ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સના ગેરકાનૂની ધંધા સામે મોદી સરકાર કેમ ચૂપ?
- ગોયલે પોતે મોદી સરકારની ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સની દાદાગીરી સામે આંખ આડા કાન કરવાની વૃત્તિ સામે આડકતરો વાંધો લીધો છે
- ગોયલે મોદી સરકારની ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સની દાદાગીરી સામે આંખ આડા કાન કરવાની વૃત્તિ સામે આડકતરો વાંધો લીધો છે. ગોયલના કહેવા પ્રમાણે, ભારતમાં ઈ-કોમર્સમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઈ)ના રોકાણ અંગે સ્પષ્ટ કાયદો છે કે, આ રોકાણ માત્ર બિઝનેસ ટુ બિઝનેસ માટે જ માન્ય છે પણ આ કાયદાનો અમલ થતો નથી. ઈ-કોમર્સ કંપનીઓ પોતાના ફાયદા માટે એવાં માળખાં ઉભાં કરી દેવાયાં છે કે જે નાના ધંધાવાળા માટે ઘાતક છે. સવાલ એ છે કે, આ ધંધો ચાલે છે છતાં મોદી સરકાર ચૂપ કેમ છે ? મોદી સરકાર કેમ કાયદાનું પાલન કરાવતી નથી ? ગોયલ પોતે કેમ ઈ-કોમર્સની આ ગેરકાનૂની પ્રવૃત્તિઓને રોકતા નથી ?
કેન્દ્રીય કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મંત્રી પિયૂષ ગોયલે ઈ-કોમર્સ પ્લેટફોર્મસ સામે બળાપો કાઢીને તેમને સારા શબ્દોમાં ગાળો આપી તેના કારણે નાના ધંધાવાળા દુકાનદારોની તકલીફો તરફ આખા દેશનું ધ્યાન ખેંચાયું છે. સાથે સાથે પિયૂષ ગોયલની હિંમતને પણ સૌ દાદ દઈ રહ્યા છે કેમ કે નરેન્દ્ર મોદી સરકારના મંત્રીઓ પઢાવેલા પોપટ જેવા છે. મોદી જે કહે તેનાથી વધારે એક શબ્દ નહીં બોલવાનો એ સિધ્ધાંતનો અમલ કરીને મોદીની નજીકના મંત્રીઓ ટકેલા છે.
ગોયલ પણ અત્યાર સુધી એ સિધ્ધાંતનો જ અમલ કરતા હતા પણ અચાનક તેમનો અંતરાત્મા કઈ રીતે જાગી ગયો એ સવાલ છે. ગોયલે મોદી સરકારની નીતિઓ વિરૂધ્ધ બોલીને ઘરભેગા થવાનો રસ્તો તૈયાર કરી દીધો છે એવી વાતો પણ થઈ રહી છે ત્યારે ગોયલે ડર્યા વિના ફરી એ જ વાતો દોહરાવીને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ ધરાવતી કંપનીઓની દાદાગીરી વિશે કેટલાક નવા મુદ્દા પણ રજૂ કર્યા છે. ગોયલના કહેવા પ્રમાણે, ભારતમાં ટેકનોલોજી આવે તેને અમે આવકારીએ છીએ પણ નાના છૂટક ધંધાના ભોગે કોઈ પણ કંપની મોટી થાય એ મંજૂર નથી. ભારતમાં ૧૦ કરોડ જેટલા નાના દુકાનદારો છે કે જેમના ધંધા પર તેમના પરિવારો નભે છે. તેમની આજીવિકા ખતમ થઈ જાય એવું કશું ચલાવી ના લેવાય.
સૌથી પહેલાં ઈ-કોમર્સના કારણે નાના દુકાનદારો કેવી તકલીફમાં છે તેની વાત કરી લઈએ. ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ આખી દુનિયામાં પગદંડો જમાવવા માટે એકસરખી મોડસ ઓપરેન્ડી અપનાવે છે. ગ્રાહકોને આકર્ષવા માટે તોતિંગ ડિસ્કાઉન્ટ આપવું, બજાર ભાવ કરતાં વીસ-પચ્ચીસ ટકા ઓછા ભાવે માલ વેચવો અને એ રીતે સ્થાનિક બિઝનેસના ગ્રાહક તોડીને પોતાની તરફ વાળીને પોતાનો માલ ખપાવી દેવો.
ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પાસે જંગી પૈસો હોય છે ને પૈસો ના હોય તો પણ બેંકો પાસેથી ઉધારી કરીને એ લોકો સસ્તા ભાવે લોકોને માલ આપે છે. તેના કારણે ખોટ થાય તો પણ ચિંતા નથી હોતી કેમ કે તેમનો અંતિમ ઉદ્દેશ નફો રળવાનો નહીં પણ બજાર પર કબજો કરવાનો હોય છે. એક વાર બજાર પર કબજો થાય ને લોકોએ પોતાની પાસેથી જ જખ મારીને માલ લેવો પડે એવી સ્થિતી પેદા થાય એટલે પછી ભાવ વધારીને જૂની ખોટ સરભર કરવી એ બહુ જૂની સ્ટ્રેટેજી છે.
