Get The App

ઈસરોનું બ્લૂબર્ડ લોન્ચ : સ્પેસ, મોબાઈલ નેટ ટેક્નોલોજીમાં ક્રાંતિ

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
ઈસરોનું બ્લૂબર્ડ લોન્ચ : સ્પેસ,  મોબાઈલ નેટ ટેક્નોલોજીમાં ક્રાંતિ 1 - image

- ઈસરો દ્વારા સૌથી ભારે સેટેલાઈટ લોન્ચ : નવા ઉપગ્રહથી મોબાઈલ નેટ માટે ટાવરની જરૂર નહીં રહે

- બ્લૂબર્ડ-2 સેટેલાઈટ પૃથ્વી ઉપર નીચલી ભ્રમણકક્ષામાં ચક્કર લગાવતો રહેશે. તેના કારણે પૃથ્વીના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ અને અન્ય સાધનો માટે ઈન્ટરનેટ કનેક્ટિવિટી પહોંચાડવી સરળ થઈ જશે. મોબાઈલ ટાવર અને ડિશ ટીવી વગર પણ ઈન્ટરનેટ ફોન અને ટીવી સુધી પહોંચી જશે : એલવીએમ-3 દ્વારા સતત આ 9મું અભિયાન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. આ રોકેટનો સક્સેસ રેટ અત્યાર સુધી 100 ટકા રહ્યો છે. તેણે ૨૦૧૪માં અવકાશમાં જવાની શરૂઆત કર્યા બાદ અત્યાર સુધી ક્યારેય નિરાશ કર્યા નથી. ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 સહિતના મોટા અભિયાનોમાં તેનો ઉપયોગ થયો છે : આ સેટેલાઈટથી કોમ્યુનિકેશન સેક્ટરમાં જે ક્રાંતિ આવશે તે આગામી પેઢીને ખૂબ જ લાભદાયક રહેશે. કંપનીનો દાવો છે કે, આ સેટેલાઈટની ડેટા કેપેસિટી 10 ગણી વધારે છે. તેનો આશય દુનિયાનું પહેલું સ્પેસ બેઝ સેલ્યુલર બ્રોડબેન્ડ નેટવર્ક બનવાનો છે. તે આગામી વર્ષે માર્ચના અંત સુધીમાં જ પાંચ સેટેલાઈટ લોન્ચ કરવાનું આયોજન કરી રહી છે 

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા ફરી એક વખત સ્પેસ સેક્ટરમાં પોતાની ક્ષમતા પુરવાર કરવામાં આવી છે. ભારતના સૌથી ભારે અને શક્તિશાળી એલવીએમ૩-એમ૬ રોકેટ દ્વારા એક અનોખો ઈતિહાસ રકવામાં આવ્યો છે. ઈસરોએ પોતાના આ અદ્વિતિય કોમર્શિયલ સેટેલાઈટ લોન્ચિંગ મિશન દ્વારા અમેરિકાની નવા પેઢીના સેટેલાઈટને પૃથ્વીની નિચલી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી દીધો છે. ઈસરોએ એલવીએમ૩-એમ૬ બ્લૂબર્ડ-બ્લોક-૨ મિશન હેઠળ અમેરિકાના આ સેટેલાઈટને લોન્ચ કર્યો જે સંપૂર્ણ રીતે કોમર્શિયલ મિશન હતું. તેના દ્વારા અમેરિકાની એએસટી સ્પેસમોબાઈલ કંપનીઓ પોતાનો બ્લૂ બર્ડ બ્લોક-૨ સેટેલાઈટ લોઅર ઓર્બિટમાં સ્થાપિત કરાવીને સ્પેસ સેક્ટર અને મોબાઈલ ઈન્ટરનેટ સેક્ટરમાં ક્રાંતિ આણી છે. ઈસરોએ પહેલી વખત પોતાના આ બાહુબલી રોકેટ દ્વારા સૌથી ભારે સેટેલાઈટને અવકાશમાં તરતો મુક્યો છે અને પોતાની ક્ષમતા સિદ્ધ કરી છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીની ઈતિહાસમાં સ્પેસમાં જનારા સૌથી મોટા કોમર્શિયલ કોમ્યુનિકેશન એરેનું લોન્ચિંગ બુધવારે શ્રીહરિકોટા ખાતેથી સતિશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી કરવામાં આવ્યું હતું. ઈસરો આ અગ્નિપરીક્ષામાં અવ્વલ દરજ્જા સાથે ક્ષમતાવાન સાબિત થયું છે. સવારે ૮-૫૪ કલાકે એલવીએમ૩-એમ૬ રોકેટ દ્વારા આ સેટેલાઈટ અવકાશમાં તરતો મુકાયો હતો. આ રોકેટની ઉંચાઈ ૧૪૩ ફૂટ છે. ત્રણ સ્ટેજવાળું આ રોકેટ પોતાની ૯મી ઉડાણ ભરી આવ્યું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ રોકેટનો સક્સેસ રેટ અત્યાર સુધી ૧૦૦ ટકા રહ્યો છે. તેણે ૨૦૧૪માં અવકાશમાં જવાની શરૂઆત કર્યા બાદ અત્યાર સુધી ક્યારેય નિરાશ કર્યા નથી.

