જૂની પેન્શન યોજના ફરી યુપીએસના નામે લવાઇ, નવી બોટલમાં જુનો દારૂ

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
જૂની પેન્શન યોજના ફરી યુપીએસના નામે લવાઇ, નવી બોટલમાં જુનો દારૂ 1 - image


- યુનિફાઇડ પેન્શન સ્કીમમાં પણ જૂની પેન્શન યોજનાની જેમ નિવૃત્તિ પહેલાં છેલ્લા પગાર એટલે કે બેઝિક સેલેરીના ૫૦ ટકા રકમનું પેન્શન મળશે

- લોકસભાની ચૂંટણી પહેલાં એનપીએસનાં જ ગુણગાન ગાતી ભાજપ સરકારે જૂની પેન્શન યોજના પાછી નહીં જ લવાય એવો હુંકાર કરેલો. લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી ના મળતાં ભાજપે સરકારી કર્મચારીઓ સામે ઘૂંટણ ટેકવીને જૂની પેન્શન યોજના જેવી જ નવી પેન્શન સ્કીમ નાકલીટી તાણીને લાવવી પડી છે. વકફ બોર્ડ, બ્રોડકાસ્ટિંગ બિલ, લેટરલ એન્ટ્રી ભરતી, એસસી-એસટી અનામતમાં પેટા અનામત અને ક્રીમી લેયર એ ચાર મુદ્દે પહેલાં જ ગુલાંટ લગાવી ચૂકેલી મોદી સરકારે મહિનામાં જ આ પાંચમા મુદ્દે યુ-ટર્ન માર્યો છે 

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સરકારી કર્મચારીઓ માટે નવી યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ)ને મંજૂરી આપીને વધુ એક ગુલાંટ લગાવી દીધી. સરકારી કર્મચારીઓ લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરાવવા માટે રજૂઆત કરી રહ્યા છે પણ મોદી સરકાર તેમની વાત સાંભળવા જ તૈયાર નહોતી પણ લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી ન મળતાં જ ભાજપે સરકારી કર્મચારીઓ સામે ઘૂંટણ ટેકવી દીધા. મોદી સરકારે જાહેર કરેલી યુપીએસ જૂની પેન્શન યોજનાનું નવું સ્વરૂપ છે પણ જૂની પેન્શન યોજના લાગુ કરે તો થૂંકેલું ચાટયું હોય એવું લાગે એટલે યુનિફાઇડ પેન્શન સ્કીમ એવું નવું નામ આપી દીધું. 

ભાજપ ચાલાકીઓ કરીને લોકોને બેવકૂફ બનાવવામાં પાવરધો છે. યુપીએસમાં પણ  એવી ચાલાકીઓ છે પણ યુપીએસની મોટા ભાગની જોગવાઈઓ જૂની પેન્શન યોજના જેવી જ છે. યુનિફાઇડ પેન્શન સ્કીમમાં પણ જૂની પેન્શન યોજનાની જેમ નિવૃત્તિ પહેલાં છેલ્લા પગાર એટલે કે બેઝિક સેલેરીના ૫૦ ટકા રકમનું પેન્શન મળશે.

યુપીએસનો વિકલ્પ પસંદ કરનારને ઓછામાં ઓછું ૧૦ હજાર રૂપિયા પેન્શન મળે એવી જોગવાઈ પણ છે. જે સરકારી કર્મચારીએ ૧૦ વર્ષની સેવા પૂરી કરી હોય તેને ૧૦,૦૦૦ રૂપિયાનું પેન્શન મળશે. જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ વખતે ૬૦ ટકા રકમ મળતી ને બાકીના ૪૦ ટકા પેન્શન ફંડમાં રહેતી. યુપીએસમાં પણ કર્મચારી નિવૃત્ત થાય એટલે ઉચ્ચક રકમ મળશે ને પછી પેન્શન મળશે. 

યુપીએસમાં પેન્શનર મૃત્યુ પામે તો પરિવારને કર્મચારીના મૃત્યુ સમયે મળતા પેન્શનના ૬૦ ટકા રકમ પેન્શન તરીકે ચાલુ રહેશે. હાલની સરકારી કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ)માં કર્મચારીના બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થાના ૧૦ ટકા રકમ કપાય છે. મતલબ કે, કર્મચારીના પગારમાંથી કાપેલાં નાણાં જ તેને નિવૃત્તિ વખતે પાછાં અપાય છે. સરકાર તેમાં ૧૪ ટકા ફાળો આપે છે.  જૂની પેન્શન યોજનામાં કર્મચારીએ કોઈ ફાળો નહોતો આપવો પડતો. યુપીએસમાં સરકારનું યોગદાન વધીને ૧૮.૫ ટકા થવાનું છે પણ કર્મચારીના પગારમાંથી રકમ કાપવાનું ચાલુ જ રહેશે. આ પ્રકારની ચાલાકીઓ છે પણ એ સિવાય યુપીએસ જૂની પેન્શન યોજના જેવી જ છે. 

