- સિંધ પ્રાન્તના 4.50 કરોડ મુસ્લિમોને ભારતનું નાગરિકત્વ આપશો !
- સિંધ પ્રાન્તની કુલ વસતી અંદાજે પાંચ કરોડ કરતા વધારે છે. તેમાંથી 49 લાખ વસતી એટલે કે 8.8 ટકા વસતી જ સનાતનીઓની છે: ભારત કોઈપણ રીતે સિંધ પ્રાન્ત કબજે કરીને તેને ભારતમાં જોડી દેશે તો પછી ખરેખર શું સ્થિતિ થશે. હિન્દુત્વના નામે 50 લાખ હિન્દુઓને ભારત સાથે જોડવામાં બાકીના 5 કરોડ પાકિસ્તાની મુસ્લિમો ભારતમાં આવશે તેમનો સમાવેશ કેવી રીતે કરવામાં આવશે તેની કોઈ વાત કરતું નથી : હિંદુત્વના નામે ખરેખર પાકિસ્તાનના વિસ્તારો કે પીઓકેને ભારતમાં જોડવાની વાત હોય તો તે દેશને લાભ નહીં પણ ભયાનક નુકસાન કરાવનારી સાબિત થશે
દેશના કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તાજેતરમાં સિંધ પ્રદેશ વિશે જે વાત કરી તેના પગલે આંતરરાષ્ટ્રીય રાજકારણ ગરમાયું છે. રાજનાથસિંહે કહ્યું હતું કે, કોને ખબર કે કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય. સિંધ એક એવો પ્રદેશ છે જે ઈતિહાસ, સંસ્કૃતિ અને લાગણીઓ મુદ્દે ભારત સાથે વધારે જોડાયેલો છે. આ માત્ર રાજકીય મુદ્દો કે બાબત નથી પણ સિંધુ સંસ્કૃતિને ભારત સાથે હજારો વર્ષ જૂનો સંબંધ છે. તેમાં વસતા હિંદુઓને ભારત સાથે જોડવાની જે આ આડકતરી વાત કરવામાં આવી તે દેખીતી રીતે પાયાવિહોણી અને લોકોને ગેરમાર્ગે દોરનારી છે.
રાજનાથસિંહને ખબર નથી કે સિંધની કુલ વસ્તી અંદાજે પાંચ કરોડની છે. તેમાં હિન્દુઓની વસ્તી માત્ર ૫૦ લાખ છે અને બાકીના સાડા ચાર કરોડ મુસ્લિમો છે. શું આ મુસ્લિમોને ભારતમાં નાગરિકત્વ આપવાનો સરકારનો ઈરાદો છે. રાજનાથસિંહ જેવા નેતાઓ આવી બેબુનિયાદી વાતો કરી લોકમાનસને હિન્દુત્વનો દારૂ પાઈ હિન્દુ પ્રજાનું અહિત કરી રહ્યાં છે.
નવાઈની વાત એ છે કે, રાજનાથ પાકિસ્તાનના જે સિંધ પ્રાન્તની વાતો કરે છે તેમાં જ સૌથી વધારે વસતી હિંદુઓની છે. પાકિસ્તાનમાં રહેલા ૫૨ લાખ હિન્દુઓમાંથી ૪૯ લાખ હિન્દુઓ એટલે કે ૯૫ ટકા વસતી સિંધ પ્રાન્તમાં રહે છે. વિચાર કરવા જેવી વાત એ છે કે, સિંધ પ્રાન્તની કુલ વસતી ૫.૫૭ કરો છે. તેમાંથી ૪૯ લાખ વસતી એટલે કે ૮.૮ ટકા વસતી જ સનાતનીઓની છે. સિંધ પ્રાન્તના થારપારકર અને ઉમરકોટ જિલ્લામાં હિંદુઓની વસતી સૌથી વધારે છે. એક અહેવાલ પ્રમાણે ૧૯૪૭માં વિભાજન પહેલાં પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં એવા ઘણા જિલ્લા હતા જ્યાં હિંદુઓની વસતી સરેરાશ ૯૦ ટકા હતા.
