- ટ્રમ્પે પહેલા કાર્યકાળમાં ભારત સાથે મિત્રતાની દાંડીઓ પીટી અને બીજા કાર્યકાળમાં ભારતને હળહળતા અન્યાય કર્યા
- ગત ફેબ્રુઆરીમાં ટ્રમ્પે ભારતના વડા પ્રધાન મોદીને વ્હાઈટ હાઉસ ખાતે આવકાર્યા હતા. ત્યાં તેમણે ડિફેન્સ, ટેક્નોલોજી અને ટ્રેડ સેક્ટરમાં મજબૂત ભાગીદારીની જાહેરાતો કરી હતી. તેમણે એકબીજાના વિશ્વાસ અને હિતોના રક્ષણની વાતો કરી અને એપ્રિલમાં ભારત ઉપર ૨૫ ટકા ટેરિફ ઝિંકી દીધો : ઓગસ્ટ મહિનામાં અમેરિકાએ ભારત ઉપર બીજો વધારાનો ૨૫ ટકા ટેરિફ નાખી દીધો. ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદીને રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયાને આર્થિક મદદ કરી રહ્યું હોવાનું બહાનું આગળ ધરીને તેણે આ ટેરિફ ઝિંકી દીધો હતો. નવાઈની વાત એ હતી કે, અમેરિકા જેને દુશ્મન ગણે છે તે ચીન ઉપર પણ 32 ટકા જ ટેરિફ હતો જ્યારે ભારત ઉપર 50 ટકા ટેરિફ આવી ગયો : જાણકારો માને છે કે, ભારતની નિષ્ફળ નીતિઓ અને પાંગળી વિદેશનીતિને પગલે ભારતને અમેરિકાએ દબાવ્યું છે અને તેનું સમયાંતરે અપમાન કરવાના પ્રયાસ કર્યા છે જે ભૂતકાળમાં ક્યારેય થયું નથી
અમેરિકામાં ટ્રમ્પના બીજા કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયું છે. ગત વર્ષે જાન્યુઆરીમાં સત્તા સંભાળ્યા બાદ ટ્રમ્પે સમગ્ર દુનિયામાં ઉથલપાથલ મચાવી દીધી છે. ટ્રમ્પ જ્યારે ચૂંટણીમાં ઉતર્યા હતા ત્યારે અમેરિકામાં વસતા ભારતીયો અને ભારતીયા રાજકારણીઓને પણ ઉત્સાહ હતો. તેઓ માનતા હતા કે, ટ્રમ્પ તેમની બીજા કાર્યકાળમાં પણ ભારત સાથે સારા સંબંધ રાખશે. ટ્રમ્પના વિજય બાદ ભારતીયોનો ઉત્સાહ અને આશા બેવડાઈ ગયા હતા પણ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ તેનીથી તદ્દન વિપરિત પરિણામ આવ્યા. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સારા મિત્ર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભૂતકાળના અમેરિકી પ્રમુખોની જેમ ગુલાંટ મારી જ લીધી. ખંધા રાજકારણ અને મેલી મથરાવટી પીસનારા અમેરિકી નેતાઓમાના જ એક ટ્રમ્પે પણ મિત્રતાના નામે બીજા કાર્યકાળમાં ભારત સાથે દગાબાજી શરૂ કરી દીધી.
