Get The App

લાઈફ સાઈકલ ખોટકાઈ : નાના જીવજંતુઓની સંખ્યા 72 ટકા ઘટી ગઈ

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
લાઈફ સાઈકલ ખોટકાઈ : નાના જીવજંતુઓની સંખ્યા 72 ટકા ઘટી ગઈ 1 - image


- ઔદ્યોગિકરણ, પ્રદુષણ અને શહેરીકરણને પગલે જંગલોનો નાશ થતાં જીવજંતુઓની અનેક પ્રજાતી નષ્ટ થઈ, જે કુદરતી લાઈફ સાઈકલને કાળક્રમે મોટી હાની પહોંચાડશે

- અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર 15 લાખ કરતા વધારે જીવજંતુઓની શોધ અને ઓળખ કરવામાં આવી છે. આ જીવજંતુઓ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતા જીવજંતુઓની માત્ર 60 ટકા જેટલા જ પ્રજાતી છે : જીવજંતુઓ પોલિનેશન કરે છે અને તેના કારણે જ વૃક્ષો, છોડવા અને અન્ય વનસ્પતીઓ કુદરતી રીતે વિકસે છે અને આગળ વધે છે. તેઓ ન્યૂટ્રિઅન્ટ સાઈકલિંગ તથા કોઈપણ ડેડબોડ અથવા તો મૃત જીવના સડવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે તેના કારણે કુદરતી ક્રમ જળવાઈ રહે છે : ખરેખર આ સ્થિતિ યથાવત્ રહી તો આગામી 40 વર્ષમાં પૃથ્વી ઉપરથી લગભગ ત્રીજા ભાગના જીવજંતુઓ, નાના જીવો નષ્ટ પામશે અને તેના કારણે બાયો સાઈકલ, ફૂડ સાઈકલ અને લાઈફ સાઈકલનો મોટો ફટકો પડશે

વર્તમાન સમયમાં થઈ રહેલા કુદરતી ફેરફારો, ઋતુચક્રના ફેરફારો અને બીજી ઘણી ઘટનાઓ છે જે માણસોને આશ્ચર્યમાં મુકી રહી છે, અકળાવી રહી છે અને કદાચ કનડી પણ રહી છે. આ તમામ ઘટનાઓ પાછળ જવાબદાર માણસ પોતે જ છે. ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે અતિશય ગરમી, અતિશય ઠંડી કે અતિશય વરસાદ જેવી ઘટનાઓ અનિયમિત રીતે થઈ રહી છે. ગમે ત્યારે અને ગમે ત્યાં વાતાવરણ બદલાઈ જાય છે અને લોકોને ખૂબ જ સહન કરવાનું આવે છે. માણસે પૃથ્વી ઉપર રહેવા દરમિયાન પોતાનું સંતુલન સાધી લીધું પણ ધરતી ઉપરનું કુદરતી સંતુલન ખોરવી કાઢયું. તેના કારણે જ આજે સદીઓ પછી આપણે તેના માઠા પરિણામ ભોગવવા પડી રહ્યા છે. 

વર્તમાન સમયની વાત કરીએ તો માણસોના અતિક્રમણને પગલે ધરતીની ફૂડ સાઈકલ અને લાઈફ સાઈકલમાં પણ વ્યાપક ફેરફાર આવ્યો છે. સંશોધકોએ જણાવ્યું કે, પૃથ્વી ઉપર જેમના કારણે લાઈફ સાઈકલ જળવાયેલી છે અને યોગ્ય રીતે ચાલી રહી છે તેવા નાના નાના જીવજંતુઓની સંખ્યા ખૂબ જ ચિંતાજનક સ્તરે ઘટી રહી છે. સંશોધકોએ જણાવ્યું કે, પહાડી વિસ્તારોમાં પણ માણસોના સતત પગપેસારા અને વસવાટને કારણે જીવજંતુઓની સંખ્યા ઘટી રહી છે. અમેરિકાની નોર્થ કેરોલિના યુનિવર્સિટીની ટીમે ૨૦૦૪થી ૨૦૨૪ સુઘી અભ્યાસ કરીને આ તારણ બહાર પાડયું છે. તેમણે જણાવ્યું કે, વધતું જતું શહેરીકરણ, ખેતી, પ્રદુષણ અને દુર્ગમ વિસ્તારોમાં માણસોની વધારે પડતી અવરજવરને કારણે જીવજંતુઓના અસ્તિત્વ ઉપર જોખમ આવતું ગયું છે. ઈકોલોજી જર્નલમાં છપાયેલા આ અભ્યાસમાં જણાવાયું છે કે, ૨૦ વર્ષમાં નાના નાના ઉડી શકતા અને પાંખોવાળા તથા કુદરતી વાતાવરણમાં જ જીવતા જીવજંતુઓની સંખ્યામાં ૭૨ ટકાનો ઘટાડો આવ્યો છે.

