- દસ દિવસ પહેલાં પીએમ બાલેન શાહે શ્રમ મંત્રી દીપક સાહને હાંકી કાઢયા હતા, હવે ગૃહમંત્રી ગુરંગનું રાજીનામું
- દેશના ગૃહમંત્રી ગુરંગ જ ગુનાખોરીના આરોપોની વચ્ચે ફસાઈ ગયા છે. ગુરંગ સામે આરોપ છે કે, તેઓ જે કંપનીમાં રોકાણ કરી આવ્યા છે તેનું જોડાણ કુખ્યાત હવાલા વેપારી દીપક ભટ્ટ સાથે છે. દીપક ભટ્ટની કંપનીમાં તેમનું અઢી કરોડ કરતા વધારેનું રોકાણ હોવાની ચર્ચા છે. આ સિવાય રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના પ્રમુખ લામિછાને સામે પણ કરોડોના કૌભાંડના આરોપો છે : ઉપરાંત સાંસદ દીપક સાહે મંત્રી બનતા જ પરિવારવાદ શરૂ કરી દીધો હતો. અહેવાલો પ્રમાણે તેમણે પોતાના પદનો દૂરુપયોગ કરીને પોતાની જ પત્નીને સ્વાસ્થ્ય વીમા બોર્ડના સભ્ય તરીકે લેવડાવી લીધા હતા. સાંસદ બન્યા પહેલાં દીપક સાહ સામે ઘણા આરોપો મુકાયેલા હતા. તેઓ મેડિકલ કોલેજોના એડમિશન મુદ્દે છેતરપિંડી કરવાના કેસમાં આરોપી હતા : ઘણા નેતાઓ હવે બાલેન શાહ ઉપર દબાણ વધારી રહ્યા છે. તેઓ કોઈપણ મુદ્દે કલંકિત નેતાઓને બહારનો રસ્તો બતાવવા દબાણ કરી રહ્યા છે. બીજી તરફ નેપાળના માઓવાદી સેન્ટર સાથે જોડાયેલી જેન ઝી રેડ ફોર્સ પણ બાલેન શાહ ઉપર દબાણ વધારી રહી છે. તેના કારણે 100 સુધારા કરવાના વાયદા કરતી સરકાર 100 દિવસ સુધી ટકી રહેશે કે કેમ તેવી ચર્ચાએ જોર કડયું છે
નેપાળમાં વધી ગયેલા ભ્રષ્ટાચાર, બેરોજગારી, પરિવારવાદ, સગાવાદ અને અન્ય સમસ્યાઓ સામે થોડા વખત પહેલાં યુવાનો દ્વારા વિદ્રોહ કરવામાં આવ્યો હતો. તત્કાલિન સરકારને રાજીનામુ આપવું પડયું હતું. નેપાળમા જેનઝી આંદોલને સમગ્ર દેશના રાજકારણને બદલી કાઢયું હતું. જેન-ઝીના આંદોલનને પગલે જ માર્ચ મહિનામાં યુવા નેતા બાલેન શાહ નેપાળના સૌથી યુવાન વડા પ્રધાન બન્યા અને તેમની આગેવાનીમાં યુવાન અને અનુભવસિદ્ધ નેતાઓનું એક સંયુક્ત મંત્રીમંડળ રચાયું. આ નવી સરકારને આ જેન ઝી સરકારને હજી મહિનો પૂરો નથી થયો ત્યાં જ યાદવાસ્થળીના એંધાણ આવવા લાગ્યા છે.
