અનિલ અંબાણીને EDના દરોડા તારશે કે મારશે ?
- આર્થિક દેવાળું કાઢ્યા પછી ફરી પાછા નવેસરથી ઉભા થવાની કોશિષ કરી રહેલા
- વાંદરો જેમ ગુલાંટ મારવાનું ભૂલે નહીં એમ રોકાણકારો સાથે છેતરપિંડી કરનાર પણ દંડ ભરી ફરી કૌભાંડ જ કરે. બેન્કો પાસેથી લોન મેળવી અને એ લોનની ઉચાપત કરી નાદારી નોંધાવનાર અનિલ અંબાણી ફરી બેઠા થઇ રહ્યા હતા, ફરી તેની કંપનીના શેરના ભાવ વધી રહ્યા હતા ત્યાં આજે પાપનો ઘડો છલકાઈ જતા એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે (ઇડી) દરોડા પાડયા છે. દરેક કંપનીઓમાં લોન આપનાર બેન્કોને ચૂનો ચોપડયો, દરેક કંપનીના શેરના ભાવ આસમાનથી પાતાળ ઉપર પટક્યા અને તેમાં કરોડો શેરધારકોનું રોકાણ ફદિયું કરી દેનાર અંબાણી ઉપર જે કારણે દરોડા પડયા છે તે પણ સમજવા જરૂરી છે. દિવાન હાઉસિંગ કૌભાંડમાં સંડોવાયેલા યસ બેન્કના રાણા કપૂર, કપૂર પાસેથી લોન લઇ લાંચ આપનાર અનિલ અંબાણી અને અનિલને ફરી બેઠા કરવા પ્રેફરન્સ શેરમાં રોકાણ કરનાર દિવાન હાઉસિંગના ડાંગી.. ચોરી કરનાર ચોકડી ઇડીની જાળમાં અંતે ફસાઈ છે. પોતાની પાસે રાતી પાઈ નથી એવું કહી પ્રાઈવેટ જેટ, 17 માળના મકાનમાં રહેતા અનિલ અંબાણી હવે કેવી રીતે બચે છે તે જોવાનું રહ્યું
આશ્ચર્યની વાત છે કે બજારના નિયમનકાર સેબીએ અનિલ અંબાણીએ નાણાકીય ગેરરિત કરી હોવાના એક કરતા વધારે આદેશ કર્યા હતા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય બેન્કોએ અનિલ અંબાણીએ લીધેલી લોન ફ્રોડ (પ્રપંચ, છળ, કપટ, છેતરપિંડી) જાહેર કર્યા પછી, લંડન કોર્ટમાં પોતાની પાસે પૈસા નથી બૈરીના ઘરેણા ગિરવે મૂકી ગુજરાન ચલાવવું પડે છે એવું કહેનાર અનિલ પાસે અબજો રૂપિયા છે. સેબીએ શેરબજારમાં કાર્યરત રહેવા, નવા નાણા ઉભા કરવા ઉપર પ્રતિબંધ મૂક્યા પછી પણ વર્ષોથી અનિલ અંબાણી પોતાના પ્રાઈવેટ જેટમાં ફરે છે, મુંબઈના પાલી હિલ વિસ્તારમાં ૧૭ માળના રૂ.૫,૦૦૦ કરોડના વૈભવી બંગલામાં વસવાટ કરે છે. આવી વિસંગતતા હોવા છતાં, દેખીતા કૌભાંડો પછી પણ તેની સામે સીબીઆઈ કે આવકવેરા વિભાગ તો છોડો પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ થઇ ન હતી! અંતે, ઇડીએ દરોડા પાડયા છે. આ સમાચારથી કૌભાંડી અનિલની કંપનીઓમાં રાતે પાણીએ રોનારા કરોડો શેરધારકોને ચોક્કસ ઠંડક વળી હશે!
