ચારધામ યાત્રામાં દર વર્ષે યાત્રાળુઓનાં મોતમાં ચિંતાજનક વધારો
- આ વર્ષે યાત્રા ચાલુ થયે 22 દિવસ થયા અને 41 લોકોનાં તો મોત થઈ ગયા છે, વ્યવસ્થા તંત્ર અને સ્વાસ્થ્યતંત્ર ઉપર દબાણ વધારે
- ચારધામ યાત્રા દરમિયાન ગત વર્ષે પણ મે મહિનામાં બાવન લોકોનાં મોત થયા હતા. 193 દિવસ ચાલતી ચારધામ યાત્રામાં 2024 માં 246 યાત્રાળુઓનાં મોત થયા હતા, 2023માં આ આંકડો 230 જ્યારે 2022માં મોતનો આંકડો 300 પહોંચ્યો હતો. ખાસ કરીને હેલિકોપ્ટર રાઈડ કરનારા લોકો એકાએક હાઈ અલ્ટિટયૂડ ઉપર પહોંચી જાય છે અને તેમનું શરીર આ તફાવત સહન કરી શકતું નથી અને કોલેપ્સ થઈ જાય છે, સ્વાસ્થ્ય સંબંધિત અનેક સુચના છતાં લોકો અને તંત્રની બેદરકારી યથાવત્
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની ૨ મેના રોજ શરૂઆત થઈ હતી. આ યાત્રામાં યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથનો સમાવેશ થાય છે. હાઈ એલ્ટિટયૂડ ઉપર થતી આ યાત્રા સામાન્ય સંજોગોમાં પણ સ્વાસ્થ્ય માટે જોખમી હોય છે. તેનું ઉદાહરણ જ છે કે, ૨૨ દિવસની યાત્રામાં ૪૧ લોકોનાં મોત થઈ ગય છે. તેમાંથી પણ સૌથી વધારે ૧૯ મોત કેદારનાથમાં થયા છે. જાણકારો માને છે કે, હાઈ એલ્ટિટયૂડ ઉપર આવેલા આ સ્થળોમાં ઠંડી વધારે હોય છે.
કેદારનાથ સમુદ્રની સપાટીથી ૩,૫૮૩ મીટર ઉંચે આવેલું છે. અહીંયા ઓક્સિજન ઓછો હોય છે, વાતાવરણ ઠંડું હોય છે અને અત્યંત કપરા ટ્રેકિંગ ટ્રેક છે જે સ્વાસ્થ્ય માટે મોટો પડકાર છે. તેના કારણે જ કદાચ કેદારનાથમાં વધારે લોકોનાં મોત થાય છે.
ગંભીર બાબત એવી છે કે, પર્વતીય પ્રદેશમાં ગમે ત્યારે વાતાવરણમાં મોટો પલટો આવે છે. અહીંયા ઠંડી, વરસાદ, બરફવર્ષા ગમે ત્યારે શરૂ થઈ જાય છે અને તેના કારણે ઘણા યાત્રાળુઓનું સ્વાસ્થ્ય એકાએક ખરાબ થાય છે.
સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, દર વર્ષે ચારધામ યાત્રા દરમિયાન જે લોકોનાં મોત થાય છે અને હાલમાં પણ જેમના મોત થયા છે તેમાંથી મોટાભાગના લોકોનાં મોત હાર્ટએટેકથી, બ્લડ પ્રેશર એકાએક વધી જવાથી, શ્વાસ લેવામાં તકલીફ થવાથી અથવા તો ઓક્સિજન ઘટી જવાથી થયા છે. હવે સામાન્ય રીતે વિચાર કરીએ કે ઉત્તરાખંડમાં તમામ યાત્રાધામ પહાડો ઉપર, ઉંચાઈ ઉપર આવેલા છે.
