Get The App

ભારત સિંધુ જળ સંધિ ફોક કરે તો પાકિસ્તાન તરસ્યું મરી જાય

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
ભારત સિંધુ જળ સંધિ ફોક કરે તો પાકિસ્તાન તરસ્યું મરી જાય 1 - image


- પાકિસ્તાન ભારતમાં ત્રાસવાદ ફેલાવ્યા કરે છે અને છતાં આપણે તેને પાણી આપ્યા કરીએ તે વાત મોદી સરકારને પસંદ નથી

- સિંધુ જળ સંધિમાં ભારત કેન્દ્રસ્થાને છે કેમ કે પાકિસ્તાનને જે પાણી મળે છે એ પહેલાં ભારતમાં આવે છે. ભારત આ પાણી રોકીને પાકિસ્તાનને પરેશાન કરી શક્યું હોત પણ ભારતે કદી એવો પ્રયત્ન પણ ના કર્યો તેના પરથી સ્પષ્ટ છે કે, ભારતે આ સંધિનો પ્રમાણિકતાથી અમલ કર્યો છે. હવે અચાનક ભારત સંધિની સમીક્ષા કરવા માગે છે પણ પાકિસ્તાન આડું ફાટયું છે. ચીન પણ પાકિસ્તાનની સાથે હોવાથી આ મોટો મુદ્દો છે. મોદી સરકાર ક્યા પ્રકારની સમીક્ષા કરવા માગે છે એ ખબર નથી પણ આ સંધિ ફોક કરવા માગતી હોય તો ભારતના વલણમાં આવેલું આ પરિવર્તન ઐતિહાસિક કહેવાય.  

ભારતે સિંધુ જળ સંધિમાં કરવા માટે પાકિસ્તાનને બીજી વાર નોટિસ ફટકારી એ સાથે જ આ મુદ્દો પાછો ચર્ચામાં છે. ભારતે ૨૦૨૩ના જાન્યુઆરીમાં પાકિસ્તાનને સંધિમાં ભારત કેટલાક ફેરફાર ઈચ્છે છે તેથી આ મુદ્દે ચર્ચા કરવા નોટિસ આપેલી પણ પાકિસ્તાન આ નોટિસને ઘોળીને પી ગયેલું.  ભારતે ફરી નોટિસ ફટકારી છે તેમાં સમીક્ષા અને સુધારા (રીવ્યુ એન્ડ મોડિફિકેશન) શબ્દો વાપર્યા છે. તેના કારણે ભારત પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ તોડી નાંખવા માગે છે કે શું એવી ચર્ચા શરૂ થઈ છે. 

ભારત અને પાકિસ્તાન વચ્ચેની સિંધુ જળ સંધિ છેલ્લા સાડા છ દાયકાથી અસ્તિત્વમાં છે. ભારત-પાકિસ્તાન વચ્ચે આ દરમિયાન ત્રણ યુધ્ધ થયાં, આતંકવાદના મુદ્દે તણાવ થયો અને બંને દેશોના સંબંધ મર્યાદિત થઈ ગયા. એ છતાં સિંધુ જળ સંધિ યથાવત રહી છે. વચ્ચે વચ્ચે નાની મોટી સમસ્યાઓ આવી છે પણ એકંદરે સંધિનો સરળતાથી અમલ થતો રહ્યો છે. 

સિંધુ જળ સંધિમાં ભારત કેન્દ્રસ્થાને છે કેમ કે પાકિસ્તાનને જે પાણી મળે છે એ પહેલાં ભારતમાં આવે છે. ભારત આ પાણી રોકીને પાકિસ્તાનને પરેશાન કરી શક્યું હોત પણ ભારતે કદી એવો પ્રયત્ન પણ ના કર્યો તેના પરથી સ્પષ્ટ છે કે, ભારતે આ સંધિનો પ્રમાણિકતાથી અમલ કર્યો છે. હવે અચાનક ભારત સંધિની સમીક્ષા કરવા માગે છે એ બહુ મોટી વાત છે.  મોદી સરકાર ક્યા પ્રકારની સમીક્ષા કરવા માગે છે એ ખબર નથી પણ આ સંધિ ફોક કરવા માગતી હોય તો એ બહુ મોટી વાત કહેવાય. ભારતના વલણમાં આવેલું આ પરિવર્તન ઐતિહાસિક કહેવાય.  

