Get The App

ભવિષ્યમાં કમ્પ્યૂટરો સંસ્કૃત અને પાણિનીના સૂત્રોને આધારે ચાલશે

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
ભવિષ્યમાં કમ્પ્યૂટરો સંસ્કૃત અને પાણિનીના સૂત્રોને આધારે ચાલશે 1 - image

- ભારતની દેવભાષા થકી ટેકનોલોજીની દુનિયામાં ક્રાંતિ આવશે: સંસ્કૃતને આધારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે લેન્ગવેજ પ્રોગ્રામ થઈ રહી છે 

- સંશોધકો માને છે કે, સંસ્કૃત સૌથી વધારે તર્કસંગત અને વ્યાકરણની દ્રષ્ટિએ વૈજ્ઞાનિક ભાષા છે. સંસ્કૃતની ભાષાકિય સચોટતા અને તાર્કિકતાના કારણે જ રોબોટિક્સ, એડવાન્સ કમ્પ્યૂટિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં તેના ઉપયોગની શક્યતાઓ ખૂબ જ વધી ગઈ છે :  સંસ્કૃતની જે વ્યાકરણ પ્રણાલી છે તે ત્રણ હજારથી પણ વધારે વર્ષ જૂની છે. તે સમયે મહર્ષિ પાણિની દ્વારા તેને રચનાબદ્ધ કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકો સ્પષ્ટ રીતે આ ભાષાને ભાષા વિજ્ઞાનનું અદ્વિતિય અને ઉત્તમ ઉદાહરણ માને છે. હાલમાં નાસા અને મુંગેર ખાતે આવેલી યોગ યુનિવર્સિટી દ્વારા સંસ્કૃતને કમ્પ્યૂટરની ભાષા બનાવવા માટે ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે: એક વખત આ ભાષાનું સર્જન થઈ જશે તો પાણિનીના સૂત્રો દ્વારા કમ્પ્યૂટર માટેની પહેલી આર્ટિફિશિયલ ભાષાનું સર્જન થઈ જશે જેનો ઉપયોગ નાસાની પ્રયોગશાળાથી માંડીને દુનિયાભરની મોટાભાગની પ્રયોગશાળાઓમાં પણ થશે. તેની અસર એવી થશે કે હાલમાં જે કમ્પ્યૂટર માટે ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે તેનાથી મુક્તિ મળી જશે 

દુનિયામાં જ્યારથી કમ્પ્યૂટરની શોધ અને વિકાસ થયા ત્યારથી ડિજિટલ યુગમાં માણસોનો પ્રવેશ થવા લાગ્યો હતો. તેમાંય  છેલ્લાં એક દાયકામાં જે ડિજિટલ ક્રાંતિ થઈ છે અને આર્ટિફિશિયલ ઈન્ટિલિજન્સ સુધી સંશોધકો પહોંચી ગયા છે તે જોતાં ભવિષ્ય વધારે ટેકનોસેવી અને હાઈટેક આવે તેમ દેખાઈ રહ્યું છે. આ સંજોગોમાં કમ્પ્યૂટરની ભાષાનો વિવાદ જે વર્ષોથી ચાલ્યો આવે છે તે હજી પણ અકબંધ છે. એક સમયે કમ્પ્યૂટરનો જ પ્રભાવ હતો ત્યારે તેની કમાન્ડ લેન્ગવેજ અને કોડિંગ અંગે એવું માનવામાં આવતું હતું કે, અંગ્રેજી અને ગણિતને આધિન જ કામ કરવામાં આવે. તેના કારણે હિન્દી ભાષામાં કે અન્ય પ્રાદેશિક ભાષામાં કામ કરવામાં મુશ્કેલી સર્જાતી હતી. આ મુશ્કેલી આજના સમયે પણ એટલી જ જોવા મળી રહી છે. 

આ સંજોગોમાં સંશોધકો એક નવી જ દિશા તરફ આગળ વધતા હોય તેમ લાગી રહ્યું છે. 

ઘણા સમય પહેલાં ફોર્બ્ઝ મેગેઝિનનો એક અહેવાલ આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે, સંસ્કૃત કમ્પ્યૂટર માટે સૌથી વધારે યોગ્ય ભાષા છે. કમ્પ્યૂટરની રચના અને કમાન્ડિંગ અને કોડિંગમાં જો સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવામાં આવે તો કામ વધારે સરળતાથી થઈ શકે તેમ છે. 