સંશોધકો માને છે કે, જો પૃથ્વ ઉપરના સજીવોનું જો લાઈફ ટ્રી બનાવવામાં આવે તો તેમાં નાના જીવજંતુઓની તો કરોડો પ્રજાતીઓ આવે તેમ છે. જંગલોમાં જોવા મળતા, માટી ખોદીઓ તો તેની નીચેથી નીકળતા, પાણીમાં તરતા, તળાવોમાં દેખાતા, હવામાં ઉડતા કે પછી ક્યાંક અંધારીયા ખૂણામાં પડયા રહેતા જેવા અનેક જીવો અને કિટકો આપણી આસપાસ રહે છે અને દરેકનો આ ધરતીની લાઈફ સાઈકલ સાથે જીનેટિક સંબંધ છે. ઓર્થોપોડ ફાઈલમના આધારે કહીએ તો જીવ સમુદાયની કુલ ૪૦ બ્રાન્ચ છે જેમાં એક જીવજંતુઓની આવે છે. જીવજંતુઓમાં જૈવ વિવિધતા જોવા જઈએ તો તે સૌથી વધારે છે. સંશોધકોના મતે અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ૧૫ લાખ કરતા વધારે જીવજંતુઓની શોધ અને ઓળખ કરવામાં આવી છે. આ જીવજંતુઓ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતા જીવજંતુઓની માત્ર ૬૦ ટકા જેટલા જ પ્રજાતી છે. હાલમાં પણ એવા લાખો જીવજંતુઓ છે જેમની ઓળખ થઈ જ નથી અથવા તો આપણે કરી શક્યા જ નથી. 

સંશોધકો જણાવે છે કે, આ કીડા માત્ર ઉડનારા, રાત્રે ફરનારા કે માણસોને પરેશાન કરનારા જીવ નથી. તે ખરેખર તો પૃથ્વીના પારિસ્થિતિક તંત્રના માળખાના પાયામાં રહેલા જીવ છે. તેઓ પોલિનેશન કરે છે અને તેના કારણે જ વૃક્ષો, છોડવા અને અન્ય વનસ્પતીઓ કુદરતી રીતે વિકસે છે અને આગળ વધે છે. તેઓ ન્યૂટ્રિઅન્ટ સાઈકલિંગ તથા કોઈપણ ડેડબોડ અથવા તો મૃત જીવના સડવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે તેના કારણે કુદરતી ક્રમ જળવાઈ રહે છે. આ જીવજંતુઓ પક્ષીઓ, માછલીઓ અને બીજા મોટા જીવજંતુઓ માટે ભોજન પણ હોય છે. હવે જો આ જંતુઓની સંખ્યા ઘટશે તો તેનાથી મોટા જીવજંતુઓ અને સજીવોની ફૂડ ચેઈન ખોરવાઈ જશે.

સમજવા જેવી બાબત એ છે કે, માણસોનો સીધો પગપેસારો કે તેમના દ્વારા જીવજંતુઓનું નિકંદન કાઢવામાં આવ્યું છે તેવું નથી. પ્રદુષણ, ઔદ્યોગિકરણ અને શહેરીકરણને કારણે તાપમાનમાં જે સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે આ જીવજંતુઓનું જીવનચક્ર અને પ્રજનનતંત્ર ખોરવાઈ રહ્યું છે. ક્લાઈમેટ ચેન્જના કારણે અને ગ્લોબલ વોર્મિંગના કારણે જંગલો અને દુર્ગમ વિસ્તારોમાં પણ જીવજંતુઓની લાઈફ સાઈકલ ખોલવાઈ રહી છે. સંશોધકો જણાવે છે કે, ઉત્તરી અમેરિકા અને યુરોપમાં પણ જીવજંતુઓના અસ્તિત્વ ઉપર સંકટ વિશે કરવામાં આવેલા અભ્યાસ તારણો અને કારણો સાથે બંધ બેસે છે. પહેલી વખત અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે, શહેરોનુ પ્રદુષણ અને અન્ય બાબતો દૂર રહેલા જંગલો અને કુદરતી સ્ત્રોતને ઘાતક અસર કરી રહ્યા છે. સંશોધકો સ્પષ્ટ માને છે કે, હવે તે માત્ર ઔદ્યોગિકરણ કે શહેરીકરણના કારણે થયું છે તેવું ન કહેવાય પણ ગ્લોબલ વોર્મિંગની જ અસર ગણી શકાય.