આ નોટિસનો પાકિસ્તાને સત્તાવાર રીતે કોઈ જવાબ હજુ આપ્યો નથી પણ વિદેશ મંત્રાલયાનાં પ્રવક્તા મુમતાઝ ઝારા બલોચે પત્રકાર પરિષદમાં કહ્યું કે, પાકિસ્તાન ભારત સાથે ચર્ચા માટે તૈયાર છે પણ ચર્ચા સિંધુ જળ સંધિમાં નક્કી કરાયેલા દાયરા અને મર્યાદામાં રહીને જ કરાશે.  મુમતાઝનું નિવેદન એ વાતનો પુરાવો છે કે, પાકિસ્તાન બહાર પોતે ભારત સાથે વાત કરવા તૈયાર હોવાનો ડોળ કરી રહ્યું છે પણ અંદરખાને દાંડાઈ કરી રહ્યું છે. 

ભારતે સિંધુ જળ સંધિની સમીક્ષા અને સુધારા (રીવ્યુ એન્ડ મોડિફિકેશન) કરવા માટે ચર્ચા કરવા નોટિસ આપી છે. સ્વાભાવિક રીતે જ સંધિમાં ફેરફાર કરવાનો અર્થ એ થાય કે, નવી શરતો ઉમેરવી પડે, નવા નિયમો બનાવવા પડે પણ પાકિસ્તાન હાલની સંધિના દાયરામાં રહીને ચર્ચા કરવાની વાત કરી રહ્યું છે. તેનો મતલબ એ થાય કે, પાકિસ્તાન નવું કશું ઈચ્છતું નથી. સિંધુ જળ સંધિની જોગવાઈ પ્રમાણે, બંને દેશો પરસ્પર સહમતિથી સુધારો કરી શકે છે પણ રીવ્યુ કરી શકતા નથી.  ભારત આ સંધિનો રીવ્યુ ઈચ્છે છે પણ પાકિસ્તાન સંધિના દાયરાનું વાજું વગાડયા કરે છે તેનો મતલબ એ થાય કે, પાકિસ્તાન ભારતની ઈચ્છા પ્રમાણે વર્તવા તૈયાર નથી. 

ભારત આ સંધિની સમીક્ષા કેમ કરવા માગે છે એ પણ સમજવા જેવું છે. ભારતે સત્તાવાર રીતે સમીક્ષા માટે કોઈ કારણો આપ્યાં નથી પણ એવું કહેવાય છે કે, આ સંધિ હેઠળ ભારત આતંકવાદ સહિતના મુદ્દાઓને પણ જોડવા માગે છે. પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવ્યા કરે ને છતાં આપણે પાકિસ્તાનને પાણી આપ્યા કરીએ એ મોદી સરકારને મંજૂર નથી. પાકિસ્તાન ભારતની સુરક્ષામાં સીધી કે આડકતરી કોઈ દખલગીરી ના કરે તો જ પાકિસ્તાનને ભારતમાંથી પાકિસ્તાન જતી નદીઓનાં પાણી મળશે, બાકી  એ બધું ભૂલી જવાનું એવું ભારતનું વલણ છે. 

ભારતે બહુ પહેલાં જ તેના આક્રમક વલણનો પરચો પાકિસ્તાનને આપી દીધો હતો. ભારત જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં કૃષ્ણગંગા પર અને કિશ્તવાર જિલ્લામાં ચિનાબ નદી રાતલે હાયડ્રોપાવર પ્રોજેક્ટ સ્થાપી રહ્યું છે. પાકિસ્તાને તેની સામે વાંધો લીધો છે. કૃષ્ણગંગા ઝેલમની પેટાનદી છે કે જેના પર પોતાનો હક હોવાનો પાકિસ્તાનનો દાવો છે. ભારતે આ દાવાને નકારી કાઢયો છે કેમ કે કૃષ્ણગંગા ઝેલમ નથી પણ ઝેલમમાં ભળે છે. ભારત ઝેલમ, સિંધુ અને ચિનાબ નદીમાં ભળતી બીજી નદીઓનાં પાણી રોકીને તેનો ઉપયોગ ભારત જ કરી શકે એવી યોજનાઓ પણ બનાવી છે. 