સંશોધકો માને છે કે, સંસ્કૃત સૌથી વધારે તર્કસંગત અને વ્યાકરણની દ્રષ્ટિએ વૈજ્ઞાનિક ભાષા છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે, આ ભાષાને હિન્દી, મૈથિલી, ઊર્દુ, ઓડિયા, બાંગ્લા, મરાઠી, ગુજરાતી, સિંધી, પંજાબી, બુંદેલી, અવધી, બ્રિજ અને અન્ય આધુનિક ભાષાઓની તથા બોલીઓની જનની ગણવામાં આવે છે. જાણકારો માને છે કે, જેમ જેમ દુનિયાભરના લોકો ડિજિટલ ટેકનોલોજી સાથે જોડાવાને મહત્ત્વ આપી રહ્યા છે તેમ સમાંતર રીતે સંસ્કૃત પણ ભવિષ્યની ભાષા તરીકે યોગ્ય વિકલ્પ તરીકે વિકસી રહી છે. ભવિષ્યમાં ટેકનોલોજીની ભાષા તરીકે સંસ્કૃતનો ઉપયોગ કરવામાં આવે તેવી પૂરતી શક્યતાઓ દેખાઈ રહી છે. 

મહત્ત્વની વાત એ છે કે, સંસ્કૃતની ભાષાકિય સચોટતા અને તાર્કિકતાના કારણે જ રોબોટિક્સ, એડવાન્સ કમ્પ્યૂટિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં તેના ઉપયોગની શક્યતાઓ ખૂબ જ વધી ગઈ છે. હાલમાં નાસા અને મુંગેર ખાતે આવેલી યોગ યુનિવર્સિટી દ્વારા સંસ્કૃતિને કમ્પ્યૂટરની ભાષા બનાવવા માટે ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સંસ્કૃતની જે વ્યાકરણ પ્રણાલી છે તે ત્રણ હજારથી પણ વધારે વર્ષ જૂની છે. તે સમયે મહર્ષિ પાણિની દ્વારા તેને રચનાબદ્ધ કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકો સ્પષ્ટ રીતે આ ભાષાને ભાષા વિજ્ઞાનનું અદ્વિતિય અને ઉત્તમ ઉદાહરણ માને છે. પાણિનીનું વ્યાકરણ સંસ્કૃત ભાષા માટે લખાયેલા અષ્ટાધ્યાયી નામના ગ્રંથ ઉપર આધારિત છે જેમાં લગભગ ચાર હજાર જેટલા સૂત્રો છે. આ વ્યાકરણ અત્યંત વૈજ્ઞાનિક પદ્ધતિથી લખાયેલું છે. તેના દ્વારા જ સંસ્કૃત ખૂબ જ આયોજનબદ્ધ ભાષા લાગે છે. 

પાણિની દ્વારા અપનાવાયેલી આ ભાષાકિય પદ્ધતિને દુનિયાની પહેલી ઔપચારિક ભાષા વિધિ પણ માનવામાં આવે છે. તેમાં સહાયક પ્રતિકો એટલે કે પ્રત્યયનું જે માળખું છે તેણે કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ લેન્ગવેજ ડેવલપમેન્ટમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવી છે. હાલમાં ભારત, અમેરિકા અને જર્મનીના સંશોધકો દ્વારા તથા કમ્પ્યૂટર ટેકનોલોજી અને કોડિંગ લેન્ગવેજના એક્સપર્ટ દ્વારા પાણિનીના સંસ્કૃત સૂત્રોને એક ગાણિતિક મોડલમાં ગોઠવવામાં આવી રહ્યા છે. તેના દ્વારા કમ્પ્યૂટરને સમજાય તેવી સચોટ ભાષાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, હાલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવાના પ્રયોગો ચાલી રહ્યા છે. જાણકારોના મતે એક વખત આ ભાષાનું સર્જન થઈ જશે તો પાણિનીના સૂત્રો દ્વારા કમ્પ્યૂટર માટેની પહેલી આર્ટિફિશિયલ ભાષાનું સર્જન થઈ જશે જેનો ઉપયોગ નાસાની પ્રયોગશાળાથી માંડીને દુનિયાભરની મોટાભાગની પ્રયોગશાળાઓમાં પણ થશે. તેની અસર એવી થશે કે હાલમાં જે કમ્પ્યૂટર માટે ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે તેનાથી મુક્તિ મળી જશે. 

પાણિનીના સૂત્રોનો અભ્યાસ કરીને દુનિયાભરના વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત છે. તેમણે હજારો વર્ષો પહેલાં આટલા શુદ્ધ અને સંક્ષિપ્ત સૂત્રો કેવી રીતે વિકસિત કર્યા હશે. 

વ્યાકરણના આ સૂત્રો કમ્પ્યૂટરની ભાષા કોબોલ અને ફોરટ્રાનને સમાંતર ભાષા જેવા લાગી રહ્યા છે. 

