવાર ખૂબ જ મોંઘી છે તેથી લોકો સસ્તી અને સરળ સારવારની રાહ જોઈ રહ્યા છે. ભારતમાં પણ ધીમે ધીમે મેદસ્વીતાના કેસ વધી રહ્યા છે અને અહીંયા પણ વિવિધ ગોળીઓ બજારમાં મળી રહી છે. તેમ છતાં અમેરિકા જેવી અક્સીર ઈલાજ આપતી દવાઓ ધીમે ધીમે ભારતમાં પગપેસારો કરી રહી હોવાના અહેવાલો છે. કેટલાક જાણકારો અને ડોક્ટરો માને છે કે, આ ગોળીઓ મોટા સમુદાય સુધી પહોંચે તેમ લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભારત, અમેરિકા, કેનેડા અને યુરોપના ઘણા દેશોમાં મેદસ્વી લોકોની સંખ્યા અતિશય વધારે છે. તેના કારણે આ માર્કેટ ખૂબ જ મોટું છે. સંશોધકો જણાવે છે કે, નોવો નોર્ડિકની મેદસ્વીતાની ગોળીમાં ૨૫ મિલીગ્રામ સેમાગ્લૂટાઈડ હોય છે. આ એ જ કન્ટેનટ છે જે વેગોવી અને ઓઝેમ્પિક નામના ઈન્જેક્શનોમાં તથા રાઈબેલસસમાં જોવા મળે છે. ૨૦૧૯માં ડાયાબિટિસની સારવાર માટે પણ આ ગોળીઓ અને ઈન્જેક્શનને ઉપયોગમાં લેવાતા હોવાના અહેવાલો છે. નવી ગોળીઓમાં પણ આવા જ કન્ટેન્ટ રાખીને લોકોને મેદસ્વીતા અને તેના કારણે વધી રહેલા ડાયાબિટિસથી બચાવી શકાશે તેવું સંશોધકો માની રહ્યા છે.
સંશોધકો જણાવે છે કે, જીએલપી-૧ દવા છે જે સામાન્ય રીતે મેદસ્વીતાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઈન્જેક્શનોની જેમ જ કામ કરે છે. આ દવા શરીરમાં જઈને કુદરતી હોર્મોનની નકલ કરે છે. તેના કારણે ભુખ લાગવી અને પેટ તૃપ્ત થઈ જવા જેવી લાગણીઓ નિયંત્રણમાં આવતી જાય છે. આ દવા શરીરમાં હાજર એક કુદરતી હોર્મોન જીએલપી-૧ની જેમ કામ કરે છે.
આ દવા ભુખ ઓછી કરે છે અને સાથે સાથે મગજને સંકેત આપે છે કે, પેટ ભરેલું છે. તેના દ્વારા વારંવાર ખાવાની ઈચ્છા ઓછી થવા લાગે છે. તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે અથવા તો ભારે હોય તેવું રાખે છે. ખાવાનું ધીમે ધીમે પચે છે જેના કારણે ભુખ લાગતી નથી. તેના કારણે વ્યક્તિ ઓછી કેલેરી લેતી થઈ જાય છે. ભુખ જ ઓછી લાગશે તેથી ખોરાક ઓછો લેવાશે અને પરિણામે શરીર આપોઆપ એક્ટિવ થશે અને વજન ઘટવા લાગશે. તેનાથી બ્લડ સુગર પણ કન્ટ્રોલમાં આવી જશે.
જાણકારોના મતે તેનું વિવિધ રીતે ક્લિનિકલ પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. તેમાં જેલા લોકોએ ભાગ લીધો હતો તેમને વેગોવીની ગોળીઓ આપવામાં આવી હતી. તેમનું વજન ૧૫ મહિનામાં સરેરાશ ૧૩.૬ ટકા ઓછું થયું હતું.
બીજી તરફ જે લોકોને પ્લેસીબો આપવામાં આવ્યો હતો તેમના વજનમાં માત્ર ૨.૨ ટકાનો જ ઘટાડો નોંધાયો હતો. સંશોધકોએ નોંધ્યું હતું કે, ઈન્જેક્શન લેનારા લોકોમાં વજન ઘટવાનું જે પ્રમાણ હતું તેને સમાંતર જ પરિણામ ગોળીઓ દ્વારા પણ જોવા મળ્યું હતું. ઈન્જેક્શનમાં સરેરાશ ૧૫ ટકા વજન ઘટે છે જ્યારે ગોળીઓથી ૧૩.૬ ટકા ઘટયું હતું. તેથી ગોળીઓ પણ અસરકારક હોવાનું સિદ્ધ થતું હતું. વિસ્કોન્સિન ખાતે રહેતા એક ડોક્ટર પણ આ પરીક્ષણમાં જોડાયા હતા. તેમણે આ ગોળીઓના દૈનિક સેવનથી ૨૦ કિલો જેવું વજન ઓછું કર્યું હતું. તેમણે પણ જણાવ્યું કે આ દવાના સેવનથી તેમની ભુખ ઓછી થઈ ગઈ છે અને ભોજન માટે વારંવાર આવતા વિચારો પણ ઓછા થઈ ગયા છે.