આ તમામ પહાડો ઉપર વાતાવરણ ઠંડુ અને બરફથી ભરપૂર હોય છે. અહીંયા ઉનાળા દરમિયાન પણ આસપાસના પહાડો બરફથી ઢંકાયેલા હોય છે. તેના કારણે અત્યંત ઠંડુ વાતાવરણ હૃદય ઉપર સીધી અસર કરે છે. જે લોકોનું હૃદય સ્વસ્થ હોય તેમણે જ આવી જગ્યાઓએ જવું હિતાવહ છે. જે લોકોને હૃદયની કે શ્વાસની સમસ્યા છે તેમણે ચારધામ યાત્રાઓ જેવી જગ્યાઓએ જવાનું ટાળવું જોઈએ.
આપણા હિમાલય ક્ષેત્રમાં આવેલા તમામ યાત્રાધામો અને પ્રવાસન સ્થળો હાઈ અલ્ટિટયૂડવાળા ગણાય છે. સામાન્ય રીતે સમુદ્રતટથી ૬,૫૬૦ ફૂટ સુધીની ઉંચાઈ ધરાવતા સ્થાનોને ઓછી ઉંચાઈ ધરાવતા સ્થાન માનવામાં આવે છે. ત્યારબાદ મધ્યમ ઉંચાઈ અને વધુ ઉંચાઈ ધરાવતા સ્થાન આવે છે. સમુદ્રની સપાટીથી ૬૫૬૦થી ૯૮૪૦ ફૂટ ઉંચાઈ સુધીના સ્થળોને મધ્યમ ઉંચાઈના સ્થળો ગણાય છે.
૯૮૪૦ ફૂટથી ઉપરના સ્થળોને ઉંચા સ્થળો માનવામાં આવે છે. આ એવા સ્થળો છે જ્યાં વ્યક્તિના શરીરને વાતાવરણમાં થયેલો ફેરફાર અસર કરતો જ હોય છે.
ભારતમાં પણ ૯ હજાર ફૂટથી ઉપરની ઉંચાઈએ આવેલા વિસ્તારોને હાઈ એલ્ટિટયૂડવાળા વિસ્તારો માનવામાં આવે છે. તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે.
૯ થી ૧૨ હજાર ફૂટની ઉંચાઈ ધરાવતા વિસ્તારો. ૧૨ થી ૧૫ હજાર ફૂટની ઉંચાઈ ધરાવતા વિસ્તારો અને ૧૫ હજાર ફૂટથી વધુ ઉંચાઈ ધરાવતા વિસ્તારો. હવે ચારધામ યાત્રાની વાત કરીએ તો દર્શન માટે લોકોને ૪૦૦૦ મીટરથી વધારે ઉંચાઈ જવું પડે છે. તેનો અર્થ એ થયો કે, ઘણી વખત ૧૫ હજાર ફૂટ અને તેનાથી ઉંચી જગ્યાએ જવું પડે છે. તેના કારણે આ યાત્રા વધારે મુશ્કેલ અને પડકારજનક બને છે. ભારતીય સેના દ્વારા આપવામાં આવેલા માપદંડો પ્રમાણે યમુનોત્રી ૩,૨૯૧ મીટર, ગંગોત્રી ૩૪૫૧ મીટર, કેદારનાથ ૩,૫૫૩ મીટર અને બદ્રીનાથ ૩,૩૦૦ મીટર ઉંચાઈએ આવેલા ધાર્મિક સ્થળો છે.
ચારધામ અને તેની આસપાસના પ્રવાસન સ્થળોની સ્થિતિ જોઈએ તો અહીંયા તાપમાન ઘણું નીચું હોય છે, વાતાવરણ ઠંડું હોય છે. અહીંયા પવનનું જોર વધારે હોય છે અને વરસાદ પણ પડતો રહે છે. હવાનું દબાણ ઓછું હોય છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઓછું હોય છે. તેના કારણે જ લોકોને ધીમે ધીમે ચઢાઈ કરવાની, એક જ દિવસમાં ૨૭૦૦ મીટરથી વધુ ઉપર ન જવાની, એક જ વખતમાં દરરોજ ઉપર જવાની ઝડપ ૫૦૦ મીટરના દરે વધારવાની તથા દરેક ૧૦૦૦ મીટરે થોડો સમય રોકાવાની યોજના બનાવવાનું સમજાવવામાં આવે છે.
