ગોયલનો બાળાપો સાચો, ઈ-કોમર્સે નાના દુકાનદારોને ખતમ કરી દીધા
- એમેઝોન સહિતની મોટી કંપનીઓ ભારતમાં ઈ-કોમર્સની જાળ ફેલાવી રહી છે તેના કારણે દેશના 10 કરોડ નાના વેપારીઓ તબાહ થઈ રહ્યા છે
- ગોયલની વાતો મોદી સરકાર માટે આઘાતજનક છે પણ એકદમ સાચી છે. ઈ-કોમર્સના કારણે નાના નાના ધંધા તૂટી ગયા છે અને તેના કારણે બેરોજગારી વધી રહી છે. ગોયલનો બળાપો એ વાતનો પુરાવો છે કે, મોદી સરકારમાં પ્રધાનોની પણ હૈસિયત નથી. એમેઝોન પોતાની મનમાની કરીને મંજૂરી નથી એવા ધંધા કરે છે છતાં દેશના કોમર્સ મિનિસ્ટર ગોયલ તેને રોકી ના શકતા હોય તો ગોયલની હૈસિયત ચપરાસીથી વધારે કંઈ ના કહેવાય. ગોયલ એમેઝોન કે બીજાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સને રોકી નથી શકતા કેમ કે મોદી એમેઝોન સહિતની કંપનીઓના પગોમાં આળોટી ગયા છે.
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારનું શાસન આવ્યું પછી રોજગારી વધી હોવાના ભાજપના દાવાના મોદી સરકારના કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મિનિસ્ટર પિયૂષ ગોયલે જ છોતરાં કાઢી નાખ્યાં છે. નવી દિલ્હીમાં ગોયલને ભારતમાં ઈ-કોમર્સના કારણે રોજગારી વધી છે અને ગ્રાહકોને પણ ફાયદો થાય છે એ પ્રકારના રીપોર્ટને લોંચ કરવાના કાર્યક્રમમાં બોલાવાયા હતા. કાર્યક્રમમાં ગોયલ ઈ-કોમર્સ કંપનીઓનાં વખાણ કરશે એવી અપેક્ષા રખાતી હતી પણ ગોયલ તો ઈ-કોમર્સ કંપનીઓ પર તૂટી પડયા.
ઈ-કોમર્સની તારીફ કરતો જે રીપોર્ટ લોંચ કરાયો તેમાં દાવો કરાયો છે કે, ઈ-કોમર્સના કારણે દેશમાં ૧.૫૦ કરોડ વધારાની રોજદારી પેદા થઈ છે. ગોયલે ઈ-કોમર્સના કારણે રોજગારી વધી હોવાના દાવાને બકવાસ ગણાવીને કહ્યું કે, એમેઝોન સહિતની મોટી કંપનીઓ ભારતમાં ઈ-કોમર્સની જાળ ફેલાવી રહી છે તેના કારણે દેશના ૧૦ કરોડ નાના વેપારીઓ તબાહ થઈ રહ્યા છે, તેમના ધંધા ઠપ્પ થઈ રહ્યા છે અને દુકાનોને તાળાં વાગી રહ્યાં છે તેથી ઉલટાની રોજગારી ઘટી રહી છે.
ગોયલે તો સવાલ પણ કર્યો કે, આપણે ઈ-કોમર્સનો વિકાસ થવા દઈને ભારતમાં ભયંકર તબાહી લાવવા માગીએ છીએ ? ગોયલે ઈ-કોમર્સના કારણે રોજગારી વધી હોવાનો રીપોર્ટ બનાવનારી અર્ન્સ્ટ એન્ડ યંગને પણ આડે હાથ લેતાં કહ્યું કે, એ લોકોને ભારતમાં ગામડાંમાં શું સ્થિતી છે તેનું ભાન નથી અને બકવાસ રીપોર્ટ બનાવીને લોકોને બેવકૂફ બનાવે છે.