ચાર-પાંચ વર્ષ પહેલાં આવેલા એક બોયોલોજિકલ સર્વેમાં પણ જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લાં ૧૫૦ વર્ષમાં અંદાજે જીવજંતુઓની ૫ લાખ કરતા વધારે પ્રજાતીઓ લુપ્ત થઈ ગઈ છે. હાલમાં પણ જીવજંતુઓની પ્રજાતીઓ લુપ્ત થવાની પ્રક્રિયા ચાલુ જ છે. હાલમાં આ સ્થિતિના આંકડા સામે આવ્યા નથી કદાચ આવી શકે તેમ નથી. સંશોધકોએ નોંધ્યું હતું કે, હાલમાં કેટલી પ્રજાતીના અને કેવા પ્રકારના તથા કેટલા જીવજંતુઓ વધ્યા છે તેની પણ ચોક્કસ નોંધ કરી શકાય તેવી સ્થિતિ નથી. તેઓ જણાવે છે કે, ઉષ્ણકટિબંધિય વિસ્તારોમાં માણસો જાણે છે અને જાણી શકે છે તેનાથી અનેક ગણા વધારે જીવજંતુઓ ત્યાં હાજર છે અને અસ્તિત્વ ધરાવે છે. બીજી તરફ પશ્ચિમી કોસ્ટા રિકામાં ૧૦૦ કિ.મીના નેશનલ પાર્કમાં જેટલા જીવજંતુઓ છે તેટલા સમગ્ર યુરોપમાં જોવા મળતા નથી. સંશોધકોએ જણાવ્યું હતું કે, ૧૯મી સદી બાદ સરેરાશ દરેક દાયકામાં છ ટકાની આસપાસ જીવજંતુઓની વસતી ઘટી રહી છે. તેના કારણે જ અત્યાર સુધીમાં ૭૨ ટકાથી વધારે જીવજંતુઓની પ્રજાતીઓ વિલુપ્ત થઈ ગઈ છે. તેઓ માને છે કે, વર્તમાન સમયમાં તો એક વર્ષમાં એક ટકો જીવજંતુઓ નાશ પામે તેવી સ્થિતિ આવી ગઈ છે. ખરેખર આ સ્થિતિ યથાવત્ રહી તો આગામી ૪૦ વર્ષમાં પૃથ્વી ઉપરથી લગભગ ત્રીજા ભાગના જીવજંતુઓ, નાના જીવો નષ્ટ પામશે અને તેના કારણે બાયો સાઈકલ, ફૂડ સાઈકલ અને લાઈફ સાઈકલનો મોટો ફટકો પડશે. 

ભારત જેવા દેશમાં ખેતી અને બાગાયતને મોટું નુકસાન થઈ શકે છે 

વૈજ્ઞાાનિક અભ્યાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, ભારત અને એશિયાના કેટલાક દેશો જ્યાં પોલિનેશન મોટાભાગે કિટકો અને જીવજંતુઓને આધારિત છે ત્યાં ખેતી અને બાગાયતને મોટું નુકસાન પહોંચવાની શક્યતા છે. તેમના મતે આ પ્રકારના દેશ અને પ્રદેશમાં ખેત ઉત્પાદન, પાણીનું ચક્ર, જંગલોનું આગળ વધવું અને વિકસવું, બાગ-બગીચાનાનું વિકસવું, ફળો ધરાવતા છોડ અને વૃક્ષોનો વિકાસ થવો કે વિસ્તરવું તે બધું જ આવા જીવજંતુઓ ઉપર આધારિત છે. આ કિટકો અને જીવજંતુઓ ઉપર વોચ વધારવી પડશે, તેમનું રક્ષણ કરવા માટે નક્કર પગલાં લેવા પડશે. તેમના જે વિસ્તારો છે, તે વિસ્તારોને દુર્ગમ જ રાખવા પડશે. માણસોની ઘુસણખોરી અને શહેરીકરણની અસરો આ વિસ્તારોમાં ન થયા અને તેમને કુદરતી રીતે વિકસવાનો અને વિસ્તરવાનો અવસર મળી રહે તેવા પગલાં લેવા પડસે. હવે માત્ર ખેતરોમાં જ નહીં પણ શહેરોમાં, જંગલોમાં, પહાડો ઉપર અને અન્ય દુર્ગમ સ્થળે જીવજંતુઓની સંખ્યા વધે તે ખાસ જોવું પડશે. ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી થાય અથવા તો ઓછી કરવામાં આવે તેના માટે પણ દરેક દેશે નક્કર પગલાં ભરવા પડશે. આ ઉપરાંત પેસ્ટી સાઈડ્સનો જે ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેના કારણે ખેતી અને બાગાયતમાં નુકસાન કરનારા જીવજંતુઓની સાથે સાથે મદદ કરનારા જીવજંતુઓ પણ નષ્ટ થઈ રહ્યા છે. તેના પગલે સ્થિતિ એવી આવી છે કે, બાગાયત ખોટકાઈ રહ્યું છે. કુદરતી રીતે જે વિકાસ થતો હતો તેના માટે પણ હવે દવાઓનો જ આધાર લેવો પડે છે. કેટલાક સંશોધકો માને છે કે, મોબાઈલ ટાવરો અને અન્ય ટેક્લોલોજીના કારણે હવામાં જે ઈલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડ સર્જાયું છે તેના કારણે મધમાખી અને અન્ય ઉડતા જીવજંતુઓને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. તેઓ દિશા ભુલી રહ્યા છે, ગમે ત્યાં અથડાઈ રહ્યા છે, તેમનો ફર્ટિલિટી રેટ ખૂબ જ ઘટી ગયો છે. તેઓ મધ ઉત્પાદન અને પોલિનેશન કરી શકતા નથી. આ બધાના કારણે સરેરાશ ફૂડ સાઈકલ ખોરવાઈ રહી છે. 

