- 78000 ટનનો ટાપુ દરિયામાં હાહાકાર મચાવી શકે તેવી ટેકનોલોજીથી સજ્જ, અમેરિકા-રશિયા-ફ્રાન્સ જેવા દેશો આવો ટાપુ ન બનાવી શક્યા
- કૃત્રિમ ટાપુમાં 238 લોકો ચાર મહિના સુધી રહી શકે તેવી બધી જ વ્યવસ્થા છે. એમાં સબમરીન, લડાકુ વિમાનોનો કાફલો હશે. સમુદ્રમાં યુદ્ધ થાય ને કોઈ દેશ ચીનના આ ટાપુ પર પરમાણુ બોમ્બ ફેંકે તો પણ એને કશું નહીં થાય. ચીન મધદરિયે આ ટાપુને પરમાણુ મથક બનાવશે, પરમાણુ બોમ્બ તૈનાત રખાશે. જરૂર પડયે એમાંથી જ હુમલો કરી શકાશે. વિષમ વાતાવરણમાં પણ ટાપુને નુકસાન નહીં થાય. 125 લાંબા અને 280 ફૂટ પહોળા ટાપુને 30 ફૂટ સુધીનાં તોફાની દરિયાઈ મોજાં પણ ક્ષતિ પહોંચાડી શકશે નહીં
અમેરિકાને ચીનનો ડર છે. એ ડર પાછળના કારણોય છે. ચીન દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. અમેરિકાનું અર્થતંત્ર ૨૮ ટ્રિલિયન ડોલર છે. ચીન ૨૦ ટ્રિલિયન ડોલર સાથે બીજા નંબરે છે. એક્સપોર્ટની બાબતમાં ચીનને દુનિયાનો એકેય દેશ ટક્કર આપી શકતો નથી. રમકડાંથી લઈને, લાઈટ્સ, સ્માર્ટફોન, ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રિક વાહનો, દવાઓ, સ્પોર્ટ્સના સાધનો સુધીનું કંઈ કેટલુંય ચીન દુનિયાના ખૂણે ખૂણે સસ્તાં ભાવે પહોંચાડે છે. ફોરેન પોલિસીમાં છેક બે દશકા પહેલાં સુધી એમ મનાતું કે અમેરિકાને કોઈ ટક્કર આપી શકે તેમ નથી, પરંતુ હવે ચીનનો પથારો યુરોપથી આફ્રિકા સુધી પહોંચી ચૂક્યો છે. પહેલાં અમેરિકા જરૂરિયાતમંદ દેશોને લોન આપીને ઋણી બનાવી દેતું હતું. આજે એ કામ ચીન કરે છે. પાકિસ્તાનથી, બાંગ્લાદેશ, શ્રીલંકા, કેન્યા, બેલારૂસ જેવા ૩૦થી વધુ દેશો ચીનના કરજ હેઠળ દબાયેલા છે અને એ દેશો ભૂરાજકીય સ્થિતિમાં વ્યૂહાત્મક રીતે બહુ મહત્ત્વના છે. અમેરિકા જરૂર પડયે બધા ખંડોમાં લશ્કરી મથકો બનાવીને દુશ્મન દેશોને ડરાવી શકે એવી સ્થિતિ હવે ચીન પહોંચી ચૂક્યું છે.
સાયન્સ અને ટેકનોલોજીના રિસર્ચમાં ચીન અમેરિકાને ટક્કર જ નથી આપતું. અંતરીક્ષ વિજ્ઞાાનમાં ચીને બહુ ઓછા સમયમાં કાઠું કાઢ્યું છે. સ્પેસ આર્મી બનાવનારો પણ ચીન પહેલો દેશ બન્યો હતો. લશ્કરી સામગ્રી, હથિયારો વગેરેના ઉત્પાદનમાં ચીનની નોંધ લેવી પડે છે. અમેરિકા, રશિયા, ફ્રાન્સ પછી ડિફેન્સ એક્સપોર્ટમાં ચીન ચોથા ક્રમે છએ. સસ્તાં હથિયારો અને લશ્કરી સામગ્રી આપવાની ચીનની પૉલિસી તેને ગ્લોબલ ડિફેન્સ માર્કેટમાં ગ્રાહકો શોધી આપે છે. પ્રોડક્શન કોસ્ટ ખૂબ નીચી રાખીને જથ્થાબંધ ઉત્પાદન કરવાની ચીનની આવડતને કોઈ દેશ ટક્કર આપી શકતો નથી. એ માટે ચીન કરોડો કામદારોનું શોષણ કરે છે, તેમ છતાં એના કારણે જ ગ્લોબલ માર્કેટમાં ચીનની ચીજવસ્તુઓ પહોંચી ગઈ છે.