બિઝનેસ ટાયકુન અને ખંધા વેપારીની છબી ધરાવતા ટ્રમ્પે પોતાના રાજકારણના બીજા કાર્યકાળમાં ભારત સહિત સમગ્ર વિશ્વ માટે ઝેરી વાતાવરણ ઊભું કરી દીધું. અમેરિકા ફર્સ્ટની નીતિઓનો બહાને અમેરિકાને સર્વોચ્ચ સત્તા અને જગત જમાદાર બનાવી રાખવા બેફામ નિર્ણયો અને અવિચારી નીતિઓ અમલમાં મુકી દીધા. તેનું એક પરિણામ એ પણ આવ્યું છે કે, છેલ્લાં ઘણા દાયકાઓથી અમેરિકાનું સૌથી નજીકનું અને વિશ્વાસપાત્ર મિત્ર ગણાતું ભારત ધીમે ધીમે દૂર જવા લાગ્યું. ખાસ કરીને ડિફેન્સ અને ટ્રેડ મુદ્દે બંને દેશો વચ્ચે જે સાયુજ્ય સધાયેલું હતું અને ભાગીદારીના એક્સપ્રેસ વે ઉપર બંને દેશો આગળ વધતા હતા તેમાં ટ્રમ્પે અનેક સ્પીડબ્રેકર અને ડાયવર્ઝન નાખી દીધા. ટ્રમ્પે બીજા કાર્યકાળના એક જ વર્ષમાં એવી કામગીરી કરી લીધી અને એવા નિર્ણયો લીધા કે ભારત તેનું દાયકા જુનું મિત્ર નહીં પણ દાયકા જુનો દુશ્મન દેશ હોય. ટ્રમ્પે બીજી વખત સત્તામાં આવ્યા બાદ ભારતને અન્યાય કરવા સિવાય કશું જ કામ કર્યું નથી.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારે ભારતીય પોલિસિમેકર્સ ગેલમાં હતા. તેમના મનમાં એક જ વિચાર હતો કે, ટ્રમ્પ પહેલા કાર્યકાળની જેમ જ વિશ્વાસપાત્ર અને હકારાત્મક હશે. ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યાના થોડા જ કલાકોમાં વ્હાઈટ હાઉસ ખાતે અમેરિકી સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની એક બેઠક બોલાવી હતી. તેમાં તેણે ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાના મંત્રીઓની વોશિંગ્ટન ખાતે સંયુક્ત બેઠક રાખી. તેમાં તેણે કાયદો અને વ્યવસ્થા જાળવવા, લોકશાહીના મુલ્યોનું જતન કરવાની, તમામ દેશોના સાર્વભૌમત્વનું રક્ષણ કરવાની અને તેમને મજબુત બનાવવાની તથા આર્થિક રીતે અને ટેક્નોલોજીની બાબતમાં સદ્ધર અને સમૃદ્ધ કરવાની વાત કરી હતી. ખાસ કરીને ઈન્ડો-પેસિફિક રીજનને વધારે મજબૂત કરવા ઉપર ભાર મુક્યો હતો.
ગત ફેબ્રુઆરીમાં ટ્રમ્પે ભારતના વડા પ્રધાન મોદીને વ્હાઈટ હાઉસ ખાતે આવકાર્યા હતા. નવાઈની વાત એ હતી કે, ટ્રમ્પે સત્તામાં આવ્યા બાદ સૌથી પહેલાં ભારતના પીએમને અધિકારિક મહેમાન તરીકે બોલાવ્યા હતા. ત્યાં તેમણે ડિફેન્સ, ટેક્નોલોજી અને ટ્રેડ સેક્ટરમાં મજબૂત ભાગીદારીની જાહેરાતો કરી હતી. તેમણે એકબીજાના વિશ્વાસ, સંયુક્ત ભાગીદારી અને એકબીજાના હિતોના રક્ષણની વાતો કરીને તમામ સેક્ટરમાં મજબૂત કામ કરવાની સંયુક્ત રીતે જાહેરાતો કરી હતી. ટ્રમ્પની આ મોટી મોટી જાહેરાતો બહુ લાંબું ચાલી નહીં. એપ્રિલ આવતા સુધીમાં તો આ વિશ્વાસ, આ ભાગીદારી અને દોસ્તીના વાયદાઓનું બાળમરણ થઈ ગયું.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનામાં ટ્રમ્પે એકાએક અમેરિકા ફર્સ્ટ પોલિસીનું ગાણું ગાવાનું શરૂ કરી દીધું. તેણે તાત્કાલિક અમેરિકાના તમામ વ્યાપારિક ભાગીદાર ગણાતા દેશો ઉપર લિબરેશન ડે ટેરિફના નામે નવા કરવેરા ઝિંકી દીધા. દુનિયાને એમ હતું કે, ભારતને તેમાંથી બાકાત રાખવામાં આવશે પણ આશ્ચર્ય વચ્ચે અમેરિકાએ ભારતને પણ છોડયું નહીં અને ભારતમાં આવતા તમામ સામાન ઉપર નવા કરવેરા જાહેર કરી દીધા. આમ જોવા જઈએ તો નવા કરવેરા હેઠળ તેણે ૨૫ ટકા ટેરિફ ઝિંકી દીધો હતો. જો કે અમેરિકા આટલાથી જ અટકે તેમ નહોતું. ઓગસ્ટ મહિનામાં અમેરિકાએ ભારત ઉપર બીજો વધારાનો ૨૫ ટકા ટેરિફ નાખી દીધો. ભારત રશિયા પાસેથી ક્ડ ખરીદીને રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયાને આર્થિક મદદ કરી રહ્યું હોવાનું બહાનું આગળ ધરીને તેણે આ ટેરિફ ઝિંકી દીધો હતો. આશ્ચર્યની વાત એ હતી કે, મિત્ર દેશ ભારત ઉપર ૫૦ ટકા ટેરિફ હતો જ્યારે જે દેશો સાથે અમેરિકાને વેર છે તેવા ચીન ઉપર ૩૨ ટકા, વિયેતનામ ઉપર ૨૦ ટકા અને બાંગ્લાદેશ ઉપર ૨૦ ટકા જ ટેરિફ નાખવામાં આવ્યો હતો.