મહત્ત્વનું એ છે કે, બ્લૂબર્ડ-૨ સેટેલાઈટ પૃથ્વી ઉપર નીચલી ભ્રમણકક્ષામાં રહીને ચક્કર લગાવતો રહેશે. તેના કારણે પૃથ્વીના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ અને અન્ય સાધનો માટે ઈન્ટરનેટ કનેક્ટિવિટી પહોંચાડવી સરળ થઈ જશે. 

ખાસ કરીને હિમાલયના કેટલાક વિસ્તારો, મહાસાગરો, વિવિધ દરિયાના વિસ્તારો, રણ પ્રદેશો જ્યાં હાલમાં કોઈ મોબાઈલ ટાવર કે ડિશ એન્ટેના નથી તેવા વિસ્તારોમાં સીધી સેટેલાઈટ કનેક્ટિવિટી મળશે. આ તમામ વિસ્તારોમાં ૪જી અને ૫જી નેટવર્ક સુવિધા આપી શકાશે અને તે પણ સીધી સેટેલાઈટ દ્વારા.

ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યૂનિયન ડેટાના એક અહેવાલમાં જણાવાયું હતું કે, ૨૦૨૫ના અંત સુધીમાં પણ દુનિયાભરના ૨૦૦ કરોડથી વધારે લોકો આજે પણ ઈન્ટરનેટ અને મોબાઈલ નેટ કનેક્ટિવિટી અને કવરેજ વગર રહેવા મજબુર છે. જાણકારોના મતે આ સેટેલાઈટની મદદથી ડિજિટલ અસમાનતાની જે સમસ્યા ચાલી રહી છે તેમાં મોટાપાયે ઘટાડો થશે. ખાસ કરીને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો, જંગલ વિસ્તારો અને જાહેર જે હવાઈ સફર દરમિયાન જે નેટવર્ક કવરેજની સમસ્યા આવે છે તેનો અંત આવશે. તે ઉપરાંત કોઈપણ કુદરતી આપત્તીમાં જે મોબાઈલ નેટવર્ક જતું રહે છે તે હવે અટકશે અને કોમ્યુનિકેશનની કોઈ સમસ્યા ઊભી નહીં થાય. 

