Get The App

હોર્મુઝ ખુલશે તો પણ સપ્લાય નોર્મલ થવામાં 2-3 વર્ષ લાગશે

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
હોર્મુઝ ખુલશે તો પણ સપ્લાય નોર્મલ થવામાં 2-3 વર્ષ લાગશે 1 - image

- હોર્મુઝની ખાડીમાં અમેરિકી યુદ્ધ જહાજો અને ઈરાની સૈન્યની હાજરી બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે, વૈકલ્પિક રસ્તાની શોધ કરાઈ રહી છે

- હોર્મુઝની ખાડીથી દુનિયાભરનું 20 ટકા ક્રૂડ સપ્લાય થાય છે. બીજી તરફ કતાર દુનિયાભરમાં જે એલએનજી સપ્લાય કરે છે તેમાંથી 93 ટકા સપ્લાય આ રસ્તે થાય છે. યુએઈનો 96 ટકા ક્ડ અને ગેસ સપ્લાય આ રસ્તે જ થાય છે. આ સિવાય ખાડી દેશો પાસે પોતાના ક્રૂડ અને ગેસ એશિયા તથા અન્ય પશ્ચિમી દેશોમાં મોકલવાનો કોઈ રસ્તો નથી : કતારના ગેસ પ્લાન્ટને જે નુકસાન થયું છે તેને સામાન્ય થતાં ઓછામાં ઓછા પાંચ વર્ષ લાગશે. 18 માર્ચે ઈરાને આક્રમક રીતે કતારના રાસ લાફન ગેસ કોમ્પ્લેક્સ ઉપર હુમલા કર્યા હતા. તેના કારણે આ પ્લાન્ટને મોટું નુકસાન થયું હતું. અહેવાલો પ્રમાણે આ પ્લાન્ટના કુલ ઉત્પાદનમાંથી 17 ટકા ઉત્પાદન ઘટી ગયું છે : આઈઈએના અહેવાલો જણાવે છે કે, વર્ષ 2026માં જે સ્થિતિ સર્જાઈ છે અને ગેસ તથા ક્રૂડનો સપ્લાય ઘટયો છે તેની અસર 2030 સુધી જોવા મળશે. આ ચાર વર્ષમાં દુનિયાને અંદાજે 120 અબજ ઘન મીટર ગેસ ઓછો મળશે. 2026ના બીજા ક્વાર્ટરમાં જે ગેસનો સપ્લાય વધવાની આશા હતી તેના ઉપર યુદ્ધને પગેલ પાણી ફરી વળ્યું છે તેથી હવે આ સપ્લાય વધવાની આશા પણ 2028 સુધી લંબાઈ ગઈ છે 

અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધનો અંત આવે તેવું હાલમાં તો દેખાઈ રહ્યું નથી. બંને વચ્ચે શાંતિ મંત્રણા પણ થવાની શક્યતાઓ હાલમાં તો પડી ભાંગી છે પણ આગળ ચર્ચા થશે કે નહીં અને તેનું પરિણામ શું આવશે તે કોઈને ખબર નથી. 

બીજી તરફ હવે હોર્મુઝની ખાડી યુદ્ધ મેદાન બની ગઈ છે. છેલ્લાં બે મહિનાથી બંધ રહેલી હોર્મુઝની ખાડીમાં હવે ઈરાની સૈન્ય અને અમેરિકી યુદ્ધ જહાજો સજ્જ થઈ ગયા છે. બંને દ્વારા ક્રૂડના જહાજો જપ્ત કરવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં ફરી દુનિયાભરમાં ક્ડ અને ગેસનો સપ્લાય વિખરાવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આઈઈએના અહેવાલ પ્રમાણે હવે યુદ્ધ અટકે અને કદાચ શાંતિ મંત્રણાનો ઉકેલ આવે તેમ છતાં દુનિયાભરમાં ક્રૂડ અને ગેસનો સપ્લાય સામાન્ય થતાં બેથી ત્રણ વર્ષનો સમય લાગશે.

હોર્મુઝની વાત કરવામાં આવે તો એક સાંકડો સમુદ્રમાર્ગ છે જ્યાંથી દુનિયાભરનું ૨૦ ટકા ક્રૂડ સપ્લાય થાય છે. 