હકીકત એવી છે કે, નેપાળમાં સત્તા પરિવર્તન થયા બાદ લોકને આશા હતી કે હવે દેશનો વિકાસ થશે, દેશને નવું નેતૃત્વ મળવાથી નવી દિશામાં આગળ વધાશે, લોકકલ્યાણની યોજનાઓ અને નીતિઓ લાગુ થશે અને ભ્રષ્ટાચાર તથા બેરોજગારી જેવી સમસ્યાઓ ઉપર અંકુશ લાગશે. વાસ્તવિક રીતે જોઈએ તો સ્થિતિ એવી છે કે, દેશોમાં તો સુધારો આવતા આવશે પણ સરકાર ડખે ચડી છે અને નવી પાર્ટીમાં પણ આંતરિક વિખવાદ બહાર આવવા લાગ્યા છે. નેપાળના કેન્દ્રીય ગૃહમંત્રી સુદન ગુરંગે બુધવારે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું. હવે વાત એવી છે કે, દેશમાં હવાલાના કથિત કેસમાં અટવાયેલા ઉદ્યોગપતિ દીપક ભટ્ટ સાથે ગુરંગના વ્યાવસાયિક અને સામાજિક સંબંધો હોવાનું બહાર આવ્યું છે. તેમની સાથે ગુરંગની લાખો રૂપિયાની કામગીરી ચાલતી હોવાના મુદ્દે સરકારમાં અને પાર્ટીમાં વિરોધના વંટોળ ઉઠયા છે. તેના કારણે ગુરંગ સામે તપાસના આદેશ અપાયા છે. આ સંજોગોમાં તપાસને અસર ના થાય તેના કારણે ગુરંગે જાતે રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે. બીજી તરફ કેટલા લોકો માને છે કે તેમને પણ રવાના કરાયા છે.
ઉલ્લેખનીય છે કે, બાલેન શાહની પાર્ટી અને સરકારની આંતરિક માથાકૂટો અને વિખવાદ હવે સપાટી ઉપર આવી ગયા છે. થોડા દિવસ પહેલાં જ ૯ એપ્રિલે જ બાલેન શાહ દ્વારા પોતાની જ સરકારના કેન્દ્રીય શ્રમ અને સમાજ કલ્યાણ મંત્રી દીપક કુમાર સાહને રવાના કરવામાં આવ્યા હતા. આ ઘટનાને હજી દસ દિવસ થયા છે ત્યાં ૨૨ એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી ગુરંગે રાજીનામું આપ્યું છે. સરકાર રચાયાને એક મહિનો પણ નથી થયો ત્યાં બે કેબિનેટ મિનિસ્ટરને રવાના કરવામાં આવ્યા તેણે વ્યાપક ચર્ચાઓ શરૂ કરી છે. લોકો માને છે કે, આ યાદવાસ્થળી બહાર ન આવે તે માટે અંદરખાને જ આ લોકોના રાજીનામા લઈને કામગીરી હાથ ધરાઈ છે.
ખાસ વાત એ છે કે, સોદાબાજી અને ગુપ્ત રોકાણોના આરોપોનો સામનો કરી રહેલા ગુરંગની વાત કંઈક જુદી જ છે. ગુરંગે રાજીનામુ આપવા અંગે જણાવ્યું હતું કે, હાલમાં મારા રોકાણો, મારી કામગીરી, મારા શેરબજારમાં રોકાણ વગેરે અંગે વ્યાપક ચર્ચા ચાલી છે, સવાલો થઈ રહ્યા છે અને તપાસ પણ કરાઈ રહી છે. તેના પગલે જ મેં નૈતિકતાના ધોરણે રાજીનામુ આપ્યું છે. દેશમાં યુવા આંદોલન અને જેનઝી આંદોલન સુશાસન, પારદર્શકતા અને જવાબદારીની માગણી જ કરતું હતું. તેના આધારે જ નવી સરકાર બની હતી. અમે માનીએ છીએ કે, જાહેર જીવન ખરડાયેલું ન હોવું જોઈએ અને તેના કારણે જ સ્વચ્છ નેતૃત્ત્વ જ તેનો જવાબ છે. મારા ભાઈઓ-બહેનોનો બલિદાનથી રચાયેલી સરકાર ઉપર સવાલ ઊભા થતા હોય તો તેનો જવાબ નૈતિકતા જ છે. મેં તેના કારણે જ રાજીનામું આપ્યું છે જેથી નિષ્પક્ષ તપાસ થાય અને કોઈના ઉપર દબાણ ઊભું ન થાય.