Get The App

અમેરિકી પ્રમુખો વિદેશી વડાનું અપમાન કરવા પંકાયેલા છે

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
અમેરિકી પ્રમુખો વિદેશી વડાનું અપમાન કરવા પંકાયેલા છે 1 - image


- લિંડન જોનસનથી શરૂ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી અમેરિકામાં ઘણા તુંડમીજાજી પ્રમુખો આવ્યા જેમણે બીજાને દબાવવા પ્રયાસ કર્યા

- બીજી વખત પ્રમુખ બનેલા ટ્રમ્પનો તોર અલગ જ છે, પહેલાં ઝેલેન્સ્કિનું અપમાન કરી નાખ્યું હતું હવે સાઉથ આફ્રિકન પ્રમુખ રામાફોસાને પણ જાહેરમાં ધધડાવી કાઢયા : ૧૯૬૫માં અમેરિકાના પૂર્વ પ્રમુખ લિંડન જોનસને તો કેનેડાના ૬૯ વર્ષના પીએમ લેસ્ટરને ધક્કો મારી દીધો હતો : નિક્સનના કાર્યકાળમાં તો વ્હાઈટ હાઉસમાં સૌથી વધુ વંશવાદી, સેક્સિસ્ટ અને અભદ્ર ભાષાનો ઉપયોગ થતો હતો 

અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામાફોસાનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું હતું. બંને વડાઓની વ્હાઈટહાઉસ ખાતેની બેઠક દરમિયાન એકાએક ટ્રમ્પ ઉગ્ર થઈ ગયા અને સાઉથ આફ્રિકામાં થયેલી હિંસા વિશે આફ્રિકાના પ્રમુખને દોષ દેવા લાગ્યા. તેમના ઉપર ગોરા લોકોના નરસંહારને કાબુ નહીં કરી શકવાના આરોપ મુકવા લાગ્યા. રામાફોસાએ આ મુદ્દે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તેઓ ધરાર માન્યા નહીં અને પોતાની જ વાતો ચલાવે રાખી. તેમણે ગોરા ખેડૂતોના નરસંહાર બદલ રામાફોસાને જવાબદાર ઠેરવ્યા. તેઓ હિંસા કાબુ નહીં કરી શકતા હોવાના પણ આરોપો મૂક્યા. આ હિંસાના વીડિયો પણ વ્હાઈટહાઉસમાં બતાવીને રામાફોસાને ક્ષોભમાં મુકવાનો પ્રયાસ કર્યો. આમ જોવા જઈએ તો ટ્રમ્પે જે કર્યું તે કંઈ જ નવું નથી. સત્તાના મદમાં છકી ગયેલા ટ્રમ્પે આ પહેલા પણ આવું કર્યું જ છે. 

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વ્હાઈટ હાઉસમાં બોલાવીને યુક્રેનના વડાનું પણ અપમાન કરવામાં આવ્યું હતું. વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું અપમાન કરી નાખ્યું અને ઝેલેન્સ્કીને અમેરિકી પ્રમુખની ઓફિસમાંથી હાંકી કાઢવામાં આવ્યા. અમેરિકી પ્રમુખ દ્વારા અન્ય દેશના વડા સાથે આવું અપમાનજનક વર્તન કરવા મુદ્દે સમગ્ર વિશ્વમાં આક્રોશ છે. લોકોમાં ભલે આક્રોશ હોય પણ આ મુદ્દે દુનિયા કશું જ કરી શકી નથી અને કદાચ કરવાની પણ નથી. અમેરિકી પ્રમુખો તુંડમીજાજી રહ્યા છે અને રહેવાના છે. તેમની તુમાખીમાં કોઈ ફેરફાર થવાનો નથી. તેઓ મહાસત્તા હોવાના મદમાં રાચ્યા કરે છે અને ગમે તેનું અપમાન કરે છે અને કરતા રહેશે. અમેરિકી પ્રમુખો આ રીતે અન્ય દેશના વડાઓ અને પ્રમુખોનું અપમાન કરવા માટે પંકાયેલા છે. આ ઘટનાઓ દાયકાઓથી ચાલતી જ આવી છે. 

