Get The App

કમલા હેરિસ સામે ગંદો પ્રચાર કરીને ટ્રમ્પ કેમ્પે જીત મેળવી

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
કમલા હેરિસ સામે ગંદો પ્રચાર કરીને ટ્રમ્પ કેમ્પે જીત મેળવી 1 - image


- કમલા હેરિસે પોતે કહ્યું છે કે મારા પતિના કરતૂતોના કારણે હું હારી છું અને એ મુદ્દાનો ઉપયોગ પ્રચારમાં મારા વિરુદ્ધ કરાયો હતો

- ટ્રમ્પની રીપબ્લિકન પાર્ટીએ કમલા સામે એકદમ હલકી કક્ષાનું કેમ્પેઈન કર્યું હતું. કમલાને રેસિયલ અને એન્ટિ ડેમોક્રેસી ગણાવાયેલાં,  'કોલ ગર્લ'  તથા 'ધ ચાઈલ્ડલેસ કેટ લેડીઝ'  જેવા ગંદા શબ્દોથી નવાજાયાં હતાં. અમેરિકામાં 'ધ ચાઈલ્ડલેસ કેટ લેડીઝ' અપમાનજનક શબ્દ છે. હાલના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે કહેવું કે, જેમને સંતાનો નથી એવી સ્ત્રીઓ અમેરિકાના પરિવારોની તકલીફોને નહી સમજી શકે. કમલા નેતાઓની પથારી ગરમ કરીને અને સેક્સ સંબંધો બાંધીને આગળ આવ્યાં છે એવા ગંદા આક્ષેપો પણ થયાં હતાં.  કમલાના ૩૧ વર્ષ મોટા વિલિ બ્રાઉન સાથેના અફેરને જોરશોરથી ઉછાળવામાં આવ્યું હતું. અમેરિકાનો સમાજ ભલે આધુનિક મનાતો હોય પણ આ પ્રકારની નકારાત્મક વાતોને સ્વીકારે એટલો આધુનિક પણ નથી. 

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે કારમી હાર પછી ખોવાઈ ગયેલાં કમલા હેરિસ ફરી ચર્ચામાં છે. બ્રિટનના જાણીતા અખબાર ધ ડેઈલી મેલમાં સ્ટોરી છપાઈ છે કે, કમલા હેરિસ પોતાની હાર માટે પતિ ડગ્લાસ એમહોફની લફરાંબાજી અને મહિલાઓને નફરતથી જોવાની માનસિકતાને જવાબદાર માની રહ્યાં છે. કમલા હેરિસે જાહેરમાં ડગ્લાસ એમહોફ વિશે કશુનં કહ્યું નથી પણ ધ ડેઈલી મેલનો દાવો છે કે, કમલાએ પોતાની નજીકની વ્યક્તિ સામે પતિનાં કરતૂતોના કારણે હારી ગઈ હોવાનો બળાપો કાઢયો છે. 

ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પે એમહોફને લગતા ત્રણ મુદ્દા ચૂંટણી પ્રચાર દરમિયાન બહુ ચગાવ્યા હતા. પહેલો મુદ્દો એમહોફ પરણેલા હોવા છતાં પોતાનાં સંતાનોની ટીચર સાથે સેક્સ સંબંધો બાંધીને તેને પ્રેગનન્ટ કરી દીધી એ હતો જ્યારે બીજો મુદ્દો ૨૦૧૨માં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એમહોફે પોતાની ગર્લફ્રેન્ડને ફટકારી એ હતો.  એમહોફ પોતે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મોટા વકીલ છે. એમહોફની એક્સ ગર્લફ્રેન્ડ પણ ન્યુ યોર્કની વકીલ છે.  ત્રીજો મુદ્દો એમહોફની વકીલ તરીકેની કારકિર્દીમાં સાથી મહિલાઓના સેકસ્યુઅલ હેરેસમેન્ટ તેમજ મહિલાઓ ઉતરતી કક્ષાની હોય એ પ્રકારનું વર્તન કરવાના આક્ષેપો હતા. 

