ચીન ડિફેન્સ સેક્ટરમાં પણ ચોરી કરીને જ મજબૂત બન્યું છે
- ફાઈટર પ્લેન હોય કે ડ્રોન કે પછી હેલિકોપ્ટર બધું જ અમેરિકા, રશિયાની ટેક્નોલોજીની કોપી કરીને બનાવ્યું
- ભારતની એક તરફ આવેલો દેશ પાકિસ્તાન જે સાવ કંગાળ અને સસ્તી કક્ષાના હથિયારો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે પંકાયેલો છે ત્યાં ભારતનો બીજો પાડોશી દુનિયાભરની વસ્તુઓની નકલ કરીને પોતાને ત્યાં વિકસાવવામાં જાણીતો છે. વાત છે ચીનની. ચીન જે દુનિયાના નાનામાં નાના રમકડાંથી માંડીને વિશાળ ફાઈટર પ્લેન સુધીની ટેક્નોલોજીની નકલ કરીને પોતાના ત્યાં સસ્તામાં વિકસાવવા માટે દુનિયાભરમાં બદનામ છે. કહેવાય છે કે, ચીનની સૈન્ય તાકાત અસીમ છે. તે અમેરિકા અને યુરોપના દેશો સાથે શિંગડા ભરાવી શકે છે પણ તેની વાસ્તવિકતા કંઈક અલગ જ છે.
હાલમાં દુનિયામાં ચર્ચા ચાલી છે કે, ચીન દ્વારા અત્યાર સુધીમાં ડિફેન્સ સેક્ટરમાં જે પણ કામ કરવામાં આવ્યું છે, જે પણ ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે તે બધું જ તેનું પોતાનું નથી પણ નકલ કરેલું છે. દુનિયાભરમાં આરોપો લાગ્યા છે કે, ચીન દ્વારા કથિત રીતે ડ્રોનથી માંડીને સ્ટીલ્થ ફાઈટરજેટ અને હેલિકોપ્ટર જેવા તમામ યુદ્ધના સાધનો અમેરિકા, રશિયા, ઈઝરાયેલ અને યુરોપના દેશોના સાધનોની નકલ કરીને બનાવવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં ભારતે જ્યારે પાકિસ્તાનના ચીની બનાવટના ડ્રોન, એર ડિફેન્સ સિસ્ટમનો કચ્ચરઘાણ બોલાવી દીધો ત્યારથી ચીની ડિફેન્સ ટેક્નોલોજી અને નકલખોર ચીનની હાંસી ઉડી રહી છે. હાલમાં વૈશ્વિક ધોરણે સોશિયલ મીડિયામાં ચીનની ડિફેન્સ ટેક્નોલોજી મજાક બનાવવામાં આવી રહી છે. લોકો વિવિધ ટેક્નોલોજી અને સાધનોના ફોટા તથા તેના મૂળ હથિયારોના ફોટ મૂકીને તેની સરખામણી કરીને ચીનની હાંસી ઉડાવી રહ્યા છે. લોકો કહે છે કે, બીજા દેશોના હથિયારોની તસવીરો અને ખાસીયતો જાહેર થાય ત્યારબાદ ચીન તેની નકલ કરીને બધું વિકાસવે છે.
ચીનની ચોરીના આરોપોમાં સૌથી પહેલાં નામ આવે છે ફાઈટર પ્લેન શેન્યાંગ જે-૩૧નું. આ પ્લેનને શેન્યાંગ એફસી-૩૧ કહેવાય છે.
તેને ચીનમાં જે-૩૧ અને જો-૩૫ પણ કહે છે. જાણકારોના મતે ચીને બનાવેલું આ અત્યંત ફાસ્ટ અને એક્યુરેટ ફાઈટર પ્લેન હકિકતે તો અમેરિકાના અત્યાધુનિક ફાઈટર પ્લેન લોકહીડ માર્ટિન એફ-૩૫ લાઈટનિંગ-૨ની નકલ કરેલી છે. અહેવાલો પ્રમાણે ચીની હેકર્સ દ્વારા અમરિકી કંપનીના એફ-૩૫ના કેટલાક પાર્ટર્સની ડિઝાઈન, એર ક્રાફ્ટની ડિઝાઈન, સ્ટીલ્થ શેપ, કુલિંગ સિસ્ટમ, રડાર સિગ્નેચર વગેરે સિસ્ટમની ચોરી કરીને પોતાને ત્યાં આધુનિક જનરેશનના ફાઈટર વિમાન વિકસાવવામાં આવ્યા છે.