અમેરિકી પ્રમુખની તોછડાઈ, હિંસક મનોવૃત્તિ અને અપમાનજનક ભાષાના પ્રસંગો જોઈએ તો તેમાં અમેરિકી પૂર્વ પ્રમુખ લિંડન જોનસન મોખરે આવે છે. 

તેઓ તો હિંસા કરવા ઉપર ઉતરી આવ્યા હતા. ૧૯૬૫માં જ્યારે કેનેડાના વડા પ્રધાન લેસ્ટર પીયરસન અમેરિકી પ્રમુખ લિંડન બી. જોનસનને મળવા માટે અમેરિકા ગયા હતા ત્યારે વ્હાઈટહાઉસમાં તેમની સાથે હિંસા કરવામાં આવી હતી. વ્હાઈટહાઉસમાં પ્રેસિડેન્ટ ઓફિસમાં વાતચીત દરમિયાન લિંડન જોનસન એટલા ઉશ્કેરાઈ ગયા કે તેમણે કેનેડાના વડા પ્રધાન પીયરસનને પોતાની ઓફિસની દીવાલ તરફ ધક્કો મારી દીધો હતો. આ ઘટનામાં ૬૯ વર્ષના પીયરસનનું માથું દીવાલ સાથે ભટકાતા રહી ગયું હતું. આ ઉપરાંત તેમણે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને તેમને ધમકાવી પણ નાખ્યા. જોનસનના આવા વર્તનથી પીયરસન ડઘાઈ ગયા હતા. તેમને લાગ્યું કે, આવા કોઈ અમેરિકી પ્રેસિડેન્ટ હોઈ શકે જે અન્ય દેશના વડા સાથે આવું વર્તન કરી શકે. અમેરિકાના ઘણા એવા રાષ્ટ્રપતિઓ છે જેઓ અન્ય દેશના નેતાઓ સાથે સૌહાદપૂર્ણ વર્તન કરી શક્યા નહોતા.

જોનસન જ નહીં બીજા ઘણા અમેરિકી પ્રમુખો છે જેમણે અપમાનજનક વાતો કરીને, સંવેદનાહિન વર્તન કરીને કે પછી ધમકી આપીને બીજા દેશોના નેતાઓને ધમકાવ્યા હતા. એક ઘટના એવી છે કે, જ્યોર્જ ડબ્લ્યૂ બુશની સાથે મુલાકાત કરવા માટે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ આવ્યા હતા ત્યારે બની હતી. જી૮ સંમેલન દરમિયાન બુશે અચનાક મર્કેલના ખભે હાથ મુકી દીધો જેના કારણે મર્કેલ થોડા અસહજ થઈ ગયા. દુનિયાભરના લોકોએ બુશના આ વ્યવહારની ટીકા કરી હતી. બરાક ઓબામાએ ૨૦૧૨માં જ્યારે રશિયાના પ્રમુખ દિમિત્રી મેદવેદેવ સાથે ઓફ ધ રેકોર્ડ વાત કરી ત્યારે વિવાદ થયો હતો. તે સમયે ઓબામાએ મેદવેદેવને કહ્યું હતું કે, પુતિન સાથે તેઓ વધારે સૌમ્યતાથી વ્યવહાર કરી શકે છે. તેમના આ નિવેદને ઘણો વિવાદ ઊભો કર્યો હતો. 

જાણકારોના મતે અમેરિકી પ્રમુખો દ્વારા માત્ર વિદેશી નેતાઓ સાથે જ નહીં પોતાના સ્ટાફ સાથે પણ તોછડાઈ અને ઉદ્ધતાઈથી વર્તન કરવામાં આવતું હોવાના ઘણા પુરાવા છે. જ્હોન એફ કેનેડીની જ વાત કરીએ તો તેઓ પણ ઉદ્ધત નેતા ગણાતા હતા. તેમના કાર્યકાળમાં વ્હાઈટ હાઉસમાં ખાનગી જીવન વિશે અસભ્યતાની સ્થિતિ હતી. તેઓ મહિલાઓ પ્રત્યે પણ આપત્તિજનક વ્યવહાર કરતા હતા. તેવી જ રીતે નિક્સન પણ વ્હાઈટ હાઉસમાં અસભ્ય ભાષાનો ઉપયોગ કરતા હતા. તેમના સમયમાં વ્હાઈટ હાઉસમાં સૌથી વધારે વંશવાદી, જાતીવાદી, સેક્સિસ્ટ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હતો. 