ભારતમાં એમેઝોન સૌથી મોટી ઈ-કોમર્સ કંપની છે તેથી ગોયલનો બધો ગુસ્સો એમેઝોન પર સૌથી વધારે ફૂટયો છે. એમેઝોને હમણાં ભારતમાં વધુ ૧ અબજ ડોલર (લગભગ ૮૪૦૦ કરોડ રૂપિયા)નું રોકાણ કરવાની જાહેરાત કરી છે. ગોયલે એમેઝોનને આડે હાથ લેતાં કહ્યું કે, કંપની આ રોકાણ કરીને ભારત પર અહેસાન નથી કરી રહી કે ભારતના અર્થતંત્રને મદદ કરવા આ રોકાણ નથી કરી રહી પણ વિદેશમાં કંપનીને થયેલું નુકસાન ભરપાઈ કરવા આ ધંધો કરાઈ રહ્યો છે. એમેઝોન ભારતમાં રોકાણ કરે તેનાથી હરખાવા જેવું પણ નથી કેમ કે એમેઝોને પોતાના હરીફોને સાફ કરી દેવા નીચા ભાવ રાખ્યા તેમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આ રોકાણ કરાઈ રહ્યું છે.
એમેઝોને ભારતમાં ગયા વરસે ૬૦૦૦ કરોડ રૂપિયાની ખોટ કરી હોવાના દાવાનાં છોતરાં ઉડાવતાં ગોયલે કહ્યુ કે, એમેઝોને આ ખોટમાંથી ૧૦૦૦ કરોડ રૂપિયા તો પ્રોફેશનલ્સને ચૂકવ્યા છે. ગોયલે કટાક્ષ પણ કર્યો કે, એમેઝોને ક્યા પ્રોફેશનલ્સને ૧૦૦૦ કરોડ રૂપિયા ચૂકવ્યા એ જાણવામાં મને પણ રસ છે કેમ કે હું પણ સીએ છું અને આટલી તોતિંગ રકમ મને મળતી નથી. પોતાની સામે કોઈ કેસ ના થાય એટલે એમેઝોન દેશના બધા ટોચના વકીલોને રોકી લીધા હોય તો આટલી ફી ચૂકવવી પડે.
એમેઝોને ૨૦૨૨-૨૩માં રૂપિયા ૩૬૪૯ કરોડ રૂપિયાની ખોટ કરી હતી જ્યારે ૨૦૨૩-૨૪માં ખોટ વધીને ૪૮૫૪ કરોડ રૂપિયા થઈ છે. ગોયલે એમેઝોનને બીટુબી બિઝનેસ કરવાની મંજૂરી નહીં હોવા છતાં એમેઝોન બીટુબી બિઝનેસ કરે છે એવો બળાપો પણ કાઢયો છે. અમેઝોનની નીતિઓથી નાના સ્ટોર ખતમ થઈ રહ્યો છે.
ગોયલની વાતો મોદી સરકાર માટે આઘાતજનક છે પણ એકદમ સાચી છે. ઈ-કોમર્સના કારણે નાના નાના ધંધા તૂટી ગયા છે અને તેના કારણે બેરોજગારી વધી રહી છે. પહેલાં નાનું ગામ હોય કે શહેર હોય, બધે જ સ્થાનિક વેપારીઓની દુકાનો ધરાવતાં બજારો હતાં. આ બજારોમાં તમામ પ્રકારની ચીજવસ્તુઓ મળતી અને લોકો બજારમાંથી જ બધી ખરીદી કરતાં. ઈ-કોમર્સ પ્લેટફોર્મ આવ્યાં પછી તેમણે ધીરે ધીરે બધી ચીજવસ્તુઓ વેચવા માંડી અને એ પણ સાવ સસ્તા ભાવે વેચવા માંડી. ગ્રાહકોને પોતાની તરફ ખેંચવા માટે ખોટ ખાઈને પણ જંગી ડિસ્કાઉન્ટ આપીને માલ વેચવાની નીતિના કારણે લોકો ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ તરફ વળી ગયાં તેમાં નાના ધંધા અને દુકાનોનો મૃત્યુ ઘંટ વાગી ગયો છે.
