Get The App

ઈરાન-અમેરિકાના યુદ્ધમાં સૌથી વધુ ફાયદો ચીનને થયો

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાન-અમેરિકાના યુદ્ધમાં સૌથી વધુ ફાયદો ચીનને થયો 1 - image

- અમેરિકાએ, હથિયારો, ડોલર અને આબરૂ ગુમાવ્યા : હવે ખાડી દેશો ડોલર છોડીને ચીની કરન્સી યુઆનમાં વેપાર કરવા દબાણ કરી રહ્યા છે 

- વર્ષો સુધી ટેક્નોલોજી, સુરક્ષા અને હથિયારો આપવાના નામે અમેરિકાએ ખાડી દેશો પાસેથી ડોલરમાં ક્રૂડનો વેપાર કરાવ્યો અને સમગ્ર માર્કેટ ઉપર કબજો જમાવ્યો હતો. ઈરાન સામેના યુદ્ધે બધું જ ઉંધું કરી નાખ્યું. હવે અમેરિકાની સામે ખાડી દેશોને ચીન વધારે વિશ્વાસપાત્ર લાગી રહ્યું છે: આ યુદ્ધમાં ચીનને તો ખૂબ જ મોટો ફાયદો થયો છે. તે પહેલેથી જ ઈરાન પાસેથી સસ્તામાં ક્રૂડ ખરીદતું હતું તેથી તેને આ ફાયદો તો થયેલો જ હતો. તેમાંય યુદ્ધ દરમિયાન પણ ચીનના જહાજો ઈરાનથી નીકળીને તેના સુધી પહોંચી જ ગયા છે. હાલમાં પણ અમેરિકાએ ચીનના જહાજો અટકાવવાની હિંમત કરી નથી: ઈરાનને બરબાદ કરવા માટે અમેરિકાએ તમામ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરી લીધો. જાણકારો તો એવું માને છે કે, રશિયા અને ચીન માટે રાખેલા રોકેટ અને મિસાઈલો પણ ઈરાનને તોડી પાડવા માટે અમેરિકાએ ઉપયોગમાં લઈ લીધી છતાં તેને ધાર્યું પરિણામ મળ્યું નહીં. તેણે અબજો રૂપિયાના હથિયારો ગુમાવ્યા, અબજો ડોલરનું આંધણ કર્યું અને આખરે પરિણામ મળ્યું નહીં 

ઈરાન અને અમેરિકા વચ્ચે શરૂ થયેલું યુદ્ધ અત્યારે વિચિત્ર તબક્કામાં અટવાયેલું છે. બંને વચ્ચે ૧૪ દિવસનો યુદ્ધ વિરામ થયો હતો તે પૂરો થઈ ગયો. પહેલા તબક્કાની શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ, બીજા તબક્કાની બેઠક થઈ નહીં. હવે બંને હોર્મુઝની ખાડીમાં શિંગડા ભરાવી રહ્યા છે. બંને ત્યાંથી પસાર થતા જહાજોને અટકાવી રહ્યા છે, તેના ઉપર હુમલા કરી રહ્યા છે અને તેને કબજે કરી રહ્યા છે. બંને એકબીજા ઉપર હુમલા કરતા નથી અને ઈઝરાયેલ પણ ઠંડુ પડી ગયું છે. તેણે પણ લેબેનોન ઉપર હુમલા અટકાવેલા છે. 

અંદાજે ૪૦ દિવસ ચાલેલા આ યુદ્ધની અસર જોઈએ તો દુનિયાભરના દેશો ડામાડોળ થઈ ગયા છે. અનેક દેશોમાં ક્રૂડ અને ગેસની અછત સર્જાયેલી છે. ખાસ કરીને એશિયા અને યુરોપની સ્થિતિ ખરાબ છે. તેમની પાસે ક્રૂડ, ગેસ અને હવે ખાદ્ય પદાર્થોની પણ અછત સર્જાયેલી છે. ખાડી દેશોની સ્થિતિ પણ આવી જ છે. તેમની પાસે ખાદ્ય પદાર્થો અને પીવાના ચોખ્ખા પાણીની અછત છે. બીજી તરફ તેમનો ક્રૂડનો જથ્થો અટવાયેલો છે, નવું પ્રોડક્શન થઈ શકતું નથી અને વેપાર રોજગાર પણ અટકેલા છે. ઈરાનના બોમ્બમારાથી અનેક વિસ્તારો અને વેપાર નષ્ટ થઈ ગયા છે અથવા તો ભય હેઠળ આવીને કામ કરવાના બંધ કરી દીધા છે.

