For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચીનની નવી લુચ્ચાઈ, હોમ એપ્લાયન્સીસ દ્વારા જાસૂસી

Updated: Jan 25th, 2023

Article Content Image

ચીને ટ્રોજન હોર્સ ટેક્નોલોજી વિકસાવી છે જેની મદદથી ઘરમાં સામાન્ય વપરાશના હોમએપ્લાયન્સીસ વડે લાખો લોકોની જાસૂસી કરી શકાય છે

ચીન 'ટ્રોજન હોર્સ' ટેકનોલોજીની મદદથી સામાન્ય વપરાશમાં લેવાતાં હોમ એપ્લાયન્સીસ વડે પણ યુ.કે.માં લાખો લોકોની જાસૂસી કરે છે. ચીને કાર્સમાં વપરાતી માઈક્રોચિપ્સથી માંડીને સ્માર્ટ ફ્રીજ, ઓવન, ડિશ વોશર, વોશિંગ મશીન વગેરેનું વેપનાઈઝિંગ કરીને જાસૂસીનાં હથિયારોમાં ફેરવી નાખ્યાં છે.   

વિશ્વમાં ચીનની વધતી તાકાતથી સૌ પરેશાન છે ત્યારે યુ.કે.ની સરકારના સલાહકાર તરીકે કામ કરતા ભૂતપૂર્વ રાજદ્વારી ચાર્લ્સ પાર્ટને ચોંકાવનારો રીપોર્ટ આપ્યો છે. વોશિંગ્ટનમાં રહીને કામ કરતી ઓઓડીએ નામની કન્સલ્ટન્સીએ પાર્ટનનનો આ રીપોર્ટ પ્રસિધ્ધ કર્યો છે. 

રીપોર્ટમાં પાર્ટને ચીનને યુ.કે.ની સલામતી સામે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. પાર્ટનનો દાવો છે કે, ચીન અમેરિકાના યુ.કે. સહિતના તમામ દેશોમાં કોઈને કલ્પના પણ ના આવે એ રીતે જાસૂસી કરે છે અને તેના કારણે યુ.કે. સહિતના દેશો પર ચીનનો મોટો ખતરો છે. 

પાર્ટનનો દાવો છે કે, ચીને 'ટ્રોજન હોર્સ' ટેકનોલોજી વિકસાવી છે કે જેની મદદથી ઘરમાં સામાન્ય વપરાશમાં લેવાતાં હોમ એપ્લાયન્સીસ વડે પણ ચીન યુ.કે.માં લાખો લોકોની જાસૂસી કરે છે. ચીને કાર્સમાં વપરાતી માઈક્રોચિપ્સથી માંડીને સ્માર્ટ ફ્રીજ, ઓવન, ડિશ વોશર, વોશિંગ મશીન સહિતનાં તમામ હોમ એપ્લાયન્સીસનું વેપનાઈઝિંગ કરી નાંખ્યું છે. મતલબ કે, જાસૂસીનાં હથિયારોમાં ફેરવી નાખ્યાં છે. તેના કારણે યુ.કે.માં લોકોની પ્રાઈવસી જ નથી રહી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ચીનાઓએ લાઈટના બલ્બને પણ છોડયા નથી. બલ્બના માધ્યમથી પણ ચીના જાસૂસી કરી રહ્યા છે. 

ચીન જાસૂસી માટે પોતાનાં ઉત્પાદનોનો ઉપયોગ કરે છે એવી આશંકા અમેરિકા સહિતના દેશોને હતી પણ એ વખતે સૌને એમ હતું કે, મોબાઈલ ફોન જેવી કોમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચીન જાસૂસી કરે છે. આ રીતે ઘરમાં વપરાતાં ઉપકરણોનો ઉપયોગ જાસૂસી માટે કરાતો હશે એવી કોઈને કલ્પના પણ નહોતી. આ કારણે ચીની કંપની હ્યુવેઈનાં મોબાઈલ  ફોન સહિતનાં ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકાયેલો પણ હોમ એપ્લાયન્સીસથી જાસૂસીની કોઈને કલ્પના સુધ્ધાં નહોતી. 

ચીને વિકસાવેલી 'ટ્રોજન હોર્સ' ટેકનોલોજીમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી)નો ઉપયોગ થાય છે. વિશ્વમાં અત્યારે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) લેટેસ્ટ ટેકનોલોજી ગણાય છે. ચીન જ નહીં પણ અમેરિકા સહિતના દુનિયાના ટેકનોલોજીમાં વિકસિત તમામ દેશો ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી)નો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. સ્માર્ટ ફ્રિજથી માંડીને અત્યાધુનિક હથિયારો સુધી બધે આઈઓટી વપરાય છે. 

