For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોકોના વ્યક્તિગત ડેટાને સુરક્ષિત કરવાની તૈયારી

Updated: Nov 24th, 2021

Article Content Image

- પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને લઇને સંસદના શિયાળુ સત્રમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ઘમાસાણ સર્જાવાના અણસાર

- ડેટા સુરક્ષા ઓથોરિટીની સ્થાપના કરવાના ઉદ્દેશ સાથે ડેટા પ્રોટેક્શન બિલ રજૂ કરવામાં આવ્યું છે પરંતુ આ પ્રસ્તાવિત કાયદામાંથી સરકારની એજન્સીઓને બાકાત રાખવામાં આવી છે જેના કારણે વિપક્ષોનો વિરોધ છે કે સરકાર પોતાની એજન્સીઓને છૂટો દોર આપી રહી છે

આગામી સપ્તાહથી શરૂ થઇ રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ રજૂ થશે. આશરે બે વર્ષના વિચારવિમર્શ બાદ સંસદની સંયુક્ત સમિતિના રિપોર્ટને સરકારે સ્વીકાર્યો. આ બિલમાં સરકારની તપાસ એજન્સીઓને પ્રસ્તાવિત કાયદામાંથી બાકાત રાખવાની જોગવાઇને સ્વીકારવામાં આવી છે જેનો વિપક્ષો વિરોધ કરી રહ્યાં છે. જે જોતાં સંસદમાં આ મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે ઘમાસાણ જામે એવી પણ શક્યતા છે. 

પ્રસ્તાવિત કાયદામાંથી સરકારી એજન્સીઓ બાકાત રહેશે

લોકોના વ્યક્તિગત ડેટાની સુરક્ષા અને ડેટા સુરક્ષા ઓથોરિટીની સ્થાપના કરવાના ઉદ્દેશ સાથે સરકાર આ બિલ લાવી હતી. થોડા વખત પહેલા જ કેન્દ્ર સરકારે તમામ ડિજિટલ પ્લેટફોર્મ હવે માહિતી અને પ્રસારણ ખાતા અંતર્ગત લાવવાની જાહેરાત કરી હતી.

છેલ્લા થોડા સમયથી ઓટીટી પ્લેટફોર્મને લઇને ઘણાં વિવાદ થયા છે એટલા માટે સરકારને એના પર અંકુશ મૂકવાની જરૂર જણાઇ. આમ પણ ભારતમાં ઇન્ટરનેટ પર સમાચાર અને કરન્ટ અફેર્સ તેમજ મનોરંજન બંને પર આધારિત વેબસાઇટ્સ અને એપ પ્રમાણમાં નવા જ કહી શકાય એવા છે. આ સેવાઓને ભારતમાં શરૂ થયે હજુ એક દાયકો પણ વીત્યો નથી.

ભારતમાં સિનેમાગૃહોમાં રિલીઝ થતી ફિલ્મો માટે સેન્સર બોર્ડ, ટેલિવિઝન પર પ્રસારિત થતા કાર્યક્રમો માટે ટ્રાઇ તેમજ માહિતી અને પ્રસારણ ખાતું, ન્યૂઝ ચેનલો માટે ન્યૂઝ બ્રોડકાસ્ટર એસોસિએશન, એડવર્ટાઇઝિંગ માટે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ અને અખબારો માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જેવી નિયામક સંસ્થાઓ છે. પરંતુ હજુ સુધી ઇન્ટરનેટ પર આધારિત આ બંને ક્ષેત્રો પર કોઇનું સીધું નિયંત્રણ નહોતું. 