બીજી તરફ કતાર દુનિયાભરમાં જે એલએનજી સપ્લાય કરે છે તેમાંથી ૯૩ ટકા સપ્લાય આ રસ્તે થાય છે. યુએઈનો ૯૬ ટકા ક્રૂડ અને ગેસ સપ્લાય આ રસ્તે જ થાય છે. આ સિવાય ખાડી દેશો પાસે પોતાના ક્રૂડ અને ગેસ એશિયા તથા અન્ય પશ્ચિમી દેશોમાં મોકલવાનો કોઈ રસ્તો નથી. સાઉદી અને યુએઈ પાસે પાઈપલાઈન છે પણ તે પૂરતી નથી. તેના દ્વારા ક્રૂડ સપ્લાય કરી શકાય પણ ગેસ માટે તો જહાજો ઉપર જ આધાર રાખવો પડે. હવે આ રસ્તો બંધ થતા જ દુનિયાભરના સપ્લાયમાં ૨૦ ટકાનો ઘટાડો થઈ ગયો છે. 

દર અઠવાડિયે ૨૦૦ કરોડ ઘન મીટર ગેસ સપ્લાય અટકી ગયો છે. સાદી ભાષામાં કહીએ તો આધુનિક ઈતિહાસની સૌથી મોટી ક્રૂડ અને ગેસની સમસ્યા ઊભી થઈ છે. 

ઉલ્લેખનીય છે કે, માત્ર આ રસ્તો ખુલી જવાથી સમસ્યાનો ઉકેલ આવે તેમ નથી. કતારના ગેસ પ્લાન્ટને જે નુકસાન થયું છે તેને સામાન્ય થતાં ઓછામાં ઓછા પાંચ વર્ષ લાગશે. ૧૮ માર્ચે ઈરાને આક્રમક રીતે કતારના રાસ લાફન ગેસ કોમ્પ્લેક્સ ઉપર હુમલા કર્યા હતા. તેના કારણે આ પ્લાન્ટને મોટું નુકસાન થયું હતું. અહેવાલો પ્રમાણે આ પ્લાન્ટના કુલ ઉત્પાદનમાંથી ૧૭ ટકા ઉત્પાદન ઘટી ગયું છે. કતારને જ પોતાનો ગેસ સપ્લાય પૂર્વવત કરવામાં ઘણો સમય લાગે તેમ છે. 

આ સિવાય એક અહેવાલ એવો પણ છે કે, કતારે જણાવ્યું છે કે, જ્યાં સુધી તેના જહાજો ઓપરેટ કરવા માટે સુરક્ષાની ખાતરી નહીં મળે ત્યાં સુધી તે ગેસનું ઉત્પાદન જ નહીં કરે. 

ધારો કે હોર્મુઝની ખાડી ખુલી જશે તો પણ તાત્કાલિક ક્રૂડ અને ગેસનો સપ્લાય બજારમાં આવી જશે અને અછત ઓછી થઈ જશે તેમ માનવું નહીં. 

આ વિસ્તારમાં બીજી મોટી સમસયા વીમા કંપનીઓની છે. તેઓ હાલમાં જહાજો મોકલવા કે બોલાવવા ઉપર વીમો આપવા માટે તૈયાર જ નથી. જ્યાં સુધી જહાજ માલિકો અને વીમા કંપનીઓને સુરક્ષાની ખાતરી નથી મળતી ત્યાં સુધી તેઓ આ રસ્તે જવાનું જોખમ લેવા માગતા નથી. યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં જવા કે આવવા માટે વીમાની રકમમાં અધધ વધારો કરી દેવાયો છે જે હાલમાં પોસાય તેમ જ નથી. તમામ વીમા કંપનીઓએ જણાવી દીધું છે કે જ્યાં સુધી આ રસ્તે બિઝનેસ ઓપરેટ કરવા માટે શાંતિ ન સ્થપાય, સુરક્ષાની સરકારી ગેરન્ટી ન મળે અને સુરક્ષિત રસ્તાની ખરાઈ ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ કામગીરી કરવામાં આવશે નહીં.

આઈઈએના અહેવાલો જણાવે છે કે, વર્ષ ૨૦૨૬માં જે સ્થિતિ સર્જાઈ છે અને ગેસ તથા ક્રૂડનો સપ્લાય ઘટયો છે તેની અસર ૨૦૩૦ સુધી જોવા મળશે. આ ચાર વર્ષમાં દુનિયાને અંદાજે ૧૨૦ અબજ ઘન મીટર ગેસ ઓછો મળશે. 