અન્ય એક દર્દીએ જણાવ્યું કે, આ ગોળીઓ દ્વારા ભોજન અને ભુખ ઉપર એવો કાબુ આવી ગયો હતો કે, ઘણી વખત ભોજન ન કર્યું હોય છતાં અનુભવાતું નહોતું કે મને ભુખ લાગી છે અથવા તો પેટ ખાલી છે.
સંશોધકો દ્વારા કેટલાક દર્દીઓ ઉપર તેવી જ રીતે અન્ય કંપનીની દવા લેવાનો પણ પ્રયોગ કરાયો હતો. તેમાં ૧૭ મહિના સુધી દવાઓ અપાઈ હતી. તેમના સરેરાશ વજનમાં ૧૧.૨ ટકાનો ઘટાડો થયો હતો. તેવી જ રીતે પ્લેસીબો લેનારનું વજન ૨.૧ ટકા ઘટયું હતું. જાણકારો માને છે કે, આ ગોળીઓ જીએલપી-૧ અને જીઆઈપીને ટાર્ગેટ કરે છે અને આ હોર્મોન કાબુ કરીને સરેરાશ ૨૧ ટકા સુધી વજન ઘટવામાં મદદ કરે છે.
ઉલ્લેખનીય છે કે, આ દવાઓના વધુ પડતા ઉપયોગ સામે પણ ચેતવણી આપવામાં આવી છે. સંશોધકો જણાવે છે કે, કોઈપણ દવાનો વધુ ઉપયોગ કરવામાં આવે તો ડાયેરિયા અને વોમિટિંગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. મોટાભાગે વેગોવી સવારે ખાલી પેટે અને કોઈપણ ભોજન કરવાના ૩૦ મિનિટ પહેલાં લેવી જોઈએ. આ અંતર રાખીને પ્રમાણસર દવા લેવામાં આવે તો જ અસરકારક સાબિત થાય છે. બાકી આડેધડ ગોળીઓ લેવાથી તેની આડઅસર વધારે થવાની શક્યતાઓ છે.
બીજી જાણવા જેવી વાત એ છે કે, ઈન્જેક્શનોની સરખામણીએ મોઢેથી લેવામાં આવતી દવાઓ અને ગોળીઓની કિંમત ઓછી જ હોવાની છે. જાણકારોના મતે અત્યાર સુધી મોટાભાગની દવાઓ ૧૦૦૦ ડોલર પ્રતિ મહિના સુધી અમેરિકન બજારમાં આવતી હતી. તેમાં લગભગ ગોળીઓ આવવાના કારણે તોતિંગ ઘટાડો થયો છે. અમેરિકામાં આ દવાઓ દર મહિને ૧૫૦ ડોલરની આસપાસ મળી જાય તેવી ચર્ચા ચાલી રહી છે.
જાન્યુઆરીમાં વ્યાપક રીતે દવાઓ બજારમાં ઠલવાઈ જશે ત્યારબાદ તેની ચોક્કસ કિંમતો અંગે માહિતી બહાર આવશે. બીજી તરફ વાત એવી પણ છે કે, આજે પણ એવા ઘણા દર્દીઓ છે જેઓ દરરોજ ગોળીઓ ગળવાના બદલે દર અઠવાડિયે એક ઈન્જેક્શન લેવાનું વધારે પસંદ કરે છે. બીજી તરફ એવા ઘણા દર્દીઓ છે જેમને ઈન્જેક્શનનો ફોબિયા છે. તેઓ ગોળીઓનો વિકલ્પ શોધી રહ્યા છે.