કોબોલ એટલે કે કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેન્ગવેજ છે. આ એક અંગ્રેજી જેવી પ્રોગ્રામિંગ ભાષા છે, જેનો વ્યાવસાયિક ઉપયોગ માટે જ વિકાસ કરવામાં આવ્યો હતો. ફોરટ્રોન એટલે કે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન કહેવાય છે. આ પહેલી ઉચ્ચ સ્તરીય પ્રોગ્રામિંગ ભાષા છે જાન બેક્સ અને તેમના સાથીઓ દ્વારા ૧૯૫૭માં આઈબીએમ માટે વિકસાવવામાં આવી હતી. 

તેનો મુખ્ય ટાર્ગેટ ગણિતિય સૂત્રોને કમ્પ્યૂટર કોડમાં બદલવાના હતા, જે જેને વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગ ગણતરીઓ માટે યોગ્ય બનાવે છે. અંગ્રેજીમાં મોટી સંખ્યામાં શબ્દોનું ઉચ્ચારણ અને અર્થ અસ્પષ્ટ અને અલગ અલગ થાય છે. સ્થિતિ એવી આવે છે કે, મામા, કાકા, ફુઆ, માસા માટે માત્ર અંકલ શબ્દ વપરાય છે તેવી જ રીતે માસી, કાકી, મામી, ફોઈ માટે આન્ટી શબ્દનો ઉપયોગ થાય છે. બીજી તરફ નદીના કિનારાને બેન્ક કહેવાય છે અને આર્થિક લેવડદેવડ સાથે સંકળાયલી સંસ્થાને પણ બેન્ક કહેવાય છે. આવા શબ્દો કોડિંગમાં ભ્રમ ઊભો કરતા હોય છે.

કમ્પ્યૂટર સાયન્સ સાથે સંકળાયેલા સંશોધકો એ ભાષાને જ કમ્પ્યૂટર માટે કુદરતી ભાષા કે સૌથી વધારે યોગ્ય ભાષા માને છે જેમાં ભ્રમ ઊભો ન થતો હોય અને તેના બેવડા અર્થ પણ ન નીકળતા હોય. જે ભાષાઓમાં આવું થતું હોય તેને કૃત્રિમ ભાષા કહેવાય છે. પાણિનીના વ્યાકરણમાં સંસ્કૃતને પૂર્ણ, સ્પષ્ટ અને સંક્ષિપ્ત તથા સૂત્રબદ્ધ કરવામાં આવ્યું છે. અમેરિકા, જર્મની અને ભારતતના સંશોધકો દ્વારા પાણિનીના સંસ્કૃત સૂત્રોને એક ગણિતિય સૂત્રની જેમ તૈયાર કરીને તેના થકી કોડિંગનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે, સંશોધકો દ્વારા જે દિવસે આ કોડિંગ લેન્ગવેજમાં સફળતા મેળવવામાં આવે તે દિવસે કમ્પ્યૂટર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પોતાના નેચરલ લેન્ગવેજ મળી જશે. બાકીની હાલમાં ચાલી રહેલી તમામ આર્ટિફિશિયલ લેન્ગવેજથી ટેકનોલોજીને મુક્તિ મળશે.

જાણકારો માને છે કે, સંસ્કૃતની વાક્યરચના ગાણિતિક રીતે એટલી સુસંગત છે કે તેને એક કમ્પ્યૂટર માટે સૌથી અનુકુળ ભાષા માનવામાં આવી રહી છે. તેની મદદથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સમાં ઘણા કામ થયા છે અને આગળ વધારે કામ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં ટેકનિકલ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં તથા કમ્પ્યૂટિંગ અને એઆઈના અભ્યાસ કરાવાય છે તેવી તમામ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં સંસ્કૃતનો ઉપયોગ કરવા માટે કામગીરી ચાલી રહી છે. મહત્ત્વની વાત એ છે કે, એક વખત આ કામગીરી પૂરી થઈ ગઈ ત્યારબાદ ટેકનોલોજી ફિલ્ડમાં પણ સંસ્કૃતના જાણકારો માટે રોજગારીની ઉજળી તકો હશે.

ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં શિક્ષણનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. ખાસ કરીને રોજગારીના અવસરો વધે તે પ્રકારે શિક્ષણ અને તેના અભ્યાસક્રમ વિકસાવવામાં આવી રહ્યા છે. તેનાથી ફાયદો એ થયો છે કે, હવે યુનિવર્સિટીઓમાં પણ એવી જ ભાષાનો અભ્યાસ કરાવાઈ રહ્યો છે જેનાથી વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે. 

સંસ્કૃત કમ્પ્યૂટિંગની ભાષા સાબિત થઈ જશે તો ડિજિટલ ભારતની ભાષા પણ સંસ્કૃત જ બની જશે. 