યુપીએસ લાવીને મોદી સરકારે પોતે જ લીધેલા નિર્ણયો અથવા વલણ બદલીને યુ-ટર્ન સરકાર સાબિત થવાની પરંપરાને આગળ ધપાવી છે. છેલ્લા મહિનામાં મોદી સરકારે આ પાંચમા મામલે ગુલાંટ મારી છે. સૌથી પહેલાં મોદી સરકારે વકફ એક્ટમાં સુધારાનો ખરડો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી)ને સોંપવો પડયો. આ પહેલાં ઘણા મહત્વના ખરડા જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી)ને સોંપવાની માગ થયેલી પણ મોદી સરકાર કોઈનું સાંભળતી જ નતી પણ આ વખતે નાકલીટી તાણવી પડી.  

મોદી સરકારે એ પછી સોશિયલ મીડિયાને નાથવા માટે બનાવેલું બ્રોડકાસ્ટિંગ પાછું ખેચવું પડયું. સરકારની ટીકા કરતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ સહિતના વિરોધીઓ પર લગામ માટેનું બિલ અત્યારે તો સાવ અભરાઈ પર જ ચડાવી દેવાયું છે. એ પછી યુપીએસસી દ્વારા લેટરલ એન્ટ્રી ભરતી કરવાની જાહેરખબર અપાયેલી તેને પણ મોદી સરકારે રદ કરવી પડી. 

સુપ્રીમ કોર્ટે એસસી અને એસટી અનામતમાં પેટા અનામત અને ક્રીમી લેયરની જોગવાઈ કરવા ચુકાદો આપ્યો એ મુદ્દે પણ મોદી સરકારે ગુલાંટ લગાવી છે. તેંલગાણામાં મડિગા રીઝર્વેશન પોરાટા સમિતી એસસી અનામતમાં પેટા અનામત માટે લડત ચલાવે છે. ૨૦૨૩ના નવેમ્બરમાં તેલંગાણા વિધાનસભાની ચૂંટણી વખતે મોદીએ આ સમિતીના નેતા મંદાક્રિષ્ણા મડિગાનું મંચ પર જાહેરમાં સન્માન કરીને વચન આપેલું કે, ભાજપ દલિતો માટેની એસસી અનામતમાં પેટા અનામત લાવશે. હવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ને ચિરાગ પાસવાન સહિતના દલિત નેતા એસસી અનામતમાં પેટા અનામતની વિરૂધ્ધ છે ત્યારે મોદી સરકારે જાહેર કરી દીધું છે કે, એસસી અનામતમાં પેટા અનામત કે ક્રીમી લેયરની જોગવાઈ નહીં કરાય. 

પેન્શન યોજનાને તો મોદી સરકારે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધેલો. ૨૦૨૨માં દેશનાં કેટલાંક બિન-ભાજપ પક્ષો શાસિત રાજ્યોએ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરી ત્યારે ભાજપે કહેલું કે, જૂની પેન્શન યોજના લાગુ કરાય તો દેશ આર્થિક રીતે બરબાદ થઈ જશે એટલે અમે કોઈ કાળે જૂની પેન્શન યોજના લાગુ નહીં કરીએ. રાજસ્થાન, છત્તીસગઢ, પંજાબ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ એ પાંચ રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરાયેલી. 

સરકારી કર્મચારીઓનાં સંગઠનો જૂની પેન્શન યોજના લાવવાની માગ કર્યા કરતાં હતાં તેથી તેમને ફોસલાવવા માટે મોદી સરકારે ૨૦૨૩ના માર્ચમાં નાણાં સચિવ ટી.વી. સોમનાથનના નેતૃત્વમાં સમિતી બનાવેલી. આ સમિતી પણ નવી પેન્શન યોજના માટે તો હતી જ નહીં પણ એનપીએસમાં સુધારા સૂચવવા માટે બનાવાયેલી. મતલબ કે, મોદી સરકાર સ્પષ્ટ હતી કે, કર્મચારીઓ ઉપરથી નીચે પડે તો પણ જખ મારીને એનપીએસ જ સ્વીકારવી પડશે. 

મોદી સરકારની ગણતરી એનપીએસમાં બે-ચાર નાના નાના ફેરફારો કરીને કર્મચારીઓને ફોસલાવી દેવાની હતી પણ લોકસભાની ચૂંટણીમાં સરકારી કર્મચારીઓએ બંબૂ લગાવી દીધો એટલે એનપીએસમાં સુધારાની વાત બાજુ પર મૂકીને નવી પેન્શન યોજના જ રજૂ કરી દીધી.

