- અભ્યાસનું તારણ : 93 ટકા શહેરી વસતીના લોહીમાં જંતુનાશકોનું પ્રમાણ ચિંતાજનક સ્તરે, 36 ટકા લોકોમાં 3થી વધારે કેમિકલ્સના તત્ત્વો મળ્યા
- 54 ટકા લોકોમાં એન્ટિબાયોટિક્સનું પ્રમાણ વધારે નોંધાયું હતું. બીજી તરફ 39 ટકા લોકોના લોહીમાં સ્ટીરોઈડ્સની હાજરી જોવા મળી હતી. તેના પગલે જ લોકોમાં હોર્મનના અસંતુલ અને કેન્સર જેવી જોખમી બિમારીઓમાં વધારો થયો છે : નોનસ્ટિક વાસણો આવે છે તેમાં પણ કેટલાક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આવા વાસણોમાં લાંબો સમય રાંધેલું ભોજન કરવાથી પણ લોકોને ગંભીર બિમારીઓ થઈ શકે છે. એક અહેવાલ પ્રમાણે લોકોને કેન્સર, નપુંસકતા, થાઈરોઈડ અને લિવરની બિમારીઓ થઈ શકે છે : ઘરમાં છંટાતા કે મશીનો દ્વારા ચાલુ રખાતા જંતુનાશકો દ્વારા મચ્છરો અને માખીઓ તેનાથી દૂર રહે છે પણ તેની આડઅસરો ભયાનક છે. આખી રાત ઉંઘ્યા બાદ પણ શરીરમાં સુસ્તી રહે છે, આંખો બળે છે, આંખો ભારે રહે છે કે તેમાંથી પાણી નીકળે છે, અકારણ ચક્કર આવે છે, ઉબકા આવે છે. આ બધી ફરિયાદો આપણે કરીએ છીએ પણ તેના મૂળમાં આ દવાઓ અને કેમિકલ્સ છે તે જાણતા નથી
ભારતમાં કેન્સરના દર્દીઓનું પ્રમાણ ચિંતાનજક રીતે વધી રહ્યું છે. તેમાં માત્ર આનુવંશિકતા અથવા તો વ્યસનો જ જવાબદાર નથી. બીજી એવી ઘણી બેદરકારીઓ અને અવગણના કરવાની વૃત્તિ છે જેના કારણે લોકો આ જીવલેણ બિમારીનો ભોગ બની રહ્યા છે. જાણકારો માને છે કે, ભારતમાં સરેરાશ લોકો જે ભોજન કરે છે તેની ચકાસણી કરવાની તસદી તેઓ લેતા નથી. બીજી તરફ લોકોને આવી કોઈ ચિંતા નથી, તેની તપાસ થાય તેવી કોઈ નક્કર વ્યવસ્થા પણ નથી અને તેના કાયદાનું કડકાઈથી અમલીકરણ પણ થતું નથી. તેના કારણે ભોજનમાં જ જીવલેણ ઝેરી તત્ત્વોનું પ્રમાણ સૌથી વધારે આવે છે. તેના કારણે અનેક બિમારીઓ થાય છે.
બેંગ્લોરની એક સંસ્થા દ્વારા ૯ રાજ્યો અને ૧૪ શહેરોના લોકો ઉપર અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમણે આ લોકોના લોહીના નમુના લઈને તેની તપાસ કરી હતી. આ તપાસમાં સામે આવ્યું કે, ૭૮ ટકા ભારતીયોના લોહીમાં જીવલેણ જંતુનાશકો અને અન્ય કેમિકલ્સ જોવા મળ્યા છે. તેમાંય શહેરોની વસતીમાંથી ૯૩ ટકા વસતીમાં આવા ઝેરી અને જીવલેણ કેમિકલ્સ અને પદાર્થોની હાજરી જોવા મળી હતી. તે ઉપરાંત ૩૬ ટકા લોકોના લોહીમાંથી ત્રણ કે તેનાથી વધારે જંતુનાશકો અને કેમિકલ્સની હાજરી જોવા મળી હતી. આ રસાયણો અને પદાર્થો જીવ માટે મોટું જોખમ ઊભું કરી શકે તેમ છે. લોકો તેનાથી હાલમાં પણ ગંભીર બિમારીઓનો ભોગ બની જ રહ્યા છે. સંશોધકોએ એવું પણ નોંધ્યું હતું કે, તહેવારો દરમિયાન સૌથી વધારે કેમિકલયુક્ત અને અન્ય રસાયોણો ધરાવતા પદાર્થો લોકો પાસે પહોંચે છે અને લોકો ખાઈ જાય છે. આ તપાસમાં આવું પણ સામે આવ્યું કે, ૫૪ ટકા લોકોમાં એન્ટિબાયોટિક્સનું પ્રમાણ વધારે નોંધાયું હતું. બીજી તરફ ૩૯ ટકા લોકોના લોહીમાં સ્ટીરોઈડ્સની હાજરી જોવા મળી હતી. તેના પગલે જ લોકોમાં હોર્મનના અસંતુલ અને કેન્સર જેવી જોખમી બિમારીઓમાં વધારો થયો છે.