લિંડન જોનસન પણ ખૂબ જ આક્રમક હતા. તેઓ લોકોને ધમકાવતા અને ગંદી ગાળો દેતા હતા. સ્ટાફ પણ તેમની આસપાસ જવામાં અને રહેવામાં ગભરાતા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પણ સોશિયલ મીડિયા અને ભાષણોમાં ખૂબ જ અસભ્ય ભાષાનો ઉપયોગ કરે છે. તેઓ પણ ઘણા પ્રસંગે શિષ્ટાચારને ત્યજીને બેફામ રીતે બોલતા અને વાત કરતા જોવા મળ્યા છે. 

સૂત્રોના મતે જ્હોન એફ કેનેડી પણ તુંડમીજાજી હતા. તેમણે એક વખત વિએના શિખર સંમેલનમાં સોવિયેત નેતા નિકિતા ખુશ્ચેવ સાથે ગરમાગરમી કરી દીધી હતી. બંને નેતાઓ એકબીજાની સામે ઉગ્ર ભાષામાં વાતચીત ઉપર ઉતરી આવ્યા હતા. બીજી તરફ આ દરમિયાન કેનેડાના ઉગ્ર સ્વભાવની પણ વ્હાઈટ હાઉસ ખાતે ટીકા થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેનેડીએ વ્હાઈટ હાઉસમાં એક સેક્સ સ્કેન્ડલ છુપાવવા માટે લોકોને ગાળો ભાંડી હતી અને ધમકીઓ પણ આપી હતી. તેમના વિશે કાયમ એવો મત રહ્યો છે કે, તેઓ મહિલા કર્મચારીઓ સાથે ખૂબ જ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હતા. 

થિયોડોર રૂઝવેલ્ટ પણ આવા જ નેતા હતા. તેઓ પોતાના ભાષણમાં ગુસ્સો કાઢતા અને હિંસાત્મક અભિગમ સાથે વાત કરતા હતા. તેઓ આકરી ભાષાનો ઉપયોગ કરતા હતા. 

આ ઉપરાંત અમેરિકી તત્કાલિન પ્રમુખ રિચર્ડ નિક્સન અને ભારતીય તત્કાલિન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની બેઠક પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી. અમેરિકા દ્વારા તે સમયે ભારત ઉપર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું હતું કે, તે પાકિસ્તાન ઉપર હુમલો ન કરે. 

નિક્સન દ્વારા ભારતીય પીએમ માટે ડાકણ, ડોશી જેવા શબ્દોનો ઉપયોગ કરાયો હતો. તે ઉપરાંત તેણે ભારતને ગંદો દેશ અને ભીખારીઓનો દેશ કહ્યો હતો. વ્હાઈટ હાઉસમાં થયેલી આ બેઠકના રેકોર્ડિંગ બહાર આવ્યા ત્યારે મોટો વિવાદ થયો હતો. પાકિસ્તાન દ્વારા જ્યારે બાંગ્લાદેશ ઉપર હુમલો કરાયો અને નરસંહાર શરૂ થયો ત્યારે બાંગ્લાદેશીઓ શરણ માટે ભારત આવ્યા હતા. 

એક કરોડ શરણાર્થીઓને ભારતમાં સમાવી શકાય તેમ હતું નહીં. ભારતે યુએન અને અમેરિકા સામે આ સ્થિતિ મુકી હતી. તે સમયે પાકિસ્તાનને અમેરિકાનું સમર્થન વધારે હતું. તેના કારણે તેમણે ભારતને પૂર્વ પાકિસ્તાન સામે પગલાં ન લેવા દબાણ કર્યું.