વિશ્વની આવી બદલાયેલી સ્થિતિમાં પણ બે દેશો એવા છે જેમને અધધ ફાયદો થયો છે. આ બે દેશોમાં ચીન અને રશિયાનું નામ આવે છે. રશિયાને તો ક્રૂડ વેચવાનો ફાયદો થયો અને યુક્રેન સામેના યુદ્ધ ઉપરથી દુનિયાની નજર હટી ગઈ તેનો ફાયદો થયો. બીજી તરફ ચીનને તો ખૂબ જ મોટો ફાયદો થયો છે. તે પહેલેથી જ ઈરાન પાસેથી સસ્તામાં ક્રૂડ ખરીદતું હતું તેથી તેને આ ફાયદો તો થયેલો જ હતો. તેમાંય યુદ્ધ દરમિયાન પણ ચીનના જહાજો ઈરાનથી નીકળીને તેના સુધી પહોંચી જ ગયા છે. હાલમાં પણ અમેરિકાએ ચીનના જહાજો અટકાવવાની હિંમત કરી નથી. અમેરિકાને પણ ખબર છે કે, આ યુદ્ધમાં ચીનની એન્ટ્રી થઈ તો અનેક મોચરે યુદ્ધ શરૂ થઈ જશે અને સ્થિતિ વધારે ખરાબ થશે.

જાણકારો તો એવું માને છે કે, આ યુદ્ધમાં ઈરાનને તો ઘણું ગુમાવવાનું હતું તે સ્પષ્ટ હતું પણ અમેરિકાએ ઘણું બધું ગુમાવવાનો વારો આવ્યો છે. સૌથી પહેલાં તો તેની આબરુના કાંકરા થઈ ગયા. ઈરાન જેવો દેશ સતત લડી રહ્યો છે અને અમેરિકાને તાબે થયો નહીં. તેની શરતો પણ માની નહીં. આ સિવાય ઈરાનને બરબાદ કરવા માટે અમેરિકાએ તમામ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરી લીધો. જાણકારો તો એવું માને છે કે, રશિયા અને ચીન માટે રાખેલા રોકેટ અને મિસાઈલો પણ ઈરાનને તોડી પાડવા માટે અમેરિકાએ ઉપયોગમાં લઈ લીધી છતાં તેને ધાર્યું પરિણામ મળ્યું નહીં. તેણે અબજો રૂપિયાના હથિયારો ગુમાવ્યા, અબજો ડોલરનું આંધણ કર્યું અને આખરે પરિણામ મળ્યું નહીં. 

બીજી તરફ સ્થિતિ એવી આવી છે કે, ખાડી દેશોનો અમેરિકા ઉપરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. થોડા સમય પહેલાં જ સાઉદી અરેબિયાએ નારાજગી વ્યક્ત કરી હતી. ત્યાં હમણાં યુએઈ દ્વારા ક્રૂડનો વેપાર કરવા માટે ચીનના ચલણ યુઆનની માગણી કરી હતી. યુએઈ દ્વારા કરાયેલી માગણીએ જ અમેરિકાની આબરૂના કાંકરા કરી નાખ્યા છે. વર્ષો સુધી ટેક્નોલોજી, સુરક્ષા અને હથિયારો આપવાના નામે અમેરિકાએ ખાડી દેશો પાસેથી ડોલરમાં ક્રૂડનો વેપાર કરાવ્યો અને સમગ્ર માર્કેટ ઉપર કબજો જમાવ્યો હતો. ઈરાન સામેના યુદ્ધે બધું જ ઉંધું કરી નાખ્યું. હવે અમેરિકાની સામે ખાડી દેશોને ચીન વધારે વિશ્વાસપાત્ર લાગી રહ્યું છે. ઈરાને તો યુઆનમાં પેમેન્ટ લેવાની શરૂઆત કરી દીધી છે ત્યાં યુએઈ પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે.

