Get The App

પાણીનું સંકટ : ગંગા સુકાઈ રહી છે, સિંધુ છલકાઈ રહી છે

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
પાણીનું સંકટ : ગંગા સુકાઈ રહી છે, સિંધુ છલકાઈ રહી છે 1 - image

- ચાર દાયકામાં સિંધુ બેસિનના પ્રવાહમાં 8 ટકાનો વધારો થયો છે જ્યારે ગંગા બેસિનના પ્રવાહમાં 17 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે

- 1990ના દાયકામાં ગંગા નદીના સુકાવાની જે પદ્ધતિ હતી અને તેના જળ પ્રવાહમાં જે ઘટાડો હતો તે 16મી સદીમાં સુકાયેલા પાણીની સરખામણીએ 76 ટકા વધારે હતો. આ સ્થિતિ વધારે જોખમી છે. તે ઉપરાંત 1951-2020 દરમિયાન સરેરાશ વરસાદમાં 9.5 ટકાનો ઘટાડો થયો છે. તેના કારણે પણ ગંગા નદીના બેસિનમાં પાણીની અછત વર્તાઈ રહી છે : ગંગા નદી બેસિન અને તેની સહાયક નદીઓ ભેગી થઈને દેશના 60 કરોડથી વધારે લોકોની સાથે જોડાયેલી છે અને તેમને આ નદીઓ સુકાવાના કારણે અસર પડી રહી છે. ગંગા નદીના જળસ્તરમાં જે રીતે ઘટાડો થઈ રહ્યો છે તેના કારણે જળ અને ખાદ્ય સુરક્ષા અંગે સંકટ સર્જાઈ રહ્યું છે : ભૂગર્ભજળના ઉપયોગ અંગેના કડક નિયમો લાગુ નહીં કરવામાં આવે તથા જળવાયુની અસરો ઓછી કરવા યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ગંગાનો પ્રવાહ ઘટતો રોકી નહીં શકાય. ગંગા બેસિન જો સુકાવા લાગશે અને પાણીની અછત સર્જાશે તો અડધા દેશ ઉપર સંકટ ઊભું થશે

ભારતમાં ક્લાઈમેટ ચેન્જની અસર તો આપણે ઘણા વર્ષથી ભોગવી જ રહ્યા છીએ અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. એક તરફ ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે અને બીજી તરફ નદીઓના પાણી સુકાઈ રહ્યા છે અથવા તો તેમના વહેણમાં પરિવર્તન આવી રહ્યું છે. તાજેતરમાં એક એવો અહેવાલ સામે આવ્યો છે જેણે ફરી એક વખત ચિંતા જન્માવી છે. ભારતની બે મોટી નદીઓ સિંધુ અને ગંગા જે વિરુદ્ધ દિશામાં વહે છે તેમના પાણીના સ્તર અને સ્ત્રોત વિશે ચિંતા જન્માવે તેવો અહેવાલ આવ્યો છે. જાણકારોના મતે એક તરફ ગંગા બેસિન ઝડપથી સુકાઈ રહ્યું છે જ્યારે સિંધુ નદીના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આઈઆઈટી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલો આ અભ્યાસ થોડા સમય પહેલાં જ અર્થ્સ ફ્યુચર જર્નલમાં પ્રકાશિત થયો હતો. સંશોધકોએ જણાવ્યું કે, તેમણે ૧૯૮૦થી ૨૦૨૧ સુધીનો આ બંને નદીઓનો પ્રવાહ અને તેના સ્ત્રોતનો સંપૂર્ણ ડેટાનો અભ્યાસ કર્યો છે. તેમાં જોવા મળ્યું છે કે, છેલ્લાં ચાર દાયકામાં સિંધુ બેસિનના પ્રવાહમાં ૮ ટકાનો વધારો થયો છે જ્યારે ગંગા બેસિનના પ્રવાહમાં ૧૭ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે.