અમેરિકાએ માત્ર ટેરિફ નાખવાથી જ સંતોષ માણ્યો નહોતો. ટ્રમ્પ અને તેના સાથીઓ દ્વારા ભારત વિરોધી ઝેર ઓકવાની પણ શરૂઆત કરવામાં આવી હતી. જુલાઈના અંત સુધીમાં જ અમેરિકી પ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી દીધી હતી કે, ભારત હવે ડેડ ઈકોનોમી છે. બીજી તરફ વ્હાઈટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરે પણ જણાવ્યું કે, ભારત દ્વારા રશિયા સાથેથી સસ્તા ભાવે ઓઈલ ખરીદીને તેને યુક્રેન સામેના યુદ્ધમાં આર્થિક મદદ કરે છે. તેના કારણે જ ભારતને પાઠ ભણાવવા તેના ઉપર આકરા ટેરિફ લાદવામાં આવ્યા છે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે પણ ભારત ઉપર આવા જ આરોપ મુક્યા હતા. તેમણે પણ કહ્યું હતું કે, ભારતની આ નીતિ યોગ્ય નથી. અમેરિકાના આ પગલાને કારણે ભારતના કેટલાક સેક્ટરમાં મોટી પડતી જોવા મળી હતી. ઘણા સેક્ટરમાં યર ટુ યર બિઝનેસમાં મોટો ઘટાડો આવ્યો હતો. સપ્ટેમ્બર-નવેમ્બરના ગાળામાં જેમ્સ એન્ડ જ્વેલરીમાં ૬૦ ટકા, પ્લાસ્ટિક અને લિનોલીયમમાં ૪૪ ટકા, ગ્લાસવેરમાં ૪૪ ટકા ફર્ટિલાઈઝરમાં ૩૪ ટકા જેવો ઘટાડો જોવા મળ્યો હતો. એકંદરે વાત કરીએ તો નાના ઉદ્યોગોને વધારે ફટકો પડયો હતો. જેમાં નાના નિકાસકારોને આ ટેરિફ બોમ્બથી વધારે ભોગવવાનું આવ્યું હતું.
બીજી તરફ અમેરિકાના કેટલાક ભૂતપૂર્વ પ્રમુખોની જેમ ટ્રમ્પે પણ એકાએક ભારતને પરેશાન કરવાની સાથે સાથે તેના દુશ્મન પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ અનેકગણો કરી દીધો હતો. મે મહિનામાં ભારતે પાકિસ્તાન ઉપર લીધેલા પગલા અને ઓપરેશ સિંદૂર બાદ અમેરિકાએ એકાએક પાકિસ્તાન પ્રત્યેની પ્રિતી બમણી કરી દીધી હતી. પાંચ દિવસના સામાસામા હુમલા બાદ પાકિસ્તાન અને ભારતે યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી. તે સમયે ટ્રમ્પ એકાએક કૂદી પડયા અને તેમણે જણાવ્યું કે, આ યુદ્ધ તેમના કારણે અટક્યું છે. તેમણે બંને દેશો ઉપર આકરો ટેરિફ લાગુ કરવાની ધમકી આપતા બંને દેશો શાંતિના માર્ગે આગળ વધ્યા છે. ભારતે ટ્રમ્પના આ દાવાઓને ફગાવી દીધા હતા અને ભારત-પાકિસ્તાનના સંઘર્ષમાં કોઈની પણ મધ્યસ્થી અસ્વીકાર્ય હોવાની જાહેરાત કરી હતી. તેના કારણે અંકલ સેમ વધારે ગીન્નાયા હતા. બીજી તરફ કંગાળ અને લોન તરસ્યા પાકિસ્તાને આર્થિક સહાય માટે અમેરિકાના પગ પકડી લીધા હતા. પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરિફ અને પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરે યુદ્ધ રોકવા માટેનો જશ ટ્રમ્પને આપી દીધો અને તેમને શાંતીનું નોબેલ આપવામાં આવે તેવી જાહેરાતો પણ કરી દીધી. ભારતે આ તમામ દાવા ફગાવતા ટ્રમ્પ વધારે આકરાપાણીએ આવ્યા.