ઉલ્લેખનીય છે કે, આ સેટેલાઈટ દ્વારા કનેક્ટિવિટી અને કોમ્યુનિકેશન તથા ઈન્ટરનેટની સમસ્યામાંથી મોટાપાયે મુક્તિ મળશે. આ સેટેલાઈટને ૫૬૦૦થી વધારે વ્યક્તિગત સિગ્નલ સેલ બનાવવા માટે ડિઝાઈન કરાયો છે. તે ૧૨૦ એમબી પ્રતિ સેકન્ડની ઝડપ સુધી ડેટા આપવાની ક્ષમતા ધરાવે છે. તેનું નેટવર્ક અને સ્પીડ એવા છે જેના થકી સ્પીડ વોઈસ કોલિંગ, મેસેજિંગ, સુપર ફાસ્ટ ડેટા ટ્રાન્સફર, બફર ફ્રી વીડિયો સ્ટ્રીમિંગ જેવી ઘણી સુવિધાઓ મળશે. તેના કારણે મોબાઈલ કોમ્યુનિકેશન સેક્ટરમાં ક્રાંતિ આવી જશે. તે ઉપરાંત જે વિસ્તારોમાં ડિશ ટીવી કે કેબલ ટીવી નથી તેવા વિસ્તારોમાં આ સેટેલાઈટના ઈન્ટરનેટની મદદથી ઈન્ફોટેઈન્મેન્ટનો ખજાનો ખુલી જશે.

બ્લૂબર્ડ-૨ બ્લોક ૬ની સૌથી મોટી ખાસિયત તેની ટેક્નોલોજી છે. તે ટેક્નોલોજીના સેક્ટરમાં એક ચમત્કાર જેવો સેટેલાઈટ ગણાય છે. આ સેટેલાઈટ અવકાશમાં પહોંચ્યા પછી તેના એન્ટેના એટલે કે એરે ખોલશે. તેની સાઈઝ ૨૪૦૦ સ્ક્વેર ફૂટ જેટલી છે. તે કોમ્યુનિકેશન સેક્ટરના અન્ય સેટેલાઈટ કરતા ઘણો મોટો છે. જાણકારોના મતે એક અપાર્ટમેન્ટ કરતા આ મોટો સેટેલાઈટ છે. આ પહેલાં આ જ કંપની દ્વારા સ્પેસએક્સની મદદથી ફાલ્કન ૯ રોકેટ દ્વારા પાંચ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ વર્ષે જ સપ્ટેમ્બરમાં આ સેટેલાઈટ્સનું લોન્ચિંગ કરાયું હતું. આ તમામ સેટેલાઈટનો કુલ એરે ૬૯૩ સ્ક્વેર ફૂટ છે. તેની સામે બ્લૂબર્ડનો એકલાનો એરે તેનાથી ત્રણ ગણો વધારે છે. આ એરે સ્પેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અનફ્લર્ડ એરે પણ હશે.

એએસટી સ્પેસમોબાઈલ કંપની એક એવું નેટવર્ક વિકસાવી રહી છે જે ભવિષ્ય માટે ગેમચેન્જર સાબિત થશે. તે પૃથ્વીના લોઅર ઓર્બિટમાં સેટેલાઈટ્સનું એવું નેટવર્ક વિકસાવવા માગે છે જે કોમ્યુનિકેશનના સેક્ટરમાં ક્રાંતિ આણી દે. 

તેનો સીધો આશય પૃથ્વી ઉપર ઉપલબ્ધ કોઈપણ સ્ટાન્ડર્ડ મોબાઈલ કે સ્માર્ટફોનમાં સીધી જ ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ સેવાઓ આપવાનો છે. તેનો અર્થ એટલો જ છે કે, કોઈપણ ડિશ ટીવી કે ટાવર વગર ઈન્ટરનેટ મળી રહેશે. સેટેલાઈટ સીધો જ ફોન સાથે કનેક્ટ થઈ જશે. તેના કારણે જ બ્લૂબર્ડ સેટેલાઈટને નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી ગણવામાં આવે છે. આ સેટેલાઈટ એક ગ્લોબલ એલઈઓ કોન્સ્ટેલેશનનો ભાગ છે જેનો આશય દરેક જગ્યાએ અને દરેક સમયે કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. એનસિલ અને અમેરિકી કંપની એએસટી એન્ડ સાયન્સ વચ્ચે આ એક મહત્ત્વની ડીલ થયેલી છે જે કોમર્શિયલ સ્પેસ માર્કેટમાં ભારતનું પણ કદ વધારશે. 