જાણકારોના મતે આ અભ્યાસ એટલા માટે મહત્ત્વનો છે કે, તેમાં હાઈરિઝોલ્યુશન ભૌતિક મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં વરસાદ, ભૂગર્ભજળ, નદીઓનો પ્રવાહ, સિંચાઈની સ્થિતિ અને તેના માટે થતા પંપિંગ વચ્ચે સંબંધનું પણ બારિકાઈથી પરિક્ષણ કરવામાં આવ્યું છે.

 આઈઆઈટી ગાંધીનગરના સંશોધકોના મતે આ ફરેફાર માત્ર પર્યાવરણ માટે જ ચિંતાજનક છે તેવું નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દાયકાઓ પહેલાં થયેલી સિંધુ જળ સમજૂતી અંગે ફેરવિચાર કરવા મજબૂર કરે તેવો પણ છે. સંશોધકો માને છે કે, ગંગા જે રીતે સુકાઈ રહી છે તે છેલ્લાં ૧૩૦૦ વર્ષમાં સૌથી ઝડપથી સુકાઈ રહ્યાનું સ્તર છે. તેના કારણે કરોડો લોકોના જનજીવનને અસર થાય તેમ છે.

ઉલ્લેખનીય છે કે, સિંધુ નદીમાં પાણીનો પ્રવાહ વધવાના ઘણા કારણો છે. તેમાં ખાસ કરીને બદલાતી મોનસુન પેટર્ન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ કારણોના લીધે સિંધુ નદીની સાથે સાથે તેની સહાયક નદીઓ ઝેલમ અને ચિનાબના જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મહત્ત્વનું એ છે કે, જળસ્તરનો વધારો સમગ્ર બેસિનમાં એક સમાન રીતે થઈ રહ્યો હોય તેમ નથી. સિંધુ નદીની પૂર્વની સહાયક નદીઓ જેવી કે રાવી અને સતલજ જેવી નદીઓ સિંધુ બેસિનમાં વધારા થવા છતાં સુકાઈ રહી છે. ત્યાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. સિંધુ જળ સમજુતી મુજબ આ નદીઓ ભારતના ભાગમાં આવે છે અને અહીંયા નદીઓમાં પાણીનું સ્તર ઘટવું અહીંયાની ખેતી માટે એક મોટા સંકટ સમાન છે.

બીજી તરફ નજર કરીએ તો ગંગા બેસિનમાં જળ પ્રવાહમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ ઘટાડો થવા પાછળ માત્ર વરસાદમાં થયેલો ફેરફાર એકમાત્ર કારણ નથી. આ વિસ્તારમાં વરસાદમાં ૧૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ આ ક્ષેત્રમાં સિંચાઈ માટે ભૂગર્ભજળનો જે અવિચારી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ચિંતાજનક છે. ગંગા બેસિનની ઘણી નદીઓના કુલ જળપ્રવાહનો ૫૦ થી ૭૦ ટકા ભાગ ભૂગર્ભજળમાંથી આવે છે. ખેડૂતો દ્વારા મોટાપાયે સિંચાઈ માટે પમ્પિંગ કરીને આ પાણી ખેંચી લેવામાં આવે છે જેના કારણે નદીઓ સુધી પહોંચતા પાણીમાં વ્યાપક ઘટાડો થઈ જાય છે. જાણકારો માને છે કે, ગંગા અને યમુનાના ઉપરના કેટલાક ભાગમાં તો સ્થિતિ એટલી ખરાબ છે કે, નદીઓનું પાણી જમીનની નીચે સુકાઈ ગયેલા એક્વિફર્સમાં સમાઈ રહ્યું છે.