સંશોધકોએ નોંધ્યું હતું કે, જે નોનસ્ટિક વાસણો આવે છે તેમાં પણ કેટલાક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આવા વાસણોમાં લાંબો સમય રાંધેલું ભોજન કરવાથી પણ લોકોને ગંભીર બિમારીઓ થઈ શકે છે. એક અહેવાલ પ્રમાણે લોકોને કેન્સર, નપુંસકતા, થાઈરોઈડ અને લિવરની બિમારીઓ થઈ શકે છે. ચિંતાજનક બાબત એ છે કે, આપણા અનાજ, કઠોળ, શાકભાજી, ફળો અને અન્ય ખાદ્ય પદાર્થો તથા સાધનોમાં જે રીતે ભેળસેળ થઈ રહી છે, ઝેરી કેમિકલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે, જીવલેણ જંતુનાશકોનો વપરાશ થઈ રહ્યો છે તે બધું અટકતું કેમ નથી. ખરેખર આ બધી બાબતો સામે પગલાં લેવાતા કેમ નથી. એક તરફ દેશ વિકસિત દેશ થવા તરફ આગળ વધી રહ્યો છે ત્યાં બીજી તરફ ફૂડ એડલ્ટ્રેશનનું પ્રમાણ ભયાનક સ્તરે વકરેલું છે છતાં કોઈ પગલાં લેવાતા નથી.
એક અહેવાલ એવું જણાવે છે કે, ખેડૂતો પોતાનું અનાજ, શાકભાજી, ફળો અને અન્ય ઉત્પાદનો બચાવવા અને સારો પાક લેવા માટે જાતભાતની દવાઓ અને જંતુનાશકોનો ઉપયોગ કરે છે.
ખરેખર કેટલા પ્રમાણમાં અને કેવી રીતે આ દવાઓ અને જંતુનાશકોનો ઉપયોગ કરવો તેની યોગ્ય માહિતી ખેડૂતો પાસે હોતી જ નથી. બીજી ચિંતાજનક બાબત એ છે કે, આ ઉત્પાદનો જ્યારે બજારમાં આવે છે ત્યારે તેને સ્ટોર કરનારા તેના ઉપર અન્ય દવાઓનો છંટકાવ કરે છે જેથી તેને વધુ લાંબા સમય સુધી રાખી શકાય. તેના પગલે સ્થિતિ એવી થાય છે કે, જ્યારે સામાન્ય માણસ આ વસ્તુ લઈને ઘર સુધી પહોંચે છે ત્યારે તેમાં આ દવાઓનું અને જંતુનાશકોનું સ્તર અત્યંત વધી ગયેલું હોય છે. તેને કેવી રીતે દૂર કરવા તેની કોઈ માહિતી નથી અને મોટાભાગે દૂર કરી શકાય તેવી સ્થિતિ હોતી નથી.