જાણકારોના મતે લોકો જ્યારે વધારે ઉંચાઈવાળી જગ્યાએ આવે છે ત્યારે વાતાવરણ એકાએક અનુકુળ થતું નથી.
અહીંયા હવા પાતળી હોય છે તેથી લોકોને ઓક્સિજન ઓછો મળે છે. અહીંયા ફેફસા અને હૃદયને ઓક્સિજન ઓછો મળવાના કારણે લોકોની સમસ્યા વધે છે. ઓક્સિજન ઘટવાથી ફેફસાં અને હૃદયને વધારે કામ કરવું પડે છે અને તેના ઉપર જોર પણ વધી જાય છે જેથી શરીરના અન્ય અંગોને પૂરતો ઓક્સિજન પહોંચાડી શકાય. તેના કારણે જ લોકોને વધારે ઉંચાઈએ જવાથી ચક્કર આવે છે, માથુ દુખે છે, થાક લાગે છે. તેની સાથે સાથે વાતાવરણમાં ઠંડી વધે છે, બરફ પડે છે અને સ્થિતિ વધારે જોખમી બનતી જાય છે.
મહત્ત્વની વાત એ છે કે, દર વર્ષે ઉત્તરાખંડ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ચારધામ યાત્રા શરૂ થતાં પહેલાં હેલ્થ એડવાઈઝરી જાહેર કરવામાં આવે છે તેથી યાત્રાળુઓ પૂરતી તૈયારી સાથે આવી શકે. લોકોને સ્પષ્ટ સુચના આપવામાં આવે છે કે, જેમને હૃદયરોગ હોય, બ્લડ પ્રેશરની તકલીફ હોય અથવા તો ફેફસાંની કે અન્ય કોઈ લાંબા સમયની બિમારી હોય તેમણે અહીંયા આવવાનું ટાળવું અથવા તો સાવચેતી રાખવી જોઈએ. તેમણે અહીંયા આવતા પહેલાં સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવી લેવું જોઈએ. તેમ છતાં લોકો તપાસ કરાવ્યા વગર પહોંચી જાય છે અને હેરાન થાય છે તથા જીવ ગુમાવે છે. આ વખતની જ વાત કરીએ તો ૨૨ દિવસમાં ૪૧ લોકોનાં ચારધામ યાત્રા દરમિયાન મોત થઈ ગયા છે. તેમાં પણ સૌથી વધારે મોત કેદારનાથમાં થયા છે. અહીંયા ૧૯ શ્રદ્ધાળુઓએ પોતાના જીવન ગુમાવ્યા છે.
બીજી તરફ ગંગોત્રીમાં ૧૧ શ્રદ્ધાળુઓ, યમનોત્રીમાં ૯ યાત્રાળુઓનાં મોત થયા છે તથા બદ્રીનાથમાં બે લોકોનાં મોત થયા છે. કેટલાક લોકોનાં મોત હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે પણ થયા છે. વાત એવી છે કે, હજી તો ૨૨ દિવસ જ પસાર થયા છે. હજી તો ૧૭૦ દિવસની યાત્રા બાકી છે.
