ટીમ ઈન્ડિયાના સ્પોન્સર્સની અવદશા : સંયોગ કે અભિશાપ
ડ્રીમ ૧૧ પહેલાં વિલ્સ, સહારા, બાયજુસ, સ્ટાર ઈન્ડિયા જેવા બધા જ સ્પોન્સર્સને અડચણો આવી જ છે
- ૧૯૯૬માં વિલ્સ કંપનીનો લોગો ભારતીય ટીમની ટીશર્ટ ઉપર જોવા મળ્યો પણ થોડા સમયમાં સરોગટ એડવર્ટાઈઝિંગ પોલિસીના નિયમો કડક થવા લાગ્યા હતા. તેના કારણે વિલ્સે પોતાનું નામ પાછું ખેંચી લીધું : સહારા ઈન્ડિયાની વાત કરીએ તો ૨૦૦૧થી ૨૦૧૩ એટલે કે એક દાયકાથી પણ વધારે સમય સુધી તેનું બીસીસીઆઈ સાથે જોડાણ રહ્યું. ત્યારબાદ ૨૪,૦૦૦ કરોડના ફંડિંગ મુદ્દે કંપની કાયદાના સાણસામાં આવી અને તેણે બધું જ ગુમાવવું પડયું ઃ સ્ટાર ઈન્ડિયા, ઓપ્પો અને બાયજુસ જેવી કંપનીઓ પણ સંમયાંતરે બીસીસીઆઈ સાથે જોડાઈ પણ પાછળથી આર્થિક મુશ્કેલીઓમાં ફસાતા તેમનો પણ કરુણ અંત આવી ગયો અને તેઓ ખસી ગયા
લોકોમાં ચર્ચા ચાલી છે કે, ભારતીય ક્રિકેટ ટીમને જે પણ કંપની સ્પોન્સર કરે છે તેની દુર્દશા શા માટે થાય છે. સહારા ઈન્ડિયા, બાયજૂસ, ડ્રીમ ૧૧ જેવી કંપનીઓમાં એવી તો શું સમાનતા છે જેને પછડાટ ખાવાનો વારો આવ્યો. લોકો કહે છે કે, આ કંપનીઓ જ્યાં સુધી કમાણી કરતી હતી ત્યાં સુધી વાંધો જ નહોતો પણ જેવા તેમના લોગો ટીમ ઈન્ડિયાની જર્સી ઉપર આવ્યા કે તેમની પડતી શરૂ થઈ જાય છે. તેમની હાલત ખરાબ થઈ જાય છે. આ માત્ર સંયોગ છે કે પછી બીજું કંઈ. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ક્રિકેટની જે લોકપ્રિયતા છે તે દુનિયામાં ક્યાંય નથી. તેમાંય જ્યારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની વાત આવે ત્યારે બીસીસીઆઈથી મોટું કોઈ નામ નથી. દુનિયાના તમામ કંપનીઓ બીસીસીઆઈ સાથે જોડાવા અને કામ કરવા તૈયાર હોય છે.
જાણકારોના મતે બીસીસીઆઈ સાથે જે પણ કંપની સ્પોન્સર તરીકે જોડાય છે તેનો લોગો ટીમના દરેક ખેલાડીની ટીશર્ટ ઉપર જોવા મળે છે.
આ ઉપરાંત સ્પોન્સર્સને જાહેરાતોમાં પણ સૌથી વધારે સમય આપવામાં આવે છે. આમ જોવા જઈએ તો મેચ દરમિયાન સ્પોન્સરને ઘણા લાભ મળે છે પણ પડદા પાછળની સ્થિતિ કદાચ વધારે ભયાવહ છે. વર્તમાન સમયમાં જ્યાં સુધી ટીમ સાથે જે પણ સ્પોન્સર્સ જોડાયા છે તેમની કોઈને કોઈ રીતે અવદશા થઈ જ છે. ૨૦૦૧થી આ ઘટનાઓ વધારે જોવા મળી રહી છે. જે પણ બીસીસીઆઈ સાથે જોડાય છે, સ્પોન્સર થવાનો કોન્ટ્રાક્ટ કરે છે તેની થોડા જ સમયમાં પડતી શરૂ થઈ જાય છે. હવે તેને સંયોગ ગણવો કે અભિશાપ તેની ચર્ચા વેગ પકડી રહી છે. ૨૦૨૩માં ડ્રીમ ૧૧ નામની ઓનલાઈન ગેમિંગ પ્રમોશન કંપનીએ બીસીસીઆઈ સાથે કોન્ટ્રાક્ટ કર્યો અને તે ટીમની સ્પોન્સર બની. માત્ર બે વર્ષમાં તેની સ્થિતિ વિકટ થઈ ગઈ. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન એક્ટ ૨૦૨૫ લઈ આવી છે. તેમાં તમામ રિયલ મની ગેમિંગ એપ્સ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની વાત છે. હવે ડ્રીમ ૧૧ પણ આ કાયદાના કારણે ફિક્સમાં મુકાઈ ગઈ છે.
