mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ઉત્તરાખંડ પછી લદાખ : 'થ્રી ઈડિયટ્સ' ફેઇમ વાંગડુના ક્લાઇમેટ ફાસ્ટ

Updated: Jan 24th, 2023

ઉત્તરાખંડ પછી લદાખ : 'થ્રી ઈડિયટ્સ' ફેઇમ વાંગડુના ક્લાઇમેટ ફાસ્ટ 1 - image


સોનમ વાંગચુકે 26 જાન્યુઆરીથી પાંચ દિવસના ઉપવાસ કરવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે,  તે લોકોના જીવન સુધારવા મથે છે

વાંગચુકે મોદીને અપીલ કરી છે કે, લદાખમાં તાત્કાલિક તમામ બિઝનેસ પ્રવૃત્તિઓ બંધ કરાવો. લદાખમાં મોટા પ્રમાણમાં માઈનિંગ તથા બીજી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શરૂ થઈ છે તેના કારણે ગ્લેશિયર ઓગળવા માંડશે. તેના કારણે એવો સમય આવીને ઉભો રહેશે કે લોકોને પીવા માટે અત્યારે પાંચ લિટર પાણી મળે છે એ પણ નહીં મળે.

ઉત્તરાખંડમાં આડેધડ ખોદકામ અને બાંધકામના કારણે જોશીમઠ પર આવેલી આફત ટળી નથી ત્યાં હવે જમ્મુ અને કાશ્મીરમાંથી અલગ કરાયેલા કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં એવા આફતનાં એંધાણ હોવાની ચેતવણી અપાઈ છે. અત્યંત સફળ ફિલ્મ 'થ્રી ઈડિયટ્સ'માં આમિર ખાને ફુંગસુખ વાંગડુનો રોલ કરેલો. આ રોલની પ્રેરણા રીયલ લાઈફના સોનમ વાંગચુકમાંથી મળી હતી. સોનમ વાંગચુક લદાખમાં જ રહીને પોતાની શોધો તથા સમાજ સેવાથી લોકોનાં જીવન સુધારવા મથે છે. 

સોનમ વાંગચુકે ૨૬ જાન્યુઆરીથી પાંચ દિવસના ઉપવાસ કરવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. વાંગચુક ખારદુંગલા પાસ પાસે ૧૮ હજાર ફૂટની ઉંચાઈએ માઈનસ ૪૦ ડીગ્રી તાપમાનમાં બેસીને ઉપવાસ કરવાના છે. વાંગચુકે આ ઉપવાસને 'ક્લાઈમેટ ફાસ્ટ' ગણાવ્યા છે કેમ કે વાંગચુકને લદાખના બગડી રહેલા પર્યાવરણની સૌથી વધારે ચિંતા છે. વાંગચુકે ૧૩ મિનિટનો વીડિયો બહાર પાડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું છે કે, લદાખમાં ઓલ ઈઝ નોટ વેલ. વાંગચુકે મોદીને અત્યંત નાજુક લદાખનું રક્ષણ કરવાની વિનંતી કરી છે. વાંગચુકે તેમના વીડિયોમાં લદાખની સમસ્યાઓને લગતા ઘણા મુદ્દા આવરી લીધા છે. આદિવાસીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે લદાખને બંધારણના છઠ્ઠા પરિશિષ્ટમાં સામેલ કરવાથી માંડીને સ્વાયત્તતા આપવા સુધીના મુદ્દે વાંગચુકે વાત કરી છે. 