ઉલ્લેખનીય છે કે, ગુરંગે તો સોશિયલ મીડાયમાં પણ દાવો કર્યો છે કે, મારા વિશે ઘણી અફવાઓ ફેલાયેલી છે, વાતો થઈ રહી છે. આ તમામ અટકળોને સત્યથી અલગ કરવી પડશે. મારી સામે મુકાયેલા તમામ આરોપ સાચા નથી. પુરાવાના આધારે જે સામે આવશે તે સત્ય હશે, માત્ર લાગણીઓના આધારે કોઈની સામે કંઈપણ કરી શકાય નહીં. હું પાર્ટી દ્વારા લેવાયેલા તમામ નિર્ણયનું સમર્થન કરું છું અને તેનું પાલન કરું છું. લોકોમાં ચર્ચા એ ચાલી છે કે, ખરેખર ગુરંગ પાસે રાજીનામું લેવામાં આવ્યું છે કે પછી તેમને રવાના જ કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય શ્રમ, રોજગાર, સામાજિક સુરક્ષાનો ભાર સંભાળતા મંત્રી દીપક કુમાર સાહને પદ ઉપરથી દૂર કરવામાં આવ્યા તેની પાછળ પણ કંઈક આવા જ કારણો હતા. જે પરિવારવાદ અને સગાવાદનો વિરોધ કરીને બાલેન શાહની પાર્ટી સત્તા ઉપર આવી હતી તેમાં જ દીપક સાહે પરિવારવાદ શરૂ કરી દીધો હતો. અહેવાલો પ્રમાણે તેમણે પોતાના પદનો દૂરુપયોગ કરીને પોતાની જ પત્નીને સ્વાસ્થ્ય વીમા બોર્ડના સભ્ય તરીકે લેવડાવી લીધા હતા. ઘણા સમયથી આ પદ ખાલી હતું અને ચાર્જ લીધાના થોડા જ દિવસમાં દીપક સાહે આ પદ ઘરમાંથી જ ભરી દીધું. તેના કારણે પાર્ટીની શિસ્ત સમિતિ દ્વારા તેમની સામે પગલાં લેવાયા અને તેમને પદ ઉપરથી દૂર કરવામાં આવ્યા હતા.
હવે પડદા પાછળની ચર્ચા એવી છે કે, નેતા બન્યા પહેલાં અને સાંસદ બન્યા પહેલાં દીપક સાહ સામે ઘણા આરોપો મુકાયેલા હતા. તેઓ મેડિકલ કોલેજોના એડમિશન મુદ્દે છેતરપિંડી કરવાના કેસમાં આરોપી હતા. તેમની પોતાની કંપનીના સાથી જોડે ભેગા મળીને તેમણે આ કાંડ કર્યો હોવાના આરોપો હતા. તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ જામીન ઉપર છૂટી ગયા હતા. આ કેસ હજી નેપાળની એક હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. આવા ગુનેગાર અને ભ્રષ્ટ વ્યક્તિને વડા પ્રધાન બાલેન શાહ દ્વારા ટિકિટ આપવામાં આવી અને તેને કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યો તેનો વ્યાપક વિરોધ થયો હતો. પ્રજાના અણગમા અને પાર્ટીના આંતરિક વિરોધને પગલે બાલેન શાહે આકરો નિર્ણય લઈ દીપક સાહને રવાના કરવા પડયા હતા.
મૂળ મુદ્દે વાત એવી છે કે, રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીની રચના જ પારદર્શકતા અને સ્વચ્છ રાજકારણ માટે કરવામાં આવી હતી. ભ્રષ્ટાચારનો વિરોધ, પરિવારવાદનો વિરોધ, બેરોજગારીનું નિવારણ જેવા મુદ્દા જ પાર્ટી માટે મહત્ત્વના હતા. તેના પગલે જ લોકચાહનાની સાથે સાથે લોકોએ તેમની સત્તા ઉપર પણ મોહર મારી હતી. હવે આ સરકાર બન્યાના થોડા જ દિવસમાં કેબિનેટ મિનિસ્ટર દીપક સાહે સત્તાનો દૂરુપયોગ કરીને પોતાનું પોત પ્રકાશ્યું. તેના કારણે તેમને મંત્રીમંડળમાંથી હાંકી કાઢવા પડયા. બીજી તરફ દેશના ગૃહમંત્રી ગુરંગ જ ગુનાખોરીના આરોપોની વચ્ચે ફસાઈ ગયા છે. ગુરંગ સામે આરોપ છે કે, તેઓ જે કંપનીમાં રોકાણ કરી આવ્યા છે તેનું જોડાણ કુખ્યાત હવાલા વેપારી દીપક ભટ્ટ સાથે છે. દીપક ભટ્ટની કંપનીમાં તેમનું અઢી કરોડ કરતા વધારેનું રોકાણ હોવાની ચર્ચા છે. સરવાળે એવું દેખાય છે કે, પાર્ટીએ જેની વાતો કરીને સત્તા લીધી હતી તે હવે માત્ર જુમલા જેવી સાબિત થઈ રહી છે.