હકીકતમાં સમાજને અસર કરતા કોઇ પણ મીડિયાના કોઇ પણ માધ્યમ ઉપર દેખરેખની વ્યવસ્થા હોવી જ જોઇએ. સોશિયલ મીડિયા અને ન્યૂઝ પોર્ટલ શું પીરસે છે એ ધ્યાન રાખવું જરૂરી છે. આજે તો સોશિયલ મીડિયા અને ન્યૂઝ પોર્ટલો અને સમાજ વચ્ચે ઉત્પાદક અને ગ્રાહક જેવો સંબંધ બની ચૂક્યો છે. હેડલાઇન જ એવી આકર્ષક બનાવવામાં આવે છે કે લોકો ક્લિક કરવા લલચાય છે.

પછી ખ્યાલ આવે છે કે હેડલાઇન અને કન્ટેન્ટનું કશું કનેક્શન જ નથી. ન્યૂઝ ચેનલો પણ ટીઆરપીના ચક્કરમાં અધોગતિ પામવા લાગી છે અને ડિજિટલ પ્લેટફોર્મ પણ વિકૃત સામગ્રી પીરસવા લાગ્યાં છે. વધારેમાં વધારે ક્લિક મેળવવાના ચક્કરમાં અધકચરી માહિતી પીરસવામાં આવે છે. કોઇ સેલિબ્રિટી કે નેતાનું કદ વધારવા કે ઘટાડવા માટે કે કોઇની છબિ ખરડવા માટે ભળતી માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. 

સોશિયલ મીડિયાની માહિતી અંગે ઘણાં લોકો બેજવાબદાર

ખરેખર તો આપણા સમાજમાં બેજવાબદારી, નાગરિકકર્મ અંગેના અજ્ઞાાન, બદલાની ભાવના, નફરત ફેલાવવાના વ્યક્તિગત સ્વાર્થ જેવી સક્રિયતા મોજૂદ છે જેની અભિવ્યક્તિ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પણ થતી રહે છે. જ્યારે માહિતીના માધ્યમો સીમિત હતાં એટલે કે કોઇ પણ ખબરના વ્યાપ માટે અખબાર કે ન્યૂઝ ચેનલો હતાં ત્યાં સુધી આવી અફવાઓ ફેલાવવી સીમિત હતી પરંતુ આજે તો દરેકના હાથમાં સ્માર્ટ ફોન આવી ગયાં છે અને દરેક વ્યક્તિ પોતે પોતાને મનગમતી માહિતીની સત્યતા પારખ્યા વિના જ વહેતી કરી દેતી હોય ત્યારે પ્રમાણિક ખબરોની ચકાસણી કરવી અત્યંત મુશ્કેલ બની ગઇ છે.

 એક સમયે લોકોને એકબીજા સાથે જોડવાના માધ્યમ તરીકે વિકસેલા ડિજિટલ પ્લેટફોર્મ આજે માહિતીના સ્થાને જૂઠ્ઠાણાં, અર્ધસત્ય, ભ્રમ, અફવાઓ, ચારિત્ર્યહનન અને દ્વેષ ફેલાવવાના માધ્યમ બની રહ્યાં છે. 

રોજ દિવસ ઊગે ને આપણા સ્માર્ટફોન, ટેબ્લેટ કે કમ્પ્યુટરમાં વોટ્સએપ, ટ્વીટર, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવનવા મેસેજની વણઝાર ચાલુ થઇ જાય છે. આમાંના મોટા ભાગના મેસેજ ફોરવર્ડેડ હોય છે અને આપણે પણ એ મેસજની સત્યતા પારખ્યા વગર તેને આગળ ફોરવર્ડ કરી દઇએ છીએ. આવા મેસેજમાં ઘણાં ખરા તો કોઇ તસવીર સાથે કોઇ સુવિચાર અથવા તો કોઇક ઉક્તિ હોય છે. ઘણી વખત આવા સુવિચાર કે ઉક્તિ સાથે નામ લખાયું હોય છે અથવા જે તે વ્યક્તિની તસવીર મૂકવામાં આવી હોય છે. 