ભારત માટે આ બધા પ્રોજેક્ટ અત્યંત મહત્વના છે. ભારતની વધી રહેલી વસતી, જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી પછી બહારનાં લોકોને રહેવાની મંજૂરી સહિતના મુદ્દાઓના કારણે ભારતની વીજળી અને પાણી બંનેની જરૂરીયાતો વધી છે. આ જરૂરીયાતો પૂરી કરવા માટે ભારતને પોતાને ત્યાંથી વહેતી નદીઓનું પાણી જોઈએ પણ સિંધુ જળ સંધિ તેમાં અવરોધરૂપ છે. આ સંધિ પ્રમાણે સિંધુ જળ પ્રણાલિની ૬ નદીઓના પાણીમાંથી ૭૦ ટકા પાણી પાકિસ્તાનને અને ૩૦ ટકા પાણી જ ભારતને મળે છે. આ સિવાય બીજા વિકાસ પ્રોજેક્ટમાં પણ તેની શરતો વિઘ્નરૂપ છે તેથી ભારત તેની સમીક્ષા ઈચ્છે એ સ્વાભાવિક છે.  ભારતે ક્લાઈમેટ ચેન્જના પડકારને પણ પહોંચી વળવાનો છે. ક્લાઈમેટ ચેન્જના કારણે ક્લીન એનર્જીની જરૂરીયાત વધી છે. તેને પહોંચી વળવા હાયડ્રો પાવર પ્રોજેક્ટ જરૂરી છે. હિમાલયમાંથી આવતી નદી હાયડ્રો પાવર પ્રોજેક્ટ માટે શ્રેષ્ઠ છે કેમ કે, આ નદીઓ ધોધના સ્વરૂપમાં આવે છે. 

પાકિસ્તાન ભારતની સંધિની સમીક્ષાની વાત સ્વીકારે એવી શક્યતા ઓછી છે કેમ કે સંધિ તેના ફાયદામાં છે. નવી શરતો હેઠળ ઓછું પાણી મળે એવું એ ના સ્વીકારે. આ સંજોગોમાં મોદી સરકાર શું કરશે એ ખબર નથી પણ પાકિસ્તાન તૈયાર ના થાય તો ભારત એકતરફી રીતે સિંધુ જળ સંધિ ફોક કરીને પાકિસ્તાનની હાલત બગાડી શકે. પાકિસ્તાનને તરસ્યું ને સિંચાઈ વિનાનું રાખી શકે. તેનાં ઘેરા પ્રત્યાઘાત પડે. પાકિસ્તાન હમણાં ચીનની બગલમાં ભરાયેલું છે તેથી ચીન સિંધુ નદીના પાણીને રોકવા કોશિશ કરે એ પ્રકારનાં રીએક્શન પણ આવી શકે. વર્લ્ડ બેંક અને યુએન વગેરે પણ હોહા કરે પણ પાકિસ્તાનને મંત્રણાના ટેબલ પર લાવવા માટે તેના સિવાય બીજો ઉપાય નથી. 

- નહેરૂએ પાણીના બદલામાં પીઓકે લેવાની તક ગુમાવી 

ભારત અને પાકિસ્તાન વચ્ચે પંજાબમાંથી વહેતી છ નદીઓના પાણીની વહેંચણી માટે ૧૯ સપ્ટમ્બર, ૧૯૬૦ના રોજ સિંધુ જળ સંધિ થઈ હતી. આઝાદી પછી તરત જ પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે ભારત અને પાકિસ્તાનના સંબંધો તંગ બન્યા હતા. પાકિસ્તાને ૧૯૫૧માં ડર વ્યક્ત કર્યો હતો કે ભારત સિંધુ સહિતની નદીઓનાં પાણી રોકીને પાકિસ્તાનમાં પાણીની કૃત્રિમ અછત ઉભી કરીને દુકાળ લાવી શકે. પાકિસ્તાને યુ.એન.માં રજૂઆત કરતાં યુનાઈટેડ નેશન્સે વર્લ્ડ બેંકને મધ્યસ્થી કરવા કહેતાં વાટાઘાટો શરૂ થઈ અને નવ વર્ષના અંતે સંધિ થઈ. ઈન્ડસ રિવર સિસ્ટમ એટલે કે સિંધુ જળ પ્રણાલિમાં ૭૦ ટકા પાણી પાકિસ્તાનને જ્યારે ૩૦ ટકા પાણી ભારતને મળ્યું. 