ગુરંગ પહેલા દિવસથી વિવાદમાં હતા, અન્ય નેતાઓ સામે પણ કૌભાંડના આરોપ
ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી સુદન ગુરંગનો નાનકડો કાર્યકાળ હતો છતાં તે સતત ચર્ચામાં અને વિવાદોમાં જ રહ્યો હતો. તમામ નેતાઓ અને રાજકારણીઓની સિક્યોરિટી રદ કરવી, તમામ નેતાઓની ગાડીઓનું ચેકિંગ કરવું, એરપોર્ટ ઉપર કે રસ્તા ઉપર વીવીઆઈપી કલ્ચર રદ કરવા જેવા નિર્ણયો જારી કરીને લોકોમાં ઉન્માદ જગાવ્યો હતો. બીજી તરફ તેમના પાર્ટીના નેતાઓ જ તેમનો વિરોધ કરતા હતા. તેમને પદ ઉપર આવ્યા ત્યારથી જ બીજા નેતાઓ સાથે તેમને વિખવાદ થયા હતા. તેઓ બીજા મંત્રાલયોની કામગીરીમાં પણ દખલ દેતા હતા. તેમને અન્ય નેતાઓ સાથે ફાવતું નહોતું. તેમણે ગૃહમંત્રી બન્યા બાદ પૂર્વ પીએમ કેપી શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની ધરપકડના આદેશ આપ્યા હતા. તેના કારણે પણ ઘણો વિવાદ થયો હતો. આ સિવાય રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના પ્રમુખ રબી લામિછાને પણ કૌભાંડના આરોપનો સામનો કરી રહ્યા છે. ગોરખા મીડિયા નેટવર્કના ડાયરેક્ટર તરીકે લામિછાને અંદાજે ૧૧ કરોડ રૂપિયાથી વધારેની ગોલમાલ કર્યાના તથા પોખરા, ચિતવન અને રૂપન્દેહી અને કાઠમંડની ઘણી સહકારી સમિતિઓમાં કરોડો રૂપિયાના ગોટાળા કર્યાના આરોપો છે.
તે વખતે તેઓ નાયબ વડા પ્રધાન પણ રહી ચૂક્યા હતા. તે સમયે નેપાળની સુપ્રીમે તેમને અમેરિકાની નાગરિકતા છોડીને નેપાળની નાગરિકતા લેવાના આદેશ કર્યો હતા. હવે કરોડોનું કૌભાંડ કરનાર નેતા જ પાર્ટીના પ્રમુખ છે. બીજી તરફ ભ્રષ્ટાચાર અને પરિવારવાદ કરનારા નેતાઓ સામે પગલાં લેવાયા છે અને તપાસ થઈ રહ્યાના અહેવાલો છે. જ્યાં આલાકમાન અને ટોચના નેતાઓ જ ભ્રષ્ટાચારના આરોપમાં વ્યસ્ત છે ત્યાં અન્ય નેતાઓની વાત થાય તેમ જ નથી. આ સંજોગોમાં સ્વચ્છ અને પારદર્શક સરકાર સત્તાના મહિના પહેલાં જ ફિક્સમાં મુકાઈ ગઈ છે. હવે હાલત એ થઈ છે કે, સત્તારૂઢ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીમાં ધમાસાણ ચાલી રહ્યું છે. ઘણા નેતાઓ હવે બાલેન શાહ ઉપર દબાણ વધારી રહ્યા છે. તેઓ કોઈપણ મુદ્દે કલંકિત નેતાઓને બહારનો રસ્તો બતાવવા દબાણ કરી રહ્યા છે. બીજી તરફ નેપાળના માઓવાદી સેન્ટર સાથે જોડાયેલી જેન ઝી રેડ ફોર્સ પણ બાલેન શાહ ઉપર દબાણ વધારી રહી છે. તેના કારણે ૧૦૦ સુધારા કરવાના વાયદા કરતી સરકાર ૧૦૦ દિવસ સુધી ટકી રહેશે કે કેમ તેવી ચર્ચાએ જોર કડયું છે.