વિચાર માંગી લે એવી બાબત એ છે કે લોકો જે-તે વિધાન અમુક ખાસ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે કે નહીં તેની ચકાસણી પણ કરતા નથી. વાત જો આવા નિર્દોષ સુવિચાર કે વિધાન સુધી સીમિત રહેતી હોય તો ખાસ ચિંતાજનક નથી પરંતુ કોઇ વિવાદાસ્પદ નિવેદન કે ઉપજાવી કાઢેલી વાત કોઇ ભળતી વ્યક્તિના નામે ચડાવી દેવામાં આવે કે કોઇ બીજા જ મુદ્દા સાથે જોડી દેવામાં આવે ત્યારે મામલો ગંભીર બની જાય છે.

પહેલાના જમાનામાં આવી ઉપજાવી કાઢેલી વાતો અફવાના નામે ઓળખાતી હતી. મોબાઇલ ફોન, ટીવી કે કમ્પ્યુટર ન હોય એવા સમયમાં પણ આવી અફવાઓ વાયુવેગે ફેલાતી, તો આજના ડિજિટલ યુગમાં તો આવી મોડર્ન અફવા વીજળીવેગે ફેલાઇ જાય છે. 

કેટલાક મંચ સમાજમાં ઝેર ફેલાવવાનું કામ કરે છે

ઉપજાવી કાઢેલાં અને લોકોમાં ઝેર ફેલાવતા મેસેજથી લોકોના મન મલિન થઇ રહ્યાં છે તેની સફાઇ કેવી રીતે કરવી એ વિચાર માંગી લેતો પ્રશ્ન છે.વાસ્તવિકતા વિશે વિચાર કરીએ તો આ બાબત દેશ માટે ખૂબ ભયજનક છે.

બસ કોઇ એક ખોટા સમાચાર તૈયાર કરો અને કોઇ પણ પ્લેટફોર્મ પર વહેતા કરી દો, નવરાં લોકો તેને ગાંડી વેલની માફક ચારે તરફ ફેલાવી દેશે. સમાચાર ખોટા સાબિત થાય તો સ્પષ્ટતા કરી દેવાની અથવા માફી માંગી લેવાની.

પહેલું તો એ કે જે-તે મામલે હકીકત લોકો સામે જ નહીં આવે અને કદાચ આવશે ત્યાં સુધીમાં તો ફેક ન્યૂઝ પર ઠપ્પો લાગી ગયો હશે. ખરેખર તો સોશિયલ મીડિયા સુવિચારો ફેલાવવા કરતા સમાજમાં ઝેર વધારે ફેલાવી રહ્યું હોય એવું લાગે છે. આવી ખોટી અને ઝેર ફેલાવતી બાબતો જે ઝડપે વ્યાપે છે તેનાથી સવાલ થાય છે કે લોકો આટલા દ્વેષીલા પહેલેથી જ હતાં કે આવા પ્લેટફોર્મ વિકસ્યા એ પછી બન્યા છે. 

સોશિયલ મીડિયાના મંચો પર થતી અભિવ્યક્તિ દેશના સાર્વભૌમત્વ કે પછી કોઇ વ્યક્તિની ગરિમાને નુકસાન પહોંચાડતી હોય, અશ્લીલતા અંગેના નિયમોની વિરુદ્ધ હોય તો તેને નિયંત્રિત કરવાની જરૂર છે, આપરાધિક મામલાઓમાં પણ નવા નિયમો સહાય કરી શકે છે. પરંતુ જાણકારોનું માનવું છે કે એજન્સીઓ દ્વારા આ નિયમોના દુરુપયોગ થાય તો એને રોકવા માટે કોઇ જોગવાઇ કરવામાં નથી આવી.

સરકારને કોઇ માહિતી વાંધાજનક લાગે તો તે અંગે કંપનીઓએ પગલા લેવાના રહશે પરંતુ કેવી માહિતી વાંધાજનક હોઇ શકે એની કોઇ પરિભાષા નથી. સરકાર દ્વારા વાંધાજનક બતાવવામાં આવે એ કોઇ રીતે લોકશાહી કે પછી અભિવ્યક્તિના અધિકારને હાનિ પહોંચાડે એવી હોય કે કેમ એ પણ સ્પષ્ટ નથી. 