જાણકારો માને છે કે, ડિફેન્સ સેક્ટર હોય કે ટ્રેડ સેક્ટર કે પછી અન્ય વૈશ્વિક મુદ્દા ટ્રમ્પ દ્વારા ભારતને દબાવવાનો પ્રયાસ કરાયો છે. તેની પાછળ એક કારણ એવું પણ છે કે, ભારતની કોઈ સ્પષ્ટ વિદેશનીતિ જ નથી. ભારતીય વિદેશમંત્રી દ્વારા અમેરિકાને દબાવી શકાય અથવા તો તેની સામે મક્કમ પગલાં લઈ શકાય તેવી કોઈ કામગીરી કરવામાં આવી નથી. સમયાંતરે ભારતે તમામને પસંદ પડવાના અને ખુશ રાખવાના પ્રયાસ કર્યા છે. તેનું પરિણામ એ આવ્યું છે કે, અમેરિકાએ તેનાથી હાથ ખંખેરી લીધા છે જ્યારે ચીન જોડે પરાણે સંબંધ બાંધવા પડયા છે. રશિયા અને ઈઝરાયેલને ભારત છોડી શકે તેમ નથી. સરેરાશ એવું બન્યું છે કે, ભારતની નિષ્ફળ નીતિઓ અને પાંગળી વિદેશનીતિને પગલે ભારતને અમેરિકાએ દબાવ્યું છે અને તેનું સમયાંતરે અપમાન કરવાના પ્રયાસ કર્યા છે જે ભૂતકાળમાં ક્યારેય થયું નથી.
ભારતીયોને ઈમેગ્રેશન અને વીઝાના ધતિંગ કરીને અપમાનિત કરીને કાઢી મુકાયા
ભારત અને અમેરિકાના સંબંધોમાં સૌથી મોટી ખટાશ આવી હોય તો તે ઈમિગ્રેશન સેક્ટર પણ છે. જાન્યુઆરીમાં જ ટ્રમ્પે સત્તા સંભાળ્યાના કલાકોમાં જ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો હતો અને જણાવ્યું હતું કે, અમેરિકામાં ગેરકાયદે વસતા લોકો સામે આકરા પગલાં લેવામાં આવશે. અમેરિકા દ્વારા ત્યારબાદ ઈમિગ્રેશન સેક્ટરમાં પસ્તાળ પાડવામાં આવી હતી. ગત વર્ષે અમેરિકાએ ૨૦૦થી વધારે ભારતીયોને સાંકળોથી બાંધીને આતંકવાદીઓની જેમ ભારત પરત મોકલ્યા હતા. આ સિવાય અનેક ભારતીય ઈમિગ્રન્ટ્સ જેઓ દસ્તાવેજો સાબિત કરવામાં નિષ્ફળ ગયા હતા તે તમામને ભારત મોકલી દેવાયા હતા. ગત વર્ષે નવેમ્બર સુધીમાં ૩૫૦૦ જેટલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં જેટલા ભારતીયોને ડિપોર્ટ નહોતા કરાયા તેનાથી અનેક ગણા લોકોને બીજા ટર્મમાં ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ભારત આ કિસ્સામાં પણ કશું જ કરી શક્યું નહોતું. માત્ર ઈમિગ્રેશન સેક્ટરમાં જ ટ્રમ્પ તંત્ર દ્વારા પગલા લેવાયા છે તેવું નથી. ટ્રમ્પે અચાનક એચ૧બી વીઝા સેક્ટરમાં પણ પસ્તાળ પાડી છે. ટ્રમ્પ તંત્ર દ્વારા ભારતીય બુદ્ધિજીવીઓ માટે જીવાદોરી ગણાતા એચ૧બી વીઝાની ફી એકાએક વધારીને ૧ લાખ ડોલર કરી નાખવામાં આવી. તેના કારણે એકાએક વિદેશી કામદારો ઉપર બોજો વધી ગયો અને કંપનીઓ દ્વારા તેમની સંખ્યામાં મોટો ઘટાડો શરૂ કરી દેવાયો. ટ્રમ્પ તંત્ર દ્વારા લોટરી સિસ્ટમ કાઢીને ભથ્થા આધારિત સિસ્ટમ લાગુ કરવાની પણ જાહેરાત કરાઈ. અમેરિકાની એચ૧બી સિસ્ટમમાં ૭૪ ટકા ભારતીયોને વીઝા મળતા હતા તેના ઉપર હાલ ખતરો તોળાઈ રહ્યો છે. અમેરિકાએ તેની કામગીરી અને વીઝા રિન્યૂઅલની તારીખો આપવામાં પણ આડોડાઈ શરૂ કરીને ભારતીયોને આડકતરી રીતે પરેશાન કરવાનું શરૂ કરી દીધું છે.