જાણકારોના મતે ભારત દ્વારા એક વર્ષમાં જેટલો ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે તેનાથી અનેકગણો આ ગેસનો જથ્થો છે. ગેસનો સપ્લાય ઘટવાના બે મોટા કારણ છે. એક તેનો સપ્લાય અટકેલો છે અને બીજું નવા ગેસ બનાવવા માટે ઘણી કંપનીઓ તૈયાર નથી અને ઘણાને નુકસાન થયેલું છે. તેના કારણે આ કામગીરીમાં પણ ઓછામાં ઓછા બે વર્ષ લાગે તેમ છે. ૨૦૨૬ના બીજા ક્વાર્ટરમાં જે ગેસનો સપ્લાય વધવાની આશા હતી તેના ઉપર યુદ્ધને પગલે પાણી ફરી વળ્યું છે તેથી હવે આ સપ્લાય વધવાની આશા પણ ૨૦૨૮ સુધી લંબાઈ ગઈ છે.

આ સ્થિતિની અસર જોઈએ તો ભારત પોતાના ગેસ સપ્લાયનો ૬૦ ટકા ગેસ ખાડી દેશોમાંથી મંગાવે છે અને તે હોર્મુઝના રસ્તે જ આવે છે. 

માર્ચમાં જ ગેસની સ્થિતિ તંગ થઈ ગઈ હતી અને અછત સર્જાવા લાગી હતી. સરકારે બીજી તરફ ડીઝલ અને જેટ ફ્યૂઅલની નિકાસ ઉપર ભારે ટેક્સ લાગુ કરી દીધા જેથી દેશમાં સપ્લાય યથાવત રહે. બીજી તરફ રશિયાનો ગેસ બંધ થવાના કારણે યુરોપના દેશો પણ ખાડી દેશો ઉપર આધારિત થઈ ગયા હતા. 

કતારમાં ગેસ પુરવઠો અટક્યો તેની સાથે જ યુરોપમાં ગેસની ભયાનક તંગી સર્જાઈ અને સ્થિતિ ખરાબ થઈ ગઈ. જાપાન, સાઉથ કોરિયા, ચીન અને ભારત જેવા દેશો ક્રૂડ અને ગેસ સપ્લાય માટે સૌથી વધારે હોર્મુઝ ઉપર જ આધારિત હોય છે. તેના કારણે આ દેશોને વધારે સહન કરવાનું આવ્યું છે. 

જાણકારોના મતે હવે રાહ જોયા સિવાય કે પછી વૈકલ્પિક ઊર્જા તરફ જવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. 

હોર્મુઝનો રસ્તો હાલ ખુલે એમ લાગતું નથી. જો તે રસ્તો ખુલશે તો પણ સ્થિતિ સામાન્ય થવામાં સમય લાગશે. યુદ્ધ વિરામ લંબાશે કે યુદ્ધ અટકશે તો પણ જે નવેસરથી નિર્માણ કરવાનું છે અને તુટેલું રિપેર કરીને ફરી શરૂ કરવાનું છે તે રાતોરાત થવાનું જ નથી.