ચિંતાજનક બાબત એ છે કે, લોકોમાં અને ખેડૂતોના મગજમાં એક જ બાબત નાખી દેવામાં આવી છે કે, કોઈપણ પાક લીધો હોય તો તેને સાચવવા માટે જંતુનાશકોનો છંટકાવ કરવો જ પડે. તેના કારણે માખી, મચ્છર, ફુગ, બેક્ટેરિયા કે અન્ય પ્રકારના રોગ અને ઈયળો થતા નથી. આ બધાથી પાક અને ખેત ઉત્પાદન સુરક્ષિત રહે છે. લોકો એ નથી જાણતા કે આ દવાઓ અને જંતુનાશકોના અવિચારી ઉપયોગને કારણે સમસ્યા વકરી રહી છે. બીજી તરફ એવા પણ અહેવાલો છે કે, જંતુનાશકો અને કીટનાશકો તરીકે એવા પણ કેમિકલ્સ અને પદાર્થોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ખરેખર પ્રતિબંધિત છે.
સ્થિતિ એવી છે કે, એક તરફ ખેતરોમા જંતુનાશકોનો વ્યાપક ઉપયોગ કરવા અને પાકને સુરક્ષિત રાખવા જાહેરાતો કરવામાં આવે છે. તેવી જ રીતે ઘરમાં પણ ઉદઈ, વાંદા, માખી, મચ્છરો અને અન્ય જીવાતોથી બચવા માટે જાતભાતના કેમિકલ્સ અને સ્પ્રેનો ઉપયોગ કરવાનું ચલણ અને ફેશન વધવા લાગ્યા છે. લોકો જાતભાતની જાહેરાતો જોઈને ગમે તે દવાઓ અને કેમિકલ્સ ખરીદી લાવે છે અને ઘરમાં છાંટતા રહે છે. તેનો અંધાધૂંધ પ્રયોગ જંતુઓનો તો નાશ કરે છે પણ સાથે સાથે ઘરના વાતાવરણ અને ભોજનમાં પણ ઝેર ઘોળે છે. તેવી જ રીતે ખેતરોમાં પણ પાકની સાથે સાથે માટી પણ ઝેરી થઈ રહી હોવાનું બહાર આવી રહ્યું છે.
આપણે પાસે કોઈપણ રીતે જંતુનાશકો અને કેમિકલ્સ પહોંચે જ છે. ખેતરોમાં પાક ઉપર છાંટીને નાખવામાં આવ્યા હોય કે પછી વેપારીઓ દ્વારા સ્ટોરેજ માટે છાંટવામાં આવ્યા હોય કે પછી ઘરે લાવ્યા બાદ માખી, મચ્છર કે મસીઓથી બચાવવા માટે આપણે ઘરમાં છાંટતા હોઈએ. ખેતર હોય કે ઘર આ દવાઓનો કેવી રીતે ઉપયોગ કરવો તેની માત્ર જાહેરાતો આવે છે પણ કેટલી માત્રામાં ઉપયોગ કરવો તે અંગે કોઈ જાગ્રતી આપવામાં આવતી નથી.
વક્રતા એવી પણ છે કે, શહેરી વિસ્તારોમાં તો માખી, મચ્છરો, વંદા, ગરોળી, ઉંદરો અને અન્ય જીવજંતુઓથી બચવા માટે બારે મહિના જાતભાતની પ્રલોભનો ધરાવતી જાહેરાતોનો મારો ચાલતો હોય છે. તેના કારણે તેનો બેફામપણે ઉપયોગ થતો હોય છે.
એક તરફ ભારતમાં હરિત ક્રાંતિ આવી અને અનાજ અને અન્ય ખાદ્ય પદાર્થો તથા ખેત પેદાશો માટે આપણે વિદેશો ઉપર નિર્ભરતા ઓછી થઈ અને બીજી તરફ આ ક્રાંતિની આડ અસરો પણ જોવા મળી છે. આપણા શાકભાજી, ફળો અને અનાજમાં જંતુનાશકોની હાજરી વધવા લાગી. તે ઉપરાંત તેનો છંટકાવ એટલો વધી ગયો કે, હવે તેનાથી જમીન પણ ખરાબ થવા લાગી છે. આજે અનેક રાજ્યોની જમીનના નમૂનામાં ઝેરી તત્ત્વોની હાજરી જોવા મળે છે.
આપણા શરીરમાં લોહીની અંદર આ જંતુનાશકો જોવા મળી રહ્યા છે. તેનું પ્રમાણ એટલું બધું છે કે, આપણા શરીર ઉપર નકારાત્મક અસર થવાની સાથે સાથે આવનારી પેઢીને પણ તેની અસર થાય તેમ છે. જાણકારો માને છે કે, આ કેમિકલ્સની અસર આનુવંશિક ધોરણે પણ ફેરફાર લાવી રહી છે અને નવી પેઢીને જન્મજાત બિમાર, વિકલાંગ બનાવી રહી છે.