ઈ-કોમર્સના કારણે દુકાનદારો નવરા થયા તેથી રોજગારી ઘટી ને એ કોઈ રીતે સરભર થઈ શકે તેમ નથી. ઈ-કોમર્સના કારણે મોટા પ્રમાણમાં રોજગારી પેદા કરાઈ રહી હોવાના દાવા થાય છે પણ એ સાવ પોકળ છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ સાવ નીચલા સ્તરની રોજગારી ઉભી કરે છે. માલ-સામાનની હેરફેર માટે ડ્રાઈવરો, વેરહાઉસીસમાં કામ કરનારા મજૂરો, પાર્સલોની હેરફેર કરનારા કામદારો, ઘરે ઘરે પહોંચીને પાર્સલ પહોંચાડતા ડીલીવરી બોય એ પ્રકારની રોજગારી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ ઉભી કરે છે. આ નોકરીઓમાં માંડ દસ-પંદર હજારનો પગાર અપાયો છે અને તેના માટે કોઈ મોટી શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. આપણે અંગ્રેજોના ગુલામ હતા ત્યારે અંગ્રેજોને સિસ્ટમ ચલાવવા કારકુનો અને મજૂરી કરવા માટે મજૂરો જોઈતા હતા. ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનાં નવાં સ્વરૂપ જ છે.
ગોયલનો બળાપો એ વાતનો પુરાવો છે કે, મોદી સરકારમાં પ્રધાનોની પણ કોઈ હૈસિયત નથી. એમેઝોન પોતાની મનમાની કરીને મંજૂરી નથી એવા ધંધા કરે છે છતાં દેશના કોમર્સ મિનિસ્ટર ગોયલ તેને રોકી ના શકતા હોય તો ગોયલની હૈસિયત ચપરાસીથી વધારે કંઈ ના કહેવાય. ગોયલ એમેઝોન કે બીજાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સને રોકી નથી શકતા કેમ કે મોદી એમેઝોન સહિતની કંપનીઓના પગોમાં આળોટી ગયા છે.
ઈ-કોમર્સના કારણે નાના દુકાનદારોની હાલત અત્યંત ખરાબ છે. તેમને કેવી કેવી તકલીફો પડી રહી છે અને સરકાર તેમને પડખે ઉભી રહેવાના બદલે તેમને ખતમ કરવામાં શું યોગદાન આપી રહી છે તેની વાત કાલે કરીશું.
મોદીનો 3 વર્ષમાં 8 કરોડ રોજગારીનો દાવો, ગોયલે જુદું વાજું વગાડયું
નરેન્દ્ર મોદીએ ૧૩ જુલાઈ, ૨૦૨૪ના રોજ એટલે કે, ૪૦ દિવસ પહેલાં દાવો કરેલો કે, રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો રીપોર્ટ કહે છે કે, ભારતમાં છેલ્લા ૩-૪ વર્ષમાં ૮ કરોડ નવી રોજગારી પેદા થઈ છે. મોદીએ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ઈન્ડિયા કેએલઈએમએસના રીપોર્ટના આધારે આ દાવો કર્યો હતો. પિયૂષ ગોયલે તેનાથી જુદું વાજું વગાડીને બેરોજગારી વધી હોવાનો આક્રોશ ઠાલવ્યો છે.
કેએલઈએમએસ (કેઃકેપિટલ, એલઃલેબર, ઈઃએનર્જી, એમઃમટીરિયલ્સ, એસઃ સર્વિસીસ) રીઝર્વ બેંકની ડેટાબેઝ રાખતી પાંખ છે. ઈન્ડિયા કેએલઈએમએસના રીપોર્ટ પ્રમાણે, ભારતમાં ૨૦૧૭-૧૮થી ૨૦૨૩-૨૪ના નાણાંકીય વર્ષ દરમિયાન ભારતમાં ૧૬.૮૩ કરોડ નવી રોજગારી પેદા થઈ છે અને દેશમાં ૬૪.૩૩ કરોડ લોકો નોકરીઓ કરે છે.