વાંગચુકે લદાખનાં લોકોની તકલીફો અને લદાખનાં લોકો મોદી સરકાર પાસેથી શું અપેક્ષા રાખે છે તેની વાત પણ કરી છે. લદાખના આર્થિક વિકાસ માટે સ્થાનિક લોકોને નિર્ણયો લેવાની સત્તા મળવી જોઈએ એ વાત પર પણ ભાર મૂક્યો છે પણ વાંગચુકની સૌથી મોટી ચિંતા લદાખ વિસ્તારમાં વધી રહેલી બિઝનેસ તથા ઈન્ડસ્ટ્રીઝને લગતી પ્રવૃત્તિઓ છે. વાંગચુકનું કહેવું છે કે, લદાખમાં લોકો પહેલેથી પાણીની તંગીથી પરેશાન છે. લદાખમાં પાણી સાવ ઓછું છે અને દર વર્ષે ચાર ઈંચ વરસાદ પડે છે. આ વરસાદ પણ બરફના રૂપમાં પડે છે કે જેનો અર્થ નથી તેથી લોકો ગ્લેશિયર એટલે કે હિમનદીઓ પર નિર્ભર છે. લોકો ગ્લેશિયરનો બરફ ઓગળે તેના પાણીથી જીવન ચલાવે છે. મોટા ભાગનો સમય બરફ જામેલો રહે છે તેથી બહુ ઓછું પાણી લોકોને મળે છે. વ્યક્તિદીઠ માંડ સરેરાશ પાંચ લિટર પાણી લોકોને મળે છે. આ પાંચ લિટર પાણીમાંથી જ પીવાનું, રાંધવાનું, નહાવાનું ને બીજી ક્રિયાઓ પતાવવાની હોય છે. તેના પરથી જ લદાખમાં જીવન કેટલું મુશ્કેલ છે તેનો અંદાજ લગાવી શકાય. વાંગચુકે મોદીને અપીલ કરી છે કે, લદાખમાં તાત્કાલિક તમામ બિઝનેસ પ્રવૃત્તિઓ બંધ કરાવો. લદાખમાં મોટા પ્રમાણમાં માઈનિંગ તથા બીજી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શરૂ થઈ છે તેના કારણે ગ્લેશિયર ઓગળવા માંડશે. તેના કારણે એવો સમય આવીને ઉભો રહેશે કે લોકોને પીવા માટે અત્યારે પાંચ લિટર પાણી મળે છે એ પણ નહીં મળે. વાંગચુકે લદાખમાં વધી રહેલી બિઝનેસ તથા ઈન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિઓના કારણે ભૂસ્તરને થનારા નુકસાન સામે પણ ચેતવ્યા છે.  વાંગચુકના વીડિયોએ સૌને ચોંકાવી દીધા છે કેમ કે લદાખની આ વાસ્તવિકતા કોઈને ખબર જ નથી. લેહ-લદાખમાં છૂટા હાથે કુદરતી સૌંદર્ય વેરાયેલું છે. આપણે ત્યાં લોકો લેહ-લદાખ ફરવા માટે જાય છે. લેહના સ્કીઈંગ રીસોર્ટ્સનું સૌને આકર્ષણ હોય છે તેથી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટે છે. કાશ્મીર ખીણમાં આતંકવાદનો પ્રભાવ વધ્યો પછી ભારત સરકારે પ્રવાસીઓને લદાખ તરફ વાળ્યા. લદાખ ફરવા જવામાં કોઈ તકલીફ નથી પડતી ને લોકોને મજા આવે છે. આ કારણે લદાખનાં લોકોને પણ લીલાલહેર જ છે એવી જ સામાન્ય માન્યતા છે. વાંગચુકનો વીડિયો અલગ જ વાસ્તવિકતાને આપણી સામે મૂકે છે. વાંગચુકે પાણીની તકલીફની જે વાત કરી એ તો આઘાતજનક છે. ડોક્ટરો સલાહ આપે છે કે, તંદુરસ્ત રહેવા માટે રોજના ચાર-પાંચ લિટર પાણી પીવો. હવે આખા દિવસમાં બધું મળીને પાંચ લિટર પાણી મળતું હોય એ લોકો આ સલાહનો અમલ કઈ રીતે કરી શકે ? મતલબ કે, તેમના આરોગ્ય સામે ગંભીર ખતરો છે. વાંગચુકે જે ચેતવણી આપી છે એ ધડાધડ ઉભા થઈ રહેલા રીસોર્ટ્સ અને પહાડોમાં થઈ રહેલા ખોદકામ સામે છે. તેના કારણે બહારનાં લોકોનાં ધાડાં લેહ-લદાખમાં ઉતરી રહ્યાં છે. લદાખની કુલ વસતી પોણા ત્રણ લાખ લોકોની જ છે. એ લોકોને પૂરતું પાણી ના મળતું હોય તો બહારનાં લોકો માટે તો ક્યાંથી પાણી હોય ? જો કે ધંધો લઈને બેસનારા તો ગમે તે રીતે ગ્રાહકની સવલત સાચવે જ. બહારથી આવતા પ્રવાસીઓની  સવલતો સાચવવા માટે ગ્લેશિયરના બરફને પાણી બનાવી દેવાય છે. તેના કારણે ગ્લેશિયરનાં સ્તર ઘટી રહ્યાં છે. આ પ્રવૃત્તિ ધીરે ધીરે વધી રહી છે ને એક સમય એવો આવશે કે ગ્લેશિયર જ નહીં રહે. એ વખતે બહારથી આવેલાં લોકો તો બિસ્તરાં-પોટલાં બાંધીને જતાં રહેશે પણ સ્થાનિક લોકો શું કરશે એ વાંગચુકની ચિંતા છે. લદાખમાં ઉદ્યોગોએ પણ એન્ટ્રી કરી છે. લદાખમાં પહેલાં કદી માઈનિંગ કરાયું નથી. સ્થાનિક લોકો ઘરો બનાવવા માટે પહાડોના પથ્થર લાવતા તેમાંથી ચૂનો નિકળતો. આ કારણે અહીં  ચૂનો વધારે પ્રમાણમાં છે. ચૂનો સીમેન્ટ બનાવવામાં સૌથી મોટો કાચો માલ છે તેથી હવે ચૂના માટે ઠેર ઠેર ખોદકામ થઈ રહ્યું છે ને પહાડોને તોડવામાં આવી રહ્યા છે. તેના કારણે ભૂસ્તરને ખતરો છે એવી ચેતવણી વાંગચુકે પહેલાં પણ આપી છે. ટૂંકમાં લદાખની હાલત પણ ઉત્તરાખંડ જેવી થઈ રહી છે. ઉત્તરાખંડમાં બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી એ ચાર ધામ ઉપરાંત બીજાં ધર્મસ્થાનો પર ઉમટતાં લોકો માટે રીસોર્ટ, હોટલો, ગેસ્ટહાઉસ, રસ્તા વગેરે બનાવવા થયેલા આડેધડ ખોદકામના કારણે જમીનમાં પોલાણ થઈ ગયું છે. તેના કારણે જમીન ધસી રહી છે ને જોશીમઠ સહિતનાં સંખ્યાબંધ સ્થળ આખેઆખાં જમીનમાં ગરકાવ થઈ જાય એવો ખતરો છે. વાંગચુકે આ સ્થિતી સર્જાય એ પહેલાં સરકારને ચેતવી છે. આ બધું રોકવા ઉપવાસની પણ જાહેરાત કરી છે ત્યારે મોદી સરકાર તેનો હકારાત્મક પ્રતિભાવ આપે એ જરૂરી છે. બાકી પૃથ્વી પરનું સ્વર્ગ લદાખ નર્ક બની જશે. 