  આ નવી યોજનામાં જૂની યોજનાના શક્ય એટલા તમામ લાભો પણ સમાવી લેવાનો પ્રયત્ન કરાયો છે કે જેથી કર્મચારીઓને અસંતોષ ના રહે ને નજીકના ભવિષ્યમાં યોજાનારી ચાર રાજ્યોની ચૂંટણીમાં ભાજપને તેમનો અસંતોષ ભારે ના પડે. છેલ્લાં ૧૦ વર્ષથી કોઈનું નહીં સાંભળનારી મોદી સરકારે કમ સે કમ સરકારી કર્મચારીઓનું સાંભળ્યું છે. દસ વર્ષથી પોતાના મન કી બાત જ લોકોને સંભળાવ્યા કરતા મોદી સુધી કર્ર્મચારીઓના મન કી બાત પહોંચી છે મોદી સરકારના યુ ટર્ન સાબિત કરે છે કે, આ સરકાર પાસે કોઈ ચોક્કસ નીતિ નથી, કોઈ દિશા નથી. સત્તા ટકાવવા માટે અને મત લેવા માટે જરૂરી લાગે એ બધું કરવા માટે આ સરકાર તૈયાર છે.

- ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી એટલે મોદીનો લોકોની વાત સાંભળ્યા વિના છૂટકો નથી

યુપીએસની જાહેરાત કરતી વખતે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દાવો કર્યો કે, વડાપ્રધાન મોદી અને વિપક્ષની કામ કરવાની પધ્ધતિમાં ફરક છે. વિપક્ષો જૂની પેન્શન યોજનાના નામે રાજકારણ રમે છે જ્યારે તેનાથી  વિરૂધ્ધ નરેન્દ્ર મોદી ચર્ચામાં વધુ માને છે. આ કારણે જ એનપીએસમાં ફેરફારની સરકારી કર્મચારીઓની માગને સાંભળીને  મોદીએ સોમનાથન સમિતિ બનાવી હતી. આ સમિતિએ સંસ્થાઓ અને રાજ્યો સાથે ૧૦૦થી વધુ બેઠકો યોજીને યુનિફાઈડ પેન્શન સ્કીમ બનાવી છે. 

વૈષ્ણવનો દાવો અત્યંત હાસ્યાસ્પદ છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી એટલે મોદીનો લોકોની વાત સાંભળ્યા વિના છૂટકો નથી. બાકી છેલ્લાં ૧૦ વર્ષમાં મોદી લોકોનું કેટલું સાંભળે છે, કેવી ચર્ચા કરે છે એ સૌએ જોયું જ છે. ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનોને ફાયદો કરાવવા માટે બનાવાયેલા ૩ કૃષિ કાયદા વિરૂધ્ધ ખેડૂત સંગઠનોએ સવા વરસ આંદોલન કરવું પડેલું. મોદી તેમની વાત સાંભળવા જ તૈયાર નહોતા. છેવટે હારનો ખતરો લાગતાં વાંકા વળીને ત્રણેય કાયદા રદ કરવા પડેલા. અત્યારે પણ લોકોની વાત સાંભળવાનાં નાટક લોકસભાની ચૂંટણીમાં હારના કારણે જ થઈ રહ્યાં છે.  

- દોઢ વર્ષ ફીફાં ખાંડીને છેવટે આંધ્ર સરકારની પેન્શન સ્કીમનું કોપી પેસ્ટ

મોદી સરકારે જાહેર કરેલી નવી પેન્શન યોજના આંધ્ર પ્રદેશની જગન મોહન રેડ્ડી સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓને એનપીએસના વિકલ્પે આપેલી પેન્શન યોજનાની બેઠી નકલ છે. કેન્દ્ર સરકારે બનાવેલી સોમનાથન સમિતીમાં નાણાં મંત્રાલયનાં સ્પેશિયલ સેક્રેેટરી રાધા ચૌહાણ ઉપરાંત પેન્શન રેગ્યુલેટરી ફંડનાં એન્ની મેથ્યુ અને દીપક મોહંતી પણ હતાં. દોઢ વરસ લગી ફીફાં ખાંડયા પછી તેમણે આંધ્રની સ્કીમને કોપી પેસ્ટ કરી દીધી છે. 

આંધ્ર પ્રદેશ સરકારે આંધ્ર પ્રદેશ ગેરંટેડ પેન્શન સિસ્ટમ એક્ટ ૨૦૨૩ હેઠળ તમામ કર્મચારીઓને નિવૃત્તિ પછી છેલ્લા ૧૨ મહિનાના બેઝિક પગારના ૫૦ ટકા રકમ પેન્શન તરીકે મળે એવી જોગવાઈ કરી છે.  આંધ્રમાં નિવૃત્તિ વખતે કર્મચારીને એનપીએસમાંથી ચોક્કસ રકમ ચૂકવાય છે. 

આ રકમ આપ્યા પછી બાકી રહેતી રકમમાંથી મળતું પેન્શન છેલ્લા પગારના ૫૦ ટકાથી ઓછું હોય તો તફાવતની રકમ રાજ્ય સરકાર ચૂકવે છે. આ ઉપરાંત પેન્શન પર મોંઘવારી ભથ્થું પણ ચૂકવાય છે. પેન્શનર નિવૃત્ત થાય ત્યારે તેનાં વિધવાને પેન્શનની રકમના ૬૦ ટકા રકમ ચૂકવાય છે.

News-Focus

Google NewsGoogle News