Get The App

બોમ્બ સાઈક્લોન : અમેરિકાને ભીંસમાં લેનારો સફેદ દૈત્ય

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
બોમ્બ સાઈક્લોન : અમેરિકાને ભીંસમાં લેનારો સફેદ દૈત્ય 1 - image

- અમેરિકાના ઉત્તર-પૂર્વમાં આવેલા બરફના ભયાનક તોફાનને પગલે સાત રાજ્યોમાં સ્ટેટ ઓફ ઈમર્જન્સી જાહેર કરવાની ફરજ પડી, કરોડો લોકો ઘરમાં કેદ

- ન્યૂયોર્ક, ન્યૂજર્સી, કનેક્ટિકટ, મેસેચ્યુસેટ્સ, ડેલવેર, રોડ આઈલેન્ડ અને મેરિલેન્ડ જેવા રાજ્યોમાં સ્ટેટ ઓફ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. આ તમામ રાજ્યોમાં લોકોને ઘરમાં પુરાઈ રહેવાના આદેશ અપાયા. અત્યાર સુધીમાં 30 ઈંચ જેટલો બરફ પડી ગયો છે. જાણકારોના મતે દાયકાઓ બાદ અમેરિકામાં આવું ભયાનક તોફાન આવ્યું છે : હવામાન ખાતાના મતે ન્યૂયોર્કની તમામ ૨૯ કાઉન્ટીઓમાં એક સાથે બોમ્બ સાઈક્લોનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 1996માં આવેલા ઐતિહાસિક બ્લિઝાર્ડ બાદ પહેલી વખત બે દાયકા પછી ન્યૂયોર્કની આવી સ્થિતિ થઈ છે. ઘણા વિસ્તારોમાં એક ફૂટ કરતા વધારે બરફ પડી ગયો છે. પરિસ્થિતિ અત્યંત વિકટ થઈ રહી છે : ગ્લોબલ વોર્મિંગને પગલે પોરલ વોર્ટેક્સની સ્થિતિ પણ તેના કારણે જ વકરી રહી છે. આર્કટિક ઉપરની ઠંડી હવાના પડમાં ગરબડ થઈ રહી છે અને તેનું કારણ પણ ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ છે. ઠંડી હવાનું આ લેયર નબળું પડતાં જ હાડ થીજાવતા ઠંડા પવનો સીધા જ અમેરિકાના વધારે વસતી ધરાવતા રાજ્યોને પોતાની ઝપેટમાં લઈ લે છે

અમેરિકી પ્રમુખ ભલે અત્યારે તેમના તુંડમીજાજ અને અવિચારી નિર્ણયોના કારણે દુનિયાભરમાં આતંક મચાવતા હોય પણ બીજી તરફ કુદરતે અમેરિકામાં જે તાંડવ શરૂ કર્યું છે તેનાથી અમેરિકનો ગભરાયા છે. અમેરિકાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ભયાનક હિમ તોફાન એટલે કે સ્નો સ્ટોર્મ આવ્યું છે. તેના કારણે મોટાભાગના વિસ્તારોમાં જીનજીવન ખોરવાઈ ગયું છે. જાણકારો દ્વારા તેને બોમ્બ સાઈક્લોન નામ આપવામાં આવ્યું છે. આ એવું વાવાઝોડું છે જેણે વર્જિનિયાથી માંડીને મેન સુધી તમામ વિસ્તારોને બરફની ચાદરમાં લેપટી દીધા છે. ન્યૂયોર્ક સિટીના સ્કાઈલાઈપ પણ બરફથી ઢંકાયેલા જોવા મળે છે. જાણકારોના મતે આ તોફાન એટલું ભયાનક છે કે, અનેક વિસ્તારોને પોતાના ઝપેટમાં લઈ લીધા છે. હાલમાં અનેક રાજ્યોના મોટાભાગના શહેરોમાં રોડ-રસ્તા, હાઈવે, એરપોર્ટ, રેલવે નેટવર્ક ખોટકાઈ ગયા છે. જાહેર સ્થળો, બગીચા, અન્ય જગ્યાઓ બધું જ બરફ હેઠળ દબાઈ ગયું છે. 