૧૯૪૧માં અવિભાજિત ભારતની વસતી ગણતરી પ્રમાણે કરાચીમાં જ સૌથી વધારે વસતી હિંદુઓની હતી. હાલમાં સિંધના ઉમરકોટ જિલ્લામાં મુસ્લિમો કરતા હિંદુઓની વસતી વધારે છે. આ જિલ્લો ભારતની સરહદથી માત્ર ૬૦ કિ.મી. દૂર આવેલો છે. આ જગ્યાનું નામ પણ અવિભાજ્ય ભારતમાં અમરકોટ હતું. એક હિંદુ રાજાના નામ ઉપરતી તેનું નામ અપાયું હતું. હાલમાં પણ સિંધની કુલ હિંદુ વસતીમાંથી ૫૫ ટકા વસતી ઉમરકોટમાં રહે છે. એક અહેવાલ પ્રમાણે ૧૧મી સદીમાં અહીંયા એક કિલ્લો બનાવાયો હતો. આ કિલ્લામાં મુગલ બાદશાહ અકબરનો જન્મ થયો હતો. એવું કહેવાય છે જે જ્યારે ભાગલા પડયા ત્યારે આ જિલ્લાની ૮૦ ટકા વસતી હિંદુઓની હતી. પાકિસ્તાનમાં વધેલા કટ્ટરવાદી વિચારો અને નેતૃત્વને પગલે અહીંયા સ્થિતિ વણસી ગઈ. ખાસ કરીને ઠાકુર સમુદાયના લોકો પરેશાન થઈને ભારત આવી ગયા. હાલમાં અહીંયા વધેલા હિંદુઓમાંથી ૯૦ ટકા લોકો અનુસુચિત જાતીના છે.
જાણકારો સ્પષ્ટ માને છે કે, વારંવાર હિંદુત્વની વાત કરીને કે પછી પીઓકે અથવા તો સિંધ પ્રાન્ત કે અન્ય કોઈ પ્રદેશ ભારતમાં જોડી દેવાની જે વાતો કરાઈ રહી છે તે જનતાને ગેરમાર્ગે દોરનારી છે. હાલમાં ધારો કે વિચારીએ કે ભારત કોઈપણ રીતે સિંધ પ્રાન્ત કબજે કરીને તેને ભારતમાં જોડી દેશે તો પછી ખરેખર શું સ્થિતિ થશે. સિંધ પ્રાન્તના ૫૦ લાખ હિન્દુઓ કે જે આઝાદી પછી પાકિસ્તાનમાં જ રહ્યા છે તેમને એકાએક ભારતમાં કેવી રીતે સેટ કરવામાં આવશે. તે ઉપરાંત ૫૦ લાખ હિન્દુઓને ભારત સાથે જોડવામાં બાકીના ૫ કરોડ પાકિસ્તાની મુસ્લિમો ભારતમાં આવશે તેમનો સમાવેશ કેવી રીતે કરવામાં આવશે.
સામાન્ય વિચાર કરીએ તો ભારતની વસતી હાલમાં જ ૧૪૩ કરોડ સુધી પહોંચી ગઈ છે. હવે જો આ રીતે પાકિસ્તાનના વિવિધ પ્રાન્ત ભારતમાં જોડવાની વાતો કરીશું તો દેશની વસતી કયા સ્તરે વધશે. આ વધતી વસતીનો સમાવેશ કેવી રીતે થશે, તેમને કેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપીશું. તેમના માટે કેવી વ્યવસ્થા કરીશું અને તેમને કેવી રીતે શિક્ષણ, સ્વાસ્થ્ય અને અન્ય સુવિધાઓ પહોંચાડીશું. એક તરફ દેશમાં ઘુસણખોરોને કાઢવાની વાતો ચાલે છે અને બીજી તરફ કેન્દ્રીય મંત્રી દ્વારા પાકિસ્તાનના પ્રાન્તને ભારતમાં જોડવાના વિચારો વહેતા કરવામાં આવે છે તે કેટલા અંશે ગ્રાહ્ય છે.
દેશમાં રાજકીય કિન્નાખોરી અને સંઘર્ષને પગલે પહેલેથી જ ઘણા રાજ્યોમાં કોમી એકતા જોખમમાં મુકાઈ છે. વારંવાર સાંપ્રદાયિક હિંસા અને રમખાણોના સમાચાર આવે છે. આ સંજોગોમાં ખરેખર પાકિસ્તાનથી લોકો અહીંયા આવશે તો સામુદાયિક રીતે કેવી સ્થિતિ ઉદભવશે તેની કોઈ વાત કરતું નથી અને લોકો તેની કલ્પના પણ કરી શકે તેમ નથી. આતંકવાદ, કટ્ટરવાદ અને અન્ય દુષણો વચ્ચે જીવતી પાકિસ્તાનની પ્રજાને ભારતમાં લાવવાનો વિચાર જ પાયાવિહોણો અને પ્રજાને ગેરમાર્ગે દોરનારો છે. માત્ર વાતો કરીને હિંદુત્વના ઝંડા લહેરાવી દેવાતા નથી. હિંદુત્વના નામે ખરેખર પાકિસ્તાનના વિસ્તારો કે પીઓકેને ભારતમાં જોડવાની વાત હોય તો તે દેશને લાભ નહીં પણ ભયાનક નુકસાન કરાવનારી સાબિત થશે.
