Get The App

ધુ્રવીય પ્રદેશોનો બરફ પીગળતા પાણીની ભયાનક અછત સર્જાશે

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
ધુ્રવીય પ્રદેશોનો બરફ પીગળતા પાણીની ભયાનક અછત સર્જાશે 1 - image

21મી સદીના અંત સુધીમાં જ ગ્લેશિયર ખૂબ જ નાના થઈ જશે,  ભયાનક અને વિનાશક દુકાળની સ્થિતિ ઊભી થશે

ચિલીમાં છેલ્લાં 15 વર્ષનો સૌથી ભયાનક દુકાળ પડેલો છે. આ દુકાળ બીજું કશું જ નહીં પણ ગ્લોબલ વોર્મિંગનું જ પરિણામ છે. ગ્લેશિયર્સ જે ઝડપથી ઓગળી રહ્યા છે તે આગામી વર્ષોમાં પાણીની મોટી તંગી ઊભી કરે તેમ લાગી રહ્યું છે. સંશોધકોના મતે આ સદીના અંત સુધીમાં દુનિયાના ઘણા દેશોમાં પાણીની ભયાનક તંગી ઉભી થશે : ચિલીના લોકો દર પાંચ કે છ વર્ષે આવતા દુકાળથી ટેવાયેલા હતા અને આ દુકાળ સામાન્ય રીતે એક કે બે વર્ષ ચાલતો જ હતો. આ વખતે શરૃ થયેલા ભીષણ દુકાળે લોકોની હિંમત અને આશા બંને ઉપર પાણી ફેરવી દીધું  : એન્ટાર્કટિકાના હેક્ટોરિયા ગ્લેશિયરની જેમ અન્ય ગ્લેશિયર પણ પીગળીને તુટવા લાગશે અને દરિયામાં ટકારઈને ઓગળવા લાગશે તો તેમાંથી નીકળતું પાણી સમુદ્રનું જળસ્તર વધારી દેશે. તેના કારણે સમુદ્રના કિનારે આવેલા શહેરો ડુબી જવાની શક્યતાઓ વધી જશે 

ગ્લેશિયરોનું વોટર બફર નિષ્ફળ જઈ રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે સ્થિતિ એટલી વિકટ થઈ રહી છે કે, હિમાલય, આલ્પ્સ અને દુનિયાના અન્ય હિમાચ્છાદિત પર્વતોનો બરફ ઓગળી રહ્યો છે. તે ઉપરાંત જે વિશાળ ગ્લેશિયર્સ છે તેમાનો બરફ પણ ઝડપથી ઓગળી રહ્યો છે અને તેના કારણે ભયાનક સ્થિતિ સર્જાવાની શક્યતાઓ છે. જાણકારોના મતે ગ્લેશિયર્સનો બરફ જે ઝડપી પીગળી રહ્યો છે તે જોતાં લાગે છે કે, ૨૧૦૦ની સાલ આવતા સુધીમાં દુનિયામાં મોટો જળ પ્રલય આવશે. આ જળ પ્રલય પાણીના કારણે નહીં પણ પાણી વગર આવશે. પાણી સુકાઈ જશે અને ભયાનક દુષ્કાળ પડશે. 

જાણકારો કહે છે કે દુનિયા એક એવી સમસ્યા તરફ આગળ વધી રહી છે જેની કલ્પના કરવી પણ ધુ્રજાવી દેનારી છે. ચિલીમાં છેલ્લાં ૧૫ વર્ષનો સૌથી ભયાનક દુકાળ પડેલો છે. આ દુકાળ બીજું કશું જ નહીં પણ ગ્લોબલ વોર્મિંગનું જ પરિણામ છે. ઓસ્ટ્રિયાની ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ પોતાના અહેવાલમાં જણાવ્યું કે, હાલમાં ગ્લેશિયર્સ જે ઝડપથી ઓગળી રહ્યા છે તે આગામી વર્ષોમાં પાણીની મોટી તંગી ઊભી કરે તેમ લાગી રહ્યું છે. સંશોધકોના મતે આ સદીના અંત સુધીમાં પાણીનો બફર સ્ટોક ગણાતા ગ્લેશિયર્સ પીગળી જશે અને દુનિયાના ઘણા દેશોમાં પાણીની ભયાનક તંગી ઉભી થશે. તે ઉપરાંત દુષ્કાળ પડશે. જાણકારોનું કહેવું હતું કે, આ વાત માત્ર ચિલી કે અન્ય ધુ્રવિય પ્રદેશોના ગ્લેશિયર ઉપર આધાર રાખતા દેશો માટે નથી, ભારતને પણ આ બાબત લાગુ પડે છે. ભારત સહિતના તમામ દેશો જે પાણી માટે ગ્લેશિયર્સ ઉપર આધાર રાખે છે તેમના માટે આ સંશોધન રેડ એલર્ટ સમાન છે.