આઈઓટી સાવ ટચૂકડાં મોડયુલ્સ છે અને તેમનો ઉપયોગ દરેક સ્માર્ટ ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટમાં થાય છે. ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી)નું કામ કોઈ પણ પ્રોડક્ટના ઉપયોગનો ડેટા માલિકને મોકલવાનું છે. તમે ઘરમાં મૂકેલું સ્માર્ટ ફ્રિજ કે સીસીટીવી સિસ્ટમ બરાબર કામ કરે છે કે નહીં તેનો રીપોર્ટ ઓફિસમાં બેઠા હો કે બહાર હો ત્યારે પણ તમને મળતો રહે છે તેનું કારણ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) ટેકનોલોજી છે. 

આપણને ખબર હોતી નથી પણ વાસ્તવમાં હોમ એપ્લાયન્સ ઈન્ટરનેટનો ઉપયોગ કરીને આ ડેટા આપણને મોકલે છે. જે દેશોમાં ફાઈવ જી ઈન્ટરનેટ સર્વિસ આવી ગઈ છે એ દેશોમાં પ્રોડક્ટ બનાવનારને પણ આ ડેટા મળી જાય એવી ગોઠવણ કરાય છે. આ આઈઓટી ટેકનોલોજી એ રીતે લોકોના ફાયદા માટે છે પણ લુચ્ચા ચીને તેનો ઉપયોગ જાસૂસી કરવા માટે કરી નાંખ્યો છે. અમેરિકા સહિતના દેશોમાં ફાઈવ જી ટેકનોલોજી આવી ગઈ છે તેથી ચીનનાં મોડયુલ્સ માટે ડેટા મોકલવો સરળ થઈ ગયો છે. 

અમેરિકા, યુકે સહિતના દેશોમાં બનાવાતાં હોમ એપ્લાયન્સીસ તથા સીક્યુરિટી માટે ઉપયોગમાં લેવાતી  પ્રોડક્ટ્સ માટે ચીનના કોમ્પોનન્ટ્સ પર નિર્ભર છે. ચીના સસ્તા ભાવે થોકબંધ પ્રમાણમાં આ કોમ્પોનન્ટસ પૂરાં પાડે છે તેથી અમેરિકા, યુકે સહિતના દેશો તેની પાસેથી માલ લે છે. આ રીપોર્ટ બહાર આવ્યા પછી એ બધાંના પગ તળેથી જમીન સરકી ગઈ છે કેમ કે અમેરિકા, યુકેમાં કોઈ જગા એવી નથી કે જ્યાં ચીનના કોમ્પોનન્ટ્સ હોય એવાં ઉપકરણ ના હોય. 

પાર્ટનના રીપોર્ટ પ્રમાણે, ચાઈનીઝ મોડયુલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવાયેલાં હોવાથી તમામ પ્રકારના ડેટાને તાત્કાલિક ફાઈવ જી નેટની મદદથી ચીનને મોકલી આપે છે. ચીન પાસે તોતિંગ ડેટાને મિનિટોમાં પ્રોસેસ કરી શકે એવાં મશીન છે. તેના કારણે અમેરિકા કે યુકેની તમામ વાતોની મિનિટોમાં ખબર પડી જાય છે. અમેરિકા તાઈવાન સહિતના ચીનના દુશ્મનોને હથિયાર વેચે તેની માહિતી પણ ચીનને મળી જાય છે ને અમેરિકન લશ્કર કોઈ ઓપરેશન પ્લાન કરે તો તેની માહિતી પણ મળી જાય છે.

પાર્ટને પોતાના રીપોર્ટના સમાપનમાં તમામ મુક્ત દેશોને જાગવાની સલાહ આપીને ચીનના કોમ્પોનન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી છે. ચીનનાં બનેલાં આઈઓટીનો કોઈ ઠેકાણે ઉપયોગ ના થાય એવો પાકો બંદોબસ્ત કરવાની પાર્ટને અમેરિકા સહિતના દેશોને સલાહ આપી છે. જ્યાં પણ ચીનનાં આઈઓટી મોડયુલ વપરાયાં હોય એ બધાં પર પ્રતિબંધ મૂકી દો, બાકી બહુ મોડું થઈ જશે એવી ચેતવણી પણ પાર્ટને આપી છે. 

પાર્ટન પીઢ રાજદ્વારી છે અને વરસો લગી ચીનમાં કામ કર્યું હોવાથી ચીનના બધા પેંતરા જાણે છે. પાર્ટન યુકે સરકારને ચીનને લગતી બાબતો અંગે સલાહ પણ આપે છે. અત્યાર સુધી પાર્ટને જે પણ સલાહ આપી એ સચોટ સાબિત થઈ છે તેથી આ મુદ્દાને પણ યુકે સરકારે ગંભીરતાથી લીધો છે. 

અમેરિકાની એપલ સહિતની મોટી કંપનીઓએ તાજેતરમાં ચીનમાં પોતાનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેની પાછળ પણ પાર્ટનની સલાહ હોવાનું કહેવાય છે. ચીન એપલે મોકલેલા કોમ્પોનન્ટ્સને એસેમ્બલ કરે ત્યારે પોતાની સ્પાય ડીવાઈસ તેમાં મૂકી દેતું તેથી ચીનમાં બનેલાં એપલ ફોન સહિતનાં ઉત્પાદનો પણ શંકાના દાયરામાં છે.

