બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકાના પ્રવેશથી બદલાયેલા મધ્યપૂર્વના સત્તા, શક્તિ અને આર્થિક લાભના ગણિતને ઈરાને હજી પોતાને આધિન રાખ્યું છે
- લાંબા સમયથી રાજકીય અસ્થિરતા, સંઘર્ષ અને હિંસા સામે ઝઝુમી રહેલા મધ્યપર્વના દેશો હવે બદલાયા છે. એક સમયે શક્તિશાળી દેશોના તાબે રહેનારા આ દેશો હવે પોતાની પાસે રહેલા ખજાના અને સમૃદ્ધિને પગલે પશ્ચિમી એશિયાના જિયોપોલિટિક્સનું કેન્દ્ર બની ગયા છે ઃ મધ્યપૂર્વમાં અમેરિકાનો વધતો પ્રભાવ જ અહીંયા ઊભા થયેલા સંકટનું મુખ્ય કારણ છે. અમેરિકાએ પોતાના હિતોના રક્ષણ માટે સતત આ વિસ્તારના રાજકારણ અને આર્થિક, સામાજિક અને સામરિક નીતિઓમાં હસ્તક્ષેપ શરૂ કરી દીધો હતો. તેના કારણે સ્થાનિક શક્તિ સંતુલન વિખરાવા લાગ્યું અને ડામાડોળ થવા લાગ્યું હતું ઃ ઈરાનના વડા આયાતુલ્લા ખામેનેઈનું મોત થયું, અન્ય મહત્ત્વના સૈન્ય અધિકારીઓ અને મંત્રીઓના મોત થયા છતાં ઈરાનની સત્તા હાલી નથી. ઈરાનના વર્તમાન તંત્ર દ્વારા અને બાહ્ય વ્યવસ્થાઓ દ્વારા સ્થિતિને કાબુમાં રાખવામાં આવી છે. ઈરાને આ પડકારો વચ્ચે અમેરિકા અને ઈઝરાયેલ બંનેને આક્રમક અને મજબૂત જવાબ આપ્યો છે
અમેરિકાએ સત્તા અને વર્ચસ્વ માટે શરૂ કરેલી લડાઈ હવે બીજી દિશામાં જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. સામાન્ય રીતે કોઈપણ દેશ પોતાના કુદરતી સંસાધનો, સમુદ્રી માર્ગ કે જમીન માર્ગ, સરહદો, રણ, જંગલો અને હવાઈ સીમાઓ દ્વારા પોતાની મર્યાદાઓ નક્કી કરે છે. તે પોતે આગળ વધતો નથી અને બીજાને તેમાં ખોટી રીતે પ્રવેશવા દેતો નથી. આ બધા વચ્ચે મિડલ ઈસ્ટ અને ખાડી દેશોની સ્થિતિ સાવ જુદી છે. અહીંયાનું જિયોપોલિટિક્સ અલગ જ સ્તરે ચાલે છે. દક્ષિણ-પશ્ચિમ એશિયા, દક્ષિણ-પૂર્વ યુરોપ અને ઉત્તર-પૂર્વ આફ્રિકા સુધી વિસ્તરેલા મિડલ ઈસ્ટના દેશોની કોઈ નક્કર અને સર્વમાન્ય ભૌગોલિક સરહદ નથી.
જાણકારોના મતે આ વિસ્તારમાં રહેલા ભૌગોલિક જટિલતાઓના કારણે અહીંયા ધર્મ, કુદરતી સંસાધનો અને અન્ય બાબતોને આધારે વૈશ્વિક રાજકારણ વ્યાપક અસર કરી રહ્યું છે. ખાસ કરીને આ વિસ્તારોમાં રહેલી ઊર્જા સંસાધનોની મબલખ ઉપલબ્ધતા, સામરિક સમુદ્રી માર્ગો અને સાથે સાથે મહાસત્તાઓની આ વિસ્તારોમાં જોડાણ માટેની પારસ્પરિક હિતોની જંગને પગલે અહીંયા સ્થિતિ કફોડી થયેલી છે. લાંબા સમયથી રાજકીય અસ્થિરતા, સંઘર્ષ અને હિંસા સામે ઝઝુમી રહેલા મધ્યપર્વના દેશો હવે બદલાયા છે. એક સમયે શક્તિશાળી દેશોના તાબે રહેનારા આ દેશો હવે પોતાની પાસે રહેલા ખજાના અને સમૃદ્ધિને પગલે પશ્ચિમી એશિયાના જિયોપોલિટિક્સનું કેન્દ્ર બની ગયા છે. તેને સંતુલિત કરવામાં તેમનો મોટો ભાગ છે. તેઓ માત્ર મહાસત્તાઓના પ્યાદા બનીને રહેવા કરતા પોતાના મહત્ત્વને વધારે સાબિત કરે છે.
વાસ્તવિક સ્થિતિ એવી છે કે, મધ્યપૂર્વના દેશોમાં મોટાભાગે શક્તિ સંતુલનની વાત આવે તો તે મહાશક્તિઓના હિતોમાં અને તેમના ભાગીદાર દેશોની આસપાસ જ રહે છે. આ દેશોની તાકાત, તેમની સૈન્ય ક્ષમતા, તેમની પાસે રહેલા ક્રૂડ અને ગેસના સંસાધનો, તેમની અર્થવ્યવસ્થા અને અન્ય બાબતો ઉપર જિયોપોલિટિક્સ અને કૂટનીતિની અસરને આધારે બધું જ નક્કી થતું હતું. આ વિસ્તારમાં દાયકાઓથી અમેરિકા પોતાનું પ્રભુત્વ જણાવી રાખવા મથતું રહ્યું છે. ખાસ કરીને વિચારીએ કે બીજા વિશ્વયુદ્ધ પછી આ વિસ્તારોમાં ક્રૂડ અને ગેસના અમૂલ્ય ભંડારો હોવાને પગલે અમેરિકાએ પોતાની કૂટનીતિ, આર્થિક નીતિ અને સૈન્ય નીતિમાં આ વિસ્તારોને પ્રાધાન્ય આપ્યું હતું. તેણે જિયોપોલિટિક્સના નામે આ વિસ્તારોના કેટલાક દેશો સાથે ભાગીદારી વિકસાવી અને નવી જ રણનીતિને આધિન રહીને કામ શરૂ કર્યુંહતું. તેણે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી.
જાણકારો સ્પષ્ટ માને છે કે, મધ્યપૂર્વમાં અમેરિકાનો વધતો પ્રભાવ જ અહીંયા ઊભા થયેલા સંકટનું મુખ્ય કારણ છે. અમેરિકાએ પોતાના હિતોના રક્ષણ માટે સતત આ વિસ્તારના રાજકારણ અને આર્થિક, સામાજિક અને સામરિક નીતિઓમાં હસ્તક્ષેપ શરૂ કરી દીધો હતો. તેના કારણે સ્થાનિક શક્તિ સંતુલન વિખરાવા લાગ્યું અને ડામાડોળ થવા લાગ્યું હતું. અમેરિકાની સક્રિય ઉપસ્થિતિએ એક તરફ કેટલાક દેશો માટે સુરક્ષા અને સહયોગ મજબૂત કરી દીધા તો બીજી તરફ કેટલાક દેશો માટે રાજકીય અસ્તિરતા અને મુશ્કેલીઓને જન્મ આપ્યો.
સ્થિતિ એવી છે કે, મધ્યપૂર્વમાં ઈરાન અને અમેરિકાને સૌથી મોટ વિરોધી અને પ્રતિસ્પર્ધિ માનવામાં આવે છે. આમ જોવા જઈએ તો લગભગ છેલ્લી અડધી સદીથી તેમની વચ્ચે વિખવાદ ચાલુ છે. ૧૯૭૯માં ઈરાનમાં ધાર્મિક ક્રાંતિ થયા બાદ ઈરાને પશ્ચિમી અસર અને ખાસ કરીને અમેરિકાના પ્રભુત્વનો વ્યાપક અને મુક્ત રીતે વિરોધ કર્યો હતો. આ વિરોધ આજે પણ યથાવત્ છે. અમેરિકા અને તેના સાથી દેશો દાયકાથી માને છે કે, ઈરાન ન્યૂક્લિયર હથિયારો બનાવી રહ્યું છે. જો તે પરમાણુ હથિયારો બનાવી લેશે તો મધ્યપૂર્વના દેશોમાં શક્તિ સંતુલન સંપૂર્ણ રીતે બદલાઈ જશે. તેના કારણે જ અમેરિકા દ્વારા વારંવાર આર્થિક પ્રતિબંધો, કૂટનીતિક દબાણ અને સૈન્ય દબાણ દ્વારા ઈરાનને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
અમેરિકા જેટલી વખત ઈરાનને દબાવવાનો પ્રયાસ કરવા જાય છે તેટલી વખત અહીંયાની ક્ષેત્રીય સુરક્ષા વ્યવસ્થા, રાજકારણ, વેપાર, શક્તિ સંતુલન પણ ડામાડોળ થાય છે. તેના કારણે અહીંયાના દેશો અને તેના પગલે દુનિયાના અન્ય દેશોને નવી નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
તાજેતરમાં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન ઉપર જે હુમલો કરવામાં આવ્યો તેના કારણે વૈશ્વિક રાજકારણમાં ગંભીર પડકારો ઊભા થઈ ગયા છે. આ વિસ્તાર ઉપર સર્જાયેલા સંકટથી સમગ્ર વિશ્વ સંકટમાં મુકાયું છે. સમગ્ર વિશ્વના અર્થતંત્રને તેની માઠી અસર ભોગવવી પડી રહી છે. આ સંઘર્ષ અને યુદ્ધ લાંબા ચાલ્યા તો તેની કાળઝાળ આગ અન્ય દેશોને પણ ભડકે બાળે તેમ છે. તેની અસર જોઈએ તો હાલમાં જ વૈશ્વિક ધોરણે ક્ડના ભાવ ભડકે બળી રહ્યા છે. અનેક દેશોમાં અછત સર્જાવા લાગી છે. પેટ્રોલ-ડીઝલ અને ગેસની અછત વર્તાઈ રહી છે. અનેક દેશોના અર્થતંત્ર ડામાડોળ થવા લાગ્યા છે અને તેના કારણે તેમની જિયોપોલિટિક્સની ભૂમિકા અને રણનીતિ પણ બદલાય છે. તેના કારણે મિડલ ઈસ્ટનું ધ્રુવીકરણ નવી દિશામાં જઈ રહ્યું છે.
યુદ્ધ અને સંઘર્ષને પગલે આર્થિક અસ્થિરતા, સામાજિક તણાવ, વિસ્થાપ અને મોત વધી રહ્યા છે. તેના કારણે સમગ્ર વિસ્તારમાં અને કદાચ એમ કહીએ કે મિડલ ઈસ્ટમાં જ ગંભીર માનવ સંકટ ઊભું થયું છે જે આગામી સમયમાં વધુ આકરું થવાની ધારણા છે. હવે તે વૈશ્વિક સુરક્ષા, સ્થિરતા અને અર્થતંત્ર માટે મોટો પડકાર બની રહ્યું છે. બીજી તરફ વાત એવી પણ છે કે, મિડલ ઈસ્ટના રાજકારણમાં અમેરિકા, રશિયા અને ચીનની હાજરીને કારણે જે પડકારો અને પ્રતિસ્પર્ધા ઊભા થયેલા છે તેને પણ નકારી શકાય નહીં. ઈરાન ઉપર થયેલા તાજેતરના હુમલા અને ઈરાનના વળતા જવાબ બાદ આ સ્પર્ધા અને આયોજનો વધારે સંવેદનશિલ અને આકરા બન્યા છે.
અમેરિકા તો દાયકાઓથી આ વિસ્તારમાં પોતાના હિતોના રક્ષણ માટે સાથી દેશોની મદદથી સક્રિય છે. રશિયા અને ચીને પણ હવે અહીંયા વર્ચસ્વ જમાવી લીધું છે. તેઓ પણ પોતાના હિતોના રક્ષણ માટે સક્રિય રહે છે. રશિયાએ સીરિયા, લેબેનોન, સાઉદી અરબ જેવા વિસ્તારો ઉપર પોતાનો પ્રભાવ બનાવેલો છે. બીજી તરફ ચીને પોતાના એનર્જી સેક્ટરને ધમધતું રાખવા માટે મધ્ય પૂર્વના મોટાભાગના તમામ દેશોને સાધીને રાખ્યા છે. હાલમાં જે સ્થિતિ સર્જાયેલી છે તેમાં જો ઈરાન નબળું પડે અને અમેરિકા મજબૂત થાય તો સ્થિતિ પલટાશે. આ સંજોગોમાં રશિયા અને ચીન માટે વધુ એક મોટો પડકાર ઊભો થશે.
તેમની રણનીતિને વધુ એક સમસ્યાનો સામનો કરવાનો આવશે. તેના કારણે જ રશિયા અને ચીન દ્વારા પડદા પાછળ ઈરાનને ખૂબ જ સાથ આપવામાં આવતો હોય તેવી ચર્ચા છે. પશ્ચિમી અસરને ઓછી કરવા માટે રશિયા આ સ્થિતિમાં ઈરાનને પોતાનું સૌથી મોટું ભાગીદાર માને છે જ્યારે બીજી તરફ ચીન પણ પોતાની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા અને વ્યાપાર માર્ગોની સ્થિરતા માટે ઈરાન સાથે સારાસારી રાખી રહ્યું છે.