સૂત્રોના મતે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન બિલ પ્રમાણે કોઈપણ એપ અથવા ગેમ જેમાં રીયલ ટાઈમ પૈસાનો ઉપયોગ થતો હોય તેને આ કાયદો લાગુ પડશે. આવી એપ્સ કે ગેમ જેમાં નસીબ થકી કે પછી આવડત થકી રમીને પૈસા કમાવા માટે પૈસાનું રોકાણ કરવું પડતું હોય તેના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ આવી જશે.
ડ્રીમ ૧૧ પણ આવી જ કેટેગરીમાં આવતી એપ છે જ્યાં યુઝર્સ ફેન્ટસી ટીમ બનાવે છે અને તેમના ખેલાડીઓ મેચમાં સારું પ્રદર્શન કરે તેના આધારે યુઝર્સને કમાણી થતી હોય છે. તેનો સીધો અર્થ છે કે, ડ્રીમ ૧૧ દ્વારા જે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે તે સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા કાયદાની રૂપરેખામાં મેળ ખાય તેવું છે. તેના કારણે તેના ઉપર પ્રતિબંધ આવી જશે. ખાસ વાત એ છે કે, સરકારનું આ બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. તેને હવે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિની મંજૂરી આવતાની સાથે જ સરકાર વટહુકમ જારી કરીને તમામ એપ ઉપર પ્રતિબંધ લાગુ કરી દેશે. ત્યારબાદ ડ્રીમ ૧૧ સહિત તમામ એપ્સ અને ગેમિંગ પ્લેટફોર્મ ઉપર પ્રતિબંધ આવી જશે. ડ્રીમ ૧૧ અત્યારે કાયદાકીય ગુંચવણમાં ફસાયું છે અને સાથે સાથે તેનો સમાવેશ બીસીસીઆઈના એવા સ્પોન્સર્સ લિસ્ટમાં થઈ ગયો છે જેની પડતી થઈ હોય. ભારતીય ટીમ સાથે સ્પોન્સર તરીકે જોડાયા બાદ કોઈને કોઈ સમસ્યામાં અટવાઈને પડતી તરફ ધકેલાવાની સ્થિતિમાં ડ્રીમ ૧૧ પણ આવી ગઈ છે. ભૂતકાળમાં ઘણી કંપનીઓ આવી સ્થિતિમાં આવી છે. આ યાદીની વાત કરીએ તો સૌથી પહેલાં ૧૯૯૬માં ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન લોકોએ ભારતીય ટીમની પહેલી રંગની ટીશર્ટ ઉપર વિલ્સનો લોગો જોયો હતો.
વિલ્સ પહેલી કંપની હતી જેણે બીસીસીઆઈ સાથે સ્પોન્શરશિપ માટે જોડાણ કર્યું હતું અને તેનો લોગો ટીશર્ટની સ્લીવ ઉપર દેખાયો હતો. તેને ત્યારે સ્લીવ સ્પોન્સર પણ કહેવાતી હતી. તે સમયે મોટી કંપનીઓ અને કોર્પોરેટ દ્વારા વર્લ્ડકપ આયોજિત થતા હતા. તે સમયે વિલ્સ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું. ૧૯૯૬માં વિલ્સ ભારતીય ટીમની ટીશર્ટ ઉપર જોવા મળી અને ત્યારબાદ દુનિયાભરમાં અને ખાસ કરીને ભારતભરમાં તેની ચર્ચા થવા લાગી. સ્ટેન્ડમાં બેઠેલા લોકોની સાથે સાથે ઘરેથી મેચ જોતા લોકોને પણ આ કંપનીએ ખૂબ જ આકર્ષિત કર્યા. તે સમયે સરોગટ એડવર્ટાઈઝિંગ પોલિસીના નિયમો કડક થવા લાગ્યા હતા. તેના કારણે જ ભારતીય ટીમ સાથે જોડાયાના થોડા જ સમયમાં વિલ્સે પોતાનું નામ પાછું ખેંચી લીધું. ખાસ વાત એ છે કે, વિલ્સ પહેલ કંપની નહોતી જેણે વર્લ્ડ કપ સ્પોન્સર કર્યો હોય. તેની પહેલાં પ્રોડેન્શિયલ જેવી વીમા કંપની તથા બેન્સન એન્ડ હેજેઝ જેવી તમાકુ બ્રાન્ડે પણ આવા વર્લ્ડ કપ સ્પોન્સર કર્યા જ છે.
