- ફટાફટ 'ફેમસ' થવા ફાંફાં મારતી યુવાપેઢી
- એક સમયે તરુણ-તરુણીઓ શિક્ષક, ડોક્ટર, વકીલ કે એન્જિનીયર બનવા ઉત્સુક રહેતાં હતાં. પરંતુ આજે કોઈને પુુસ્તકોના થોથાં વાંચીને એલએલબી કે એમબીબીએસની ડીગ્રી લેવામાં રસ નથી. તેમના મતે આવા પ્રોફેશનમાં જવા સંઘર્ષ કરવો મુર્ખામી છે: તેમને તો સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ માધ્યમોમાં ઝડપથી પ્રસિદ્ધ કરે અને લાખો રૂપિયાની કમાણી કરાવી શકે તેવ કામ કરવામાં રસ છે: આવા ઈન્સ્ટન્ટ પ્રસિદ્ધિના ચક્કરમાં તેઓ જોખમી, જીવલેણ અને ઘણી વખત અસભ્ય અને સાવ નગ્ન કહી શકાય તેવા અવિચારી કામ કરવા લાગ્યા છે
આજના યુવાનોને ખૂબ જ ઝડપથી પ્રસિદ્ધ થઈ જવું છે, ચારેતરફ છવાઈ જવું છે. દુનિયા માત્ર તેમની જ ચર્ચા કરે તેવું જોઈએ છે. તેના માટે તેઓ કોઈપણ જાતના અખતરા અને જોખમો લેવા પણ તૈયાર થઈ જાય છે. આજે - ગ્લેમરવર્લ્ડની ઝાકઝમાળથી અંજાઈ ગયેલી બાળપેઢી તથા સેલિબ્રિટી પાછળ ઘેલી બનેલી યુવાપેઢી.'ઈન્સ્ટન્ટ કીર્તિ' મેળવવાના જાતજાતના નુસ્ખા શોધી રહી છે.
યુવાનોમાં કોર્પોરેટ કંપનીના સીઈઓ નહીં પણ સેલિબ્રિટી બનવાની તમન્ના છે. તેમને પ્રોફેશનલ નહિ પણ પાવરફૂલ તથા પ્રારબ્ધવાદી નહિ પણ પ્રસિદ્ધ બનવું છે. મોટાભાગના તરુણો ફટાફટ ખ્યાતિ મળે તેવી કારકિર્દી પસંદ કરવામાં રમમાણ છે. તેના મતે પ્રસિદ્ધિ પાછળ પૈસો ખેંચાઈ આવે છે એટલે એક કાંકરે બે પક્ષી માર્યા જેવું થાય છે. વર્તમાન યુવા પેઢીની પ્રસિદ્ધિ ભૂખ જોઈને જાણીતા અમેરિકન આર્ટીસ્ટ અને ફિલ્મમેકર એન્ડી વૉરહોલે જણાવ્યું હતું કે, 'એક દિવસ એવો આવશે જ્યારે બધા માત્ર ૧૫ મિનિટ માટે ખ્યાતિ પ્રાપ્ત કરશે.' તેમની આ વાત ટૂંકસમયમાં હકીકત સ્વરૂપેે જોવા મળશે તે નિઃશંક બાબત છે.