કમલાને લાગે છે કે, આ ત્રણ મુદ્દાને કારણે અમેરિકાની મહિલા મતદારોએ પોતાને મત ના આપ્યા તેમાં પોતે હારી ગયાં અને જીંદગીમાં ભાગ્યે જ મળતી તક રોળાઈ ગઈ. કમલાને એમહોફ સામે એટલો ગુસ્સો છે કે, ડગ્લાસ એમહોફ સાથે ડિવોર્સ લેવા પણ વિચારી રહ્યાં છે એવો દાવો પણ રીપોર્ટમાં કરાયો છે. 

આ વાતો કેટલી સાચી છે એ ખબર નથી પણ કમલા માટે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં બગાસુ ખાતાં પતાસુ મળે એવો ઘાટ થયેલો એ વાત સાચી છે.

 ડેમોક્રેટિક પાર્ટીએ મૂળ તો ભૂતપૂર્વ પ્રમુખ જો બિડેનને પ્રમુખપદના ઉમેદવાર બનાવેલા પણ બિડેન બધું ભૂલી જતા હતા તેમાં ડેમોક્રેટિક પાર્ટીમાં જ તેમની સામે વિરોધ થવા માંડેલો. બિડેન પહેલાં તો ખસવા માટે તૈયાર નહોતા પણ વિરોધ બહુ વધ્યો અને ધનિકોએ ફંડ આપવાનો ઈન્કાર કરી દીધો પછી બિડેનનો ખસ્યા વિના છૂટકો નહોતો. 

બિડેને ખસી જવાની જાહેરાત કરી ત્યારે ચૂંટણીને માંડ ચાર મહિના બાકી હતા તેથી ડેમોક્રેટિક પાર્ટીમાંથી કોઈ ટ્રમ્પ જેવા ધુરંધર સામે ટકરાવા તૈયાર નહોતું તેથી વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને ઉમેદવાર બનાવવાં પડેલાં.  કમલા માટે આ મોટી તક હતી કેમ કે કમલા ચિત્રમાં જ નહોતાં અને સીધાં પ્રમુખપદનાં ઉમેદવાર બની ગયાં હતાં.  કમલા પાસે અમેરિકાનાં પહેલાં મહિલા પ્રમુખ બનીને ઈતિહાસ સર્જવાની તક હતી. આવી તક ભાગ્યે જ મળે એ જોતાં કમલાને આ તક વેડફાઈ તેનો અફસોસ થાય એ સહજ છે પણ તેના માટે પતિને જવાબદાર ગણવાં એ નાચ ના જાને આંગન ટેઢા જેવું છે. 

કમલા હેરિસ સામે ટ્રમ્પને કેમ્પે અત્યંત આક્રમક પ્રચાર ચલાવેલો અને ટ્રમ્પની રીપબ્લિકન પાર્ટીએ કમલા સામે એકદમ હલકી કક્ષાનું કેમ્પેઈન કર્યું હતું. કમલાને રેસિયલ અને એન્ટિ ડેમોક્રેસી ગણાવાયેલાં અને 'કોલ ગર્લ'  તથા 'ધ ચાઈલ્ડલેસ કેટ લેડીઝ'  જેવા ગંદા શબ્દોથી નવાજાયાં હતાં. અમેરિકામાં 'ધ ચાઈલ્ડલેસ કેટ લેડીઝ' અપમાનજનક શબ્દ છે. હાલના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે કહેવું કે, જેમને સંતાનો નથી એવી સ્ત્રીઓ અમેરિકાના પરિવારોની તકલીફોને નહી સમજી શકે. 

આ ઉપરાંત કમલા હેરિસ નેતાઓની પથારી ગરમ કરીને અને સેક્સ સંબંધો બાંધીને આગળ આવ્યાં છે એ પ્રકારના ગંદા આક્ષેપો પણ થયાં હતાં.  કમલા ૨૦૧૪માં ડગ એમહોફને પરણ્યાં એ પહેલાં તેમનાં બે અફેર હતાં. તેમાં કશું વાંધાજનક નહોતું તેથી કમલા હેરિસના ૨૫ વર્ષ જૂના વિલિ બ્રાઉન સાથેના અફેરને જોરશોરથી ઉછાળવામાં આવ્યું હતું. 