ઉલ્લેખનીય છે કે, ચિલીમાં ભીષણ અને સતત ૧૫ વર્ષનો સૌથી મોટો દુકાળ જોવા મળી રહ્યો છે. ચિલીના પાણીના સંસાધનો ઝડપથી સુકાઈ રહ્યા છે અને ખાલી પણ થઈ રહ્યા છે. ચિંતાજનક વાત એ છે કે, આજથી માત્ર થોડા વર્ષ પહેલાની જ સ્થિતિ વિચારીએ તો આવો વિચાર કોઈને આવ્યો જ નહીં હોય કે, ચિલીમાં દુકાળ પડશે અને પાણીના સ્ત્રોત સુકાવા લાગશે કે ઘટી જશે. આઈએસટીએના સંશોધકે જણાવ્યું કે, આજથી એક દાયકા પહેલા જ ૨૦૧૫માં વૈજ્ઞાાનિકોને અંદાજ આવ્યો હતો કે, ચિલીમાં ક્યારેય અટકે નહીં તેવો દુકાળ પડવા જઈ રહ્યો છે. 

સંશોધકોએ જણાવ્યું કે, ક્લાઈમેટ અસેસમેન્ટ માટે બનાવેલા એક પણ મોડયુલમાં આટલા મોટા દુકાળનું કોઈ પૂર્વાનુમાન લગાવાયું નહોતું. સ્થિતિ તો ત્યાં સુધી પહોંચી છે કે, વર્તમાન ક્લાઈમેટ મોડલ્સે પણ આવી દુષ્કર પરિસ્થિતિઓને ખોટી ગણાવી હતી. વાસ્તવિકતા એટલી જ છે કે, કોઈપણ ધારણાઓ અને ગણતરીઓ ખોટી સાબિત થઈ છે અને ચિલીમાં ભયાનક દુકાળની સ્થિતિ ઊભી થઈ છે. ચિલીમાં ઊભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને જ સંશોધકો હવે અનુમાન લગાવી રહ્યા છે કે, આપણે ભવિષ્યમાં ભયાનક જળસંકટ માટે તૈયાર રહેવું પડશે.

આ સમસ્યાનું સમાધાન શોધવા માટે સ્વિસ ફેડરલ ઈન્સ્ટિટયૂટ ફોર ફોરેસ્ટ, સ્નો એન્ડ લેન્ડસ્કેપ રિસર્ચમાં કાર્યરત ચિલીના અર્થ સાયન્ટિસ્ટો દ્વારા સંયુક્ત રીતે કામ કરવામાં આવી રહ્યું છે. આ સંશોધકોની ટીમ દ્વારા ચિલીના વર્તમાન ભયાનક દુકાળ અને અન્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને એક ફ્યુચરિસ્ટિક મોડલ બનાવવામાં આવ્યું છે. તેમના એનાલિસીસમાં વર્તમાન ગ્લેશિયર્સની સ્થિતિ, ભૂતકાળની સ્થિતિ અને આગામી સમયમાં એન્ડેસ ગ્લેશિયની સ્થિતિ કેવી હશે તેના ઉપર કામ કરવામં આવ્યું છે. કહેવાય છે કે, આ વોટર ટાવર્સ જેવા ગ્લેશિયર હાલમાં પોતાનું અસ્તિત્વ ટકાવા કુદરતી રીતે મહેનત કરી રહ્યા છે અને પાણી બફર કરી રહ્યા છે. જાણકારોના મતે ચિલીના લોકો દર પાંચ કે છ વર્ષે આવતા દુકાળથી ટેવાયેલા હતા અને આ દુકાળ સામાન્ય રીતે એક કે બે વર્ષ ચાલતો જ હતો. આ વખતે શરૃ થયેલા ભીષણ દુકાળે લોકોની હિંમત અને આશા બંને ઉપર પાણી ફેરવી દીધું. લોકોને આશા હતી કે સ્થિતિ કાબુમાં આવી જશે પણ ઝડપથી તેમનો ભ્રમ તૂટી ગયો.