રાતમાં ઝગમગતા આગીયાઓની સંખ્યા પણ જોખમી સ્તરે ઘટી ગઈ 

અંધારી રાતમાં એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર જતા કે એક છોડ ઉપરથી બીજે જતા અને અંધારામાં ટમટમતા નાનકડા દીવા જેવા આગીયાઓની પ્રજાતી પણ લુપ્ત થવાના આરે આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એક સમય હતો જ્યારે ગામડાઓમાં, પહાડોમાં અને જંગલોની આસપાસ રહેતા લોકો આવા આગીયા પકડીને તેમને કાચની બરણીમાં રાખતા અને રોમાંચનો અનુભવ કરતા હતા. ૭૦ થી ૮૦ના દાયકા સુધી આ અનુભવ ખૂબ જ સુખદ અને આશ્ચર્ય આપતો હતો પણ વર્તમાન સમયમાં બાળકોને તેનો અનુભવ જ થઈ શકે તેમ નથી. આ આગીયાઓની વસતી ખૂબ જ ઘટી ગઈ છે. અત્યંત દુર્ગમ જંગલો અથવા તો અંતરિયાળ વિસ્તારો કે જ્યાં માણસોનો પગપેસારો થયો નથી તેવા વિસ્તારમાં હજી તેઓ જોવા મળી રહ્યા છે. બાકી તો સતત જંગલો કપાવા કારણે આગીયા સહિત અનેક જીવજંતુઓએ કુદરતી રહેઠાણ અને બાયો સાઈકલ ગુમાવી દીધી. તેના કારણે તેમનું અસ્તિત્વ જ જોખમમાં આવી ગયું. સંશોધકોના મતે આવા દુર્લભ જીવો પણ વર્ષે બે ટકાની સરેરાશથી ઓછા થઈ રહ્યા છે. ખાસ કરીને જંગલો કપાવા, જંતુનાશકોનો અવિચારી ઉપયોગ, કૃત્રિમ રોશની, પ્રદુષણ અને જળવાયુ પરિવર્તન જેવા કારણોને પગલે આ જીવજંતુઓ જીવવા માટે પણ સંઘર્ષ કરવા લાગ્યા. આ જીવજંતુઓ પેસ્ટિસાઈડ્સ ખાઈને મરવા લાગ્યા અથવા તો તેમના શરીરમાં ઝેર ફાલવા લાગ્યું. તેમને ભોજન બનાવતા નાના પક્ષીઓ, પ્રાણીઓ, માછલીઓ વગેરેનાં પણ મોત થવા લાગ્યા અથવા તો તેમને અપૂરતું ભોજન મળવા લાગ્યું. આમ એક પછી એક ફૂડ સાઈકલ અને ઈકોસિસ્ટમ ખોરવાઈ રહી છે. વાત કરવામાં માત્ર નાના જીવજંતુ લાગે છે પણ તેની અંતિમ અસર વિચારીએ તો તે માનવ અસ્તિત્વને ખતમ કરી નાખવા માટે પણ સક્ષમ છે. તેમનું અસ્તિત્વ ખતરામાં આવ્યું છે તે હવે માનવ અસ્તિત્વ માટે પણ ભવિષ્ટમાં સદીઓ પછી જોખમ બને તો નવાઈ નહીં.

Tags :