નિક્સન જેવા પ્રમુખોને ઈન્દિરા ગાંધી જેવા નેતા સીધા કરી શકે 

પાકિસ્તાન મુદ્દે જ્યારે ઈન્દિરા ગાંધી અમેરિકા પહોંચ્યા ત્યારે તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. અમેરિકી પ્રમુખ રિચર્ડ નિક્સન અને તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હેનરી કિસિંજર પાકિસ્તાનને સમર્થન આપતા હતા. તેઓ નહોતા ઈચ્છતા કે પાકિસ્તાનના કામમાં ભારત દખલ દે. તેના કારણે તેમણે ઈન્દિરા ગાંધીની સાથે બેઠકમાં અભદ્ર ભાષાનો પ્રયોગ શરૂ કરી દીધો. તેઓ ઈન્દિરા ગાંધીનું અપમાન કરવા લાગ્યા. તેમણે ઈન્દિરા ગાંધી ઉપર દબાણ કર્યું કે, તેઓ પૂર્વ પાકિસ્તાનમાં સૈન્ય કામગીરી ન કરે. તેના માટે તેમણે બેઠક દરમિયાન ઈન્દિરા ગાંધી વિરુદ્ધ અભદ્ર ભાષા અને શબ્દોનો પ્રયોગ શરૂ કર્યો. તે સિવાય ભારત વિશે પણ ખરાબ ભાષાનો પ્રયોગ કરવા લાગ્યા. તેના કારણે ઈન્દિરા ગાંધી અકળાયા અને બેઠક છોડીને જતા રહ્યા. અમેરિકા અને તેના પ્રમુખો બીજા દેશો અને તેના પ્રમુખોને દબાવવા માટે જાણીતા છે. પૂર્વ પાકિસ્તાન મુદ્દે નિક્સન અને કિસિંજરે જે રીતે ઈન્દિરા ગાંધી સાથે વર્તન કર્યું હતું તેનાથી લાગતું હતું કે, તેઓ કોઈ પગલાં નહીં લે. નિક્સનની ધારણાથી વિરુદ્ધ ઈન્દિરા ગાંધીએ ભારતીય સેનાને મોકલી અને કામગીરી કરાવી. અમેરિકાની નારાજગી અને ધમકીઓ વચ્ચે ભારતે ત્યાં સૈન્ય કામગીરી કરી. ઈન્દિરા ગાંધીએ જે રીતે જવાબ આપ્યો હતો તેવો જવાબ કોઈ દેશે અમેરિકાને ક્યારેય આપ્યો નહોતો. સમગ્ર દુનિયા ભારતની આ કામગીરીથી સ્તબ્ધ થઈ ગઈ હતી. અમેરિકાએ ત્યારે પગલાં લેવા માટે પોતાના જહાજો સજ્જ કરાવ્યા. તેમણે અમેરિકી યુદ્ધ જહાજોનો કાફલો ભારત તરફ મોકલી દીધો. ઈન્દિરા ગાંધીએ તેનો પણ તોડ કાઢી રાખ્યો હતો. બાંગ્લાદેશ ઉપર પગલાં લેતા પહેલાં ભારતે સોવિયેત સંઘ સાથે મૈત્રી, શાંતિ કરાર કરી લીધા હતા. સોવિયેત સંઘે ભારતને ચીની અને અમેરિકી હુમલામાં રક્ષણ કરવાનું વચન આપ્યું હતું. અમેરિકાએ નૌસાને મોકલી ત્યારે રશિયાની સબમરીનો ત્યાં સજ્જ હતી. અમેરિકાએ વીલા મોઢે પાછા જવું પડયું અને પાકિસ્તાનના ભાગલા પડી ગયા. અમેરિકાના નાક નીચે ઈન્દિરાએ સૈન્ય ઓપરેશન પાર પાડયું. આ ઘટનાના થોડા સમય બાદ વોટરગેટ સ્કેન્ડલ બહાર આવ્યું અને નિક્સને રાજીનામું આપવું પડયું હતું. બીજી તરફ ઈન્દિરા એક મજબૂત નેતા તરીકે ઊભરી આવ્યા હતા.

Tags :