વાંગચુકે સોલર એનર્જીથી ચાલતાં કેમ્પસ બનાવ્યા 

લદાખમાં બિઝનેસને લગતી પ્રવૃત્તિઓ રોકવા ઉપવાસ પર ઉતરનારા સોનમ વાંગચુકને જીનિયસ માનવામાં આવે છે. 'થ્રી ઈડિયટ્સ'માં આમિર ખાનનો ફુંગસુખ વાંગડુનો રોલ સોનમ વાંગચુકમાંથી પ્રેરણા લઈને લખાયો હતો. 

વાંગચુકે નવ વર્ષનો થયો ત્યાં સુધી સ્કૂલમાં નહોતો ગયો કેમ કે તેના વિસ્તારમાં સ્કૂલ જ નહોતી. તેની માતાએ તેને સ્થાનિક ભાષા અને બેઝિક શિક્ષણ આપ્યું. તેના પિતા કાશ્મીર સરકારમાં મંત્રી બનતાં વાંગચુક શ્રીનગર ગયો પણ ત્યાંની સ્કૂલમાં ભણાવાતી ભાષા તેને સમજાતી નહોતી. આ કારણે દિલ્હીની સ્કૂલમાં ભણવા મૂકાયો. 

વાંગચુકના પિતા તેને સિવિલ એન્જીનિયર બનાવવા માગતા હતા પણ વાંગચુક મિકેનિકલ એન્જીનિયર બનવા માંગતો હતો તેથી તેના પિતાએ ખર્ચ આપવાનું બંધ કર્યું. વાંગચુક પોતાનો ખર્ચ જાતે ઉઠાવીને મિકેનિકલ એન્જીનિયર બન્યો. એન્જિનિયરિંગ કર્યા પછી વાંગચુકે ૧૯૮૮માં લદાખ આવીને શિક્ષણ સંસ્થા શરૂ કરી ને એક પછી એક શોધ કરીને લોકોનાં જીવનધોરણ સુધાર્યાં છે. વાંગચુકે બનાવેલા સોલર એનર્જી પર ચાલતા કેમ્પસમાં વીજળી કે પેટ્રોલ વગેરેનો ઉપયોગ નથી થતો. સોલર એનર્જીથી જ હીટર, કૂકર, લાઈટ્સ ચાલે છે. વાંગચુકે કૃત્રિમ હિમનદીઓ પણ બનાવી છે કે જેનું પાણી શિયાળામાં વાપરી શકાય છે.

લદાખમાં ખેતી માટે પણ પાણી નથી 

લદાખમાં ખેતી કરવા માટે પણ સાદું પાણી નથી. પહાડો પરનો બરફ પિગળે અને પાણીમાં ફેરવાય તેને જ સિંચાઈ માટે વાપરવામાં આવે છે. બરફના પાણીને ખેતરોમાં વાળવા માટે નાની નાની નિંક બનાવાય છે. આ પાણી પણ બહુ ઓછું હોય છે તેથી ચોખા જેવા વધારે પાણીની જરૂરીયાત હોવા એવાં ધાન તો પાકતાં જ નથી.  ઘઉં અને જવ એ બે જ પાક થાય છે. 

આ કારણે વરસો લગી લદાખીઓના ભોજનમાં ભાત પિરસાય એ લક્ઝરી ગણાતી હતી. લદાખની વસતી પોણા ત્રણ લાખની જ હોવાથી સરકાર હવે સસ્તા અનાજની દુકાનોમાં ચોખા આપે છે તેથી લોકો ભાત ખાતા થયા છે.


Gujarat