જાણકારો માને છે કે, ખેડૂતો દ્વારા ગંગા અને તેની સહાયક નદીઓની આસપાસ પાણી ખેંચવા માટે જે ગેરકાયદે કામગીરીઓ કરવામાં આવી છે તે ઉપરાંત ખેતરોમાં જે ઉંડે સુધી બોર ખેંચવામાં આવ્યા છે તેના કારણે સ્થિતિ ગંભીર થઈ ગઈ છે. આ વિસ્તારોમાં સિંચાઈના સ્ત્રોત ઓછા હોવાથી ખેડૂતો પોતાની રીતે વ્યવસ્થા કરે છે અને તેમાં પાણીનો વપરાશ અને વ્યય બંને વધારે થાય છે. સંશોધકો માને છે કે, ક્લાઈમેટ ચેન્જના કારણે છેલ્લાં કેટલાક વર્ષમાં સ્થિતિમાં પરિવર્તન આવ્યું છે. ગંગાના મૂળ સ્ત્રોતમાં બરફ વધારે જમા થઈ રહ્યો છે. તેમાં હજી સાતત્ય આવ્યું નથી. આગામી સમયમાં અહીંયા હિમનદીનું પ્રમાણ વધી જાય તો આગળ જતાં ગંગા ઘાટીમાં જળ પ્રવાહમાં વધારો થઈ શકે છે. તેમ છતાં સંશોધકો માને છે કે, ભવિષ્યમાં કેવું તાપમાન હશે અથવા તો ગ્લોબલ વોર્મિંગની અસર ખરેખર કેવી હશે તેનું અત્યારથી અનુમાન લગાવવું મુશ્કેલ છે. બીજી તરફ સિંધુજળની વાત કરીએ તો સિંધુ નદી અને તેની સહાયક નદીઓના જળસ્તરમાં વ્યાપક વધારો નોંધાઈ રહ્યો છે. અહીંયા ગ્લોબલ વોર્મિંગને પગલે વરસાદમાં વધારો થયો છે. 

બીજી તરફ તેની સહાયક નદીઓના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમ વધારે એક્ટિવ થવાથી નદીઓનું પાણી વધી રહ્યું છે. 

જાણકારો માને છે કે, નદીઓના બદલાતા મિજાજની સીધી અસર ૧૯૬૦ના સિંધુ જળ કરાર ઉપર પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતે ૨૦૨૫માં થયેલા પહલગામ આતંકવાદી હુમલા બાદ આ સંધીને અટકાવી દીધી હતી. ભારત હવે પોતાની પશ્ચિમી નદીઓના પાણીનો ઉપયોગ કરવા માટે ઝડપથી હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી રહ્યો છે. 

આ સંજોગોમાં ભારત નદીઓના પાણીનો નવેસરથી અને વધારે ઉપયોગ કરવા લાગે તે દિશામાં આગળ વધી રહ્યો છે. બીજી તરફ પાણીની વહેંચણી માટે જે આઝાદી બાદ સંધી કરવામાં આવી હતી તેના ઉપર ફેરવિચારણા કરવાની અને તેને નવેસરથી વહેંચવાની જરૂર ઊભી થઈ છે.

 હાલમાં પરિસ્થિતિ એવી છે કે, ભારતમાં પંજાબમાં ખેડૂતો દ્વારા મોટાપાયે ભૂગર્ભજળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના કારણે અહીંયા નદીમાં પાણીનું સ્તર ઘટયું છે. બીજી તરફ પાકિસ્તાનમાં ખેતીનો મુખ્ય આધાર જ સિંધુ નદી અને તેનો મુખ્ય જળપ્રવાહ છે. હવે ક્લાઈમેટ ચેન્જની અસર થશે તો ભારત તરફ અને નવા જળકરાર કરવામાં આવશે તો પાકિસ્તાન તરફ તેની વધારે અસર દેખાશે તે નક્કી છે.

સંશોધકોએ ચેતવણી આપી છે કે, જો નદીઓ અને ભૂગર્ભજળના અલગ અલગ સિસ્ટમને જોડીને અથવા તો સમજીને મેનેજ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં પાણીની વ્યાપક તંગી ઊભી થશે. ગંગા બેસિનને બચાવવા માટે સિંચાઈની પદ્ધતિઓમાં ફેરફાર કરવો જ પડશે. તે ઉપરાંત ઓછા પાણી અને ઓછી સિંચાઈ દ્વારા લેવાતા પાકની ખેતીમાં વધારો કરવાને ઉત્તેજન આપવું જ પડશે. આપણે પાણીને મફત મળતા સંશાધન તરીકે જાણીને સતત તેનો વડેફાટ કરીએ છીએ. તેને સાચવવામાં નહીં આવે તો આગામી દાયકાઓ ભારત માટે ભયાનક સાબિત થવાના છે. તે ઉપરાંત ભૂગર્ભજળના ઉપયોગ અંગેના કડક નિયમો લાગુ નહીં કરવામાં આવે તથા જળવાયુની અસરો ઓછી કરવા યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ગંગાનો પ્રવાહ ઘટતો રોકી નહીં શકાય.

