વારંવાર માથું ઊંચકતું ગન કલ્ચર અમેરિકનોને ડરાવી રહ્યું છે


- વોલમાર્ટના સ્ટાફના ટાર્ગેટ બનાવાયો : નવેમ્બર માસમાં શૂટિંગની ત્રીજી ઘટના, રોજ ગનશૂટિંગની ઘટનાઓમાં બેથી ત્રણ લોકો ભોગ બને છે

- અમેરિકામાં કોઈ માથાફરેલ હાથમાં બંદૂક લઈને નિકળી પડે ને ફિલ્મી સ્ટાઈલમાં ધડાધડ ગોળીઓ છોડીને લાશો ઢાળી દે એવી ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. એક-બે લોકોનાં મોત થયાં હોય એવી ઘટના તો અમેરિકામાં દરરોજ બેના હિસાબે બને છે પણ જેમાં આઠ-દસ લોકોનાં મોત થયાં હોય એવી મોટી ઘટના પણ દર અઠવાડિયે નોંધાય જ છે.

અમેરિકામાં વધુ એક ફાયરિંગની ઘટના બનતાં અમેરિકનો થથરી ગયા છે. વર્જિનિયા સ્ટેટના ચેસાપીકીમાં આવેલા વોલમાર્ટ સ્ટોરમાં મંગળવારે મોડી રાતે થયેલા ગોળીબારમાં દસ લોકોના મોત થયાં હોવાના પ્રાથમિક અહેવાલ છે. પોલીસે સત્તાવાર રીતે કેટલાં મોત થયાં તેની વિગતો નહોતી આપી પણ અમેરિકાનાં ટોચનાં મીડિયા દ્વારા આ દાવો કરાયો છે. કેટલાંક મીડિયાએ એવો દાવો પણ કર્યો છે કે, મોતનો આંકડો દસથી વધારે નથી. 

ભારતીય સમય પ્રમાણે બુધવારે વહેલી સવારે પોણ નવ વાગ્યે અને અમેરિકાના સમય પ્રમાણે મોડી રાતે લગભગ સવાદસ વાગ્યે આ ગોળીબાર થયો ત્યારે વોલમાર્ટ સ્ટોરમાં મોટા ભાગના સ્ટાફના લોકો હાજર હતા તેથી મૃતકોમાં મોટા ભાગે વોલમાર્ટનો સ્ટાફ જ છે. પ્રાથમિક વિગતો પ્રમાણે  સ્ટોરના મેનેજરે જ ગન કાઢીને પોતાના સ્ટાફ પર ગોળીબાર કરીને દસેક લોકોનાં ઢીમ ઢાળી દીધાં હતાં. એ પછી તેણે પોતાના લમણામાં ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. 

પોલીસે આ વાતને સમર્થન નથી આપ્યું પણ ઘટનાને નજરે જોનારા એક સાક્ષીનો આ દાવો છે. અલબત્ત ચેસાપીકી પોલીસ ડીપાર્ટમેન્ટના પોલીસ ઓફિસર લિયો કોસિંસ્કીએ સ્વીકાર્યું છે કે, પોલીસને વોલમાર્ટની અંદર હુમલાખોરનો મૃતદેહ મળ્યો છે. આ ગોળીબારની ઘટનામાં ઘણાં લોકોનાં મોત થયાં છે અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયાં છે. ગોળીબારની ઘટના રાત્રે ૧૦.૧૨ કલાકે બની હતી ને પોલીસને ગોળીબારની માહિતી મળી કે તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 

વોલમાર્ટ સ્ટોરમાં બનેલી આ ઘટનાએ પહેલાંથી થથરેલા અમેરિકનોને વધારે ફફડાવી મૂક્યા છે કેમ કે નવેમ્બર મહિનામાં જ માસ શૂટિંગની આ ત્રીજી મોટી ઘટના છે. વર્જિનિયામાં તો દસ દિવસના ગાળામાં જ  બીજી વખત માસ શૂટિંગની ઘટના બની છે. અમેરિકામાં બીજે ઠેકાણે તો નાસ શૂટિંગની ઘટનાઓ બન્યા જ કરે છે. 

વોલમાર્ટની ઘટનાના ત્રણ દિવસ પહેલાં જ એટલે કે ૨૦ નવેમ્બરે કોલારોડોના કોલોરાડો સ્પ્રિંગ્સની ગે નાઈટ ક્લબમાં ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં ૫ લોકોનાં મોત થયાં હતાં અને ૧૮ લોકો ઘાયલ થયાં હતાં. પોલીસ સમયસર પહોંચી જતાં ગનમેનને ગોળી મારીને ઘાયલ કરી દીધો હતો. તેના કારણે મોતનો આંકડો બહુ મોટો નહોતો. બાકી ક્લબમાં મોટી સંખ્યામાં સજાતિય સંબંધો ધરાવતાં કપલ હાજર હતાં તેથી મોટી જાનહાનિ થઈ ગઈ હોત.