આજે ફેશન શો, ફિલ્મ, ટીવી સિરિયલ અને રિઆલિટી શોની ભરમારને કારણે એક કીર્તિ વાંચ્છુક પેઢીનો જન્મ થયો છે. આ પેઢી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ પ્રસિદ્ધ થવાનો જ ધ્યેય ધરાવે છે. મોટાભાગના તરુણો માને છે કે સેલિબ્રિટી બનવાથી અથવા એકાદ સેલિબ્રિટીની નજીક રહેવાથી જ આજના સ્પર્ધાત્મક જગતમાં પ્રગતિ કરી શકાશે. આ અંગે યુવાપેઢીમાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં અનેક અચરજભરી બાબતો જાણવા મળી છે. સર્વેમાં ભાગ લેનારા યુવાનોને પૂછવામાં આવ્યું હતું કે, તંદુરસ્તી, સ્માર્ટનેસ, પ્રસિદ્ધિ અથવા દેખાવવામાંથી તમને શું મેળવવું ગમશે? ત્યારે મોટાભાગના યુવાનોએ પ્રસિદ્ધિ પામવાની જ મહેચ્છા વ્યક્ત કરી હતી. આ સર્વેક્ષણના અહેવાલની પુષ્ટિ શાળામાં પણ મળે છે. શાળામાં ભણતાં ટાંબરિયાઓ પણ શિક્ષણના ભોગે ખ્યાતિ પ્રાપ્ત કરવા બહાવરા બન્યા છે. તેઓ ચોક્કસ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાને બદલે ઝડપથી પ્રસિદ્ધ થવાની તકો શોધતા હોય છે.
સેલિબ્રિટી બનતાં જ મળતાં અનેરા નામ-દામને કારણે યુવાપેઢી પરમ સિદ્ધિ પ્રાપ્ત થયાનું માને છે. તેમના મગજમાં સેલિબ્રિટી બનવાની ધૂન સવાર છે. કારકિર્દી લક્ષી અન્ય વિકલ્પો તેમના માટે તુચ્છ બની ગયા છે.
આજની મોટાભાગની તરુણ પેઢી ઈન્ટરનેટ દ્વારા એન્જેલીના જોલી, બ્રાડ પિટ, રિહન્ના, કેરી પેરી, સૈફ અલી ખાન કે કરીના કપૂર વિશેની માહિતી મેળવવાના પ્રયાસો કરતી હોય છે. તેમના માટે ભણતર, નોકરી કે કારકિર્દીની દિશામાં પ્રગતિને બદલે કલાકારોના બ્રેકઅપના સમાચાર વધુ મહત્ત્વના છે. સેલિબ્રિટીના ફેન (ચાહક) બનીને તેના વિશેની રજેરજ માહિતી એકઠી કરવાનું ઝનૂન તેમના પર સવાર છે. આ પ્રકારનું સેલિબ્રીટીનું વળગણ ધરાવવા પાછળના કારણો પણ નોખા નોખા હોય છે. સોફ્ટવેર કંપનીમાં તાલીમ લેતા સુધાંશુને હોલીવૂડના કલાકારોની વિગતો એકઠી કરવાનો શોખ છે. એન્જેલીના જોલી, બ્રાડ પિટ, કેટી હોમ્સ, ટોમ ક્રુઝ અને બ્રિટની સ્પીઅર્સનો તે પ્રશંસક છે. તેને પેરીસ હિલ્ટન ગમતી નથી છતાં તેના વિશે વાંચવાનું તે ચૂકતો નથી. તેના મતે સેલિબ્રિટી વિશે વાંચતા નવીન તાઝગી અનુભવાય છે. આપણા રોજિંદા નિરસ જીવનમાંથી ગ્લેમરવર્લ્ડમાં ડોકિયું કરતાં જ રસિકતાની અનુભૂતિ થાય છે. મોટાભાગના યંગસ્ટર્સના મોઢે સેલિબ્રિટીની વાતો જ સાંભળવા મળે છે એટલે તે વિશે માહિતી રાખવી અનિવાર્ય ગણાય છે એમ તેણે કહ્યું હતું.
હોલીવૂડના વાલ કિલમર, જુલિયા રોબર્ટ્સ કે બોલીવૂડના સારા અલી ખાન, આયુષ્યમાન ખુરાના, જાન્હવી કપૂર, સૈફ અલી ખાન - કરીના કપૂરની ગોસિપ વાંચવાની કે કંઈ નવી જોડી બની અને કોનું બ્રેકઅપ થયું કે ગ્લેમરવર્લ્ડના સિતારાઓના અંગતજીવનમાં થયેલી ઉથલપાથલ વિશે જાણવાની ઉત્સુકતા તરુણો અને યુવાનોમાં હોય છે. શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ પણ સેલિબ્રિટીઓની નકલ કરે છે.
અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે ગ્લેમરવર્લ્ડના સેલિબ્રિટીઓની જેમ જ ખેલાડીઓ સુધ્ધાં યુવાપેઢીના આદર્શ છે. ક્રિકેટ ઉપરાંત ફૂટબૉલના ખેલાડીઓ કે કાર રેસીંગના વિજેતાઓ પાછળ પણ યુવાનો દિવાના બન્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પુસ્તક વાંચી કારકિર્દી ઘડવાને બદલે ઝટપટ ફેમસ થવાના ઉપાયો અજમાવે છે. એકસમયે લોકો ૪૦-૫૦ વર્ષની ઉંમરના થયા બાદ અથાગ પરિશ્રમ અને બળવાન પ્રારબ્ધને કારણે પ્રસિદ્ધિ મેળવતાં અને ૭૦ વર્ષની વયે પહોંચતા સુધીમાં વૈભવી જીવનનો આરંભ થતો હતો. જ્યારે આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે ૨૫ વર્ષની વયે ખ્યાતિ મેળવનારા ચાળીસી બાદ વૈભવી જીવનશૈલીનો આનંદ માણતા હોય છે.પ્રત્યેક સિક્કાની બે બાજુ હોય છે. આ સત્ય અંતગર્ત યુવાનોમાં પ્રવર્તતા આ ટ્રેન્ડની પણ સારી અને નરસી અસર જોવા મળે છે. આ પ્રવાહની સકારાત્મક અસર એ છે કે આના લીધે વિશાળ તકો ઉદ્ભવી છે અને 'હજારો સ્પર્ધકમાંથી મારી પણ પસંદગી થઈ શકે છે.' તેવી સ્થિતિ સર્જાવાને કારણે આત્મવિશ્વાસ વધ્યો છે. પરંતુ આ કારણે જ આપણે ગાંધીજી જેવી ખરા અર્થમાં આદર્શ ગણાતી વ્યક્તિઓને ભૂલી રહ્યા છીએ. જે વ્યક્તિઓએ અન્યોના જીવનને પાટે ચડાવ્યા હોય તથા અર્થપૂર્ણ બનાવ્યા હોય તેમને વિસારે પાડી દીધા છે. ઉપરાંત કારકિર્દી અને લાંબા ગાળાના ધ્યેયની કિંમત રહી નથી અને પ્રત્યેક વ્યક્તિ યેનકેન પ્રસારે પ્રસિદ્ધ થવાના ગતકડાં કરે છે.શિક્ષકો અને વિદ્વાનો આ ટ્રેન્ડને કારણે મુંઝવણમાં મુકાઈ ગયા છે. એકસમયે તરુણ-તરુણીઓ શિક્ષક, ડોક્ટર, વકીલ કે એન્જિનીયર બનવા ઉત્સુક રહેતા હતા. પરંતુ આજે કોઈને પુુસ્તકોના થોથાં વાંચીને એલએલબીકે એમબીબીએસની ડીગ્રી લેવામાં રસ નથી. તેમના મતે આવા પ્રોફેશનમાં જવા સંઘર્ષ કરવો મુર્ખામી છે. મોટાભાગનાને મોડેલ કે ફિલ્મસ્ટાર તથા કેટલાકને સ્પોર્ટ્સ સ્ટાર બનવું છે વળી મહત્ત્વની વાત એ છે કે વાલીઓ પણ આ માટે તેમને પ્રોત્સાહન આપે છે. પોતાની પુત્રીને મોડેલ કે અભિનેત્રી અથવા પુત્રને ક્રિકેટર કે હીરો બનાવવા માટે વાલીઓ તેમના ભણતરની અવગણના કરતાં પણ અચકાતાં નથી. પરંતુ આ અત્યંત ચિંતાજનક ટ્રેન્ડ છે. કારણ કે પ્રસિદ્ધિ અને બાહ્ય સૌંદર્ય ક્ષણભંગુર હોય છે. મોડેલીંગ કે ફિલ્મ ક્ષેત્રની ઝાકમઝોળ ચોક્કસ વય પૂરતી જ હોય છે. વય વધતા જ દેખાવ ફિક્કો પડતો જાય છે અને તે સાથે પ્રતિષ્ઠા પણ ઘટતી જાય છે. લોકો ખૂબ ઝડપથી ફિલ્મ કલાકારોને વિસરી જાય છે. પરંતુ યુવાનોને આ વાત સમજાવવી ખૂબ મુશ્કેલ છે.