તેવી જ રીતે અમેરિકાના એમક્યુ-૯ રીપર ડ્રોનનું પણ ચીન દ્વારા ક્લોનિંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલો અવારનવાર આવતા રહ્યા છે.
સંરક્ષણ ક્ષેત્રે સંકળાયેલા સૂત્રો કહે છે કે, ચીન દ્વારા વિકસાવવામાં આવેલા સીએચ-૪બી ડ્રોન અમેરિકી ડ્રોનની નકલ છે. લોકો ચીનના ડ્રોનને કોપીકેટ ડ્રોન તરીકે પણ ઓળખાવે છે.
જાણકારોના મતે બંને દેશોના ડ્રોનમાં આગળ નોઝ માઉન્ટેડ સેન્સર ટુરન્ટ લાગેલું છે. તેમાં દિવસે કે રાત્રે ગમે ત્યારે ઓપરેશન પાર પાડવા માટે ડેટાઈમ અને ઈન્ફ્રા રેડ કેમેરા લગાવેલા છે.
ચીની ડ્રોનમાં ૬ એક્સ્ટર્નલ હાર્ડ પોઈન્ટ્સ છે જેમાં લગભગ ૩૫૦ કિલો વોરહેડ્સ લઈ જવાની ક્ષમતા છે. અમેરિકાના રીપરમાં પણ આવી જ ક્ષમતા છે.
એક વાતે ચીની નકલ નબળી પડી જાય છે. ચીની ડ્રોન સીએચ-૪બીનું એન્જિન અમેરિકી ડ્રોન રીપર કરતા નબળું છે અને તેની પેલોડ ક્ષમતા પણ ઓછી છે. ચીને તેનું વજન ઘટાડીને તેની હવામાં રહેવાની ક્ષમતાને વધારી દીધી અને પોતાના દેશના વાતાવરણ અને સરહદોના આધારે તેમાં ફેરફાર કરી દીધા હોવાના પણ દાવા થયા છે.
અમેરિકાનું સૌથી મોટું સૈન્ય જહાજ સી-૧૭ ગ્લોબમાસ્ટર કે જે દુનિયાભરમાં વખણાય છે તેની પણ ચીને નકલ કરી લીધી છે. ચીની મિલિટરી ટ્રાન્સપોર્ટ પ્લેન વાય-૨૦ અમેરિકાના બોઈંગ સી-૧૭ ગ્લોબમાસ્ટર-૩ની નકલ છે. અહેવાલો પ્રમાણે ચીની પ્લેન માત્ર આકાર જ નહીં, કેપેસિટી, ડિઝાઈન અને તેના દેખાવમાં પણ અમેરિકી પ્લેનની જ નકલ ગણાય છે. અહીંયા વાત એવી પણ છે કે, ૨૦૦૯માં બોઈંગના એક કર્મચારીને સી-૧૭, અન્ય નાના પ્લેન્સ, રોકેટ્સ, હેલિકોપ્ટર્સ અને અન્ય ટેક્નોલોજીના બ્લૂ પ્રિન્ટ્સ ચીનને વેચવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ચીન દ્વારા ત્યારબાદ વિકસાવવામાં આવેલા તમામ પ્લેન અને ડ્રોન્સ તથા હેલિકોપ્ટર્સ આ ડિઝાઈનો સાથે જ સરખામણી ધરાવે છે. અમેરિકાના સી-૧૭માં પ્રેટ એન્ડ વ્હીટનીનું હાઈપરફોર્મન્સ ટર્બોફેન એન્જિન લાગેલું છે જ્યાં વાય-૨૦માં જૂનું રશિયન સોલોવેવ ડી-૩૦ એન્જિન લગાવાયું છે. તેના કારણે અમેરિકી સરખામણીએ ચીની વિમાન ગુણવત્તામાં નબળું છે. અમેરિકાની ટેક્નોલોજીના નકલો ભલે ચીન દ્વારા ચોરી લેવામાં આવે પણ ગુણવત્તાની બાબતમાં તે અમેરિકી સાથે સરખામણી કરી શકે તેમ નથી.