 ગંગા બેસિન જો સુકાવા લાગશે અને પાણીની અછત સર્જાશે તો અડધા દેશ ઉપર સંકટ ઊભું થશે જેનો ઉકેલ લાવવો મુશ્કેલ બની જશે. 

1300 વર્ષનો મોટો ઘટાડો, 60 કરોડથી વધુ લોકોને અસર પડી રહી છે 

સંશોધકોએ જણાવ્યું કે, તેમણે ૧૯૮૦થી ૨૦૨૧ સુધી બંને બેસિનની જળ પ્રણાલીનો અભ્યાસ કર્યો હતો. તેમણે વિવિધ સંસાધનો, યંત્રો, ઐતિહાસિક શોધપત્રો, જળ પ્રવાહના મોડલ અને અન્ય સામગ્રીના અભ્યાસ દ્વારા વિવિધ ડેટા ભેગો કર્યો હતો. તેના આધારે પહેલો મુદ્દો સામે આવ્યો કે છેલ્લાં ૧૩૦૦ વર્ષનો આ સૌથી મોટો ઘટાડો છે. જાણકારોના મતે ગંગા નદી બેસિન અને તેની સહાયક નદીઓ ભેગી થઈને દેશના ૬૦ કરોડથી વધારે લોકોની સાથે જોડાયેલી છે અને તેમને આ નદીઓ સુકાવાના કારણે અસર પડી રહી છે. ગંગા નદીના જળસ્તરમાં જે રીતે ઘટાડો થઈ રહ્યો છે તેના કારણે જળ અને ખાદ્ય સુરક્ષા અંગે સંકટ સર્જાઈ રહ્યું છે. આગામી સમયમાં કરોડો લોકોને પાણી અને ભોજન માટે સમસ્યા સર્જાશે જે અસહ્ય હશે.

 સંશોધકોએ નોંધ્યું છે કે, ૧૯૯૦ના દાયકામાં ગંગા નદીના સુકાવાની જે પદ્ધતિ હતી અને તેના જળ પ્રવાહમાં જે ઘટાડો હતો તે ૧૬મી સદીમાં સુકાયેલા પાણીની સરખામણીએ ૭૬ ટકા વધારે હતો. આ સ્થિતિ વધારે જોખમી છે. તે ઉપરાંત ૧૯૫૧-૨૦૨૦ દરમિયાન સરેરાશ વરસાદમાં ૯.૫ ટકાનો ઘટાડો થયો છે. તેના કારણે પણ ગંગા નદીના બેસિનમાં પાણીની અછત વર્તાઈ રહી છે. આ સમયગાળા દરમિયાન ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં સરેરાશ ૩૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની અસર પણ વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે. એક સમયે એવું લાગતું હતું કે, ક્લાઈમેટ ચેન્જના કારણે વરસાદમાં વધારો થશે પણ હિંદ મહાસાગરમાં ગરમીમાં સતત અને ઝડપી વધારો થઈ રહ્યો છે. તે ઉપરાંત હિંદ મહાસાગરના ઉપમહાદ્વિપોમાં ગરમીમાં ઘટાડો થયો છે જેના કારણે ઉત્તર ભારતમાં ચોમાસું નબળું પડી રહ્યું છે. વરસાદ ઘટવાના કારણે ભૂગર્ભજળમાં વધારો થઈ શક્યો નથી. બીજી તરફ સિંચાઈમાં સતત ભૂગર્ભજળનું વપરાશ થઈ રહ્યો છે જેના કારણે આ સ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે.