Get The App

સેનામાં મહિલા અધિકારીઓની મોટી ભૂમિકા માટે માર્ગ મોકળો

- રક્ષા મંત્રાલયે ભારતીય સેનામાં મહિલા અધિકારીઓના સ્થાયી કમિશનનો આદેશ આપ્યો

Updated: Jul 25th, 2020

GS TEAM

Google News
Google News

- સ્થાયી કમિશનનો મતલબ એ છે કે કોઇ અધિકારી નિવૃત્તિની ઉંમર સુધી સેનામાં કામ કરી શકે છે અને નિવૃત્ત થયા બાદ પેન્શનના પણ હકદાર બને છે પરંતુ આ અંતર્ગત શોર્ટ સર્વિસ કમિશનમાં કામ કરતા પુરુષ અધિકારીઓની જ સ્થાયી કમિશનમાં નિમણૂક થતી હતી

સેનામાં મહિલા અધિકારીઓની મોટી ભૂમિકા માટે માર્ગ મોકળો 1 - image

રક્ષા મંત્રાલયે ભારતીય સેનામાં મહિલા અધિકારીઓના સ્થાયી કમિશનને અધિકૃત મંજૂરી આપી દીધી છે. હવે સેનામાં પુરુષ અધિકારીઓની જેમ જ જુદાં જુદાં મહત્ત્વના પદો પર મહિલા ઓફિસરો તૈનાત થઇ શકશે. ગત ફેબુ્રઆરીમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના પાંચ મહિના બાદ ભારતીય સેનામાં મહિલાઓના અધિકાર મામલે કેન્દ્ર સરકારે આદેશ જાહેર કર્યો છે. લાંબી ચાલેલી કાયદાકીય લડાઇ બાદ સેનામાં શોર્ટ સર્વિસ કમિશન દ્વારા ભરતી થયેલી મહિલાઓને સ્થાયી કમિશન મળી શકશે. 

સરકારની મંજૂરી બાદ ભારતીય સેનામાં મહિલા અધિકારીઓ મોટી ભૂમિકામાં જોવા મળશે. આ આદેશ અનુસાર મહિલા અધિકારીઓને આર્મી એર ડિફેન્સ, સિગ્નલ, એન્જિનિયર્સ, આર્મી એવિએશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ, આર્મી સર્વિસ કોર, આર્મી ઓર્ડિનન્સ કોર અને ઇન્ટેલિજનિસ કોર એમ ભારતીય સેનાની ૧૦ સ્ટ્રીમમાં સ્થાયી કમિશન મળવાપાત્ર છે. ઉપરાંત જજ અને એડવોકેટ જનરલ તેમજ આર્મી એજ્યુકેશન કોરને પણ આ સુવિધા મળશે. પરમેનન્ટ કમિશન સિલેક્શન બોર્ડા દ્વારા મહિલા અધિકારીઓને તૈનાત કરવામાં આવશે. 

સ્થાયી કમિશનનો મતલબ એ છે કે કોઇ અધિકારી નિવૃત્તિની ઉંમર સુધી સેનામાં કામ કરી શકે છે અને નિવૃત્ત થયા બાદ પેન્શનના પણ હકદાર બને છે. આ અંતર્ગત શોર્ટ સર્વિસ કમિશનમાં કામ કરતા અધિકારીઓ પણ સ્થાયી કમિશનમાં આવી શકે છે. શોર્ટ સર્વિસ કમિશન અંતર્ગત તૈનાત અધિકારીઓને ૧૪ વર્ષની સેવા બાદ નિવૃત્ત કરી દેવામાં આવે છે અને તેમને એ પછી પેન્શન પણ નથી મળતું. આ પહેલા મહિલાઓ માત્ર ૧૦ વર્ષ સુધી જ નેવીમાં સેવા આપી શકતી હતી. હકીકતમાં સેનામાં અધિકારીઓની ખોટ પૂરી કરવા માટે શોર્ટ સર્વિસ કમિશનની શરૃઆત થઇ હતી જે અંતર્ગત પુરુષ અને મહિલા બંનેની ભરતી કરવામાં આવતી હતી. પરંતુ સ્થાયી કમિશન માટે માત્ર પુરુષ અધિકારીઓ જ અરજી કરી શકતા હતાં. 

થોડા મહિના પહેલાં નેવીમાં મહિલાઓના સ્થાયી કમિશન અંગેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે આર્મ્ડ ફોર્સિસમાં લૈગિંક સમાનતા ન આપવાના ૧૦૧ બહાના ન હોઇ શકે. સર્વોચ્ચ અદાલતનું કહેવું હતું કે પુરુષ અને મહિલા અધિકારીઓ સાથે એક સરખો વ્યવહાર થવો જોઇએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની એ દલીલ ફગાવી દીધી જેમાં કહેવામાં આવ્યું હતું કે રશિયન જહાજોમાં શૌચાલય ન હોવાના કારણે મહિલા અધિકારીઓને સમુદ્રમાં ડયૂટી ન આપી શકાય. કોર્ટે કહ્યું કે મહિલા અધિકારીઓએ નેવીને ગૌરવાન્વિત કર્યું હોવાના પૂરતા દસ્તાવેજ મોજૂદ છે. કોર્ટે કહ્યું કે એક વખત નેવીમાં મહિલાઓને ભરતી કરવા ઉપરથી પ્રતિબંધ દૂર થઇ ગયો એ પછી સ્થાયી કમિશન આપવામાં પણ પુરુષો અને મહિલાઓ સાથે એક સરખો વ્યવહાર કરવો જોઇએ.

અગાઉ મહિલાઓના અધિકારોને લઇને સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો સંભળાવતા સેનામાં મહિલા અધિકારીઓને કમાન્ડ પોસ્ટિંગ અને સ્થાયી કમિશન આપવાનું કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે જે મહિલા અધિકારીઓએ સેનામાં ૧૪ વર્ષથી વધારે સમય સેવા આપી હોય તેમને સ્થાયી કમિશન ન આપવાનું કોઇ કારણ નથી.

હવે પુરુષ અધિકારીઓની જેમ જ મહિલા અધિકારીઓને પણ સેનામાં કર્નલ અથવા તેનાથી ઉપરના પદ મળી શકશે. હકીકતમાં કેટલીક મહિલા અધિકારીઓએ સ્થાયી કમિશન બાદ કમાન્ડ પોસ્ટિંગ આપવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે સેનામાં મહિલા અધિકારીઓની નિમણૂક એક પ્રગતિશીલ પ્રક્રિયા છે. એ સાથે જ કોર્ટે સેનામાં ખરી સમાનતા લાવવાની તાકીદ કરી હતી.

હકીકતમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી કે સેનામાં મહિલાઓને હાલ કમાન્ડર જેવા ઊંચા પદ આપવા યોગ્ય નથી. સર્વોચ્ચ અદાલતે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે મહિલાઓ પુરષો સાથે ખભે ખભા મિલાવીને કામ કરે છે ત્યારે કેન્દ્ર સરકારની મહિલા અધિકારીઓની નિમણૂક ન કરવાની નીતિ પરેશાન કરનારી છે.

સરકારની દલીલ હતી કે સેનામાં ગ્રામ્ય પૃષ્ઠભૂમિમાંથી આવનારા પુરુષોની મોટી સંખ્યા છે અને તેઓ કોઇ મહિલાની આગેવાની હેઠળ ચાલવા માટે માનસિક રીતે તૈયાર નહીં હોય. આનો અર્થ એ નીકળે કે સેનાના જવાનો માત્ર પુરુષ હોવાના કારણે જ નહીં, પરંતુ ગ્રામ્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા હોવાના કારણે તેમનો દૃષ્ટિકોણ લૈંગિક ભેદભાવવાળો હોય છે અને એટલા માટે સેનામાં કોઇ મહિલાને ઉચ્ચ પદે તેઓ જોઇ શકતા નથી. 

કોર્ટે સરકારની આ દલીલની ભારે ઝાટકણી કાઢી હતી. મહિલા અધિકારો સાથે જોડાયેલા સંગઠનો અને રક્ષા બાબતોના જાણકારોએ પણ સરકારની આ દલીલ પર અફસોસ અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. હકીકતમાં સરકારની આ દલીલ મહિલાવિરોધી જ નહીં, ગ્રામીણ લોકોને પણ સંકુચિત દૃષ્ટિના દર્શાવતી હતી. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા આપી હતી કે તેમણે લૈગિંક ભેદભાવની વાત જ નહોતી કરી.

જોકે સરકારે મહિલાઓને કમાન્ડિંગ પોસ્ટ ન આપવા માટેના અન્ય કારણોમાં માતૃત્ત્વ અને બાળકોની દેખભાળ તેમજ મહિલાઓ મનોવૈજ્ઞાાનિક રીતે પુરુષો કરતા નબળી હોવાની દલીલ પણ કરી હતી. 