કમલા હેરિસ ૨૯ વર્ષનાં હતાં ત્યારે ૩૧ વર્ષ મોટા સાન ફ્રાન્સિસ્કોના પાવરફુલ રાજકારણી વિલિ બ્રાઉન સાથે સંબધો બંધાયા હતા. ૬૦ વર્ષના બ્રાઉન  પરીણિત હતા પણ કમલા-વિલી પતિ-પત્નીની જેમ જ રહેતાં હતાં. બંને કપલ હોય એ રીતે જાહેરમાં સાથે પણ દેખાતાં હતાં. અમેરિકાના સૌથી સમૃધ્ધ શહેર સાન ફ્રાન્સિસ્કોના પહેલા બ્લેક મેયર બનીને વિલિ બ્રાઉને ૧૯૯૬માં ઈતિહાસ રચ્યો હતો. ત્યારે પણ મીડિયામાં કમલાનો ઉલ્લેખ 'બ્રાઉનની ૨૯ વર્ષની રખાત કમલા' તરીકે કરાતો હતો. કમલા અને બ્રાઉન વચ્ચે સંબંધો હતા ત્યારે બ્રાઉન પોતાની પત્નીથી અલગ થઈ ગયા હોવાનો દાવો કરાતો હતો પણ બ્રાઉન મેયરપદની ચૂંટણી જીત્યા પછી સન્માન સમારોહમાં તેમની પત્ની બ્લાન્સ મંચ પર સાથે દેખાઈ હતી તેથી કમલાને 'હોમ બ્રોકર' પણ કહેવાતાં આવતાં. આ બધા જ મુદ્દા ટ્રમ્પના કેમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન ચગાવ્યા હતા. 

સોશિયલ મીડિયામાં તો આ પ્રચાર જોરશોરથી ચાલેલો જ પણ મેઈનસ્ટ્રીમ મીડિયામાં પણ કમલા સામે કેમ્પેઈન ચાલ્યું હતું.  લોકપ્રિય ટોક શો અને પોડકાસ્ટ ધ મેગીન કેલી શોમાં કેલીએ કહેલું કે, રાજકીય મહત્વાકાંક્ષા ધરાવતી ૩૦ વર્ષની યુવતી ૩૧ વર્ષ મોટા અત્યંત સફળ રાજકારણી સાથે સેક્સ સંબંધો બાંધે અને પછી રાજકારણમાં ફટાફટ આગળ વધે તેને સેક્સ દ્વારા સફળતા કહેવાય. કમલા હેરિસે એ જ કર્યુ છે અને વિલી બ્રાઉન સાથેના સંબંધોનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. 

કમલાના પતિનાં કરતૂતઃ સંતાનોની ટીચરને પ્રેગનન્ટ કરી દીધી, ગર્લફ્રેન્ડને જાહેરમાં ફટકારી

ડગ્લાસ એમહોફ કમલા હેરિસને ૨૦૧૪માં પરણ્યા ત્યારે કમલાના પહેલાં અને ડગ્લાસનાં બીજા  લગ્ન હતાં.  ડગ્લાસે ૧૯૯૨માં પહેલાં લગ્ન ફિલ્મ પ્રોડયુસર કર્સટિન એમહોફ સાથે કર્યાં હતાં. કર્સટિન પ્રોડક્શન હાઉસ પ્રેટીબર્ડ અને ક્રિયેટિવ સ્ટુડિયો વેન્ચરલેન્ડની સીઈઓ છે. 

એમહોફ અને કર્સટિનને દીકરો કોલે અને દીકરી એલ્લા એમ બે સંતાન થયાં. એમહોફને લગ્ન દરમિયાન જ કોલ-એલ્લાની ટીચર નાજેન નેયલર સાથે સેક્સ સંબંધો બંધાયા હતા એમહોફથી ૧૫ વર્ષ નાની નેયલર પહેલાં આયા તરીકે કામ કરતી હતી. નેયલર એમહોફ સાથેના સંબંધથી પ્રેગનન્ટ થઈ ગઈ હતી. આ સંતાનનું શું થયું એ વિશે સ્પષ્ટતા નથી પણ અફેર બહાર આવતાં નાયલરે સ્કૂલ ટીચરની નોકરી છોડવી પડી હતી. ડગ્લાસ અને કર્સટિના ૧૯ વર્ષના લગ્નજીવનનો પણ ૨૦૦૯માં અંત આવી ગયો હતો. 