ગંભીર બાબત એ છે કે, આ વાવાઝોડાએ અત્યાર સુધીમાં સાત રાજ્યોને પોતાની ઝપેટમાં લીધા છે. હવામાન ખાતાના અહેવાલો પ્રમાણે ન્યૂયોર્ક, ન્યૂજર્સી, કનેક્ટિકટ, મેસેચ્યુસેટ્સ, ડેલવેર, રોડ આઈલેન્ડ અને મેરિલેન્ડ જેવા રાજ્યોમાં સ્ટેટ ઓફ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. આ તમામ રાજ્યોમાં લોકોને ઘરમાં પુરાઈ રહેવા અને અત્યંત ઈમર્જન્સી ન હોય તો ઘરની બહાર ન નીકળવાના આદેશ આપી દેવાયા છે. સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ માધ્યમોમાં આ વાવાઝોડાના દ્રશ્યો દુનિયાભરમાં ફરતા થયા છે. ટાઈમ્સ સ્ક્વેર ઉપર અત્યારે મોટી સંખ્યામાં બરફ છે. બગીચાઓ, ફન પાર્ક અને અન્ય એમ્યુઝમેન્ટ પાર્કમાં બરફ છવાઈ ગયો છે. લોકો બરફમાં રમવા ઉમટી પડયા છે. જો કે, તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની ચેતવણી અપાઈ છે. 

અત્યાર સુધીમાં ૩૦ ઈંચ જેટલો બરફ પડી ગયો છે. જાણકારોના મતે દાયકાઓ બાદ અમેરિકામાં આવું ભયાનક તોફાન આવ્યું છે જેમે સાતથી વધુ રાજ્યોને ઘરમોળી કાઢયા છે.

ઉલ્લેખનીય છે કે, આ બોમ્બ સાઈક્લોન ઘણી વખત અમેરિકાને શકંજામાં લેતું હોય છે. મોટાભાગે શિયાળામાં એકાદ હિમ તોફાન અમેરિકાને ઘમરોળતું જ હોય છે. આ વખતનું આ તોફાન દાયકાઓ બાદ આટલું ભયાનક આવ્યું હોવાનો અંદાજ છે. જે વાવાઝોડું ખૂબ જ ઓછા સમયમાં ભયાનક સ્થિતિમાં આવી જાય અને વિસ્ફોટક બની જાય છે તેને બોમ્બ સાઈક્લોન કહેવાય છે. આવા વાવાઝોડાના કેન્દ્રમાં એરપ્રેશર ૨૪ કલાકમાં જ ૨૪ મિલીબાર જેટલું ઘટી જાય છે અને તેથી જ તેને બોમ્બ સાઈક્લોનની કેટેગરીમાં રાખવામાં આવે છે. જાણકારોના મતે એરપ્રેશર જેટલું ઝડપથી ઘટે છે વાવાઝોડું તેટલું જ વધારે શક્તિશાળી થતું જાય છે.

સરળભાષામાં કહીએ તો, આવા વાવાઝોડાને શિયાળાના હરિકેન પણ કહી શકાય છે. અત્યંત ઝડપથી ગોળ ફરતી લોઅર પ્રેશર સિસ્ટમ જે આર્કટિકની ઠંડી હવાને ખેંચી લે છે. ત્યારબાદ હિમ ચક્રવાત જેવી ઠંડી હવાનું જોર ઉત્પન્ન કરે છે અને એટલી વ્યાપક બરફવર્ષા કરે છે કે, શહેરોના શહેરોમાં બધું જ ઘમરોળાઈ જાય છે અને વ્યવસ્થા ખોરવાઈ જાય છે. કોઈપણ ચક્રવાતને બ્લિઝાર્ડ જાહેર કરવા માટે ઓછમાં ઓછી ૫૬ કિ.મી પ્રતિ કલાકની ઝડપ હોવી જોઈએ. તે ઉપરાંત અત્યંત ભારે બરફવર્ષા અને ઓછામાં ઓછો ત્રણ કલાક સુધી આ ચક્રવાત ચાલવું જોઈએ અને વિઝિબિલિટી એક માઈલના ચોથા ભાગ સુધીની હોવી જોઈએ. 

હાલમાં જે સાઈક્લોન અમેરિકા ઉપર ત્રાટક્યું છે તેમાં આ તમામ માપદંડો પૂરા થયેલા જોવાય છે. તેથી જ તેને બ્લિઝાર્ડ કહેવાયું છે.