ઈતિહાસકારોના મતે સિંધ પ્રદેશ માત્ર ભૌગોલિક પ્રદેશ જ નહીં પણ તેનાથી સવિશેષ છે. લાખો સિંધી હિન્દુઓ સાથે જોડાયેલો છે જેમની કરોડો સ્મૃતિઓ આ પ્રદેશ સાથે સંકળાયેલી છે અને આજે પણ તેમના સ્મૃતિપટલમાં જીવંત છે. આ જે પ્રજા છે જેમના મનમાં આજે પણ ૧૯૪૭ના ભાગલાની પીડા છે. ભારતમાં વસતા સિંધી સમુદાયની ભાષા, સંસ્કૃતિ અને જીવનશૈલીમાં આજે પણ તેમના વતન અને કાળચક્રની છાપ છોડવા મળે છે. આજ કારણ છે કે, સિંધનું નામ લેતાં જ ભારત અને પાકિસ્તાનમાં હલચલ થવા લાગે છે. ઉલ્લેખનીય છે કે, સિંધુ ખીણની સંસ્કૃતિ, મોહેંજોદડો, હડપ્પા અને કોટ દીજીના એવા વિભાગો અને ક્ષેત્ર છે જે લગભગ ૪૫૦૦ થી ૫૦૦૦ વર્ષ પહેલાં યોજનાપૂર્વક વિકસાવેની શહેરી સંસ્સકૃતિ ગણાય છે. ઈન્ડસ એટલે કે સિંધુ નદી કે જેની આસપાસ વિકસેલી સંસ્કૃતિના આધારે જ હિંદ, હિંદુ, હિંદુસ્તાન અને ઈન્ડિયા જેવા નામ બનાવવામાં આવ્યા હતા. ભારતની મુખ્ય ઓળખ ઉપર નજર કરીએ તો તેનું જોડાણ સીધું જ સિંધુ ખીણની સંસ્કૃતિ અને માટી સાથે થયેલું છે.
સિંધુ ખીણની સંસ્કૃતિની આ સભ્યતા અને સંસ્કારો અત્યાર સુધી સચવાયેલા છે. તેના ઉપર સમયાંતરે જે પ્રહાર થતા રહ્યા તેના કારણે આ સંસ્કૃતિને ખૂબ જ સહન કરવાનું આવ્યું છે. ખાસ કરીને બ્રિટિશ કાળમાં અને ત્યારબાદ દેશ આઝાદ થયો ત્યારે આ સંસ્કૃતિને લોહિયાળ ઉઝરડાનો સામનો કરવાનો આવ્યો હતો. બ્રિટિશકાળમાં સિંધ પ્રદેશ તત્કાલિન બોમ્બે પ્રાંતનો ભાગ ગણાતો હતો. ૧૯૪૭માં ભાગલા દરમિયાન તેને પાકિસ્તાનનો ભાગ બનાવી દેવામાં આવ્યો. હજારો વર્ષોથી વેપાર, સંસ્કૃતિ અને શાંતિનો પ્રદેશ ગણાતો સિંધ પ્રદેશ અચાનક જ બદલાવા લાગ્યો. આઝાદી સમયે જે ભાગલા થયા તેમાં અહીંયાની સ્થિતિ અને પરિસ્થિતિ બધું જ બદલાઈ ગયું. ૧૦ લાખથી વધારે સિંધી હિંદુ લોકોએ પોતાના મકાન, દુકાન, જમીન, મંદિર અને સર્વસ્વ છોડીને ભારત આવવું પડયું. ભારત આવીને તેઓ મુંબઈ, પુણે, અજમેર,ભોપાલ, દિલ્હી, અમદાવાદ જેવા શહેરોમાં વસી ગયા. સ્થિતિ એવી થઈ કે આ લોકો સિંધ તો છોડીને આવી ગયા પણ તેમની અંદર રહેલું સિંધ આજે પણ અકબંધ છે.