રીઝર્વ બેંકનું કામ રોજગારી અંગેનો ડેટા તૈયાર કરવાનું નથી પણ મોદી સરકારે પોતાની વાહવાહી કરાવવા માટે તેને ધંધે લગાડીને ખોટા ડેટા તૈયાર કરાવ્યા હોવાનો આક્ષેપ થાય છે. ઈન્ડિયા કેએલઈએમએસ પાસે પણ રોજગારીનો ડેટા મેળવવા માટેનું કોઈ તંત્ર નથી તેથી તેના આંકડા વિશ્વસનિય જ ગણાતા નથી. વિશ્લેષકોના મતે, ભારતમાં ૨૦૧૧ પછી વસતી ગણતરી જ નથી કરાઈ ત્યારે કેટલાં લોકો નોકરી કરે છે તેના આંકડા ક્યાંથી આવ્યા એ મોટો સવાલ છે.
લોકસભાની ચૂંટણીમાં બેરોજગારી સહિતના મુદ્દા ગાજ્યા તેથી મોદી સરકાર આંકડાઓની માયાજાળ ઉભી કરીને લોકોને બેવકૂફ બનાવી રહી હોવાનો વિશ્લેષકોનો મત છે.
મોદી સરકારે કન્સલ્ટન્સી એજન્સીઓને 500 કરોડની લહાણી કરી
પિયૂષ ગોયલે ઈ-કોમર્સને વખાણતો રીપોર્ટ બનાવનારી એજન્સી અર્ન્સ્ટ એન્ડ યંગની ઝાટકણી કાઢી છે ત્યારે મજાની વાત એ છે કે, મોદી સરકારે જ આ બધી કન્સલ્ટન્સી ફર્મને કોન્ટ્રાક્ટ આપ્યા છે. આ પાંચ કંપનીએ કેન્દ્ર સરકારનાં ૧૬ મંત્રાલયો તથા વિભાગને ૩૦૮ રીપોર્ટ આપીને ૫૦૦ કરોડ રૂપિયા ખંખેર્યા છે.
અર્ન્સ્ટ એન્ડ યંગ ગ્લોબલ લિમિટેડ ઉપરાંત પ્રાઈસવોટરહાઉસ કૂપર્સ, ડેલોઈટ, કેપીએણજી ઈન્ટરનેશનલ તથા મેકકિન્સી એન્ડ કંપની પર મોદી સરકાર ભરપૂર વરસી રહી છે. આ એજન્સીઓને ટેકનિકલ કન્સલ્ટન્ટ્સની નિમણૂકમાં સલાહ, ઈ-ગવર્નન્સ એવોર્ડ્સના નોમિનેશનનાં મૂલ્યાંકન, એડવાઈઝરી સર્વિસ માટે રીટેઈનર જેવી સાવ વાહિયાત સેવાઓ માટે નાણાં ચૂકવાયાં છે.
ગોયલના પોતાના કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીએ પણ આ એજન્સીઓને નાણાં ચૂકવ્યાં છે અને હવે ગોયલ તેના જ રીપોર્ટની ઝાટકણી કાઢી રહ્યા છે. તેનું કારણ એ છે કે, ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સના કારણે સૌથી વધારે નુકસાન ગોયલની જ્ઞાાતિ મારવાડી વણિક દુકાનદારોને થયું છે. ઉત્તર ભારતમાં મારવાડી વણિકો કરિયાણા સહિતની નાની દુકાનો ધરાવે છે અને ગોયલ પણ મારવાડી વણિક છે તેથી જ્ઞાાતિના આગેવાનો સતત આ મુદ્દે ગોયલ પર દબાણ કરી રહ્યા છે. આ દબાણના કારણે ૨૦૨૦માં પણ ગોયલે ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ સામે બળાપો ઠાલવ્યો હતો પણ પછી ઠંડા પડી ગયા હતા. અત્યારે પણ આક્રોશ ઠાલવ્યા પછી ગોયલ ગેં-ગેં ફેં-ફેં તો કરવા જ લાગ્યા છે.