આ બધા કારણોથી અમેરિકાને સમજાયું છે કે રશિયા નહીં, ચીન ખરો ખતરો છે. સેન્ટર ફોર આર્મ્સ કંટ્રોલ એન્ડ નોન પ્રોલિફરેશન નામની અમેરિકન થિંક ટેંકે ચિંતા વ્યક્ત કરી કે અમેરિકન સરકારે રશિયાના પરમાણુ હથિયારો પર જેટલું ધ્યાન આપ્યું છે એટલું ચીનના પરમાણુ હથિયારો પર આપ્યું નથી. ચીનના પરમાણુ હથિયારોથી એશિયામાં મોટો ખતરો સર્જાયો છે. હથિયારો, સૈન્યનું સંખ્યાબળ, લડાકુ વિમાનો, સબમરીન અને પરમાણુ હથિયારોની રીતે ગણતરી થાય તો રશિયા-ચીન એકઠા થઈને અમેરિકા-ફ્રાન્સ-બ્રિટનની ધરી પર આજની તારીખે ભારે પડી શકે અને જો ચીન-અમેરિકાની સીધી ટક્કર થાય તો સંભવતઃ ચીન બાજી મારી જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. ચીન સતત એ દિશામાં આગળ વધતું રહે છે. એવું જ એક નવું કારનામું ચીને કરી બતાવ્યું છે, જે ચીન-રશિયા કે ફ્રાન્સ કે બ્રિટન જેવા દેશો પણ કરી શક્યા નથી.
ચીને દુનિયાનો પ્રથમ હરતો ફરતો મિલિટરી ટાપુ બનાવ્યો છે. એ ટાપુની ખાસિયત માત્ર એટલી નથી કે એ દરિયામાં તેની જગ્યા બદલી શકે છે. તેની ખાસિયતો એનાથી ક્યાંય વધારે છે. ચીનનો ૭૮ હજાર ટન વજન ધરાવતો ટાપુ એવી રીતે ડિઝાઈન થયો છે કે તે દરિયામાં યુદ્ધ થાય તો દુશ્મનો પર હાહાકાર મચાવી શકે. ચાર-ચાર મહિના સુધી ૨૩૮ લોકો રહી શકે એવી સુવિધા ધરાવતો આ ટાપુ પરમાણુ હુમલાથી બચી શકે છે. તેના પર દુશ્મન દેશ હવામાંથી પરમાણુ હુમલો કરે તો પણ એને કશું નહીં થાય. એટલું જ નહીં, આ હરતાં ફરતાં ટાપુમાંથી ચીન દુશ્મન દેશના લશ્કર પર પરમાણુ બોમ્બ ફેંકી શકે છે. એમાં સબમરીન, લડાકુ વિમાનોનો કાફલો હશે અને પરમાણુ બોમ્બ તૈનાત રખાશે. દરિયામાં સુનામી આવે કે વાવાઝોડું ત્રાટકે તો ૩૦ ફૂટ સુધીના તોફાની મોજાં ઉછળે છતાં ટાપુ અડીખમ રહેશે. જુદા-જુદા ૧૭ પ્રકારના દરિયાઈ તોફાનો સામે ઝીંક ઝીલી શકે એવી રીતે ટાપુની ડિઝાઈન બની છે.
૧૨૫ ફૂટ લાંબો અને ૨૭૯ ફૂટ પહોળો આ કૃત્રિમ તરતો ટાપુ શાંઘાઈ જિયો ટોંગ યુનિવર્સિટીના સંશોધકોએ બનાવ્યો છે. જો એમાં પાવર ખોરવાઈ જાય તો દરિયાના પાણીમાંથી સ્વયં ઉર્જા બનાવીને બધા મશીનો ચાલે એવી ગોઠવણ થઈ છે.
કોમ્યુનિકેશન સિસ્ટમ ખોરવાઈ જાય તો પણ એનો બેકઅપ તૈયાર કરાયો છે. કદાચ કોઈ દેશ નેવિગેશન સિસ્ટમ ખોરવી નાખે તો મધદરિયામાં સેટેલાઈટની મદદ વગર કેમેરાથી જ આ ટાપુ પોતાનું લોકેશન જાણી લેશે અને તેના આધારે લશ્કરી અધિકારીઓને દિશાસૂચન કરશે. એક દાયકાથી ચીનના સંશોધકો આ ટાપુ બનાવવાની ટેકનોલોજી પર સંશોધન કરી રહ્યા હતા. આખરે તેમને સફળતા મળી છે. બે વર્ષ પછી ૨૦૨૮માં આ હરતો ફરતો ટાપુ નેવીને સોંપી દેવાશે. જ્યાં અમેરિકા સહિતના ઘણાં દેશો સાથે સર્વાધિક ઘર્ષણ થાય છે તે દક્ષિણ ચીની સમુદ્રમાં ચીન આ ટાપુને તૈનાત કરશે.