પાર્ટનનો રીપોર્ટ ભારત સહિતના દેશો માટે પણ મોટી ચેતવણી છે. ચીનના મોબાઈલ સહિતનાં ઉપકરણો મોટી સંખ્યામાં ભારતમાં ઠલવાય છે. તેનો અર્થ એ થયો કે, યુકે કે અમેરિકાની જેમ ભારતમાં પણ ચીન હોમ એપ્લાયન્સીસ કે મોબાઈલ ફોન દ્વારા જાસૂસી કરાવે જ છે. 

આ જાસૂસી ક્યા સ્તરે થતી હશે એ કહેવું મુશ્કેલ છે પણ ચીન તો ભારતનું કટ્ટર દુશ્મન છે તેથી કોઈ પણ લેવલે થતી જાસૂસી ભારત માટે ખતરો જ બને. આ સંજોગોમાં ભારતે ચીનનાં ઉત્પાદનોને ભારતમાં એન્ટ્રી નહીં આપવી હિતાવહ છે. 

ભારત માટે આ મુદ્દો બીજી રીતે પણ મહત્વનો છે. ચીનની લુચ્ચાઈના કારણે યુકે અને અમેરિકા સહિતના દેશો ભડકેલા છે તેનો ઉપયોગ ભારત પોતાનાં ઉત્પાદનો આ દેશોમાં મોકલવાની તક તરીકે કરી શકે. ચીનની મોનોપોલી તોડવાની ભારત માટે સુવર્ણ તક છે. ભારતે આ તક છોડવી ના જોઈએ. 

 ચીનને સુનકની તમામ હિલચાલની ખબર પડી જતી

યુકેમાં જાન્યુઆરીની શરૂઆતમાં કેટલાક પ્રધાનોએ કારમાં પ્રાઈમ મિનિસ્ટર ઋષિ સુનક કે બીજા મહત્વનાં લોકો સાથે કરેલી વાતચીત બહાર આવી ગઈ હોવાનું બહાર આવતાં સરકાર ચોંકી ગઈ હતી. સુનકે સીક્યુરિટી સર્વિસીસના માણસોને તપાસ સોપતાં તેમણે પ્રધાનોની કાર્સને આખેઆખી ખોલી નાંખીને તપાસ કરી હતી. તેમાં ખબર પડી કે, દરેક કારમાં બીજા કોમ્પોનન્ટની અંદર ઓછામાં ઓછી એક સ્પાય ડીવાઈસ છૂપાવેલી હતી. 

સીક્યુરિટી સર્વિસીસે આ અંગેની વિગતો બહાર પાડી નથી કેમ કે મુદ્દો સંવેદનશીલ છે પણ એવું કહેવાય છે કે, સુનકની સત્તાવાર કારમાં પણ સ્પાય ડીવાઈસ મળી હતી. સુનક છેલ્લા કેટલાક દિવસથી ચીન પર ભડકેલા છે તેનું કારણ આ તપાસ છે. આ સ્પાય ડીવાઈસીસ દ્વારા ચીનને સુનક સહિતના તમામ પ્રધાનોની દરેક હિલચાલની ખબર પડી જતી હોવાનું મનાય છે. 

 લાઈટ બલ્બ અને હોટ ટબમાં પણ સ્પાય ડીવાઈસ

સીક્યુરિટી સર્વિસીસે રીપોર્ટ આપેલો કે, પ્રધાનોની કાર જ નહીં પણ લેપટોપ, કોમ્પ્યુટર્સ, વોઈસ-કંટ્રોલ્ડ સ્માર્ટ સ્પીકર્સ, સ્માર્ટ વોચ, ફ્રીજ, લાઈટ બલ્બ, સ્માર્ટ એનર્જી મીટર્સ સહિતનાં તમામ ઉપકરણોમાં સ્પાય ડીવાઈસ લગાવેલી હોઈ શકે છે. 

ચીને બધે જ આઈઓટી મોડયુલ્સનો ઉપયોગ કર્યો હોવાની શંકાથી અત્યારે યુકેમાં દરેક ઓફિસ અને સત્તાવાર નિવાસસ્થાને સીક્યુરિટી સર્વિસીસની તપાસ ચાલી રહી છે. 

આઈઓટીની મદદથી એપ દ્વારા સંચાલિત તમામ ઉપકરણો, બોડી-વોર્ન પોલીસ કેમેરા. ડોરબેલ કેમેરા, સીક્યુરિટી કેમેરાસ બેંક કાર્ડ પેમેન્ટ મશીન, હોટ ટબ્સ વગેરેનો પણ જાસૂસી માટે ઉપયોગ થતો હોવાની શંકા છે.


Gujarat