ચીને માત્ર અમેરિકી જ ટેક્નોલોજીની ચોરી કરી છે તેવું નથી. તે પોતાના મિત્ર દેશ ગણાતા રશિયાની ટેક્નોલોજીની પણ ચોરી કરી ચુક્યું છે.
ચીનની ટાઈપ ૯૬ ટેન્ક પણ રશિયન ટેન્કની નકલ છે. જાણકારોના મતે રશિયાની ટી-૭૨ ટેન્કની જેમ જ ચીની ટેન્ક દેખાય છે. તેમાં ૧૨૫ એમએમ તોપ, ઓટોમેટિક એમ્યુનિશન લોડર, મજબૂત આર્મર અને ડિફેન્સ સિસ્ટમ લગાવવામાં આવ્યા છે જે બિલકુલ રશિયાની ટેક્નોલોજીની નકલ છે. ટેન્ક ઉપર આગળના ભાગમાં ગ્લેસિસ પ્લેટ ઉફર એક્સપ્લોઝન રિએક્ટિવ આર્મર લગાવ્યા છે અને ટાવરની સામે એડ ઓન આર્મર લગાવ્યા છે, જે રશિયાના જૂના ટી-૭૨એ ટેન્કની ડિઝાઈન સાથે સમાનતા ધરાવે છે.
ટી-૭૨ની ડિઝાઈનિંગ ૧૯૬૦માં કરવામાં આવી હતી જ્યારે ચીન દ્વારા ટાઈપ ૯૬ ટેન્ક ૧૯૯૦માં બનાવવામાં આવી હતી. બંનેની તાકાત અને ક્ષમતા લગભગ સમાંતર છે. આ બાબત જણાવે છે કે, ચીન દ્વારા વિવિધ દેશોની ટેક્નોલોજીની નકલ કરીને સ્થાનિક ઈનોવેશન દ્વારા સામાન્ય ફેરફાર કરીને પોતાના નામે બધું વિકસાવવામાં આવે છે.
આ હથિયારો અને ફાઈટર પ્લેન અને હેલિકોપ્ટર તો માત્ર પાશેરામાં પહેલી પૂણી સમાન છે. આ સિવાય ઘણા હથિયારો, ડ્રોન, મિસાઈલ્સ છે જે ઈઝરાયેલ, યુરોપના દેશોની નકલ મારીને બનાવવામાં આવ્યા છે. તેની યાદી મુકવામાં આવે તો ઘણી મોટી થાય તેમ છે. આ બાબત ઉપરથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે, અમેરિકાની જ ટેક્નોલોજીને ચોરીને અથવા તો નકલ કરીને ચીન દ્વારા પોતાના હથિયારો વિકસાવવામાં આવી રહ્યા છે. દુનિયાની સામે માત્ર મૌલિકતાના દેખાડા કરવામાં આવે છે. ચીનની સૈન્ય પ્રગતિ ભલે દુનિયાને આશ્ચર્ય લાગતી હોય પણ તેની પાછળ રહેલી તેની ચોરી, સાઈબર હેકિંગ, ટેક્નોલોજીની નકલ વગેરે કાળી બાબતો કોઈ જોઈ શકતું નથી. ડ્રોન, ફાઈટર જેટ, ટેન્ક, ટ્રાન્સપોર્ટ પ્લેન, હેલિકોપ્ટર, મિસાઈલ્સ વગેરે ચીન પાસે છે પણ તે બધા જ અન્ય દેશોની ટેક્નોલોજીની ચોરી કરીને કે નકલ કરીને બનાવવામાં આવેલા છે.
બીજાની મહેનત અને સર્જનની નકલ કરીને જ ચીને પોતાનું સામ્રાજ્ય વિકસાવેલું છે. ચીન જ્યાં બીજા દેશોના અને પાડોશીઓના પ્રદેશો પચાવી પાડે છે ત્યાં બીજા દેશોનો ટેક્નોલોજી ચોરીને પોતાના હથિયારો બનાવવા તે ખરેખર બહુ મોટી વાત નથી. ચીનની આ કામગીરી યુદ્ધની પારદર્શકતા અને નિષ્પક્ષતા માટે એક મોટો ખતરો ઊભો કરી શકે તેમ છે તે વાતને પણ નકારી શકાય નહીં.