વિશ્વના સૌથી ધનિકની યાદીમાંથી છઠા ક્રમેથી પટકાયેલા અને પોતે નાદાર હોવાનો ડહોળ કરનાર અનિલ અંબાણી ઉપર અંતે કેન્દ્ર સરકારની કોઈ એજન્સીએ કાર્યવાહી કરી છે. અનિલ અંબાણીએ પોતાની કંપનીઓ બેન્કો, નાણા સંસ્થાઓ પાસેથી લીધેલી રૂ. ૧.૧૧ લાખ કરોડની લોન પરત કરવાની સ્થિતિમાં નથી એટલે ઇન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ (આઈબીસી) હેઠળ નાદારીમાં લઇ જઈ રૂ.૯૬.૪૫૪ કરોડનો ચૂનો લગાવ્યા પછી હવે બાકી બચેલી કંપનીઓ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર દેવા મુક્ત છે એવી વાતો વહેતી કરી હતી. અગાઉ, જમીન ઉપર એકપણ ઈંટ નહી મૂક્યા વગર અનિલ અંબાણીએ ૨૦૦૮માં રિલાયન્સ પાવરનો પબ્લિક ઇસ્યુ કરેલો. રૂ.૧૧,૫૬૦ કરોડના ઉભા કરતા વખતે દેશમાં ૨૨ પાવર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. આજે કંપની પાસે પાંચ પ્લાન્ટ છે. કંપનીના શેરનો ભાવ ઇસ્યુ સમયે રૂ.૪૫૦ હતો જે છેલ્લા ૧૬ વર્ષમાં ક્યારેય જોવા નથી મળ્યો. ઇસ્યુ સમયે નાણા રોકનાર ૪૨ લાખ શેરહોલ્ડર આજે પણ રાતે પાણીએ રોઈ રહ્યા છે.
'ચાંદ સિતારે' દેખાડી અનિલ અંબાણી રોકાણકારોને ફરી પોતાની કંપનીઓમાં નવું રોકાણ, નવી લોન, નવા પ્લાન અને નવા આયોજન કરી રહ્યા હતા. સપ્ટેમ્બર ૨૦૨૪થી શરુ થયેલી ગુલાંટના કારણે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરના ભાવ આ સમયમાં બમણા અને રિલાયન્સ પાવરના ભાવ ૫૦ ટકા જેટલા વધી ગયા હતા! આ સમયે જ દરોડા પડતા અનિલ અંબાણી ફરી ભોં ભેગા થઇ ગયા છે!
અનિલ અંબાણી ઉપર દરોડા પડયા એના માટે યસ બેંકે સીબીઆઈને રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ હોમ ફાઈનાન્સના ફ્રોડ એકાઉન્ટ અંગે કરેલી ફરિયાદ મૂળમાં છે. આ કેસની વિગતો અનુસાર, વર્ષ ૨૦૧૭માં રિલાયન્સ કેપિટલની પેટા કંપનીઓ રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સમાં યસ બેંકે રૂ.૨૯૦૦ કરોડનું કોમર્શિયલ પેપર અને ડિબેન્ચરમાં રોકાણ કર્યું હતું. અનિલ અંબાણીના રોકાણમાંથી રૂ.૧૯૮૪ કરોડ પરત નહીં આવતા બેન્કે ફોરેન્સિક ઓડિટ કરી સીબીઆઈને ફ્રોડ થયાની જાણ કરી હતી. સીબીઆઈએ આ કેસમાં એફઆઈઆર દાખલ કર્યા બાદ હવે ત્રણ વર્ષ પછી અંબાણી ઉપર દરોડા પડયા છે. બીજું, અનિલે બેંક પાસેથી જ્યારે રોકાણ મેળવેલું ત્યારે યસ બેંકના મેનેજીંગ ડિરેક્ટર રાણા કપૂર હતા. રાણા કપૂર સામે બેંક સાથે નાણાકીય ગેરરીતિ કરવાનો આરોપ છે, ઇડીએ તેમની ધરપકડ કરેલી અને ચાર વર્ષ જેલમાં સરકારી મહેમાન હતા. કપૂરે એ કેસમાં દીવાન હાઉસિંગને આપેલી લોનમાંથી રૂ.૪૬૬ કરોડ પોતાની અન્ય કપનીઓમાં પરત મેળવી હતી. એવી જ રીતે, અનિલની કંપનીએ પણ કપૂરને રૂ.૨૮૫ કરોડ પરત આપ્યા હતા. જે રીતે આઈસીઆઈસીઆઈ બેંકે વિડીયોકોનને ધિરાણ સામે પતિની કંપનીના નામે લાંચ લેવાનો ચંદા કોચર ઉપર આરોપ છે એવો જ આરોપ કપૂર ઉપર પણ છે!