જોકે ગ્લેમરવિશ્વના સિતારાઓને આ ટ્રેન્ડ નવાઈભર્યો લાગતો નથી. તેમના મતે આપણે એક એવા વિશ્વમાં રહીએ છીએ જ્યાં આદર્શવાદ અને ખુશામત દૈનિક જીવનનો હિસ્સો બની ગયા છે. એટલે અન્યોની દેખાદેખીથી સુપ્રસિદ્ધ થવાની ઘેલછા પ્રબળ બનવી સહજ છે.
પરંતુ મનોચિકિત્સકો તરુણ પેઢીમાં વધી રહેલી આ પ્રકારની તમન્ના સામે લાલબત્તી ધરે છે. તેમના મતે આ તમન્ના આગળ જતાં ખતરનાક નીવડી શકે છે. યુવાનો સેલિબ્રીટીને તેમના રોલમોડેલ બનાવીને તેમના વિશેની માહિતી મેળવવામાં તથા ગોસિપ વાંચવામાં ખાસ્સો સમય વિતાવે છે. કેટલાક તેમની જેવી હેરસ્ટાઈલ કરાવે છે કે ડ્રેસ પહેરે છે. આ કારણે તેઓ ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને તેમની કારકિર્દી રોળાઈ જવાનો ભય રહે છે. વળી ઝડપથી પ્રસિધ્ધિ મેળવી આપતાં રિઆલીટી શોમાં ભાગ લેવા કેટલાક શાળા-કોલેજમાંથી ડ્રોપ લે છે અને તેમનું આખું વર્ષ વેડફાય છે.
જોખમી રીલથી લાઈક મળી શકે, જીવન નહિ
આજના સોશિયલ મીડિયા યુગમાં યુવાનો તાત્કાલિક પ્રસિદ્ધિ અને ઓનલાઈન લોકપ્રિયતા માટે પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. ધ્યાન ખેંચવા, લાઈક્સ મેળવવા, ફોલોઅર્સની સંખ્યા વધારવા કેટલાક યુવાનો વિચિત્ર પોષાકો પહેરીને જાહેર સ્થળોએ રીલ બનાવે છે.
કેટલાક તો વળી રેલવે ટ્રેક નજીક, ઊંચી ટેકરીઓ પર, પૂરપાટ દોડતા વાહનોમાં અથવા જોખમી ટૂરીસ્ટ સ્થળોએ સેલ્ફી લેતા નજરે પડે છે. પરફેક્ટ ફોટો અથવા વીડિયો મેળવવા તેઓ ચેતવણીની નિશાનીઓ તેમજ સુરક્ષા અવરોધો અવગણે છે. આવા બેજવાબદાર વર્તને વિશ્વભરમાં અનેક અકસ્માતો સર્જ્યા છે અને અનેકના મોત થયા છે. બોલ્ડ, ટ્રેન્ડી અને સાહસિક દેખાવવાનું દબાણ તેમને સોશિયલ મીડિયા પર બેજવાબદાર વર્તન કરવા પ્રેરે છે. ખરી સિદ્ધિનું મૂલ્ય સમજવાની બદલે તેઓ અસ્થાયી ઓનલાઈન લોકપ્રિયતા પાછળ દોટ મૂકે છે. ગમે તેટલી લોકપ્રિયતા અથવા ઓનલાઈન પ્રસિદ્ધિ જીવના ભોગે મહત્વની નથી તેવી સમજદારી યુવા પેઢીમાં કેળવવા વાલીઓ, સ્કૂલો અને સમાજે પોતાની જવાબદારી નિભાવવી પડશે.