એમોઝોન સહિતનાં પ્લેટફોર્મ આ જ સ્ટ્રેટેજી ભારતમાં આપનાવી રહ્યાં છે. તેની સામે ભારતના નાના ધંધાવાળા ટકી શકે તેમ નથી કેમ કે કોઈ પણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ કરતાં ઓછા ભાવે માલ આપવાની તેમની તાકાત નથી. દુકાનદારે બહુ બધા ખર્ચા ઉઠાવવા પડે છે. દુકાન ખરીદી હોય તો તેનું રોકાણ, ભાડે લીધી હોય તો તેનું ભાડું, નોકરોનો પગાર, પોતે બિઝનેસ પાછળ સમય આપે તેનું વળતર એ બધું ગણતરીમાં લેવાનું હોય છે. આ ઉપરાંત તેનો પોતાનો પરિવાર પણ ધંધા પર જ નિર્ભર હોય તેથી તેના માટે પણ ધંધામાંથી જ ભાગ કાઢવો પડે છે. આ કારણોસર નાના દુકાનદરો તૂટી રહ્યા છે ને ધંધા છોડીને ભાગી રહ્યા છે.
ઘણા દુકાનદારોની સ્થિતી તો અત્યંત કફોડી છે. ધંધાનો વિકાસ થયો હોય એટલે બેંકની લોન લઈને કે સગાં કે ઓળખીતાં પાસેથી ઉછીના પાછીના કરીને દુકાન ખરીદી લીધી હોય. તેનાં નાણાં આપવાનાં બાકી હોય ને બીજી તરફ ધંધામાં ઓટ આવવા માંડી છે. તેના કારણે હપ્તા પણ ના નિકળે એવી હાલત થઈ ગઈ છે. દુકાન વેચીને નિકળવુ હોય તો પણ ના નિકળી શકાય કેમ કે દુકાનનું કોઈ લેવાલ જ ના હોય તેથી જખ મારીને ધંધો ચાલુ રાખવો પડે. આ સ્થિતીમાથી બહાર નિકળવાનો કોઈ રસ્તો જ ના દેખાય એટલે ઘણા દુકાનદારો તો બિચારા આપઘાત કરી લે છે. તેમના પરિવારો નોંધારા થઈ જાય છે ને તેમની હાલત પણ ખરાબ થઈ જાય છે.
નાના ધંધાવાળાની હાલત એ રીતે ખરાબ છે તેમાં શંકા નથી ને આ અવદશા માટે સરકાર જવાબદાર છે. ગોયલે પોતે મોદી સરકારની ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સની દાદાગીરી સામે આંખ આડા કાન કરવાની વૃત્તિ સામે આડકતરો વાંધો લીધો છે. ગોયલના કહેવા પ્રમાણે, ભારતમાં ઈ-કોમર્સમાં સીધા વિદેશી રોકાણ (એફડીઆઈ)ના રોકાણ અંગે સ્પષ્ટ કાયદો છે કે, આ રોકાણ માત્ર બિઝનેસ ટુ બિઝનેસ માટે જ માન્ય છે પણ આ કાયદાનો અમલ થતો નથી. ઈ-કોમર્સ કંપનીઓ પોતાના ફાયદા માટે એવાં માળખાં ઉભાં કરી દેવાયાં છે કે જે નાના ધંધાવાળા માટે ઘાતક છે.
ગોયલના કહેવાનો મતલબ એ છે કે, એમેઝોન કે બીજાં વિદેશી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ સીધો ગ્રાહકને માલ વેચી ના શકે પણ ભારતમાં તો એ જ ધંધો ચાલે છે. વિદેશી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ બીજી કંપનીઓ બનાવીને લોકોને માલ વેચે છે.
સવાલ એ છે કે, આ ધંધો ચાલે છે છતાં મોદી સરકાર ચૂપ કેમ છે ? મોદી સરકાર કેમ કાયદાનું પાલન કરાવતી નથી ? ગોયલ પોતે કેમ ઈ-કોમર્સની આ ગેરકાનૂની પ્રવૃત્તિઓને રોકતા નથી ?
ગોયલે આ સવાલના જવાબ આપવા જોઈએ કેમ કે સરકારમાં તો એ પણ ભાગીદાર છે જ. ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ દેશના નાના ધંધાવાળાઓને ખાઈ જાય છે એવા પિયૂષ ગોયલના દાવા સાથે સહમત થવું જ જોઈએ પણ આ પાપ મોદી સરકાર અને ગોયલ સહિતના મંત્રીઓના કારણે જ પોષાયું છે એ વાસ્તવિકતા છે.