એક દલીલ એવી આવે છે કે, હવે આધુનિક સમયમાં નવા જંતુનાશકો વિકસિત કરાયા છે જે માત્ર કિટકોનો નાશ કરે છે અને ખાદ્ય પદાર્થો ઉપર તેની અસર દેખાતી નથી. તેનું પ્રમાણ નહીવત કહી શકાય તેમ છે.
તે ઉપરાંત ઓર્ગેનિક પદ્ધતિથી સંપૂર્ણ રીતે ખેતી થતી નથી. જ્યાં ખરેખર આવી ખેતી થાય છે ત્યાંના ઉત્પાદનો સામાન્ય લોકો સુધી પહોંચતા જ નથી. જ્યાં લોકો સુધી આ ઉત્પાદનો જાય છે ત્યાં ઓર્ગેનિક ખેતીના નામે તેમની પાસેથી અધધ પૈસા વસુલવામાં આવે છે તેથી લોકો તેનો ઉપયોગ કરતા નથી.
લોકોએ જંતુનાશકોના ઉપયોગ અંગે જાગ્રત થાય અને સરકાર ઉપર દબાણ લાવે
સૌથી પહેલી સમસ્યા તો એ થઈ છે કે, ગામડાઓ અને શહેરોમાંથી મચ્છરદાનીઓ દૂર થઈ રહી છે. મોટાભાગે હવે લોકો તેનો ઉપયોગ કરતા નથી. મચ્છર અને માખીઓ દૂર કરવા માટે હવે ઈલેક્ટ્રિકના સાધનો અને કેમિકલ્સનો ઉપયોગ થવા લાગ્યો છે. ઘરમાં આખો દિવસ આ દવાઓ અને કેમિકલ્સ ચાલુ રહે છે. તેમાંય રાતના સમયે તેનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે.
મચ્છરો અને માખીઓ તેનાથી દૂર રહે છે પણ તેની આડઅસરો જે શરીર ઉપર થાય છે તેના વિશે લોકો વિચારતા નથી. આખી રાત ઉંઘ્યા બાદ પણ શરીરમાં સુસ્તી રહે છે, આંખો બળે છે, આંખો ભારે રહે છે કે તેમાંથી પાણી નીકળે છે, અકારણ ચક્કર આવે છે, ઉબકા આવે છે. આ બધી ફરિયાદો આપણે કરીએ છીએ પણ તેના મૂળમાં આ દવાઓ અને કેમિકલ્સ છે તે જાણતા નથી અને કદાચ જાણવા માગતા પણ નથી. બીજી તરફ ખેતરોમાં પણ આવી જ રીતે દવાઓનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. તે હવે જમીનમાં ઉતરી રહી છે.
ડીડીટી, એચસીએચ, એન્ડોસલ્ફાન જેવા કેમિકલ્સ હવે જમીનની સાથે સાથે લોકોના લોહીમાં પણ મળી રહ્યા છે. ખેતરોમાં કામ કરનારા લોકો હોય કે શહેરમાં બેસીને તાજા શાકભાજી કે ફળો ખાનારા લોકો હોય, આ તમામના શરીરમાં આ કેમિકલ્સની હાજરી જોવા મળી છે. માત્ર શાકાહારી ભોજન જ નહીં. માંસાહારમાં પણ આ જ સમસ્યા છે. જાનવરોને આપવામાં આવતી દવાઓ તેમને ખાનારા માણસોના શરીરમાં પણ ભળી જ રહી છે. જ્યાં સુધી લોકો આ કેમિકલ્સના ઉપયોગ અંગે પોતે જાગ્રત નહીં થાય અને સરકાર ઉપર તેના વપરાશ અંગે દબાણ નહીં લાવે ત્યાં સુધી સ્થિતિ નહીં સુધરે અને દેશની વર્તમાન અને ભાવી પેઢી જીવલેણ બિમારીઓની ઝપેટમાં આવતી રહેશે.