ચીને નકલ કરવામાં અમેરિકાના અપાચી હેલિકોપ્ટરને પણ છોડયા નથી
ચીન દ્વારા વિકસાવવામાં આવેલું CAIC Z-10 એટેક હેલિકોપ્ટર પણ અમેરિકાના એએચ-૬૪ અપાચી હેલિકોપ્ટરની જ નકલ મારવામાં આવી હોવાના દાવા થયા છે. જાણકારોના મતે આ હેલિકોપ્ટરનો દેખાવ, તેની મારણ ક્ષમતા, તેની કેટલીક ખાસિયતો અમેરિકી હેલિકોપ્ટર જેવી જ છે. તેની રેન્જ અને ફાઈટિંગ કેપેસિટી અમેરિકી હેલિકોપ્ટર કરતા બમણી કરી નાખવામાં આવી છે. જાણકારોના મતે CAIC Z-10 એટેક હેલિકોપ્ટરની રેન્જ ૮૦૫ કિલોમીટર છે જ્યારે અપાચીની કેપેસિટી માત્ર ૪૭૬ કિલોમીટરની છે.
બીજી તરફ અપાચી કરતા ચીનનું CAIC Z-10 એટેક હેલિકોપ્ટર ઘણી વધારે ઝડપ સાથે ઉડે છે. તેની ડિઝાઈન અમેરિકી બેલ કંપનીના નવા સ્ટેલ્થ ઈન્વિક્ટસ ફ્યુચર એટેક રેકોનાયન્સ હેલિકોપ્ટર જેવી છે. તેને ટેન્ડમ કોકપિટ, આગળના ભાગથી સાંકડું માળખું, નીચેના ભાગે લગાવવામાં આવેલી આર્મર ગન, બહાર હથિયારો મુકવા માટેના પાંખો નીચેની વ્યવસ્થા વગેરે અમેરિકી હેલિકોપ્ટર અપાચી જેવું જ છે.
ચીને રશિયાના ફાઈટર પ્લેનની નકલ કરીને તેને ચિંતામાં મુકી દીધું હતું
ચીને રશિયાની ટેન્કની જ નકલ કરી છે તેવું નથી, રશિયાના ફાઈટર પ્લેનની પણ કોપી કરી લીધી છે. ચીન દ્વારા બનાવવામાં આવેલું શેન્યાંગ જે-૧૧ પ્લેન જે જૂની જનરેશનનું હતું તે રશિયન ફાઈટર પ્લેન સુખોઈ એસયુ-૨૭ ફોકનરની નકલ છે. જાણકારોના મતે શરૂઆતમાં રશિયા દ્વારા ચીનને નકલ કરવા માટેની મંજૂરી અપાઈ હતી પણ ત્યારબાદ રશિયાએ તેના વિશે મનાઈ ફરમાવી દીધી હતી. ચીન દ્વારા આ પ્રતિબંધની અવગણના કરીને રશિયન ટેક્નોલોજીમાં પોતાની જરૂરિયાતો પ્રમાણે ફેરફાર કરીને ફાઈટર પ્લેન ડિઝાઈન કરવામાં આવ્યા હતા. જાણકારોના મતે ચીનની આ કરતૂત દ્વારા રશિયાને મોટાપાયે નુકસાન ગયું અને આ ટેક્નોલોજી તેના માટે ચિંતાનું કાણ પણ બની ગઈ. ચીની પ્લેનમાં રશિયન સુખોઈ જેવા જ માળકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની અંદરની સિસ્ટમ ચીને પોતાની રીતે બનાવી છે. તેના કારણે સુખોઈ એસયુ-૨૭ અને ચીની જે-૧૧ની રેન્જ, સ્પીડ અને વજન તથા પેલોડ કેપેસિટ લગભગ એક સરખા છે. આ પ્લેન ચીનની નકલ અને ડિઝાઈન ચોરીનો મોટો દાખલો છે.