એમહોફ એ વખતે બહુ મોટી સેલિબ્રિટી નહોતા તેથી આ અફેરની બહુ ચર્ચા નહોતી થઈ પણ ૨૦૨૦માં જો બિડેને કમલાને વાઈસ પ્રેસિડેન્ટપદના ઉમેદવાર તરીકે પસંદ કર્યાં ત્યારે એમહોફે નાજેન નેયલર સાથે સેક્સ સંબંધોની કબૂલાત કરી હતી. કર્સટિન સાથે છૂટાછેડા પછી એમહોફના ન્યુ યોર્કની ૨૦ વર્ષ નાની વકીલ યુવતી સાથે સંબંધો બંધાયા હતા. બંનેનું અફેર કમલા સાથે એમહોફનાં લગ્ન સુધી ચાલ્યું હતું. આ યુવતીએ ૨૦૧૯માં આક્ષેપ કરેલો કે, પોતે કેન્સમાં એક એક્ટર સાથે વાત કરતી હતી તેથી ગુસ્સે થઈને એમહોફે એવો જોરદાર તમાચો મારેલો કે, પોતાને ચક્કર આવી ગયેલા.  એમહોફ લોસ એન્જલસમાં કામ કરતા ત્યારે મહિલા સાથીઓ સાથે અભદ્ર વ્યવહારના આક્ષેપો પણ થયા હતા. 

ટ્રમ્પે કમલાને ભારતીય ગણાવીને 'અશ્વેત' મતદારોને કમલાથી દૂર કરેલા

ડોનાલ્ડ ટ્રમ્પે ચાલાકીપૂર્વક કમલા 'અશ્વેત' નહીં પણ 'ભારતીય' છે એ મુદ્દો ઉભો કરીને આફ્રિકન-અમેરિકન મતદારોને કમલાથી દૂર કરતાં કમલાની હાર થઈ એવું વિશ્લેષકો માને છે.  ટ્રમ્પે કમલાની તેમના પરિવાર સાથેની તસવીર મૂકીને આક્ષેપ કરેલો કે, કમલા હેરિસ વરસો લગી 'ભારતીય' હતાં ને છેલ્લાં કેટલાંક વરસોથી અચાનક 'અશ્વેત' બની ગયાં છે.  પહેલાં કમલા  ભારતીય સંસ્કૃતિ, ભારતીય વારસાનો, ભારતીયતાનો પ્રચાર કરતાં હતાં પણ હવે કમલા પોતાને લોકો 'અશ્વેત' તરીકે ઓળખે એવું ઈચ્છે છે.  ટ્રમ્પે કહેલું છે કે, મારો સવાલ છે કે, કમલા 'ભારતીય' છે કે 'અશ્વેત' છે ? પહેલાં કમલા સંપૂર્ણપણે ભારતીય હતાં ને હવે રાજકીય ફાયદા માટે ગુલાંટ લગાવીને અશ્વેત બની ગયાં છે. 

ટ્રમ્પની પાર્ટીના વિવેક રામાસ્વામી અને નિકી હેલી સહિતનાં લોકોએ પણ એ મુદ્દાને જોરશોરથી ચગાવ્યો હતો કે,  કમલા પોતાની ઓળખનો ઉપયોગ રાજકીય ફાયદા માટે કરે છે. કમલા પોતાને અનુકૂળ હોય ત્યારે બ્લેક અને જરૂર લાગે ત્યારે ભારતીય બની જાય છે. 

કમલાના પિતા ડોનાલ્ડ હેરિસ જમૈકન બ્લેક હતા જ્યારે માતા શ્યામલા ભારતીય મૂળનાં હતાં તેથી કમલા ખોટું નહોતાં કરતાં પણ ટ્રમ્પના કેમ્પે કમલા લુચ્ચાઈ કરીને બ્લેક સમુદાયને છેતરી રહ્યાં છે એ રીતે વાતને રજૂ કરી. અમેરિકામાં લગભગ ૨૦ ટકા એટલે કે ૩.૨ કરોડ મતદારો અશ્વેત છે. અમેરિકાનાં ૫૦ ટકાથી વધારે રાજ્યોમાં બ્લેક મતદારો જેને મત આપે તેની તરફેણમાં પરિણામ આવે છે.  આ પ્રચારના કારણે બ્લેક સમુદાય ટ્રમ્પ તરફ ઢળ્યો તેમાં ટ્રમ્પ જીતી ગયા.

News-Focus

Google NewsGoogle News