આ ઘટનાના એક અઠવાડિયા પહેલાં ૧૩ નવેમ્બરે વર્જિનિયાના શેરલોટ્સવિલેમાં યુનિવર્સિટી ઓફ વર્જિનિયાની ત્રણ વિદ્યાર્થિનીની હત્યા કરાઈ હતી. ત્રણેય વિદ્યાર્થીની ફૂટબોલ ટીમની ખેલાડી હતી. આ ટીમની છોકરીઓ ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી એવા કોચિંગ સ્ટાફના સભ્ય સાથે વોશિંગ્ટન મેચ જોવા ગઈ હતી. આખી ટીમ ગેરેજમાં ભેગી થઈને ચર્ચા કરતી હતી ત્યારે ભૂતપૂર્વ ખેલાડીએ ગોળીઓ છોડીને ત્રણ છોકરીઓને ઘાયલ કરી દીધી અને બે છોકરીને ઘાયલ કરી દીધી હતી.

આ તો ચાલુ મહિનામાં બનેલી ઘટનાઓની વાત કરી પણ અમેરિકામાં દર અઠવાડિયે આ પ્રકારની ઘટનાઓ બન્યા જ કરે છે. કોઈ માથાફરેલો માણસ હાથમા બંદૂક લઈને નિકળી પડે ને ફિલ્મી સ્ટાઈલમાં ધડાધડ ગોળીઓ છોડીને લોકોની લાશો ઢાળી દે એવી ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. માસ શૂટિંગની ઘટનામાં એક-બે લોકોનાં મોત થયાં હોય એવી ઘટના તો અમેરિકામાં દરરોજ બેના હિસાબ બને છે પણ જેમાં આઠ-દસ લોકોનાં મોત થયાં હોય એવી મોટી ઘટના પણ દર અઠવાડિયે નોંધાય જ છે. 

અમેરિકામાં માસ શૂટિંગની ઘટના બને કે તરત જ ગન કલ્ચરની ચર્ચા શરૂ થઈ જાય છે. અમેરિકામાં ગન રાખવા પર કોઈ  નિયંત્રણ નથી તેથી લોકો મનફાવે તેમ ગન ખરીદે છે. અમેરિકામાં વસતી કરતાં વધારે ગન છે તેના કારણે નાનાં નાનાં કારણોસર લોકો બંદૂક ચલાવીને ઢીમ ઢાળી દે છે એવું તારણ નિકળે છે ને વાતને ભૂલાવી દેવાય છે. આ વાત સાવ ખોટી નથી. અમેરિકામાં ગન કલ્ચરના કારણે હિંસાની ઘટનાઓ વધારે બને છે તેમાં બેમત નથી. લોકો પાસે હાથવગાં હથિયાર હોવાથી ગમે ત્યારે કાઢીને ગોળીઓ છોડીને હત્યાકાંડ સર્જી દે છે એ વાત સાચી છે પણ માણસ ઉશ્કેરાઈને નાની નાની વાતમાં કેમ ગન ઉઠાવી લે છે એ સવાલ પણ મહત્વનો છે. 

અમેરિકામાં મોટા પ્રમાણમાં બની રહેલી આ ઘટનાઓના કારણે લાંબા સમયથી આ ચર્ચા ચાલી જ રહી છે. માસ શૂટિંગ કરનારા ગનમેનની માનસિકતાનાં વિશ્લેષણ થઈ રહ્યાં છે ને તેના પરથી એવાં તારણ નિકળી રહ્યાં છે કે, અમેરિકામાં લોકો અને ખાસ તો યુવાનો શોર્ટ ટેમ્પર્ડ થઈ રહ્યા છે. મતલબ કે, તેમને નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય છે, તેમનો પિત્તો ઝડપથી જાય છે. તેને માટે પણ ઘણાં કારણો જવાબદાર મનાય છે પણ મુખ્યત્વે બે કારણ જવાબદાર મનાય છે. પહેલું કારણ, અંગત જીવનમાં મળતી નિષ્ફળતા અને બીજું કારણ, આર્થિક તકલીફો. અમેરિકા જેવા સમૃધ્ધ દેશમાં આ પ્રકારનાં કારણોથી લોકો વ્યગ્ર થઈ જાય કે ઉશ્કેરાટમાં આવી જાય એ વાત કોઈને અજુગતી લાગશે પણ આ વાત સાચી છે. 

સામાન્ય માન્યતા એવી છે કે, અમેરિકામાં ગરીબી નથી પણ આ માન્યતા ખોટી છે. આપણે અમેરિકાનાં મોટાં શહેરો જોઈએ છીએ ને તેની ઝાકમઝોળથી અંજાઈ જઈએ છીએ પણ તેનાથી અલગ અમેરિકા પણ છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે લાખો લોકો ઘૂસે છે ને એ લોકો કદી ઉપર આવી જ શકતાં નથી. આ વર્ગ વધતો જ જાય છે ને તેની તસલીફો પણ વધતી જ જાય છે. અમેરિકામાં અત્યારે મોંઘવારી ચરમસીમા પર છે, બેકારી વધી છે તેના કારણે તકલીફો વધી છે. લોકોમાં ઉચાટ છે, વ્યગ્રતા છે ને એ મટશે એવું લાગતું નથી તેથી હતાશા વધતી જાય છે.  આ હતાશા ગન ચલાવીને લોકો બહાર કાઢે છે.  