સંશોધકોએ સૌથી પહેલાં તો ચિલીની સ્થિતિ ઉપરથી જ ભવિષ્યની સ્થિતિનો કયાસ કાઢવાનો પ્રયાસ કર્યો. તેમાં શોધવામાં આવ્યું કે, હાલમાં જે દુકાળની સ્થિતિ ચાલે છે તે આગળના સમયમાં પણ ખેંચાશે તો શું થશે. સંશોધકો દ્વારા તૈયાર કરાયેલા મોડલેમાં સાઉથ એન્ડેસના ૧૦૦ સૌથી મોટા ગ્લેશિયર્સ ઉપર ધ્યાન કેન્દ્રીત કરાયું અને તેમાં સિઝનના સૌથી વધારે બરફ વર્ષા અને વરસાદમાં ભેગા થયેલા પાણીનો પણ તાગ મેળવવામાં આવ્યો. તેમણે દુકાળની પહેલાના ૧૦ વર્ષ અને દુકાળના ૧૦ વર્ષનો ડેટા ભેગો કર્યો અને તારણ કાઢયા. સંશોધકોએ જણાવ્યું કે, અમે ગ્લેશિયર્સની ઓગળવાની ઝડપ અને તેની આકારમાં થતા ઘટાડા અંગે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે, ૨૧મી સદીના અંત સુધીમાં જ ગ્લેશિયર વર્તમાન આકાર કરતા ખૂબ જ નાના થઈ જશે. તેઓ ફરી એક વખત ભયાનક અને વિનાશક દુકાળની સ્થિતિ ઊભી કરશે.

સંશોધકો જણાવે છે કે, સાઉથ એન્ડેસના ૧૦૦ સૌથી મોટા ગ્લેશિયરો વધ્યા છે તે પણ ગરમીઓમાં ઓગળી જશે હાલમાં જે પાણી આપી શકે છે તેનાથી અડધું પાણી પણ નહીં આપી શકે. નાના ગ્લેશિયરોની તો સંશોધનમાં ગણતરી પણ કરવામાં આવી નથી કારણ કે તેમાં મોટા જથ્થામાં પાણી હોતું નથી. 

જાણકારોના મતે તે સમય સુધીમાં તો કદાચ નાના ગ્લેશિયરો સાવ પીગળી ગયા હશે. હાલમાં ચિલીમાં જે સ્થિતિ સર્જાઈ છે તે ૨૧૦૦મી સદી સુધીમાં તો ભયાનક સ્તરે વિસ્તરી ગઈ હશે. આ કુદરતી આપત્તી લોકો સહન પણ કરી શકે તે સ્થિતિમાં નહીં હોય.

પર્યાવરણ સાથે સંકળાયેલા કેટલાક જાણકારો માને છે કે, આ સ્થિતિ ખરેખર સાચી છે અને સાચી રીતે વિચારી શકાઈ છે કે નહીં તે પણ સવાલ છે. કેટલાક સંશોધકો માને છે કે, આ સ્થિતિ વિશે યોગ્ય આકલન કરાયું નથી અને આટલા ખરાબ સ્તરે દુકાળ પડી શકે તેમ નથી. ચિલીના સંશોધકો માને છે કે, આ માત્ર સામાન્ય વિચાર નથી. વર્તમાન સ્થિતિના આધારે તૈયાર કરાયેલા મોડલ્સને ધ્યાનમાં રાખીને અત્યંત ખરાબ સ્થિતિની કલ્પના કરવામાં આવી છે. મોટાભાગે સંશોધકો ગ્લોબલ વોર્મિંગની અત્યંત વિકટ સ્થિતિની કલ્પના કરતા નથી પણ ચિલી તેનું ઉદાહરણ છે. તેના આધારે જ ભવિષ્યમાં શું સ્થિતિ થઈ શકે તેની ધારણા કરવામાં આવી છે. તેના આધારે જ માનવામાં આવી રહ્યું છે કે, ૨૧૦૦ની સાલ સુધીમાં ભયાનક દુકાળની સ્થિતિ ઉદભવી શકે તેમ છે. સામાન્ય દુકાળ તો ઘણા પડતા હોય છે પણ મેગાડ્રોટ એટલે કે ભયાનક દુકાળની સ્થિતિ પહેલી વખત આવી છે અને ભવિષ્યમાં આવશે તે વાતને નકારી શકાય નહીં.

બીજી તરફ કેટલાક સંશોધકો માને છે કે, મેગાડ્રોટને પરિભાષિત કરવા મુશ્કેલ છે. ભયાનક દુકાળની સ્થિતિ કોને કહેવી અને તેનું સર્જન કેવી રીતે થાય છે તે મુદ્દે પણ સંશોધકોમાં મતમતાંતરો છે. સંશોધકોને તેના કારણો અંગે પણ શંકા છે. 