ચિંતાજનક બાબત એ છે કે, આ બોમ્બ સાઈક્લોનના કારણે ન્યૂયોર્ક સિટી, લોન્ગ આઈલેન્ડ, લોઅર હડસન વેલી, ન્યૂ જર્સીના મોટાભાગના વિસ્તારો તથા સાઉથ કનેક્ટિકટમાં ભયાનક હિમ ચક્રવાત છે. ત્રણેય રાજ્યોના કિનારાઓ ઉપર પૂરની ચેતવણી પણ આપવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં એક ફૂટ કરતા વધારે બરફ પડી ગયો છે. પરિસ્થિતિ અત્યંત વિકટ થઈ રહી છે. હવામાન ખાતાના મતે ન્યૂયોર્કના તમામ ૨૯ કાઉન્ટીઓમાં એક સાથે બોમ્બ સાઈક્લોનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ૧૯૯૬માં આવેલા ઐતિહાસિક બ્લિઝાર્ડ બાદ પહેલી વખત બે દાયકા પછી ન્યૂયોર્કની આવી સ્થિતિ થઈ છે. અહીંયાના મેયર જોહરાન મમદાની દ્વારા ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. રવિવાર રાતથી સોમવાર રાત સુધી તમામ રસ્તા, હાઈવે, પુલ બંધ કરી દેવાયા હતા. માત્ર ઈમર્જન્સી સેવાઓને જ રાહત અપાઈ હતી. આજે મંગળવારે પણ સ્થિતિમાં કોઈ સુધારો નથી.

ચિંતાજનક બાબત એવી છે કે, રોડ આઈલેન્ડ, પેન્સિલવેનિયા, કનેક્ટિકટ, મેરિલેન્ડ, મેસાચુસેટ્સ દ્વારા પણ ઈમર્જન્સી જાહેર કરીને પગલાં લેવાઈ રહ્યા છે. ન્યૂયોર્ક અને મેસાચ્યુસેટ્સમાં તો નેશનલ ગાર્ડ સજ્જ કરી દેવાયા છે. ન્યૂયોર્ક સિટીના ત્રણ મુખ્ય એરપોર્ટ લાગાર્ડિયા એરપોર્ટ, જોન એફ કેનેડી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નેવાર્ક લિબર્ટી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એક હજાર કરતા વધારે ઉડાણો રદ કરવામાં આવી છે. જેકેફની તો ત્રીજા ભાગની તમામ ફ્લાઈટ રદ કરવામાં આવી છે.  સ્થાનિક રેલવે સેવાઓ પણ અટકાવી દેવામાં આવી છે. ઉત્તર-પૂર્વ અમેરિકામાં એક લાખ કરતા વધારે લોકો અંધારપટ હેઠળ રહેવા મજબૂર બન્યા છે. જાણકારોના મતે હાલમાં કરોડો લોકો ઉપર આફત છે અને હજી આગળ વધી શકે છે. 

મહાકાય બોમ્બ સાઈક્લોનને અવકાશમાંથી પણ જોઈ શકાય તેવું છે

ઉલ્લેખનીય છે કે, વૈજ્ઞાનિકો અને સંશોધકો દ્વારા આ વાવાઝોડાની સેટેલાઈટ તસવીરો જારી કરવામાં આવી છે. અવકાશમાંથી આ બોમ્બ સાઈક્લોનની તસવીરો લેવાઈ હતી. 

જાણકારોના મતે અવકાશમાંથી જોવામાં આવ્યું ત્યારે સમજાયું કે, આ વાવાઝોડું એક વિશાળ વાદળ જેવું છે જે સર્પાકારે નીચે જતું જાય છે. તેની આંખની અંદર અત્યંત પ્રેશર છે. આ આંખનો ભાલ હાલમાં ન્યૂજર્સી પાસે દેખાઈ રહ્યો છે. હવામાન ખાતાએ જણાવ્યું કે, બોમ્બ સાઈક્લોન તેની આદત પ્રમાણે અત્યંત ઝડપથી શક્તિશાળી થયું છે. હાલમાં આ વાવાઝોડાના કેન્દ્રમાં રહેલું એરપ્રેશર ૯૭૨ મિલીબાર જેટલું ઘટી ગયું છે. તેના કારણે જ આ વાવાઝોડું અત્યંત શક્તિશાળી થઈ ગયું છે. કેટલાક વિસ્તારોમાં હવાની ઝડપ ૧૨૦ કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ કેટલાક સ્થળે પવનના જે સુસવાટા આવી રહ્યા છે તેની ઝડપ તો ૧૪૫ કિ.મી સુધી પહોંચી ગઈ છે. 