વનવેબના 72 સેટેલાઈટના સફળ લોન્ચિંગથી જ બ્લૂબર્ડ માટે ઈસરો ઉપર વિશ્વાસ મુકાયો

ઈસરોનું એલવીએમ-૩ એમ૬ રોકેટ પોતાની તાકાત અને ક્ષમતાના કારણે ખૂબ જ મહત્ત્વનું ગણાય છે. તેને રોકેટ સેક્ટરમાં બાહુબલી તરીકે પણ સરખાવવામાં આવે છે. તેની ઉંચાઈ ૪૩.૫ મીટર એટલે કે અંદાજે ૧૪ માળની ઈમારત જેટલું છે. લોન્ચ સમયે તેનું વજન ૬૪૦ ટન હોય છે. તે એક હેવી લિફ્ટ લોન્ચ વ્હીકલ ગણાય છે જે અત્યાર સુધીમાં સતત આઠ મિશન પૂરા કરી આવ્યું છે અને તેણે અમેરિકી કંપનીનું મિશન પૂરું કરતા સાથે પોતાનું નવમું મિશન પણ પૂરું કરી દીધું. આ રોકેટમાં ત્રણ સ્ટેજ હોય છે. તેમાં પહેલા સ્ટેજમાં બે એસ૨૦૦ સોલિડ સ્ટ્રેપ-ઓન મોર્ટસ લાગેલી હોય છે. વચ્ચે એલ૧૧૦ લિક્વિડ કોર સ્ટેજ હોય છે અને સૌથી ઉપર સી૨૫ ક્રાયોજેનિક સ્ટેજ હોય છે. સૌથી પહેલાં સોલિડ મોટર્સ પોતાનું કામ કરીને રોકેટને ઉપર લઈ જશે. ત્યારબાદ લિક્વિડ એન્જિન દ્વારા બીજો થ્રસ્ટ આપીને રોકેટને વધુ ઉપર લઈ જવાશે અને અંતે ક્રાયોજેનિક સ્ટેજ સેટેલાઈટને તેની ભ્રમણકક્ષા સુધી લઈ જશે તેવી ગોઠવણ કરવામાં આવેલી હતી. બીજી ખાસ વાત એ છે કે, આ સેટેલાઈટના લોન્ચિંગની પ્રક્રિયા ખૂબ જ સચોટ હતી. માત્ર ૯૪૨ સેકન્ડ એટલે કે ૧૫ મિનિટમાં તો આ સેટેલાઈટ રોકેટથી અલગ થઈને પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં સ્થાપિત થઈ ગયો. તે ૫૨૦ કિલોમીટર ઉપર લોઅર ઓબટમાં ૫૩ ડિગ્રી નીચેની તરફ નમેલો રહેશે. ઉલ્લેખનીય છે કે, સ્પેસ સેક્ટરમાં સેટેલાઈટ લોન્ચિંગનું કામ ઈસરો દ્વારા લિમિટેડ બજેટમાં છતાં સચોટ રીતે કરવામાં આવી રહ્યું છે તેના કારણે જ દુનિયાભરના પ્રોજેક્ટ તેની પાસે આવી રહ્યા છે. તેમાંય વન વેબ અને એએસટી સ્પેસમોબાઈલ બે કંપનીઓ એવી છે જેણે સ્પેસ ટેક્નોલોજીમાં ક્રાંતિ લાવેલી છે. હવે ઈસરો દ્વારા એલવીએમ૩ દ્વારા આ પહેલાં વનવેબ કંપનીના ૭૨ કોમ્યુનિકેશન સેટેલાઈટ અવકાશમાં છોડવામાં આવ્યા હતા. તેના કારણે જ એએસટી સ્પેસમોબાઈલ કંપનીએ પોતાના સૌથી ભારે સેટેલાઈટના લોન્ચિંગ માટે સ્પેસએક્સ છોડીને ઈસરો ઉપર વિશ્વાસ મુક્યો હતો. ઈસરોનું એલવીએમ-૩, સ્પેસએક્સનું ફાલ્કન-૯ અને યુરોપીયન સ્પેસ એજન્સીનું એરીએન ૬ જ આ સેટેલાઈટને અવકાશમાં લઈ જઈ શકે તેમ હતા. 