સાયન્સ અને ટેકનોલોજીમાં અમેરિકાના ઉદાહરણો આપવામાં આવે છે છતાં આજ સુધી અમેરિકા પણ આવો શક્તિશાળી લશ્કરી ટાપુ બનાવી શક્યું નથી. ખાસ તો પરમાણુ હુમલા સામેય ટકી રહે એવી ટેકનોલોજી વિકસાવીને ટાપુ બનાવવાનું કામ બેહદ પડકારજનક છે અને એ પડકાર ચીને ઝીલી બતાવ્યો છે. જોજનો દૂર આકાશમાં લડાકુ વિમાનોની હિલચાલ આ ટાપુ પકડી પાડશે. દરિયાના પેટાળમાં કેટલાય નોટિકલ માઈલ દૂર સબમરીનનો સંચાર થશે એનેય આ ટાપુ પકડી પાડશે. એટલું જ નહીં, એ દિશામાં ૨૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ગતિ કરીને વળતો અણધાર્યો પ્રહાર પણ ટાપુમાંથી કરી શકાશે.
વેલ, ચીનની આવી ટેકનોલોજીનો મુકાબલો જો અમેરિકા ન કરી શકતું હોય તો ભારતે ખરેખર ચેતવા જેવું ખરું. આવો તરતો ટાપુ જો ચીન હિન્દ મહાસાગરમાં તૈનાત કરે તો એ કાયમ ભારત માટે માથાનો દુખાવો બની શકે.
ચીને આ ટાપુમાં જાસૂસી ઉપકરણો પણ ગોઠવ્યા છે. તે એટલે સુધી કે પહેલી નજરે જીવ-જંતુ લાગે એવા ટચૂકડાં ઉપકરણો ચીને વિકસાવી લીધા હોવાથી કોઈ દેશની જાસૂસીનું કામ ચીન માટે એટલું અઘરું નથી. એ કારણે ભારત જેવા પાડોશી દેશોની સલામતી માટે ચીનની ટેકનોલોજી જોખમી સાબિત થઈ શકે છે.
ચીનની આર્મીમાં એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ વધ્યો
ચીને લશ્કરમાં માનવ સંખ્યાબળને બદલે ટેકનોલોજીને પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું છે. એક તરફ લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી આર્મીને સજ્જ કરવાનું બીડું ઝડપ્યું છે, તો બીજી તરફ મોસ્ટ હેપનિંગ ટેકનોલોજી એઆઈનો પણ ઉપયોગ વધાર્યો છે. ચીની એઆઈ કંપની ડીપસીકે ખાસ ચીનના લશ્કર માટે અલગ એઆઈ એજન્ટ્સ બનાવવાનું મિશન હાથ ધર્યું છે. ચીને મચ્છર જેવા ડ્રોન્સ ઉપરાંત રોબો ડોગ્સ, ડ્રોન સ્વોમમાં એઆઈનો ઉપયોગ શરૂ કર્યો છે. એમાં નેવિગેશન સિસ્ટમથી લઈને માહિતી એકઠી કરવાની પદ્ધતિમાં એઆઈ ઉપયોગી બને છે. ડીપસીકે ખાસ ડિઝાઈન કરીને એવા એજન્ટ્સ બનાવી આપ્યા છે કે તે લશ્કરી ટેકનોલોજીનું સંચાલન કરે છે. તેનાથી હ્મુમન એરરની શક્યતા ખૂબ ઘટી જાય છે.
ચીને આર્મીમાં એઆઈના ઉપયોગ માટે ૧૦ અબજ ડોલરની રકમ ફાળવી લીધી છે.
આર્ટિફિશિયલ મચ્છર - માખી બનાવી ચીન જાસૂસી કરશે
ચીનના હુનાન પ્રાંતમાં આવેલી નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેકનોલોજી ચાઈનીઝ આર્મી માટે લશ્કરી ટેકનોલોજી વિકસાવવાનું કામ કરે છે. થોડા સમય પહેલાં જ આ ટેકનોલોજીએ એવું ડ્રોન વિકસાવી દીધું કે જેવું દુનિયાની કોઈ કંપની વિકસાવી શકી નથી. ચીનની આ યુનિવર્સિટીએ મચ્છરની સાઈઝનું ડ્રોન બનાવીને એનું સફળ પરીક્ષણ કર્યું. મચ્છરની સાઈઝનું ડ્રોન બનાવવું એ પડકારજનક એટલે છે કે તેમાં બેટરી પાવર, સેન્સર્સ, કંટ્રોલ સર્કિટ વગેરે માટે જગ્યા નથી હોતી, પરંતુ આટલી ઓછી જગ્યામાં પણ આ બધું જ ફિટ કરીને ચીને સફળતાથી જાસૂસી ડ્રોન બનાવી લીધું છે. યુદ્ધની પરિસ્થિતિ સર્જાય ત્યારે આવા ડ્રોન નજરે ચડયા વગર દુશ્મન દેશની આર્મીની જાણકારી ચીની લશ્કરને આપશે. અવાજ કર્યા વગર ઉડતું આ ટચૂકડું ચીની જાસૂસ ભલભલાં મોટા ડ્રોનથી નહીં થાય એવા મિશનો પાર પાડવા સક્ષમ છે