સંશોધકો તેના નક્કર કારણો ઉપર પણ એકમત થયા નથી કે કોઈ તારણ ઉપર આવ્યા નથી. હાલની જે સ્થિતિ છે અને ગ્લોબલ વોર્મિંગની અસર જે રીતે વકરી કરી છે તે જોતાં આગામી સમયમાં મેગાડ્રોટ ન્યૂનોર્મલ બની જશે. 

- ગ્લોબલ વોર્મિંગ : એન્ટાર્કટિકાનો હેક્ટોરિયા ગ્લેશિયર, ૧૫ મહિનામાં ૨૫ કિ.મી ઓગળ્યો 

ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ અંગે જે કાગારોળ મચી છે તે ખરેખર ચિંતાજનક સ્થિતિમાં છે. સંસ્થાઓ અને દેશો ભલે બરાડા પાડે પણ તેને અકાવવા કોઈ નક્કર પગલાં લેતા નથી. તેનું પરિણામ ભોગવવું જ પડે છે. 

તાજેતરમાં ગ્લોબલ વોર્મિંગનું વધુ એક વરવું પરિણામ સામે આવ્યું છે. 

એન્ટાર્કટિકામાં આવેલો હેક્ટોરિયા ગ્લેશિયર ૨૫ કિ.મી જેટલો ઓગળી ગયો હોવાનું સામે આવ્યું છે. 

જાણકારોના મતે માત્ર ૧૫ મહિનામાં જ આ ગ્લેશિયરનો ઘેરાવો ૨૫ કિલોમીટર જેટલો ઓછો થઈ ગયો છે. એન્ટાર્કટિકાના પૂર્વી પેનન્સુલામાં આવેલો આ ગ્લેશિયર ૩૦૦ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. સંશોધકોના મતે જાન્યુઆરી ૨૦૨૨થી માર્ચ ૨૦૨૩ સુધીમાં આ ગ્લેશિયર અંદાજે ૨૫ કિ.મી જેટલો ઓછો થઈ ગયો છે. નવેમ્બર ૨૦૨૨માં જ તે ૮ કિ.મી જેટલો ઓછો થઈ ગયો હતો. સંશોધકોએ જણાવ્યું કે, કોઈપણ ગ્લેશિયર આટલી ઝડપથી ઓગળ્યું જ નથી. હેક્ટોરિયા પોતે પણ જે ઝડપથી ઓગળ્યું છે તે અકલ્પનિય છે. 

છેલ્લાં ઘણા વર્ષોમાં તેની બરફ ઓગળવાની ઝડપ કરતા ૨૦૨૨-૨૩માં બરફ ઓગળવાની ઝડપ ૧૦ ગણી વધારે છે. વૈજ્ઞાાનિકો જણાવે છે કે, ૨૦૨૨થી આ પહાડમાં અને ગ્લેશિયરમાં કંઈક એવું થયું છે જેના કારણે તે ઝડપથી ઓગળવા લાગ્યો છે. તે સમયે ગ્લેશિયરની આગળની સમુદ્રમાં સર્જાયેલી બરફની દીવાલ તુટી ગઈ જે આ બરફને નબળો પડતા રોકતી હતી. 

સંશોધકો માને છે કે, કિનારાથી છૂટા થયા પછી આ ગ્લેશિયરનો એક મોટો હિસ્સો સમુદ્રમાં તરવા લાગ્યો. પાણીના મોજા અને વરસાદી પાણી તેને ધીમે ધીમે અંદરથી ઓગાળી રહ્યા છે અને તેને કારણે તેનું કદ ઘટી રહ્યું છે. જાણકારો માને છે કે, આ વાત માત્ર હેક્ટોરિયાને જ લાગુ પડે છે તેમ નથી. 

અન્ય ગ્લેશિયર પણ આ રીતે જ તુટવા લાગશે અને દરિયામાં ટકારઈને ઓગળવા લાગશે તો તેમાંથી નીકળતું પાણી સમુદ્રનું જળસ્તર વધારી દેશે. તેના કારણે સમુદ્રના કિનારે આવલા શહેરો ડુબી જવાની શક્યતાઓ વધી જશે. કોસ્ટલ દેશો અને શહેરોમાં રહેતા લોકો માટે આ સ્થિતિ જીવલેણ અને જોખમી બની શકે છે.