ઈરાનની વાત કરીએ તો ત્યાં ચીને કરોડો યુઆનનું રોકાણ કરેલું છે. ઈરાનના મોટા મોટા પ્રોજેક્ટમાં ચીનનું રોકાણ અને લોન આપેલા છે. આ સિવાય ચીને ઈરાનને હથિયારો આપ્યા છે, હથિયારો બનાવવા માટેની ટેક્નોલોજી અને કાચો માલ-સામાન પણ આપ્યો છે. તેણે ઈરાન સાથે મોટા વેપારી કરાર કરેલા છે. ઈરાન દ્વારા ચીનને સસ્તાભાવે ક્રૂડ વેચવામાં આવે છે. આ સંજોગોમાં તેઓ યુઆનમાં જ વેપાર કરે છે અને હવે દુનિયાભરના અન્ય દેશો ઉપર દબાણ કરી રહ્યા છે. ચીને ધીમે ધીમે અન્ય મિડલ ઈસ્ટના દેશોમાં પણ રોકાણ કરીને અને ટેક્નોલોજી તથા રેર અર્થ મિનરલ્સ આપવાના નામે જોડાણ કરી લીધા છે. તે હવે તેમને પોતાની તરફ કરીને અમેરિકાની ઈજારાશાહીનો અંત લાવી રહ્યું છે.

અમેરિકાની ઈજારાશાહીનો અંત લાવવા જ હવે ચીની યુઆનમાં ક્રૂડ ખરીદવાની વાત શરૂ થઈ છે. તેને હવે પેટ્રોયુઆન પણ નામ આપવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે, ભારતે પણ યુઆનમાં જ પેમેન્ટ કરીને ઈરાનથી ક્રૂડ અને ગેસ મગાવ્યા હતા. યુદ્ધ વચ્ચે પણ પુરવઠો મેળવવા યુઆનમાં પેમેન્ટ કરવું પડયું હોવાના દાવા છે. બીજી તરફ હવે અન્ય દેશો પણ યુઆનમાં જ પેમેન્ટ લેવા માંડયા છે અથવા તો માગણી કરી રહ્યા છે. તે જણાવે છે કે, ડોલરનું પતન થઈ રહ્યું છે અને યુઆન વધારે મજબૂત થઈ રહ્યો છે. છેલ્લાં ઘણા વર્ષોમાં ડોલર મજબુતી સાથે ગ્લોબલ ટ્રેડમાં દબદબો રાખી રહ્યો હતો પણ હવે અમેરિકા અને ડોલરનું વર્ચસ્વ ઘટયું છે. 

બજારના જાણકારોના મતે છેલ્લાં બે વર્ષમાં યુઆન મજબૂત થયો છે. ડોલરની સરખામણીએ તે બે ટકા વધારે મજબૂત થયો છે. તેના કરતા મોટી વાત એ છે કે, યુઆન અને ચીને હવે દુનિયાભરના નાના-નાના દેશો ઉપર મજબૂત ગ્રીપ બનાવી છે. ચીને અનેક નાના દેશોને કરોડો રૂપિયાની લોન આપીને કે તેમના પ્રોજેક્ટમાં રોકાણ કરીને તેમને પોતાને આધિન કરી લીધા છે. તેમાંય મુસ્લિમ દેશોને અને ખાડી દેશોને સુરક્ષા, ટેક્નોલોજી, રેર મિનરલ્સ અને કરોડોનું રોકાણ આપીને પોતાના પાર્ટનર બનાવી લીધા છે. એક સમયે અમેરિકા આ રીતે જ પગપેસારો કરતું હતું. અમેરિકાની ગ્રીપ ઓછી થઈ રહી છે. ટ્રમ્પની અવિચારી નીતિઓ અને પેન્ટાગોનની મેલી મથરાવટીથી લોકો પરેશાન થઈ ગયા છે. તેઓ હવે અમેરિકાને છોડીને ચીન ઉપર વિશ્વાસ કરવા લાગ્યા છે અને દબાણ વગરના લાભની આશા રાખી રહ્યા છે.

આ સિવાય બજારના પણ એવા સંકેત છે કે, ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ડોલર ઘણો નબળો પડયો છે. વૈશ્વિક ધોરણે તેનું પ્રદર્શન અને પ્રોડક્શન ઘટયા છે. યુદ્ધ શરૂ થયા પછી યુઆન સતત વધ્યો છે અને ડોલર કરતા તેનામાં ૦.૫૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. તે ધીમે ધીમે સ્ટેબલ થઈને આગળ વધી રહ્યો છે. જાણકારો માને છે કે, યુદ્ધના પગલે અમેરિકી યિલ્ડમાં તેજી છે જ્યારે ચીની યીલ્ડમાં નરમાશ જોવા મળી રહી છે. આગામી સમયમાં મોંઘવારી નિયંત્રણમાં રહેશે તો અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદર ઘટાડશે. આ વ્યાજ ઘટાડા સમયે ચીનને વધારે લાભ થશે તેવું માનવામાં આવે છે. બીજી તરફ ઘણા દેશોએ યુઆનમાં ખરીદ-વેચાણનું પ્લેટફોર્મ તૈયાર કરી લીધું છે. આગામી કેટલાક દિવસમાં તેનું અમલીકરણ પણ થઈ જાય તેવું દેખાઈ રહ્યું છે. 