સરકારની દલીલ હતી કે મહિલાઓ પુરુષો કરતા શારીરિક રીતે કમજોર હોય છે તેમજ મહિલાઓની પારિવારિક સ્થિતિ, જરૃરિયાતો અને યુદ્ધકેદી તરીકે પકડાવાનું જોખમ જેવી બાબતોના લીધે સરકાર પાછી પડે છે. જોકે યાચિકાકર્તાઓનું કહેવું હતું કે મહિલા અધિકારી પુરુષ અધિકારી કરતા ઉતરતી કક્ષાની છે એવા કોઇ અધિકૃત આંકડા નથી. કેટલાંક લોકોએ તો સેનાના પુરુષોને લૈંગિકવાદી બતાવવાના બહાને સરકાર પોતાની વિચારધારાની પૃષ્ટિ કરી રહી હોવાનો આરોપ પણ મૂક્યો.

એ પહેલા પણ વર્તમાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ બિપિન રાવતના એક નિવેદન ઉપર થોડા દિવસો પહેલાં વિવાદ સર્જાયો હતો. તેમણે કથિત રીતે કહ્યું હતું કે મહિલાઓ હજુ યુદ્ધની ભૂમિકાઓ માટે તૈયાર નથી કારણ કે તેમના પર બાળકો પેદા કરવાની અને તેમનું લાલનપાલન કરવાની જવાબદારી છે અને તેઓ ફ્રન્ટ પર અસહજતા અનુભવી શકે છે તેમજ જવાનો તેમના ક્વાર્ટરોમાં ડોકાં કરતા હોવાના આરોપ મૂકી શકે છે. 

આજના સમયમાં પણ સેનામાં મહિલાઓને ઊંચા પદ આપવામાં કે યુનિટના કમાન્ડ સોંપવામાં તેમજ યુદ્ધસ્થળો પર તેમની તૈનાતીને લઇને સવાલો થાય એ નવાઇની વાત છે. અમુક જણાનું માનવું એવું પણ છે કે યુદ્ધની હિંસા, રક્તપાત અને અન્ય ભયાનકતાઓથી મહિલાઓને દૂર રાખવી જોઇએ. એટલા માટે નહીં કે મહિલાઓ આવી સ્થિતિથી વિચલિત થઇ જશે પરંતુ એટલા માટે કે એ યુદ્ધસંહિતા, સ્ત્રીગરિમા અને તેમના માનવાધિકારનો મુદ્દો પણ છે.

મહિલાઓને ન તો હુમલાખોર કે ન તો પીડિત કે શિકારના રૃપમાં યુદ્ધમાં ન ઝોંકવી જોઇએ. જોકે નૈતિક જવાબદારી અને આદર્શને ધ્યાનમાં રાખતા આવા દૃષ્ટિકોણનો અનેક સ્તરે વિરોધ થયો છે. મહિલા અધિકારવાદીઓની દૃષ્ટિએ પણ આ વાત અસ્વીકાર્ય છે અને પ્રગતિશીલ મુક્ત વિચારધારા ધરાવતા લોકોએ પણ આને મહિલાઓને અબળા બનાવી રાખવાના પ્રયાસ ગણાવીને વખોડતા રહ્યાં છે.

આમ તો આર્મીએ મિલિટ્રી પોલિસમાં મહિલાઓની ભરતી શરૃ કરી દીધી છે. ૧૦૦ મહિલા સૈનિકોની પહેલી બેચ ૬૧ અઠવાડિયાની આકરી ટ્રેનિંગ બાદ માર્ચ ૨૦૨૧માં કમીશન લઇને સેના પોલિસનો ભાગ બનશે. મહિલા સેના પોલિસમાં કુલ ૧૭૦૦ નિમણૂક કરવામાં આવશે. તો વાયુસેનામાં મહિલાઓ ફાઇટર પ્લેનના પાયલોટ તરીકે પહેલેથી જ ડયૂટીમાં તૈનાત છે. પરંતુ નૌકાસેનામાં હજુ સુધી એ સ્થિતિ આવી નથી.

નેવીમાં શિક્ષણ તેમજ નિર્માણ કાર્યોમાં મહિલા અધિકારીઓ તો છે પરંતુ મહિલાઓને યુદ્ધ જહાજો પર તૈનાત કરવામાં નથી આવતી. સમુદ્રમાં પેટ્રોલિંગ કરતા વિમાનો માટે પરોક્ષ કોમ્બેટ ભૂમિકામાં મહિલાઓ છે. એક સરકારી આંકડા અનુસાર આર્મી મેડિકલ કોર, આર્મી ડેન્ટલ કોર અને મિલિટરી નર્સિંગ સર્વિસ જેવી સેવાઓને બાદ કરતા આર્મીમાં ૩.૮૯ ટકા, એરફોર્સમાં ૬.૭ ટકા અને નેવીમાં ૧૩.૨૮ ટકા મહિલા અધિકારી તૈનાત છે.

Tags :