અત્યાર સુધીમાં ૧૦ લાખ કરતા વધારે લોકોએ યાત્રા કરી લીધી છે. શરૂઆતનો આ સમય એટલો મહત્ત્વનો હોય છે કે, લોકોનો ધસારો વધારે હોય છે. ત્યારબાદ તેમાં થોડો ઘટાડો થાય છે. તેમ છતાં છ મહિનામાં ઘણા લોકો દર્શન માટે ઉમટતા હોય છે. આ સંજોગોમાં લોકોની અને તંત્રની બેદરકારીનો ક્યારેય અંત આવ્યો નથી. તંત્ર ચિંતા કરે છે, છતાં સ્વાસ્થ્ય સેવાઓની પૂરતી વ્યવસ્થા થતી નથી. બીજી તરફ લોકો એડવાઈઝરી જારી થયેલી હોવા છતાં તકેદારી રાખીને જતા નથી. ગત વર્ષની જ વાત કરીએ તો ૨૦૨૪માં પણ ઘણા લોકોનાં મોત ચારધામ યાત્રા દરમિયાન થયા હતા. ગત વર્ષે મે મહિના દરમિયાન જ ૫૨ લોકોનાં મોત થઈ ગયા હતા. તેમાં પણ સૌથી વધારે ૨૩ લોકોનાં મોત કેદારનાથ ધામમાં થયા હતા. ત્યારબાદ બદ્રીનાથમાં ૧૪, યમનોત્રીમાં ૧૨ અને ગંગોત્રીમાં ૩ શ્રદ્ધાળુઓનાં મોત થયા હતા. આ મોતનું પણ મુખ્ય કારણ હાર્ટ એટેક, શ્વાસની તકલીફ અને હાઈ બ્લડ પ્રેશર તથા અન્ય સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ હતી. મોટાભાગે મે મહિનામાં શરૂ થતી ચારધામ યાત્રા ઓક્ટોબર એન્ડ કે નવેમ્બરમાં પૂરી થતી હોય છે. સરેરાશ છ મહિના ચાલતી આ યાત્રામાં ગત વર્ષે કુલ ૨૪૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેની પહેલાં ૨૦૨૩માં ૨૩૦ લોકો અને ૨૦૨૨માં ૩૦૦ શ્રદ્ધાળુઓનાં મોત થયા હતા. આ આંકડો મોટાભાગે ૨૦૦ની ઉપર પહોંચી જઈ રહ્યો છે જે ખરેખર ચિંતાજનક છે.
લોકો દ્વારા તકેદારી નહીં રાખવામાં આવે અને તંત્ર દ્વારા યોગ્ય સવલતો અને સેવાઓ ઊભી નહીં કરવામાં આવે તથા ચકાસણીના યોગ્ય માપદંડો સેટ કરીને લોકોના સ્વાસ્થ્ય તપાસવામાં નહીં આવે ત્યાં સુધી અહીંયા થતા મોત રોકવા લગભગ અશક્ય છે.
ઉંચાઈ ઉપર રાતના સમયે હૃદયની સમસ્યાઓ એકાએક વધી જાય છે
જાણકારોના મતે જે લોકોને હૃદય સંબંધિત સમસ્યા છે, રોગ છે તેમના શરીર ઉપર ઉંચાઈની અસર થતી હોય છે. જે લોકોને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા છે તેઓ જ્યારે આવા સ્થળે જાય છે ત્યારે બ્લડ પ્રેશર અચાનક વધી જાય છે. હૃદયરોગ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓમાં સામાન્ય રીતે રાતના સમયે સમસ્યામાં વધારો થતો હોવાનું અનુભવ થાય છે. બીજી તરફ હાર્વર્ડ સ્કૂલ ઓફ ગ્લોબલ હેલ્થના જ એક અભ્યાસમાં જણાવાયું હતું કે, જે લોકો વધુ ઉંચાઈ આવેલા સ્થળોએ રહેતા હોય છે તેમના હૃદય સમયાંતરે મજબૂત થાય છે અને તેમને હાર્ટએટેકનું જોખમ ઓછું રહે છે.
તેમનું સરેરાશ જીવન પણ અન્ય સ્થળે રહેતા લોકો કરતા વધારે હોય છે. બીજી તરફ જર્નલ ઓફ અમેરિકન હાર્ટ એસોસિયેશન દ્વારા જારી કરાયેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે, હાર્ટ અને બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા લોકોએ ઉંચાઈવાળા સ્થળોએ જવાનું શક્ય હોય તો ટાળવું જોઈએ. તે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. અભ્યાસ જણાવે છે કે, ૯૫૦૦ ફૂટથી વધુ ઉંચાઈ ધરાવતા સ્થળોએ આકરી શારીરિક કામગીરી કરવી આવા દર્દીઓના શરીર ઉપર પ્રતિકૂળ અસર કરે છે. તેના કારણે આ લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી, ચક્કર આવવા, છાતીમાં દુઃખવા જેવી ફરીયાદો થવા લાગે છે.