ઈરાન સહિત મિડલ ઈસ્ટના કેટલાક દેશોએ જહાજો માટેનું પેમેન્ટ ક્રિપ્ટો અથવા તો યુઆનમાં કરવાનો આદેશ આપી દીધો છે. ઈરાન સાથે ડીલ કરનારા દેશોએ તો યુઆનમાં પેમેન્ટ શરૂ કરી દીધું છે.

ઈરાનની મદદથી અમેરિકાને તોડવા ડીડોલરાઈઝેશન તરફ આગળ વધવાનો પ્લાન 

વૈશ્વિક જાણકારો માને છે કે, છેલ્લાં કેટલાક સમયથી દુનિયાભરના અમેરિકાથી પીડાતા દેશો દ્વારા તેને પાઠ ભણાવવાની તૈયારી કરવામાં આવી રહી હતી. તેમાંય રશિયા, ચીન અને ઈરાન સામે તો અમેરિકાને સીધો અને મોટો વાંધો છે. તેના કારણે સતત તેમની વચ્ચે વાટાઘાટો ચાલતી હતી. અંદાજે કોરોનાકાળ બાદ ઘણા દેશોએ ડોલર સિવાય પોતાના ચલણમાં આંતરિક વેપાર કરવાની તૈયારીઓ બતાવી હતી. તેમાંય રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયા બાદ સ્થિતિ વધારે પલટાઈ હતી. અમેરિકાએ રશિયા અને ઈરાન ઉપર અનેક પ્રતિબંધો મુક્યા અને તેના કારણે બંને દેશો અકળાયા હતા. તેમણે ત્યારબાદ જોડાણ કરીને ડીડોલરાઈઝેશનની દિશામાં કામ શરૂ કરી દીધું. તેમની સાથે વેપાર કરનારા ચીન પણ આ કામગીરીમાં જોડાયું. આ સિવાય ઘણા દેશો તેમાં જોડાયા અને ધીમે ધીમે ડોલરની બાદબાકી કરીને એકબીજાના કરન્સીમાં વેપાર કરવાની શરૂઆત થઈ ગઈ. તાજેતરમાં ઈરાન અને અમેરિકાનું જે યુદ્ધ થયું તેમાં રશિયાએ બેફામ સ્તરે અને પોતાના ઈચ્છિત ભાવ સાથે વેપાર કર્યો. ઘણા દેશોને રશિયન કરન્સીમાં અને તેમના પોતાના દેશના ચલણમાં પેમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. રશિયાએ યુદ્ધના એક મહિનામાં દુનિયાભરના દેશોમાં પોતાની શરતે કરોડો ટન ક્રૂડનું વેચાણ કર્યું હતું. તેના કારણે તેને મોટો ફાયદો થયો હતો. આ ઉપરાંત ચીને પણ ઈરાન અને રશિયા પાસેથી સસ્તાભાવમાં લાખો બેરલ ક્રૂડ ખરીદી લીધું હતું. ચીનને પણ મોટો ફાયદો થયો અને બીજી તરફ તેણે ખાડી દેશોને પોતાની તરફ કરી લીધા તેથી હવે ભવિષ્યમાં પણ તેને મોટો ફાયદો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

 ઈરાને હોર્મુઝની નાકાબંદી કરીને યુઆનમાં ટોલ માગવાની શરૂઆત કરી. આ તમામ દેશો ભેગા થઈને પેટ્રોડોલરનું એક હથ્થું શાસન અટકાવીને તેમાં નવા ચલણનો યુગ શરૂ કરવા મથી રહ્યા છે. તેમાં હાલ યુઆનને પસંદ કરવામાં આવ્યું છે. ચીના વધી રહેલા દબદબાનું આ મોટું ઉદાહરણ છે.