અમેરિકામાં અંગત સંબંધો પણ હતાશાનું મુખ્ય કારણ છે. અમેરિકા ભૌતિકવાદી દેશ છે તેથી કોઈ પણ વ્યક્તિના સુખનું માપ ભૌતિક સુખોથી જ કઢાય છે. તેના કારણે અંગત સંબધો ટકાઉ નથી. છોકરો ને છોકરી નાની વયે પ્રેમમાં પડે પણ થોડા સમય પછી વાસ્તવિકતાનું બાન થાય ત્યારે બ્રેક-અપ થાય. અમેરિકામાં મોટા ભાગના યુવાનો આ વાત સહન કરી શકતા નથી. ઘણ યુવાનો તેની હતાશામાં નશો કરવા તરફ વળે છે ને ઘણા હિંસા તરફ પણ વળે છે. આ વાત મોટી ઉંમરનાં લોકો માટે પણ સાચી છે. અંગત જીવનની નિષ્ફળતાના કારણે એ બધા પણ હિંસા પર ઉતરી આવે છે.  આ હિંસાને કઈ રીતે રોકવી એ અમેરિકામાં અત્યારે મોટી ચિંતા છે. અમેરિકાની સરકારને એક બીજી પણ ચિંતા છે. અમેરિકામાં પહેલા પણ માસ શૂટિંગની ઘટનાઓ બનતી હતી પણ એવખતે સોશિયલ મીડિયાનો પ્રભાવ નહોતો તેથી તેનો બહુ પ્રસાર નહોતો થતો. હવે સોશિયલ મીડિયા સર્વવ્યાપી હોવાથી નાનામાં નાની ઘટનાના વીડિયો પણ વાયરલ થઈ જાય છે. આ ઘટનાઓના કારણે અમેરિકાની છાપ દુનિયાભરમાં બગડી રહી છે. એક સમયે અમેરિકાની ગણના સૌથી શાંત દેશોમાં થતી. હવે આ માન્યતા રહી નથી. એક સમયે દુનિયાભરનું બુધ્ધિધન અમેરિકા કેંચાઈ આવતું. અમેરિકાની છાપ બગડી રહી છે તેના કારણે બહારનાં ટેલેન્ટેડ લોકો અમેરિકા નહીં આવે તેની પણ અમેરિકાને ચિંતા છે.

2022માં માસ શૂટિંગની 601 ઘટના, રોજ સરેરાશ બે હત્યાકાંડ

અમેરિકામાં માસ શૂટિંગ એટલે કે મોટા પ્રમાણમાં લોકો ભોગ બન્યાં હોય એવી ગોળીબારની ઘટનાઓનું પ્રમાણ ખતરનાક હદે વધી રહ્યું છે. અમેરિકામાં ગન કલ્ચર પર પ્રતિબંધ માટે મથતી સંસ્થાઓમાં એક ગન વાયોલન્સ આર્કાઈવ્ઝ છે. 

આ સંસ્થા અમેરિકામાં દર વર્ષે બનતી માસ શૂટિંગની ઘટનાઓનો રેકોર્ડ રાખે છે. 

ગન વાયોલન્સ આર્કાઈવ્ઝના રેકોર્ડ પ્રમાણે અમેરિકામાં ૨૦૨૨ના વર્ષમાં જ માસ શૂટિંગની ૬૦૧ ઘટનાઓ બની છે. ૨૦૨૨ના વર્ષમાં હજુ સવા મહિનો બાકી છે અને આ આંકડો નવેમ્બરના બીજા અઠવાડિયા સુધીનો છે એ જોતાં સરેરાશ દરરોજ માસ શૂટિંગની બે ઘટના બને છે એવું કહી શકાય. માસ શૂટિંગની ૬૦૧ ઘટનાઓમાં ૨૦ ઘટના એવી છે કે જેમાં પાંચ કે વધારે લોકોના મોત નિપજ્યાં છે. આ ઘટનાઓમાં ૨૪ મેના રોજ ટેક્સાસના ઉવાલડેમાં બનેલી ઘટનામાં એલીમેન્ટરી સ્કૂલમાં ગનમેને ૧૯ બાળકો અને ૨ શિક્ષકો સહિત ૨૧ લોકોની હત્યા કરી દીધી હતી. 

ગયા વરસે એટલે કે ૨૦૨૧માં માસ શૂટિંગની ૬૯૨ ઘટના નોંધાઈ હતી. તેમાંથી ૨૮ ઘટના એવી હતી કે જેમાં ચાર કે વધારે લોકોનાં મોત થયાં હોય.

City News

Sports

RECENT NEWS