આ સિંધ પ્રદેશને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો તેમાં ઘણી બધી બાબતો સંકાળયેલા છે. સિંધી સંસ્કૃતિ અને લોકોનું હાલનું કેન્દ્ર પાકિસ્તાનનો સિંધ પ્રાન્ત છે. તેમાં કરાચી અને હૈદરાબાદ તેમના મુખ્ય શહેરો છે. તેઓ ઉદ્યોગોમાં પાકિસ્તાનમાં મોટું યોગદાન આપે છે. તેમની સુફી પરંપરા અને સિંધી ભાષા જ તેમની સાંસ્કૃતિક ઓળખનો મહત્ત્વનો ભાગ છે. વર્તમાન સમયમાં આ લોકો જ્યાં રહે છે ત્યાં પાણીની અછત અને રાજકીય અસંતોષ બંને સમસ્યાઓ મોટી છે. ભારત સાથે આ સમુદાયનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણ છે.
હવે જો વાત કરીએ વર્તમાન સંદર્ભની તો રાજનાથસિંહ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેમાં ઘણી બધી બાબતો જોડાયેલી છે. સિંધ પ્રાન્ત, સિંધી સંસ્કૃતિ અને સિંધુ ખીણની પ્રાચિન સંસ્કૃતિ બધું જ ભારત સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે. માત્ર રાજકીય રીતે અંગ્રેજો દ્વારા તેના ભાગલા કરવામાં આવ્યા હતા. વાસ્તવિકતા એ છે કે, આટલા વર્ષે સિંધી સમુદાય કે બાકીના હિંદુઓને ભારતમાં લાવવાની કામગીરી કદાચ કરી લેવામાં આવે તો પણ તેમની સાથે આવનારા પાકિસ્તાની મુસ્લિમ સમુદાયાના લોકોને કે અન્ય કટ્ટરવાદીઓને સમાજમાં કેવી રીતે ભેળવવા તે સવાલનો જવાબ કોઈની પાસે નથી. માત્ર ૯ ટકા વસતી માટે બાકીના ૯૧ ટકા લોકોનો ભાર ઉઠાવવાની ક્ષમતા હાલમાં ભારતમાં નથી અને ભારતીય સમાજ પણ તેના માટે તૈયાર નથી.
પાક.માં હિંદુઓને મહત્ત્વ અપાતું નથી તો ભારતમાં સિંધના કટ્ટરવાદીઓને નાગરિકત્વ આપી મુસ્લિમોને ખુશ કરશો
રાજનાથસિંહ જે ઉન્માદમાં આવીને ક્યારેક પીઓકેને તો ક્યારેક સિંધ પ્રાન્તને ભારતમાં જોડવાની વાતો કરે છે માત્ર રાજકીય ઉન્માદની ભાષા છે. હિંદુઓને ખુશ કરીને આનંદના નશામાં રાખવા આવા પાયાવિહોણા નિવેદનો કરાઈ રહ્યા છે. પાકિસ્તાનમાં હિંદુઓની સ્થિતિ અત્યંત કફોડી અને વિકટ છે. તેમને સરકારી નોકરીઓ હોય કે સરકારી લાભ કે પછી અન્ય કોઈ બાબતમાં મહત્ત્વ અપાતું નથી. રાજકારણમાં પણ તેમના માટે એન્ટ્રી નથી. તેમને અત્યંત પછાત અને નીચલા સ્તરના લોકો તરીકે રાખવામાં આવે છે. બીજી તરફ રાજકીય રોટલા શેકવા માટે રાજનાથ જેવા નેતાઓ સિંધને ભારતમાં જોડી દેવાની વાતો કરે છે. માત્ર સિંધના જ પાંચ કરોડ મુસ્લિમો ભારતમાં આવશે અને અહીંયાના નાગરિક બનશે તો શું સ્થિતિ સર્જાશે તેની કોઈ વાસ્તવિકતા તેમને ખબર નથી અને લોકોને તેનો ખ્યાલ પણ આવવા દેવા માગતા નથી. જે પાકિસ્તાનમાં હિંદુઓના ધોળા દિવસે અપહરણ થાય છે, મહિલાઓના બળાત્કાર થાય છે, તેમની હત્યા થાય છે તેવા પાકિસ્તાનના કટ્ટરવાદીઓને ભારતમાં લાવીને નાગરિક બનાવવાની વાતો થઈ રહી છે. હવે ખરેખર રાજનાથ હિંદુઓને ખુશ કરવા માગે છે કે પછી ગણતરીના હિંદુઓના નામે મુસ્લિમોને ભારતમાં લાવીને મુસ્લિમ તુષ્ટીકરણ કરવા માગે છે તે પ્રજાએ સમજવું જોઈએ. પીઓકે હોય કે સિંધ પ્રાન્ત જો તેને ભારત સાથે જોડવામાં આવશે તો તેનાથી ભારતની ભયાનક નુકસાન જ થવાનું છે અને સત્તાના મદમાં રહેતા નેતાઓ આ વાત કોઈને કરશે નહીં.