સીએઈટી શોભાનો ગાંઠિયો, નાના દુકાનદારોનાં હિત સાચવવામાં સક્ષમ નહીં
પિયૂષ ગોયલના દાવા પ્રમાણે, ભારતમાં ૧૦ કરોડ જેટલા નાના દુકાનદારો છે. આ આંકડો જરા અતિશયોક્તિભર્યો છે કેમ કે દેશની ૧૪૦ કરોડની વસતી જોતાં દર ૧૪ વ્યક્તિએ એક દુકાનની વાત અવાસ્તવિક લાગે છે. અલબત્ત ભારતમાં લગભગ ૩ કરોડ જેટલા નાના દુકાનદારો છે જ અને તેમાં કામ કરતા લોકો સાથે ૧૦ કરોડ લોકો તેના કારણ રોજગારી મેળવે છે. ભારતમાં નાના દુકાનદારોની સંખ્યા બહુ મોટી છે. ગામેગામ નાની નાની દુકાનો આવેલી છે ને શહેરોમાં પણ રાફડો ફાટેલો છે એ જોતાં ૩ કરોડ દુકાનદારો હશે જ.
ભારતમાં નાના વેપારીઓનું કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટ્રેડર્સ (સીએઈટી) નામનું સંગઠન પોતાને ભારતમાં નાના દુકાનદારોનું સૌથી મોટું સંગઠન ગણાવે છે. આ સંગઠન પોતે દેશના સાત કરોડ નાના દુકાનદારોનું પ્રતિનિધી હોવાનો દાવો કરે છે. દેશમાં ચાલતાં ૪૦ હજાર જેટલાં નાનાં-મોટાં વેપારી સંગઠનો પણ સીએઈટી સાથે જોડાયેલાં હોવાનો દાવો કરાય છે પણ આ સંગઠન દમ વિનાનું છે.
ભારતમાં ઈ-કોમર્સની એન્ટ્રી થઈ ત્યારથી સરકાર તેમને થાબડે છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ નાના દુકાનદારો ખતમ થઈ જાય એવી ભ્રષ્ટ રીતરસમો અમલી બનાવે છે અને સરકાર તેમની પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરે છે પણ આ સંગઠન કશું કરી શકતું નથી. ૭ કરોડ લોકોનું પ્રતિનિધી સંગઠન ધારે તો આખા દેશને ઊંચો નીચો કરી શકે પણ સીએઈટી નાના દુકાનદારોના સાચા મુદ્દાને પણ સરકાર સામે અસરકારકતાથી ઉઠાવી શકતું નથી.
ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા કારીગરોનું પણ શોષણ
એમેઝોન સહિતનાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સના કારણે ભારતનાં નાના નાના કારીગરોને પોતાનો માલ વેચવા માટે પ્લેટફોર્મ મળ્યું છે એ દાવો ભ્રામક છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ કારીગરોના શોષણ માટે પોતાને મનફાવે એવા નિયમો બનાવીને બેસી ગયા છે પણ મોદી સરકાર ચૂપ છે. આ પૈકી સૌથી વાહિયાત નિયમ એ છે કે, એક પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવનાર કારીગર બીજા પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન ના કરાવી શકે. મતલબ કે, એમેઝોન પર માલ વેચવો હોય તો ફ્લિપકાર્ટ પર ના વેચી શકો. ઈ-કોમર્સ પ્લેટફોર્મની આ દાદાગીરી સામે સરકાર કશું કરતી નથી. તેનો લાભ લઈને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ કારીગરોનું ભરપૂર શોષણ કરે છે. તેમને સાવ સસ્તા ભાવે માલ વેચવાની ફરજ પાડે છે.
ભારતમાં પરંપરાગત હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમ ચીજવસ્તુઓ બનાવવામાં સક્રિય જૂથોની સંખ્યા ૪૦૦૦ની આસપાસ છે. આ ૪૦૦૦ જૂથ આખા ભારતમાં ૭૦ લાખ કારીગરોને રોજગારી આપે છે. બીજી તરફ ભારતમાં હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમ ચીજવસ્તુઓ બનાવનારા કારીગરોની સંખ્યા ૨૦ કરોડની આસપાસ હોવાનું કહેવાય છે. હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમ ચીજવસ્તુઓ બનાવનારા કારીગરોમાં જૂતાં બનાવનારા મોચીથી માંડીને ભરતકામ કરતી બહેનો સુધીનાં બધાં આવી ગયાં.
આ કારીગરો જંગી પ્રમાણમાં માલ તૈયાર કરે છે અને વિદેશમાં તેની માગ પણ હોવાથી ભારત હેન્ડીક્રાફ્ટ ચીજોની નિકાસમાં વિશ્વના ટોચના દેશોમાંથી એક છે. હેન્ડીક્રાફ્ટ સેક્ટર ભારતને દર વરસે ૩૫ હજાર રૂપિયાનું વિદેશી હૂંડિયામણ રળી આપે છે એ છતાં મોદી સરકારે આ ક્ષેત્રને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સની રહેમ પર છોડી દીધું છે.