આ યાદીમાં બીજું મોટું નામ છે સહારા ઈન્ડિયાનું. સહારા ઈન્ડિયાની વાત કરીએ તો ૨૦૦૧થી ૨૦૧૩ એટલે કે એક દાયકાથી પણ વધારે સમય સુધી તેનું બીસીસીઆઈ સાથે જોડાણ રહ્યું. આ કંપનીનો લોગો ૧૨ વર્ષ સુધી ટીમ ઈન્ડિયાની ટીશર્ટ ઉપર જોવા મળ્યો હતો.
૨૦૦૩માં વર્લ્ડ કપનું સ્વપ્ન રોળાવાથી માંડીને ૨૦૧૧માં વર્લ્ડ કપ જીતવા સુધી સહારા ઈન્ડિયા જ ટીમ ઈન્ડિયાનું સ્પોન્સર હતું. આટલો લાંબો સમય જોડાણ, વ્યાપક પ્રચાર અને પ્રસાર છતાં સહારાનું સામ્રાજન્ય પડી ભાંગ્યું.
૩ કરોડ રોકાણકારો પાસેથી ૨૪,૦૦૦ કરોડની અધધ રકમ ઉઘરાવ્યા બાદ સહારા ઈન્ડિયા ગેરરીતિઓમાં સંડોવાયું અને સેબીએ તેના ઉપર પગલાં લઈને કંપનીની કામગીરી અટકાવી દીધી.
૨૦૧૪માં કંપનીના માલિક સુબ્રતો રોયની ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૨૩માં જ તેમનું અવસાન થયું હતું અને આજે પણ રોકાણકારોના પૈસા પાછા લેવાની કવાયત ચાલે છે. સફળતાના શિખર ઉપર ગયેલી કંપની રસાતાળ થઈ ગઈ.
ટીમ ઈન્ડિયા સાથે જોડાયા પછી પસ્તાયેલી કંપનીમાં સ્ટાર ઈન્ડિયાનું પણ નામ આવે છે. ૨૦૧૪માં તેણે સહારાની જગ્યા લીધી. તેના કાર્યકાળ દરમિયાન રોહિત અને કોહલી જેવા સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોવા મળ્યા પણ આ ખેલાડીઓનું સ્ટારડમ કંપનીને ફળ્યું નહોતું. ટીમ ઈન્ડિયાની જર્સી ઉપર આ બ્રાન્ડનો લોગો એક આધુનિક યુગની શરૂઆત જેવું લાગતું હતું. ધીમે ધીમે કંપનીની આથક સ્થિતિ વણસતી ગઈ. તેના વ્યવસાયમાં નુકસાની થવા લાગી. વોલ્ટ ડિઝ્નીની માલિકી ધરાવતા સ્ટારને બજારમાં એકહથ્થુ શાસન કરવાના આરોપોનો સામનો કરવો પડયો. તેના મોનોપોલિના વલણ સામે તપાસ શરૂ કરવામાં આવી. આ દરમિયાન હોટસ્ટાર જેવું મોટું માધ્યમ જીયોને વેચી દેવું પડયું.
આ કંપનીઓની પાછળ પાછળ ઓપ્પો નામની મોબાઈલ કંપનીએ પણ બીસીસઆઈની નાવમાં સફર કરવાનું સાહસ કર્યું. તેણે ૨૦૧૭થી ૨૦૨૦ સુધીમાં ૧,૦૭૯ કરોડનો સોદો કર્યો પણ બીસીસીઆઈ પાસેથી ઈચ્છિત રીટર્ન મળ્યું નહીં અને તે કોન્ટ્રાક્ટમાંથી બહાર નીકળી ગયું. બીજી તરફ નોકિયા અને ઈન્ટરડિજિટલ સાથે તેનો પેટન્ટનો વિવાદ શરૂ થઈ ગયો. તે કાયદાકીય લડાઈમાં અટવાઈ ગયું અને કંપની થોડા સમય માટે નબળી પડી ગઈ. તેની સાખ પણ ગુમાવવા લાગી. તેથી તેણે ક્રિકેટની દુનિયાથી અંતર જાળવી લીધું. તેનું જોઈને બાયજુસ દ્વારા બીસીસીઆઈ સાથે જોડાણ કરવામાં આવ્યું. તેણે ઓપ્પો જેવી જ શરતો રાખીને સોદો કર્યો. તે ૨૦૨૦થી ૨૦૨૨ બે વર્ષ સુધી જોડાયું પણ પોતે જ મુશ્કેલીમાં આવી ગયું.