તેની સાથે અન્ય કોઈ વિખવાદ કે વિવાદમાં ઉતરતું નથી. તેણે અહીંયા જંગી રોકાણ કરીને પોતાની ભાગીદારી સિદ્ધ કરી છે.
- અનેક પડકારો વચ્ચે ઈરાને સંઘર્ષ ચાલુ રાખો છે જે અમેરિકાને નડે છે
જાણકારોના મતે ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ભીષણ હુમલા કરવામાં આવ્યા. તેના કારણે ઈરાનના વડા આયાતુલ્લા ખામેનેઈનું મોત થયું, અન્ય મહત્ત્વના સૈન્ય અધિકારીઓ અને મંત્રીઓના મોત થયા છતાં ઈરાનની સત્તા હાલી નથી. ઈરાનના વર્તમાન તંત્ર દ્વારા અને બાહ્ય વ્યવસ્થાઓ દ્વારા સ્થિતિને કાબુમાં રાખવામાં આવી છે. ઈરાને આ પડકારો વચ્ચે અમેરિકા અને ઈઝરાયેલ બંનેને આક્રમક અને મજબૂત જવાબ આપ્યો છે. અહીંયા એક મત વ્યાપક રીતે ચર્ચામાં આવ્યો છે કે, આ યુદ્ધના અંતે જો ઈરાન નબળું ન પડયું, અહીંયા સત્તા પરિવર્તન ન થયું અને જે રાજકીય, સામાજિક અને ધાર્મિક સ્થિતિ છે તે યથાવત રહેશે તો અમેરિકા અને તેના સાથી દેશોને ઘણી મુશ્કેલી પડે તેમ છે. તે ઉપરાંત સામરિક અને આર્થિક રીતે મોટા પડકારાનો સામનો કરવો પડે તેમ છે. ઈરાનનું ક્ષેત્રીય પ્રભુત્વ અને સક્રિયતા, સમુદ્રી માર્ગો ઉપર તેનો પ્રભાવ અને ડર તથા એનર્જી સેક્ટરમાં સપ્લાય ચેઈનમાં અસ્થિરતાના કારણે અમેરિકા અને તેના સાથીઓ જ નહીં સમગ્ર વિશ્વમાં અસ્થિરતા આવી શકે તેમ છે. તેના કારણે મધ્યપૂર્વનો તણાવ લાંબા સમય સુધી રહેશે અને વૈશ્વિક રાજકારણ, અર્થતંત્રને પણ તેની ઝાળ લાગશે. ઈરાન જો યુદ્ધ જીતી જશે અથવા તો તેનો હાથ ઉપર રહેશે અને યુદ્ધ અટકી જશે તો સ્થિતિ સાવ જ અલગ હશે. સૌથી પહેલાં તો મધ્યપૂર્વના શક્તિ સંતુલન ઉપર તેની અસર દેખાશે. ઈરાન મજબૂત હશે તો ખાડી દેશોમાંથી જ ઘણા દેશોની ચિંતા આપોઆપ વધી જશે. તેનાથી ઈરાનનો પ્રભાવ વધશે. વૈશ્વિક રાજકારણ ઉપર પણ તેની અસર જોવા મળશે. તેમાંય રશિયા અને ચીનનો સાથ મળ્યા બાદ તો ઈરાન વધારે ખુંખાર થઈ શકે છે અને અમેરિકા માટે વધારે સમસ્યો સર્જી શકે છે. ત્યારબાદ તે નેવલ ટ્રેડ અને એનર્જી સેક્ટર ઉપર પણ મોટો પ્રભાવ પાડી શકે છે. હકિકતે ટ્રમ્પના નેતૃત્વમાં થયેલા આ હુમલામાં વૈશ્વિક હિતો દાવ ઉપર લાગ્યા છે. પશ્ચિમી દેશો તેમાં જોડાયા નહીં, રશિયા અને ચીને આર્થિક લાભ લઈ અંતર જાળવ્યું અને એશિયા તેનો તાપ ભોગવી રહ્યું છે. આમ જોવા જઈએ તો મધ્ય પૂર્વમાં એજ પણ ઈરાનને ડામાડોળ કરવું મુશ્કેલ છે.