સસ્તા ડેટાના કારણે ઇન્ટરનેટની પહોંચ સરળ બની

આધુનિક ટેકનોલોજીના આ જમાનામાં દરેક વ્યક્તિના હાથમાં રમતો સ્માર્ટ ફોન અને સસ્તા દરે મળી રહેલા ડેટા પેકેજિસના કારણે ઇન્ટરનેટ સુધીની પહોંચ સાવ સરળ બની ચૂકી છે, જેના પરિણામે આજના દોરમાં ડિજિટલ મીડિયા એક મોટી તાકાત બની ગયું છે. ડિજિટલ વર્લ્ડના આ દોરમાં એક બાબત તો સ્પષ્ટ છે કે સામાન્ય લોકોની માનસિકતાને અસર કરવામાં ઇન્ટરનેટ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે. એટલા માટે લાંબા સમયથી એવી લાગણી ઉદ્ભવી રહી છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર કેટલાંક નિયંત્રણો લાદવામાં આવે. ઇન્ટરનેટ એક એવું પ્લેટફોર્મ છે જેના પર નિયંત્રણની વાત કરવી સરળ છે પરંતુ એનો અમલ કરવો એટલો જ મુશ્કેલ છે. એટલા માટે કે ઇન્ટરનેટને દેશોના સીમાડા નડતા નથી અને તેના પર નિયંત્રણ લાદવામાં સૌથી મોટો પડકાર અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકારના હનનનો આવે છે. 

લોકો સમક્ષ સત્ય બહાર આવે એ ઇચ્છનીય છે પરંતુ કોઇ પણ બનાવને તોડીમરોડીને રજૂ કરવાના કારણે મામલા ગુંચવાઇ જાય છે. 

લોકોની વિચારધારા બદલવાના પ્રયાસ થાય છે જેના કારણે ખોટા ખ્યાલો ઊભા થવા લાગ્યા છે. અનેક મામલાઓમાં તો આભાસી વાસ્તવિકતાને રજૂ કરવામાં આવે છે અને ખરેખરી હકીકત ભૂલાવી દેવામાં આવે છે. અધૂરું સત્ય રજૂ કરીને સવાલો દાગવામાં આવે છે. ખરેખર તો સવાલો જ એવા તર્કહીન હોય છે કે જેના જવાબ હોતા જ નથી. ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયા ટોળાશાહીને વિકસિત કરવાનું કામ કરી રહ્યાં છે જે સમાજ અને દેશ માટે આજે નહીં તો કાલે ખતરનાક સાબિત થશે.

ઇન્ટરનેટ પર પીરસાતી સામગ્રી હજુ સુધી કોઇ પણ નિયામક સંસ્થાની નજરથી દૂર છે એટલા માટે તમામ માટે મુક્ત છે. આવા પ્લેટફોર્મ ઉપર એવી બાબતો લખાઇ રહી છે કે બતાવવામાં આવી રહી છે જેનાથી ઘણી વખત સરકાર માટે અસહજ સ્થિતિ પેદા થઇ જાય છે. એટલા માટે ઘણાં લોકોનું માનવું છે કે સરકાર આ માધ્યમો પર અંકુશ લગાવવા માંગે છે.

જોકે એ પણ હકીકત છે કે ઇન્ટરનેટ માધ્યમો પર પીરસવામાં આવતી સામગ્રી દોષમુક્ત નથી. અનેક લોકોનું કહેવું છે કે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ અનેક બાબતો એવી છે જેનાથી યુવાનો પર ખરાબ અસર પડી રહી છે. અશ્લીલતા અને હિંસાના આરોપસર અનેક કાર્યક્રમો પર રોક લગાવવાની જરૂરિયાત પણ અનેક વખત જણાઇ છે.

Gujarat