હવે જાણીએ કે રિલાયન્સ હોમ ફાઈનાન્સ શું છે અને અનિલ અંબાણીએ નાણાકીય ગેરરીતિ આચરવા તેનો દલાલ ત્રવાડી તરીકે કેવી રીતે ઉપયોગ કર્યો હતો. મકાનની ખરીદી કે રીઅલ એસ્ટેટ ડેવલપરને ધિરાણ આપી શકે એવી રિલાયન્સ હોમ ફાઈનાન્સે નિયમ બહાર જનરલ કોર્પોરટ કામકાજ માટે લોન આપવાનું શરૂ કર્યું હતું, આવી નિયમ બહારની લોન અરજીના દિવસે જ મંજૂર થઇ જતી અને બીજા દિવસે તો અરજી કરનારના ખાતામાં પૈસા જમા થઇ જતા! હોમ ફાઈનાન્સ કંપનીએ અનિલ અંબાણી જૂથની માલિકીની કંપનીઓને ધિરાણ આપ્યું હતું અને જે પરત નહીં આવતા હોમ ફાઈનાન્સ કંપનીના ઉઠમણાં થઇ ગયા હતા. સેબીના ફેબ્રુઆરી ૨૦૨૨ અને ઓગસ્ટ ૨૦૨૪ના બે ઓર્ડર અનુસાર હોમ ફાઈનાન્સ કંપનીનો રીંગણા લઉં, બે ચાર અરે લોને દસ બાર, એમ દલા તરવાડી (અનિલ અંબાણીએ) ઉપયોગ કર્યો હતો. આ કૌભાંડનો આંક રૂ.૮૦૦૦ કરોડ હોવાની શક્યતા છે. રિલાયન્સ હોમ ફાઈનાન્સમાં અનિલ અંબાણીએ સરકાર, રિઝર્વ બેંક, નેશનલ હાઉસિંગ બેંક અને શેરહોલ્ડરની આંખોમાં ધૂળ નાખી નાણાકીય ઉચાપત કરી છે. સેબીના ઓર્ડર અનુસાર લોન લેનાર ૪૧ કંપનીઓ હતી અને તેના રજીસ્ટરડ એડ્રેસ સરખા હતા. આ બધી કંપનીઓની માલિકી અનિલ અંબાણીની હોવાનું પણ સેબીએ પોતાના ઓર્ડરમાં નોંધ્યું છે.
શેરબજારમાં ડિફેન્સ, સોલાર અને ગ્રીન એનર્જી ક્ષેત્રની કંપની તરફ રોકાણકારો બહુ ઝડપથી આકર્ષાય રહ્યા છે તેનો ગેરલાભ ઉઠાવી રોકાણકારોને રાતે પાણીએ રોવડાવનાર અનિલ ફરી નવી ગુલાંટ મારવા તૈયાર હતો. મહરાષ્ટ્રમાં ૧૦૦૦ એકર જમીન ઉપર ડિફેન્સ સિટીમાં (અહિયાં જ અનિલ અંબાણીની રફેલ એરક્રાફ્ટ સાથેની કંપની સ્થિત છે) વિસ્તરણની વાતો શરૂ થયેલી. જર્મનીની રિનમેટલ સાથે સંયુક્ત સાહસમાં તોપના ગોળા અને વિસ્ફોટક બનાવવા માટે મે ૨૦૨૫માં જાહેરાત થઇ, જૂનમાં તો કંપનીની રૂ.૬૦૦ કરોડનો ઓર્ડર પણ મળી ગયો! આવી જ રીતે હેલીકોપ્ટરના સમારકામ અને અન્ય મરમ્મત માટે અમેરિકાની કોસ્ટલ મિકેનિકસ સાથે ભાગીદારીની વાતો વહેતી થઇ. ભૂતાનમાં રૂ.૨૦૦૦ કરોડના રોકાણ સાથે ૫૦૦ મેગાવોટ ક્ષમતાનો પાવર પ્લાન ઉભો કરવા સરકાર પાસે કરાર કરી આવ્યા, બેટરી સ્ટોરેજમાં ૯૩૦ મેગાવોટની ક્ષમતા અને બીજો એક સોલાર પાવર પ્લાન્ટ સ્થપાવા આંધ્ર પ્રદેશમાં રૂ.૧૦,૦૦૦ કરોડની જાહેરાતો કરી દીધી છે.