વર્લ્ડ બેંકની મધ્યસ્થીમાં થયેલી સિંધુ  જળ સંધિમાં ભારત વતી જવાહરલાલ નહેરૂ ને પાકિસ્તાન વતી અયુબ ખાન તેના પર સહી કરેલી. આ સંધિ પ્રમાણે ભારત અને પાકિસ્તાનમાં થઈને વહેતી છ મોટી નદીમાંથી ત્રણ-ત્રણ નદી બંને દેશોને વહેંચી દેવાઈ છે. ભારતના ભાગે પૂર્વમાં વહેતી બિયાસ, રાવિ અને સતલજ એ ત્રણ નદી આવી હતી જ્યારે પાકિસ્તાનના ભાગે પશ્ચિમની સિંધુ, ચેનાબ અને ઝેલમ નદી આવી.  

વિશ્લેષકો સિંધુ જળ સંધિને જવાહરલાલ નહેરૂનની ભૂલ માને છે. ભારતે આ મુદ્દાનો ઉપયોગ પાકિસ્તાનનું નાક દબાવીને કાશ્મીરનો પચાવી પાડેલો પ્રદેશ એટલે કે પીઓકે પાછો મેળવવા માટે કરવાની જરૂર હતી. ચીન એ વખતે ભારત સાથે હતું તેથી સિંધુ નદીનુ પાણી રોકી દેવાય એ ખતરો નહોતો. આ સંજોગોમાં ભારત પાણીના બદલામાં પીઓકે પાછું લઈ શકે તેમ હતું પણ નહેરૂએ તક ગુમાવી દીધી. 

- ભારત સતલજનાં પાણીથી હરિત ક્રાંતિ લાવી શક્યું

સિંધુ જળ સંધિ પ્રમાણે ભારત સિંધુ, ચેનાબ અને ઝેલમ નદીના પાણીનો ઉપયોગ સિંચાઈ, ટ્રાન્સપોર્ટ,  પાવર જનરેશન એ ત્રણ ઉદ્દેશ માટે પોતાને મનફાવે એ રીતે કરી શકે છે પણ તેના પર મોટા ડેમ ના બનાવી શકે કે આ નદીઓના કાંઠે ઉદ્યોગો ના ઉભા કરી શકે. ભારત ચોક્કસ માત્રામાં પાણીનો સંગ્રહ કરી શકાય તેવા ડેમ બનાવી શકે પણ ડેમ બનાવતી વખતે પાકિસ્તાનને અમુક માત્રા કરતાં ઓછું પાણી ના મળે તેનું પણ ધ્યાન રાખવું પડે. 

જો કે ભારતને એવી જરૂર નથી પડી. ભારતે સતલજ, બિયાસ ને રાવિ એ ત્રણ નદીનાં પાણીનો ભરપૂર ઉપયોગ પોતાના ફાયદા કર્યો છે. સતલજ પર બંધાયેલા ભાખરા-નાંગલ બંધે પંજાબ-હરિયાણામાં ખેતીને સમૃધ્ધ કરી છે. પંજાબ અને હરિયાણાની હરિત ક્રાંતિ સતલજ નદીને આભારી છે. ભારત સતલજના પાણીનો મહત્તમ ઉપયોગ કરે છે.  

ભારત અન્ન ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું તેનું કારણ ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં નોર્મન બોર્લોગે  કરેલી હરિત ક્રાંતિ હતી. હરિત ક્રાંતિ માટે સિંચાઈનું ભરપૂર પાણી જોઈએ કે જે ભાખરા-નાંગલ બંધમાંથી મળ્યું. પંજાબ-હરિયાણાને તેનો જોરદાર ફાયદો મળ્યો છે. ઉદ્યોગો વિના માત્ર ખેતીના જોરે પંજાબ-હરિયાણા ભારતમાં સૌથી સુખી રાજ્ય આ નદીઓના કારણે બન્યાં છે. ઉત્તર ભારતમાં બીજાં રાજ્યોમાં પણ સતલજની નહેરો ગઈ હોવાથી રાજ્યોમાં પણ લીલાલહેર છે.


News-Focus

Google NewsGoogle News