ક્રૂડ-ગેસના સપ્લાય માટે વૈકલ્પિક રસ્તાનો વિચાર કરવામાં આવી રહ્યો છે 

ઉલ્લેખનીય છે કે, હોર્મુઝની ખાડીમાંથી તો હાલમાં જહાજો જઈ શકે તેમ નથી. આ સિવાય અન્ય કોઈ રસ્તે ક્રૂડ અને ગેસનો સપ્લાય પહોંચાડી શકાય તેના વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે. તેમાં સૌથી પહેલાં સાઉદી અરબની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈનનો વિચાર કરવામાં આવી રહ્યો છે. સાઉદીની ૧૨૦૦ કિ.મી. લાંબી આ પાઈપલાઈન ખાડીથી રાતા સમુદ્ર સુધી દરરોજ ૭૦ લાખ બેરલ જેટલું ક્રૂડ પહોંચાડે છે. તેમ છતાં આ પાઈપલાઈનમાંથી માત્ર ૪૫ લાખ બેરલ જેટલું જ ક્રૂડ કાઢી શકાય છે. જો કે આ ક્રૂડ લઈ જનારા જહાજોને બાબ અલ મંદેબના રસ્તે જવાનું આવે છે. અહીંયા હુથી વિદ્રોહીઓના હુમલાનું જોખમ રહેલું છે. આ સિવાય હબશાન-ફુજૈરા પાઈપલાઈનનો પણ વિકલ્પ છે. ૩૫૦ કિ.મી લાંબી આ પાઈપલાઈન થકી અબુ ધાબીના ક્રૂડને ઓમાનની ખાડી સુધી પહોંચાડે છે. ૨૦૧૨માં શરૂ કરાયેલી આ પાઈપલાઈનની ક્ષમતા રોજના ૧૫ થી ૧૮ લાખ બેરલની છે. યુદ્ધ દરમિયાન ઈરાને આ લાઈન ઉપર હુમલો કર્યો હતો અને તેને નુકસાન થયું હતું. તેથી હાલમાં આ વિક્લપ ખાસ અસરકારક લાગતો નથી. આ સિવાય કિરકુકથી શરૂ થઈને પાઈપલાઈન કુર્દિસ્તાન સુધી પહોંચીને ત્યાંથી તુર્કીના ભુમધ્ય સાગરના સેહાન બંદર સુધી જાય છે. ગત વર્ષે બગદાદ અને કુર્દિસ્તાનની સ્થાનિક સરકાર વચ્ચે થયેલી સમજુતી બાદ આ લાઈન ફરી ખોલવામાં આવી હતી. અહીંયાથી દરરોજ ૧.૭ લાખ બેરલ ક્રૂડ સપ્લાય થાય છે અને તેને ૨.૫ લાખ બેરલ સુધી પહોંચાડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સિવાય તહેરાનની લાઈફલાઈન ગણાતી ગોરેહ-જાસ્ક પાઈપલાઈન પણ ઓમાનની ખાડી સુધી જાય છે. તેની ક્ષમતા રોજના ૧૦ લાખ બેરલની છે. જોકે અહેવાલો એવા છે કે, જાસ્ક પોર્ટ હજી સંપૂર્ણ રીતે તૈયાર થયું નથી અને તેના કારણે કામગીરીમાં મુશ્કેલી પડી શકે તેમ છે.

ઈરાક-ઓમાન પાઈપલાઈનના વિકલ્પ અંગે પણ વિચારણા 

આ સ્થિતિનો ઉકેલ લાવવા માટે પાઈપલાઈન અને સડક માર્ગના વિવિધ વિકલ્પો વિચારાઈ રહ્યા છે. તેમાંય ઈરાક અને ઓમાન પાઈપલાઈન રૂટ અંગે વિચારણા ચાલી રહી છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં બસરાથી ઓમાનની ખાડી ઉપર આવેલા દુક્કમ બંદર સુધી એક પાઈપલાઈનનું નિર્માણ કરવાની વિચારણા હતી. આ પ્રોજેક્ટ હજી વિચારણા હેઠળ જ છે. તે સિવાય ઈરાક અને જોડર્ન વચ્ચે એક પાઈપલાઈન વિકસાવવાની વાત હતી. ૧૦ લાખ બેરલની ક્ષમતા ધરાવતી આ લાઈન બસરાથી ક્રૂડને જોર્ડનના રાતા સમુદ્રમાં આવેલા અકાબા બંદર સુધી લઈ જાય. તેના દ્વારા હોર્મુઝને બાયપાસ કરી શકાય તેમ છે. મહત્ત્વની વાત એ છે કે, ૧૯૮૦માં રજૂ થયેલા આ વિચારને ૨૦૨૨માં માત્ર સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી પણ હજી સુધી તેના ઉપર કામ શરૂ થયું નથી. આ સિવાય ઓમાન સાગર નહેર બનાવવાની પણ વાત છે. જે સુએઝ અને પનામા નહેર જેવી જ નહેર હશે અને હોર્મુઝને બાયપાસ કરીને આગળ વધશે. આ રસ્તો પણ હજી વૈચારિક સ્તરે જ સર્જાયો છે. તેના ઉપર કામ થવામાં ઘણો સમય લાગે તેમ છે. પર્વતો કાપીને આ રસ્તો બનાવવો મોટો પડકાર છે અને તેમાં કરોડો ડોલરનો ખર્ચ આવે તેમ છે.