પોતાની કંપની દેવા મુક્ત થઇ ગઈ છે અને નવું રોકાણ આવી રહ્યું છે એ પુરવાર કરવા એમણે રૂ.૧,૫૨૫ કરોડનો પ્રેફરન્સ શેર ઇસ્યુ કર્યો હતો.. સૌથી મહત્વનું છે પ્રેફરન્સ શેરમાં ઓથમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની એક કંપની પણ રૂ.૭૨૦ કરોડનું રોકાણ કરવાની છે. ઓથમના પ્રમોટરમાં સંજય ડાંગી અને અલ્પના ડાંગીનો સમાવેશ થાય છે. ડાંગી એક વિવાદિત વ્યક્તિ છે. ૨૦૧૩માં સેબીએ બજારના નિયમોનું ભંગ કરી શેરના ભાવમાં વધઘટ માટે તેના ઉપર રૂ.૧૬ લાખનો દંડ કર્યો હતો. જોકે, એપેલેટ ટ્રીબ્યુનલમાં તે નિર્દોષ છુટયો હતો. ડાંગી સામે બીજા એક કૌભાંડની સામેલગીરીનો આરોપ પણ છે. રૂ.૩૪,૦૦૦ કરોડના દિવાન હાઉસિંગ કૌભાંડની સીબીઆઈ તપાસ કરી રહી છે આ એ જ દિવાન હાઉસિંગ છે જેમાં યસ બેંક અને રાણા કપૂર સંડોવાયેલા છે અને જેના કારણે આજે ઇડી અનિલ અંબાણીના દરવાજે ઉભી છે.
ફ્રેન્ચ રાષ્ટ્રપતિની ગર્લફ્રેન્ડ સાથે ફિલ્મ બનાવી રફાલનો કોન્ટ્રાકટ મેળવ્યો
૨૦૧૫માં ભારત સરકાર જયારે ફ્રાન્સના યુદ્ધ વિમાનો રફાલ ખરીદવા માટે કરાર કરી રહી હતી ત્યારે અનિલ અંબાણી પેરિસમાં હતા. તેમને રફાલ સાથે ભારતમાં ભાગીદારી કરવાની પરવાનગી મળેલી. જાણકારો કહે છે કે ૧૪ કરોડ યુરોની ભાગીદારીમાં અનિલ અંબાણીએ ફ્રેન્ચ ભાષામાં નંબર વન નામની ફિલ્મનું નિર્માણ કરવા ભાગીદારી કરેલી. આ ફિલ્મ ફ્રાન્સની અભિનેત્રી અને ફિલ્મ પ્રોડયુસર જુલી ગાયે સાથે બનવાની હતી. અહી નોંધવું જોઈએ કે જુલી ગાયે ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાન્સીસ ઓલાંડેના એ સમય ગર્લફ્રેન્ડ હતા અને હવે પત્ની છે. આ ફિલ્મ નિર્માણ એક બહાનું હતું બાકી અનિલ અંબાણીએ ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપી કોન્ટ્રાકટ મેળવ્યો હોવાનું કહેવાય છે.
બેન્કોને રૂ.96,454 કરોડનો ચૂનો
કંપનીનું નામ |
કુલ દેવું |
બેંકોને કેટલા |
કેટલાની |
- |
- |
પરત મળ્યા |
માંડવાળ |
રિલાયન્સ કોમ્યુનિકેશન |
૪૭,૨૬૧ |
૪૭૫ |
૪૫,૭૮૬ |
રિલાયન્સ નેવલ ડિફેન્સ |
૧૨,૪૨૯ |
૩૦૦ |
૧૨,૧૨૯ |
રિલાયન્સ કેપિટલ |
૪૦,૦૦૦ |
૯,૬૫૦ |
૩૦,૩૫૦ |
રિલાયન્સ હોમ ફાયનાન્સ |
૧૧,૫૪૦ |
૩,૩૫૧ |
૮,૧૮૯ |
કુલ |
૧,૧૧,૨૩૦ |
૧૩,૭૭૬ |
૯૬,૪૫૪ |
(આંકડા બધા રૂપિયા કરોડમાં છે)