ઉલ્લેખનીય છે કે ઈસરોએ આ પહેલાં ચંદ્રયાન-૨ અને ચંદ્રયાન-૩ મિશનમાં પણ આ રોકેટનો ઉપયોગ કર્યો જ હતો. તેના પગલે બ્લૂબર્ડના લોન્ચિંગ માટે ઈસરોની જ પસંદગી કરવામાં આવી.

642 ટનના રોકેટ અને 6.5 ટનના સેટેલાઈટથી કોમ્યુનિકેશન ક્રાંતિ

આ સમગ્ર મિશનની સૌથી મોટી ખાસિયત જ રોકેટ અને સેટેલાઈટનું વજન અને વિઝન છે. ભારતના સૌથી મોટા રોકેટ દ્વારા ભારતીય ધરતી ઉપરથી અત્યાર સુધીનો સૌથી ભારે વજન ધરાવતો સેટેલાઈટ લોન્ચ કરાયો છે. ૬૪૨ ટનના રોકેટ દ્વારા ૬.૫ ટન વજનનો સેટેલાઈટ પૃથ્વીની લોઅર ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. બ્લૂબર્ડ સેટેલાઈટ અવકાશમાં પહોંચી ગયો તે ઈસરો અને એએસટી સ્પેસમોબાઈલ બંને માટે એક મોટો માઈલસ્ટોન થઈ ગયો છે. ઈસરોએ પહેલી વખત આટલો ભારે કોમર્શિયલ સેટેલાઈટ અવકાશમાં તરતો મુક્યો અને હવે તેના કારણે દુનિયાભરના દેશોમાં ચાલતા સ્પેશ મિશનો માટે ઈસરો ઉપરનો ભરોસો વધશે. બીજી તરફ આ સેટેલાઈટથી કોમ્યુનિકેશન સેક્ટરમાં જે ક્રાંતિ આવશે તે આગામી પેઢીને ખૂબ જ લાભદાયક રહેશે. કંપનીનો દાવો છે કે, આ સેટેલાઈટની ડેટા કેપેસિટી ૧૦ ગણી વધારે છે. તેનો આશય દુનિયાનું પહેલું સ્પેસ બેઝ સેલ્યુલર બ્રોડબેન્ડ નેટવર્ક બનવાનો છે. જે સામાન્ય લોકોના સામાન્ય સ્માર્ટફોન સાથે સીધું જ કનેક્ટ થશે. મોબાઈલ ટાવર, નેટવર્ક, ડિશ ટીવી અને કેબલટીવી જેવી કનેક્ટિવિટીની હવે જરૂર નહીં પડે. એએસટી સ્પેસમોબાઈલ માત્ર અહીંયાથી અટકે તેમ નથી. તેણે આગામી વર્ષે બીજી ઘણા સેટેલાઈટ છોડવાની તૈયારી કરી લીધી છે. સ્પેસ કનેક્ટિવિટીના સેક્ટરમાં તે એડવાન્સ લેવલે કામ કરી રહી છે. આ કંપની દ્વારા આગામી વર્ષના અંત સુધીમાં ૪૦ સેટેલાઈટ જેટલું વિશાળ હાર્ડવેર નેટવર્ક તૈયાર કરી લેવામાં આવશે. તે આગામી વર્ષે માર્ચના અંત સુધીમાં જ પાંચ સેટેલાઈટ લોન્ચ કરવાનું આયોજન કરી રહી છે.