કેટલાક લોકોએ એવું પણ જણાવ્યું કે, વેગોવીની ક્લિનિકલ ટ્રાયલમાં જોડાયા બાદ તેમણે દવા લેવાનું બંધ કરતા જ વજન વધવાનું શરૂ થઈ ગયું હતું. તેના કારણે તેમણે વજન કાબુ કરવા અન્ય ઈન્જેક્શનોનો આધાર લેવો પડયો હતો. દવાઓ ઉપરની આ નિર્ભરતા ખરેખર જોખમી બની શકે તેમ છે. વારંવાર દવા લીધા કરવી તે પણ યોગ્ય નથી.
આ સિવાય કેટલાક લોકોએ એવું પણ જણાવ્યું કે, જો ખરેખર બજારમાં દવાઓ સસ્તા ભાવમાં આવતી હોય તો તેની કિંમત હજી ઓછી હોવી જોઈએ. ઘણા લોકોએ મહિને ૧૦૦ ડોલર કે તેનાથી ઓછી કિંમતની દવાઓ આવશે તો સતત લેવાની તૈયારી દર્શાવી છે. તેઓ બાકીના વિકલ્પો પણ શોધી રહ્યા અને તપાસી રહ્યા હોવાનું અભ્યાસમાં જણાવતા હતા. તેના કારણે હવે કંપનીઓ ઉપર કિંમત કાબુ કરવાનું પણ દબાણ હશે.
ભારતમાં 14 કરોડથી વધારે લોકો મેદસ્વીતાનો શિકાર થયેલા છે
મેદસ્વીતા માત્ર અમેરિકા, કેનેડા કે યુરોપના દેશોની જ સમસ્યા નથી. ફાસ્ટ લાઈફ અને ફાસ્ટ ફૂડને પગલે ભારતમાં પણ મેદસ્વીતા, ડાયાબિટિસ અને લાઈફ સ્ટાઈલ ડિસિઝના પ્રમાણમાં ભયાનક વધારો થયેલો છે. થોડા સમય પહેલાં જ આવેલો એક અહેવાલ જણાવે છે કે, ભારતમાં ૧૪ કરોડથી વધારે લોકો મેદસ્વીતાનો ભોગ બનેલા છે. તેમાંય પુખ્તવયની લોકોમાં ૨૫ ટકા લોકો મેદસ્વીતાનો ભોગ બનેલા અથવા તો મેદસ્વીતાની કેટેગરીમાં આવી રહ્યા છે. તેના કારણે તેમનામાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, હૃદયરોગ જેવી બિમારીઓ વધી રહી છે.
પુરુષોની 23 ટકા વસતી જ્યારે સ્ત્રીઓની 24 ટકા વસતી મેદસ્વીતાનો શિકાર બનેલી છે. શહેરોમાં આ સમસ્યા સૌથી વધારે છે.
શહેરમાં ૩૦ વર્ષ પહેલાથી અત્યારની સરખામણી કરવામાં આવે તો મેદસ્વીતાની સમસ્યા પાંચ ગણી વધી ગઈ છે. ચિંતાજનક વાત એવી છે કે, હવે બાળકોમાં આ સમસ્યા ઝડપથી વકરી રહી છે. જાણકારો માને છે કે, ભારતમાં વેગોવીની ગોળીઓનું પણ મોટું બજાર છે. અહીંયા આ દવા શરૂઆતમાં લોન્ચ થઈ હતી. તેના ઈન્જેક્શનોની કિંમત અધધ છે. તેના કારણે તેને લેનારો વર્ગ ઓછો હતો. તેમ છતાં આ ગોળીઓ જો સસ્તા ભાવે આવશે તો લોકોમાં તેના માટે ધસારો જોવા મળી શકે છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આ દવાઓનો ઉપયોગ વધે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ અન્ય કંપનીઓ દ્વારા પણ પોતાની દવાઓ લાવવામાં આવે તો નવાઈ નહીં. હાલમાં જે વેગોવીને સ્પર્ધા નડી રહી છે તેના કારણે તેણે ભારતમાં દવાઓના ભાવ ૩૭ ટકા સુધી ઓછા કર્યા છે. પહેલા ૨.૪ એમજીનો ડોઝ ૨૫ હજારની આસપાસ મળતો હતો તે હવે ઘટીને ૧૬,૫૦૦ થઈ ગયો છે. તેવી જ રીતે ૦.૨૫ એમજીનો ડોઝ જે પ્રતિ માસ ૧૬,૨૫૦ની આસપાસ મળતો હતો તે ઘટીને ૧૦,૫૦૦ સુધી પહોંચી ગયો છે. આગામી સમયમાં ગોળીઓના આવવાથી તેની કિંમતો હજી નીચી જાય તેવું લાગી રહ્યું છે.