૨૦૨૩માં બીસીસીઆઈને ૧૫૯ કરોડની ચુકવણીમાં તે ડિફોલ્ટ થયું અને એનસીએલટીમાં અટવાઈ ગયું. તેના કારણે એડટેકની આર્થિક મુશ્કેલીઓમાં મોટાપાયે વધારો થયો. શરૂઆતમાં બીસીસીઆઈના વખાણ મેળવનાર બાયજૂસ પૈસાની ચુકવણીમાં અટવાયું, દેવાળું ફુંક્યું અને તેની સામે જે કાયદાકીય તપાસ ચાલી તેના કારણે આ એડટેક યુનિકોર્ન પડી ભાંગ્યું. તેણે બીસીસીઆઈ સાથે કોર્ટમાં એક વચગાળાનો સોદો કર્યો પણ પછી તેની હાલત વધારે કફોડી થઈ ગઈ. હાલમાં પણ તે સંઘર્ષ કરે છે.
ડ્રીમ ઈલેવન માટે પણ બીસીસીઆઈ દુઃસ્વપ્ન સાબિત થશે કે શું... ?
ડ્રીમ ૧૧ની વાત કરીએ તો ૨૦૨૩થી ૨૦૨૬ સુધી તેણે બીસીસીઆઈ સાથે સ્પોન્સર તરીકેના કોન્ટ્રાક્ટ કર્યા છે. હાલમાં આ બધા વચ્ચે તેના અસ્તિત્વ ઉપર જ જોખમ આવીને ઊભું રહી ગયું છે.
સટ્ટાબાજી અને સાચા પૈસા થકી રમાતા ઓનલાઈન જુગાર મુદ્દે ડ્રીમ ૧૧ના અસ્તિત્વ ઉપર સવાલ ઊભા થયા છે અને તેની કામગીરી સામે બીસીસીઆઈ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કંપની સામે આ પહેલાં પણ ૧૨૦૦ કરોડની જીએસટી ચોરીના કથિત આરોપ લાગ્યા હતા. તેની પાસે ટેક્સની માગણી કરવામાં આવી હતી પણ ત્યારબાદ નોટિસ પાછી પણ ખેંચાઈ હતી. સૂત્રોમાં ગણગણાટ છે કે, જીએસટી અધિકારીઓ દ્વારા આ મુદ્દે નવેસરથી તપાસ કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં ફરીથી કંપની જીએસટીના સાણસામાં પણ ફસાય તેવું લાગી રહ્યું છે. તેમાંય ઓનલાઈન ગેમિંગ બિલ ૨૦૨૫ના નિયમો ડ્રીમ ૧૧ની કામગીરી અને અસ્તિત્વ સામે મોટા સવાલ સમાન છે. હાલમાં તેની કામગીરી અને વર્કિંગ મોડયુલની તપાસ ચાલી રહી છે. તે ફેન્ટસી ગેમિંગમાં યુઝર્સને મેમ્બર બનાવીને તેના મોડલ થકી કામ કરી શકે છે તેવી ચર્ચાએ વેગ પકડયું છે. તેમાં માત્ર મેમ્બરશીપનો ચાર્જ લઈ શકાય જે વાસ્તવિક ચલણ હોઈ શકે બાકી બધું વર્ચ્યુઅલ સ્તરે ચાલે તેવું બની શકે. તેનાથી કંપની ચાલી જશે પણ તે બીસીસીઆઈની સાથે જોડાઈને ટીમ ઈન્ડિયાની સ્પોન્સર રહી શકશે કે નહીં તે મોટો સવાલ છે.
આવી રીતે કંપની ચલાવવાથી કંપનીની રેવન્યૂને મોટી અસર થશે. કંપનીની આવક ઘટશે તો તેની અસર બીસીસીઆઈની ભાગીદારી ઉપર થવાની જ છે. જો નવા નિયમો હેઠળ ડ્રીમ ૧૧ આવી ગઈ તો બીસીસીઆઈ સાથે જોડાવું કંપની માટે દુઃસ્વપ્ન બની રહેશે.