જાણકારોના મતે આ હરિકેન નથી જે ગરમ સમુદ્ર ઉપરથી પાણીની ઉર્જા મેળવીને ચક્રાકાર રીતે જમીન ઉપર ટકરાય છે. આ આર્કટિક ઉપરના ઠંડા પવનો છે જે એકાએક ગરમ પ્રદેશો તરફ ખેંચાયા છે. તેથી તેને કાયદેસર રીતે હરિકેન કહી શકાય નહીં પણ છતાં તેના જેવું જ કહી શકાય. વાવાઝોડાના કારણે ન્યૂજર્સી અને અન્ય વિસ્તારોના કિનારાઓમાં પવનનું જોર અસાધારણ રીતે વધ્યું છે. તેના કારણે સમગ્ર પણ કાબુ બહાર જવા લાગ્યા છે. ન્યૂયોર્કસિટી અને આસપાસના વિસ્તારોમાં પણ તોફાની વરસાદ અને કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. સમુદ્રમાં સફર નહીં ખેડવા અને હવાઈ યાત્રા પણ રદ કરવાના આદેશ અપાયા છે. જાણકારોના મતે વાવાઝોડું જમીન સાથે ટકરાશે ત્યારબાદ નબળું પડવા લાગશે. હાલમાં તો તેના કોઈ વરતારા જણાતા નથી. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, બોમ્બ સાઈક્લોને આ વખતે અમેરકાની સૌથી વધુ વસતી ધરાવતા રાજ્યો ઉપર કેર વર્તાવ્યો છે અને જો સ્થિતિ કાબુમાં નહીં આવી અને અઘટીત ઘટના બની તો મૃતાંક મોટો થશે. 

ક્લાઈમેટ ચેન્જના કારણે સાઈક્લોન ઘટયા પણ વધારે શક્તિશાળી થયા

ગંભીર બાબત એ છે કે, ક્લાઈટમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ અંગે વૈજ્ઞાનિકો દ્વારા કેટલાય વખતથી સતત ચેતવણી ઉચ્ચારવામાં આવી રહી છે. દુનિયાભરના દેશો અને લોકો દ્વારા તેના વિશે ચર્ચા કરાય છે પણ તેને અટકાવવા નક્કર અને સચોટ પગલાં લેવામાં આવતા નથી. તેના વિશે લેવાતા પગલાંમાં સાતત્યતા પણ જળવાતી નથી. તેના કારણે ઈચ્છિત પરિણામ મળતું નથી. વૈજ્ઞાનિક લાંબા સમયથી ચેતવણી આપતા હતા કે, ભલે દુનિયાનું તાપમાન વધી રહ્યું હોય અને તેના કારણે હિમ ચક્રવાતની સંખ્યામાં ઘટાડો થયો હોય છતાં એક બાબત સ્પષ્ટ છે કે, જે હિમ તોફાન આવશે તે વિનાશક અને ભયાનક હશે. પોરલ વોર્ટેક્સની સ્થિતિ પણ તેના કારણે જ વકરી રહી છે. આર્કટિક ઉપરની ઠંડી હવાના પડમાં ગરબડ થઈ રહી છે અને તેનું કારણ પણ ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ છે.

 ઠંડી હવાનું આ લેયર નબળું પડતાં જ હાડ થીજાવતા ઠંડા પવનો સીધા જ અમેરિકાના વધારે વસતી ધરાવતા રાજ્યોને પોતાની ઝપેટમાં લઈ લે છે. તેના કારણે ભયાનક વાવાઝોડાની સ્થિતિ સર્જાય છે. ચિંતાજનક બાબત એ છે કે, હાલમાં આવેલું આ બોમ્બ સાઈક્લોન એટલા માટે વધારે ઘાતક છે કે થોડા સમય પહેલાં જ અમેરિકા એક કુદરતી આપત્તીનો ભોગ બનીને સ્થિતિ સંભાળી રહ્યું હતું. થોડા સમય પહેલાં જ આવેલી કુદરતી આપત્તીમાં ૧૦૦થી વધુ લોકોનાં મોત થયા હતા. ત્યાં હવે આ બોમ્બ સાઈક્લોન આવ્યું છે જેણે બધું જ ઘમરોળી કાઢયું.