તેના થકી ભારતીય ભાષાઓને ડિજિટલ ભાષા બનતા સમય નહીં લાગે. સંસ્કૃત જ્ઞાન, મૂલ્ય અને વિજ્ઞાનને એકસૂત્ર કરતી ભાષા માનવામાં આવે છે. પહેલા પરમાણુ પરિક્ષણ અને વિસ્ફોટથી માંડીને વર્તમાન સમયમાં આધુનિક ટેકનોલોજી વિકસાવતા સંશોધકો પણ સંસ્કૃતિને પ્રાચિન સાહિત્ય અને ટેકનોલોજીનો પ્રેરણા સ્ત્રોત માને છે. તેના કારણે જ કમ્પ્યૂટરની ભાષા વિકસાવવા માટે હવે સંસ્કૃતને માધ્યમ બનાવવામાં આવી રહ્યું છે.

એક સમય અમેરિકાએ કમ્પ્યૂટરની ટેકનોલોજી ભારતને આપવાની મનાઈ કરી હતી 

સંશોધનના લાંબા યુગનો ઈતિહાસ ફેંદવામાં આવે તો થોડા જ દાયકા પહેલાની એક ઘટના છે જેમાં અમેરિકાની આડોડાઈનું ઉત્તમ ઉદાહરણ પડેલું છે. ૧૯૮૦ના દાયકામાં કમ્પ્યૂટરનું દુનિયામાં આગમન થઈ ગયું હતું. તેમાંય પશ્ચિમી દેશોમાં તેનું ચલણ વધારે હતું. તે વખતે ભારતે કમ્પ્યૂટર ટેકનોલોજી આપવા માટે ૧૯૮૭માં અમેરિકાને વિનંતી કરી હતી પણ અમેરિકાએ તે અરજી ફગાવી દીધી હતી. તેના કારણે રોષે ભરાયેલા સંશોધક વિજય પાંડુરંગ ભટકરે તેને ભારત માટે એક પડકાર માનીને સ્વીકારી લીધું અને જાતે જ કમ્પ્યૂટર બનાવવા માટે મથવા લાગ્યા. દેશના સૌથી પહેલા સુપર કમ્પ્યૂટર પરમના સર્જનમાં પણ તેમનો મોટો ફાળો છે. વાત એવી છે કે, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યૂટિંગ દ્વારા ૧૯૯૧માં એક ઘણા સંશોધનો કરવામાં આવ્યા. ભારતનું પહેલું સુપર કમ્પ્યૂટર પરમ-૮૦૦૦ પણ આ સંસ્થાની મદદથી જ વિકસિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરમસિદ્ધિ-એઆઈ નામના સુપર કમ્પ્યુટર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરતું સાધન હતું. તે ભારતનું પહેલું ડબલ બાઈનરી કોડિંગ ઉપર કામ કરતું સુપર કમ્પ્યૂટર હતું. નવેમ્બર ૨૦૨૩માં એક સર્વે બહાર આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે, દુનિયામાં ૫૦૦થી વધુ સુપર કમ્પ્યૂટરો બનાવાયેલા છે જેમાં ભારતના ઐરાવત, પીએસએઆઈ, પરમસિદ્ધિ, પ્રત્યૂષ અને મિહિરનો સમાવશે થાય છે. બાઈનરી કોડિંગને કમ્પ્યૂટરનું ભવિષ્ય માનવામાં આવી રહ્યું છે. પારંપરિક કમ્પ્યૂટર બિટ ઉપર કામ કરે છે અને ક્વોન્ટમ કમ્પ્યૂટર ક્યૂબિટ ઉપર કામ કરતું હોય છે. તેનું કોડિંગ તે રીતે થાય છે. પારંપરિક કમ્પ્યૂટરમાં દરેક બિટનું મૂળ શૂન્ય અથવા એક હોય છે. દરેક કમ્પ્ય્ટૂર શૂન્ય અને એકની ભાષામાં જ ઈનપુટ ડિવાઈસ થકી અપાતા કમાન્ડને સમજે છે અને તે પ્રમાણે કામ કરે છે. બીજી તરફ ક્વોન્ટમ કમ્પ્યૂટરની વાત એવે તો તે એકસાથે જ શૂન્ય અને એકને ગ્રહણ કરી લે છે. તેના કારણે તેની ઝડપ અત્યંત વધારે હોય છે. તેના કારણે જ સુપર કમ્પ્યૂટરમાં મલ્ટિ ટાસ્કિંગ એકદમ સરળ છે અને તેમાં ડેટા સ્ટોરેજ અને કામગીરીને પણ કોઈ મુશ્કેલી આવતી નથી. હવે આ તમામ કમ્પ્યૂટરોમાં સંસ્કૃતનો ઉપયોગ કરીને તેને વધારે ક્રિયાશિલ અને પરિણાલક્ષી બનાવવાના છે.