Get The App

મધ્ય એશિયાને દબાવવા અમેરિકાને બગરામ એરબેઝ પાછું જોઈએ છે

Updated: Sep 25th, 2025

GS TEAM

Google News
Google News
મધ્ય એશિયાને દબાવવા અમેરિકાને બગરામ એરબેઝ પાછું જોઈએ છે 1 - image


- આ એક એરબેઝ દ્વારા અમેરિકા ફરીથી ઈરાન, ચીન અને ભારત જેવા દેશોને ટાર્ગેટ કરીને દબાણમાં લાવવા માગી રહ્યું છે 

- અમેરિકાના સંરક્ષણ સચિવ લોઈડ ઓસ્ટિને 2021માં જણાવ્યું હતું કે, બગરામ એરબેઝ ઉપર જ 5,000 અમેરિકી સૈનિકો તહેનાત હતા. અમેરિકાના ફાઈટર જેટ્સ, વિમાનો, ડ્રોન, સર્વેલન્સ એરિયલ વ્હીકલ અને બીજું ઘણું ત્યાં સજ્જ રહેતું હતું : 2021માં રઝળતા મુકી દીધેલા બગરામ મુદ્દે અમેરિકી પ્રમુખે આ મુદ્દે એકાદ-બે વખત તાલિબાનો સાથે ચર્ચા કરી પણ તેમણે અફઘાનિસ્તાનનું આ એરપોર્ટ આપવાની ધરાર ના પાડી દીધી છે. અમેરિકા અને ટ્રમ્પે હવે તાલિબાનોને ધમકી આપવાની શરૂઆત કરી છે : અમેરિકા પાસે મધ્ય એશિયા અને દક્ષિણ એશિયામાં સામરિક દ્રષ્ટીએ જોઈએ તો કોઈ મહત્ત્વનું એરપોર્ટ કે એરબેઝ નથી. તેના કારણે જ તેણે પાકિસ્તાનને પોતાનું પાલતુ બનાવવાનો અને અફઘાનિસ્તાનને દબડાવીને એરબેઝ પાછું લઈ લેવાનો ખેલ શરૂ કરી દીધો છે. હવે તે કોઈપણ ભોગે પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાનમાં પોતાનું એરબેઝ બનાવવા માગે છે 

અફઘાનિસ્તાનમાં બે દાયકા સુધી તાલિબાનીઓ સામે જંગ છેડયા બાદ કોરોનાકાળમાં એકાએક નાસી ગયેલા અમેરિકાને ફરી અફઘાનિસ્તાન યાદ આવ્યું છે. અમેરિકા હવે અફઘાનિસ્તાનનું બગરામ એરપોર્ટ બેઝ પાછું મેળવવા માટે વલખાં મારી રહ્યું છે. અનેક પ્લેન, હેલિકોપ્ટર અને હથિયારો ત્યાં જ મુકીને જતા રહેલા અમેરિકાને હવે આ એરપોર્ટ પાછું જોઈએ છે. અમેરિકી પ્રમુખે આ મુદ્દે એકાદ-બે વખત તાલિબાનો સાથે ચર્ચા કરી પણ તેમણે અફઘાનિસ્તાનનું આ એરપોર્ટ આપવાની ધરાર ના પાડી દીધી છે. અમેરિકા અને ટ્રમ્પે હવે તાલિબાનોને ધમકી આપવાની શરૂઆત કરી છે. તે હવે ડરાવીને પણ આ એરપોર્ટ અમેરિકાના હસ્તક પાછું લેવા માગે છે. એકાએક અફઘાનિસ્તાનનું આ એરપોર્ટ પાછું લેવા માટે અમેરિકા જે રીતે ઉતાવળું અને વ્યાકુળ બન્યું છે તેણે સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે. 

ઉલ્લેખનીય છે કે, બાઈડેન અમેરિકન પ્રમુખ બન્યા ત્યારબાદ તેના વલણમાં ફેરફાર આવ્યો હતો. બાઈડેને અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાને પાછી બોલાવી લીધી હતી. આ દરમિયાન કાબુલ પાસે આવેલા અને વિશેષ રીતે બનાવાયેલા બગરામ એરબેઝને પણ ખાલી કરીને અમેરિકન સૈનિકો પરત જતા રહ્યા હતા. અમેરિકાએ ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાંથી પોતાના તંબુ આટોપી લીધા હતા. તેના ચાર વર્ષ બાદ હવે ડોનાલ્ડ ટ્રમ્પને બગરામ એરબેઝ જોઈએ છે. તેમનું કહેવું છે કે, અમેરિકાએ આ એરબેઝ ખાલી કરવા જેવું જ નહોતું. ટ્રમ્પના મતે રણનીતિક દ્રષ્ટીએ આ એરપોર્ટ અને એરબેઝ અમેરિકા માટે ખૂબ જ મહત્ત્વનું છે. સાઉથ એશિયામાં અમેરિકાના પગપેસારા અને દબાણ માટે આ એરબેઝ તેની પાસે હોવું જરૂરી છે. ટ્રમ્પ અત્યારે તો આ એરબેઝ લેવા માટે ધમપછાડા કરી રહ્યા છે પણ તાલિબાનો અને અફઘાનિસ્તાન તેમને દાદ આપી રહ્યા નથી. તે કોઈપણ ભોગે બગરામ એરબેઝ પાછું લેવા માગે છે પણ હાલમાં તો તે શક્ય બને તેમ લાગતું નથી. તેનું એક કારણ એવું પણ છે કે, થોડા સમય પહેલાં તાલિબાનોએ અમેરિકાની મદદ માગી હતી. તે ઉપરાંત તેઓ ઈચ્છતા હતા કે, અમેરિકા હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનોના શાસનને માન્યતા આપી દે. અમેરિકાએ ત્યારે તાલિબાનોની આ ડિમાન્ડ ફગાવી દીધી હતી. તેના કારણે તાલિબાનો પણ ગિન્નાયા છે. તેઓ ટ્રમ્પની વાત માનવા તૈયાર નથી.અમેરિકા પાસે મધ્ય એશિયા અને દક્ષિણ એશિયામાં સામરિક દ્રષ્ટીએ જોઈએ તો કોઈ મહત્ત્વનું એરપોર્ટ કે એરબેઝ નથી. તેના કારણે જ તેણે પાકિસ્તાનને પોતાનું પાલતુ બનાવવાનો અને અફઘાનિસ્તાનને દબાવી કે દબડાવીને બગરામ એરબેઝ પાછું લઈ લેવાનો ખેલ શરૂ કરી દીધો છે. હવે તે કોઈપણ ભોગે પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાનમાં પોતાનું એરબેઝ બનાવવા માગે છે. વર્તમાન સ્થિતિ જોતાં તે ચીનની સાથે સાથે હવે ભારતને પણ ડરાવવા માગતું હોય તેમ લાગે છે. હાલમાં તો અફઘાનિસ્તાને બગરામ આપવાની ચોખ્ખી ના પાડી દીધી છે. બીજી તરફ પાકિસ્તાને પણ પોતાના પત્તા ખોલ્યા નથી કે ખરેખર તે શું કરવા માગે છે. 

પાકિસ્તાનની વાત કરીએ તો ૨૦૦૧થી ૨૦૧૧ સુધી તેણે પાકિસ્તાનના શમ્સી એરબેઝ અને શાહબાઝ એરબેઝ સહિત કેટલાક એરબેઝનો ઉપયોગ કર્યો હતો. તેણે ત્યાંથી વિવિધ સ્થળોએ હવાઈ હુમલા અને ડ્રોન હુમલા તથા લોજિસ્ટિક સપ્લાય અને સપોર્ટ ઓપરેશન માટે કામગીરી કરી હતી. ૨૦૧૧માં ઓસામા બિન લાદેનની હત્યા બાદ પાકિસ્તાને શમ્સી એરબેઝને ખાલી કરવાનો અમેરિકાને આધેશ આપી દીધો હતો અને અમેરિકી સૈનિકોએ ત્યાંથી નિકળવું પડયું હતું. ત્યારબાદ પાકિસ્તાને પોતાના સાર્વભૌમત્વની વાત કરીને અમેરિકાના સૈન્યને પણ વિદાય આપી દીધી હતી અને ફરીથી કોઈપણ ઓપરેશન માટે સાથ આપ્યો નહોતો. અમેરિકા ફરી મધ્ય એશિયા અને દક્ષિણ એશિયામાં મજબૂત એરબેઝ બનાવવા તત્પર થયું છે. ખાસ કરીને ટેરિફવોર જે રીતે વકર્યું છે અને રશિયા, ચીન તથા ભારત સાથે હોવાની છાપ ઊભી થયા બાદ તેની વ્યાકુળતા વધી ગઈ છે. તેના કારણે જ તે પાકિસ્તાની સૈન્ય વડા મુનીરને લલચાવીને પાકિસ્તાનમાં એક એરબેઝ લેવામાં અને તાલિબાનીઓને ડારવીને બગરામ એરબેઝ પડાવી લેવાની ફિરાકમાં છે.

જાણકારોના મતે ટ્રમ્પ અને તેમનું તંત્ર બગરામ એરબેઝ પાછું લેવા માગે છે કારણ કે તે ત્યાં સૈન્ય છાવણી ઊભી કરવાની ફિરાકમાં છે. ચીનની વધારે નજીક રહેવાની રણનીતિના ભાગરૂપે આ એરબેઝ સૌથી વધારે ફાયદાકારક છે. ખાસ કરીને ચીનના પરમાણુ હથિયાર સ્થળો ઘણા નજીક થઈ જાય છે. ચીન જે જગ્યાએ પોતાની પરમાણુ મિસાઈલ્સ બનાવે છે તે સ્થળ બગરામ એરબેઝથી માત્ર ૧ કલાકના અંતરે થઈ જાય છે. બીજી વાત એવી છે કે, બગરામમાં રહીને માત્ર ચીન નહીં પણ સાથે સાથે ભારત અને ઈરાન ઉપર પણ નજર રાખી શકાય છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ જ્યારે ૨૦ વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં એરબેઝનો ઉપયોગ કર્યો હતો ત્યારે સમગ્ર એશિયામાં દબાણ બનાવીને રાખ્યું હતું. બગરામમાં અમેરિકાએ એરબેઝ બનાવવા ઉપરાંત એક જેલ બનાવી હતી જેમાં તેણે ઘણા આતંકીઓ અને તેમની સાથે સંકળાયેલાઓએ પૂરી રાખ્યા હતા. અમેરિકા ફરીથી આ બધું ત્યાં તૈયાર કરવા માગે છે. કેટલાક જાણકારો માને છે કે, અમેરિકાને એરબેઝની સાથે સાથે અફઘાનિસ્તાનના બહુમુલ્ય ખનિજ સંસાધનો ઉપર પણ કબજો જોઈએ છે અને તેના માટે પણ આ જગ્યા શ્રેષ્ઠ છે.

અમેરિકાએ ૨૦ વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધ કર્યું અને તેટલો જ સમય સુધી બગરામ એરબેઝ ઉપર કબજો કરીને રાખ્યો હતો. ૨૦૨૧માં તાલિબાનો સત્તામાં પરત આવ્યા અને અમેરિકાએ અફઘાનિસ્તાન છોડયું ત્યાં સુધી બગરામ એરબેઝ અમેરિકાનો મુખ્ય મિલિટરી બેઝકેમ્પ હતું. અફઘાનિસ્તાન યુદ્ધ દરમિયાન બગરામ એરબેઝ તેનું મુખ્ય કમાન્ડ સેન્ટર હતું. ત્યાં હજારોની સંખ્યામાં અમેરિકી સૈનિકો તહેનાત હતા. અમેરિકાના સંરક્ષણ સચિવ લોઈડ ઓસ્ટિને ૨૦૨૧માં જણાવ્યું હતું કે, બગરામ એરબેઝ ઉપર જ ૫,૦૦૦ અમેરિકી સૈનિકો તહેનાત હતા. અમેરિકાના ફાઈટર જેટ્સ, વિમાનો, ડ્રોન, સર્વેલન્સ એરિયલ વ્હીકલ અને બીજું ઘણું ત્યાં સજ્જ રહેતું હતું. બગરામ એરબેઝને અમેરિકાએ ૭૭ વર્ગ કિ.મી.માં ફેલાવી દીધું હતું. તેના ઉપર નવા રનવે બનાવ્યા હતા. ત્યાં એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવર હતો, નવા સંસાધનો હતા, મેડિકલ ફેસિલિટી અને હોસ્પિટલ હતા તથા હથિયારોનો મોટો જથ્થો ત્યાં રહેતો હતો. એકંદરે જેવા જઈએ તો તે સમયે બગરામ અમેરિકા માટે ખૂબ જ મહત્ત્વનું સ્થળ હતું અને હવે ફરી એક વખત અમેરિકા તેને પોતાનું એશિયાનું કેન્દ્ર બનાવવા માગે છે.

ચાબહાર ઉપર પણ પ્રતિબંધો મુકીને ભારતનો નાક દબાવવાનો પ્રયાસ

અમેરિકાએ ઈરાનના ચાબહાર બંદર સાથે જોડાયેલી કામગીરીઓ ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. અમેરિકા જ્યારે આ પગલું ભરશે તેની સૌથી મોટી આર્થિક અસર ભારત ઉપર પડશે. ગત વર્ષે જ ભારતની કંપની ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડને આ બંદરના સંચાલનની કામગીરી સોંપવામાં આવી હતી. અત્યાર સુધી અમેરિકાએ ચાબહારને વિશેષ છૂટ આપી હતી પણ ૨૯થી તે તમામ છૂટછાટ પાછી ખેંચી લેવાનું છે. આ બંદર ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં આવેલું છે. તે પાકિસ્તાનના ગ્વાદર બંદરથી માત્ર ૧૦૦ માઈલ જ દૂર છે. ગ્વાદરને ચીન વિકસિત કરી રહ્યું છે. બીજી તરફ ઈરાનનું આ ચાબહાર બંદર એકમાત્ર બંદર છે જે સમુદ્ર સાથે જોડાયેલું છે. અહીંયા આવવા માટે હોમુર્ઝ જલડમરુમાંથી પસાર થવું પડતું નથી અને તેથી મોટા જહાજો પણ સરળતાથી આવી શકે છે. ભારત માટે આ સૌથી નજીકનું વેપારી ઠેકાણું છે. તે ઉપરાંત તે ભારત માટે રણનીતિકની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વનું છે. ચાબહાર બંદર આમ તો મુંબઈથી ૧૪૦૦ કિ.મી. અને ગુજરાતના કંડલાથી ૧૦૦૦ કિ.મી. જ દૂર છે. ભારત માટે તો તેના પોતાના દરિયા કિનારાના અંતર જેટલા જ અંતરે નવું આંતરરાષ્ટ્રિય બંદર આવેલું છે. ચાબહારથી અફઘાનિસ્તાન માત્ર ૬૦૦ કિ.મી. દૂર છે. ભારતે ત્યાં રોડ-રસ્તા અને હાઈવે પણ બનાવ્યા છે. તેના દ્વારા માલની સરળતાથી હેરફેર કરી શકાય છે. આ જ રસ્તા ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્ટાન અને કઝાખસ્તાનને જોડે છે. આ દેશો પાસે કોઈ મોટા રોડ કે રસ્તા નથી અને પોર્ટ નથી કે તેઓ માલસામાન બીજે પહોંચાડે. તેથી ચાબહારના હાઈવે થકી જ આ દેશો પણ કપાસ, ક્રૂડ અને ગેસ જેવા સપ્લાય કરી શકે છે. અમેરિકા હવે આડોડાઈ કરીને ઈરાન, ભારત, અફઘાનિસ્તાનને દબાવવા માગે છે. તે ભારત થકી અફઘાનિસ્તાનમાં જતા ઘઉં, દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓના સપ્લાયને ખોરવવા માગે છે.

 ભારતને નબળું પાડશે તો ચીન અને રશિયાનો પ્રભાવ વધશે તેનાથી પણ ભારતને નુકસાન થશે. આ કારણેસર જ અમેરિકાએ તેના ઉપર પ્રતિબંધ મુકીને ભારતનું નાક દબાવવાની પોતાની મેલી મુરાદને અમલમાં મુકી દીધી છે.

અમેરિકા હકિકતે ચીન અને ભારત ઉપર ભીંસ વધારવા માગે છે 

મધ્ય એશિયામાં અમેરિકાની સૈન્ય છાવણી કે એરબેઝ નથી તેથી તેના માટે આ એરબેઝ મહત્ત્વનું છે

અહીંયા એરબેઝ વિકસાવીને એશિયામાં જિયોપોલિટિક્સ મુદ્દે અમેરિકાને બે દેશ દ્વારા પડકાર અપાઈ રહ્યો છે

મધ્ય એશિયામાં આવેલો ચીન પહેલેથી જ મહાસત્તા છે અને અમેરિકાને હંફાવી રહ્યો છે. તેને કાબુ કરવા માટે કવાયદ હાથ ધરાઈ છે.

ઓપરેશન સિંદૂર હાથ ધરીને ભારતે પોતાની ક્ષમતા અને મનસા જણાવી દીધી છે કે તે કોઈપણ દબાણ સહન નહીં કરે. તેણે અમેરિકાને તાબે થવાની ના પાડી દીધી તેના કારણે પણ અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે.

ચીન બાદ ભારત પણ શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે ત્યાં તે બંનેને રશિયાનો સાથ મળી રહ્યો છે જે અમેરિકાનું ટેન્શન વધારવા માટે પૂરતો છે. આ સ્થિતિમાં અમેરિકાને કોઈપણ ભોગે મધ્ય એશિયામાં મજબૂત સૈન્ય છાવણી જોઈએ છે.

અમેરિકા એશિયામાં પોતાના હિતોને જાળવી રાખવા તથા ભારત અને ચીનને ડરાવીને દબાણ યથાવત રાખવા માટે પ્રયાસરત છે.

Tags :