વૈશ્વિક ધોરણે અને ખાસ કરીને પશ્ચિમી દેશોમાં ટીનએજર્સ અને યુવાનોને આતંકીઓ દ્વારા ઓનલાઈન ગેમ્સ થકી ફસાવાય છે
- આતંકી જૂથો દ્વારા પહેલાં હિંસક ગેમ્સ થકી સ્કોરબોર્ડનું એક માળખું ઊભું કરાય છે. ત્યારબાદ તેઓ કિલ કાઉન્ટ અને માસ એટેક કાઉન્ટ થકી ઓનલાઈન ગેમ્સ રમનારા કિશોરો અને યુવાનોના સ્કોર નક્કી કરે છે. તેના કારણે તેમનામાં ઉત્સુકતા અને આગળ વધવા માટેની સ્પર્ધાત્મકતા અતિશય વધવા લાગે છે ઃ સૌથી પહેલાં માઈનક્રાફ્ટ, ફોર્ટનાઈટ અને કોલ ઓફ ડયૂટી જેવી જાણીતી ગેમ્સ રમાડીને યુવાનોને હિંસક માનસિકતા માટે સજ્જ કરે છે અને સાથે સાથે તેમનું ટીમ પ્લેયર તરીકે જોડાણ વધારે છે. ત્યારબાદ જે પ્રકારના હિંસા માટે પ્રેરિત કરવાના હોય કે કટ્ટરવાદ શિખવવાનો હોય તે તરફ વાળવામાં આવે છે ઃ કટ્ટરવાદીઓ સોફિસ્ટિકેટેડ ફનલ સ્ટ્રેટેજી દ્વારા યુવાનોને આકર્ષે છે. તેમાં ફસાવે છે. જાણકારો માને છે કે, દરેક ઓનલાઈન ગેમ્સ દ્વારા યુવાનો હિંસક કે આતંકી અથવા તો કટ્ટરવાદી બનતા નથી પણ આ ગેમ્સ થકી આતંકવાદીઓ યુવાનો અને ટીનએજર્સને કટ્ટરવાદી અને આતંકી બનાવી રહ્યા છે તેની ગંભીરતા હવે સમજાવી જોઈએ
વિશ્વમાં એક તરફ યુદ્ધની સ્થિતિ છે ત્યાં બીજી તરફ કેટલાક દેશોમાં આતંકવાદ પણ વકરેલો છે. ઘણા દેશો આતંકવાદ સામે સતત લડી રહ્યા છે. આ બધા વચ્ચે એક એવો અહેવાલ આવ્યો છે જે ચિંતા કરતા કરી દે તેવો છે. ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ ૨૦૨૬ના અહેવાલમાં જણાવાયું છે કે, આતંકવાદથી થતા મોતમાં પશ્ચિમી દેશોમાં ભયાનક વધારો થયો છે. ગત વર્ષે પશ્ચિમી દેશઓમાં આતંકવાદી હુમલાઓમાં મૃત્યુ પામનારા લોકોનો આંકડો ૨૮૦ ટકા વધ્યો હતો. આ આતંકવાદી હુમલા પાછળ જવાબદાર કારણોની તપાસ કરવામાં આવી તો સામે આવ્યું કે, ટીનએજર્સ અને યુવાનો દ્વારા સૌથી વધારે આતંકનવાદી હુમલા કરવામાં આવી રહ્યા છે. લોન વુલ્ફ ટેરર એટેકમાં પણ મોટાભાગે ટીનએજર અથવા યુવાન વ્યક્તિ જ હુમલાખોર હોય છે. યુવાનો અને ટીનએજર્સને હિંસા અને આતંકવાદના રસ્તે લઈ જવા સૌથી સરળ હોવાથી આતંકવાદીઓ હવે નવી પદ્ધતિ અપનાવીને યુવાધનને બરબાદ કરવાનું શરૂ કર્યું છે.
આ અહેવાલમાં બીજા આઘાતજનક બાબત એ રહી છે કે, યુવાનો અને ટીનએજર્સને હિંસાના માર્ગે દોરી જવામાં ઓનલાઈન વીડિયો ગેમ્સ સૌથી મોટું કારણ હોવાનું જણાવાયું છે. તેમાં જણાવાયું છે કે, આ હિંસક વીડિયો ગેમ્સ થકી જ યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમને ગુનાખોરીના રવાડે ચડાવવામાં આવી રહ્યા છે. માત્ર ગણતરીના અઠવાડિયામાં જ આવા હિંસક અને ગેરમાર્ગે દોરાયેલા યુવાનો અને ટીનએજર્સની ટોળકી તૈયાર થઈ જાય છે. તેમાં જણાવાયું છે કે, ઓનલાઈન માધ્યમો અને ગેમ્સનો ઉપયોગ કરીને આતંકવાદીઓએ હવે પોતાના લડવૈયાઓની ભરતી કરવાની પદ્ધતિ બદલી કાઢી છે. તેઓ હિંસક ગેમ્સ રમતા ટીનએજર્સ અને યુવાનોને ટાર્ગેટ કરીને તેમને આતંકી બનાવવાનું જઘન્ય કામ કરી રહ્યા છે.
ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ દ્વારા તાજેતરમાં જે આંકડા કાઢવામાં આવ્યા છે તેમાં ઘણો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. તેમાં જણાવાયું છે કે, ૨૦૧૫થી ૨૦૨૫ સુધીમાં આતંકવાદી હુમલામાં સરેરાશ ૨૨ ટકાનો વધારો થયો છે. તે ૨૯૯૪ ઘટનાઓ સુધી પહોંચી ગયા છે. બીજી તરફ આ હુમાલમાં મૃત્યુનો આંકડો ૨૮ ટકા ઘટીને ૫,૫૮૨ સુધી નીચે ગયો છે. બીજી તરફ પશ્ચિમી દેશોમાં આતંકવાદને કારણે થતા મોતમાં ૨૮૦ ટકાનો વધારો થઈ ગયો છે. ગત વર્ષે ૫૭ લોકોના આંતવાદી હુમલામાં મોત થયા હતા. ખાસ કરીને આતંકવાદ, રાજકીય આતંકવાદ અને ધાર્મિક આતંકવાદના નામે થયેલી હિંસામાં આ લોકોનાં મોત થયા છે.
જાણકારોના મતે ગાઝા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અને હિંસાની સ્થિતિ વચ્ચે ટીનએજર્સ અને યુવાનોમાં કટ્ટરવાદ વધી રહ્યો છે. તેના કારણે તેઓ વધારે હિંસક અને આતંકવાદી જૂથોનો ભોગ બની રહ્યા છે. ચિંતાની વાત એ છે કે, દુનિયાનું સૌથી ભયાનક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ૨૦૨૫માં પણ સૌથી વધારે હિંસક અને જીવલેણ આતંકવાદી સંગઠન જ રહ્યું હતું. તેમ છતાં વૈશ્વિક હુમલા અને હત્યાઓમાં તેમની ભૂમિકા માત્ર ૧૭ ટકા નોંધાઈ હતી. બીજી તરફ પશ્ચિમી દેશોમાં છેલ્લાં પાંચ વર્ષમાં થયેલા આતંકવાદી હુમલામાં ૯૩ ટકા હુમલા લોન વુલ્ફ હુમલા હતા. બીજી ચિંતાજનક બાબત એ હતી કે, બે કે ત્રણ આતંકીઓ અથવા તો તેનાથી વધારે આતંકીઓના જૂથ દ્વારા કરવામાં આવતા હુમલા કરતા લોન વુલ્ફના હુમલા અને તેની સફળતાનો દર ત્રણ ગણો વધારો નોંધાયો હતો.
અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે, મોટાભાગના મોત અને હુમલા વિવાદગ્રસ્ત કે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં જ થયા છે. તેના કારણે એક બાબત સ્પષ્ટ થઈ રહી છે કે, પશ્ચિમી વિશ્વમાં જે વિવાદ વધ્યા છે તેના કારણે હિંસા, કટ્ટરવાદ અને આતંકવાદમાં મોટાપાયે વધારો નોંધાયો છે. ગત વર્ષે યુરોપ, ઉત્તર અમેરિકા અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસમાં બહાર આવ્યું કે, આ ઘટનાઓમાં ૪૨ ટકા આતંકવાદીઓ બાળકો, ટીનએજર્સ અથવા તો કિશોરો જવાબદાર હતા. ૨૦૨૧થી પાંચ વર્ષમાં આ સૌથી મોટો આંકડો હતો. જાણકારોના મતે ૨૦૨૧થી ૨૦૨૫ સુધીમાં તેમાં ત્રણ ગણો વધારો થયો છે.
પશ્ચિમમાં આતંકવાદીઓ દ્વારા તેમની મોટાપાયે ભરતી કરવામાં આવી રહી છે અને તેમનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. ૨૦૨૪માં ફ્રાન્સમાં થયેલા આતંકવાદી હુમલામાંથી પાંચમા ભાગના હુમલાઓમાં સગીરો ગુનેગાર હતા. તેવી જ રીતે બેલ્જિયમમાં ૨૦૨૨થી ૨૦૨૪ દરમિયાન થયેલા આતંકી હુમલા કે હિંસક ઘટનાઓમાં પણ પાંચમા ભાગના કિશોરો જવાબદાર હતા. યુકેમાં પણ બાળકો અને કિશોરો દ્વારા આતંકી હુમલામાં સંડોવણીની ઘટના વધી છે. ૨૦૧૯માં કિશોરો દ્વારા ૧૨ આતંકી હુમલા કરાયા હતા જે ૨૦૨૪માં ૮૨ સુધી પહોંચી ગયા હતા.
જાણકારોના મતે આતંકવાદી જૂથો દ્વારા ૧૩ વર્ષથી ૨૫ વર્ષ સુધીના કિશોરો અને યુવાનોને ફસાવીને આથંકી બનાવવામાં આવે છે. ઘણા કિસ્સામાં ૮ કે ૯ વર્ષના ગુનેગારો પણ નોંધાયા છે. તેમ છતાં પશ્ચિમી દેશોના યુવાન આતંકીઓની સરેરાશ ઉંમર ૧૭ આવી રહી છે જે ચિંતાજનક છે. જાણકારો માને છે કે, યુવાનોમાં જે કટ્ટરવાદ વધ્યો છે તે લોન વુલ્ફ એટેકમાં પરિણમી રહ્યો છે. તેમના મતે છેલ્લાં ત્રણ વર્ષમાં કિશોરો અને યુવાનોની સંડોવણી ધરાવતા આતંકી હુમલાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે.
સંશોધકોએ જણાવ્યું કે, ઓનલાઈન ગેમ્સ અન સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા યુવાનોને સરળતાથી અને ઝડપથી ગેરમાર્ગે દોરી શકાય છે. ચોક્કસ અલગોરિધમ અને સતત હિંસક કન્ટેટન્ટ અને કટ્ટરવાદી વિચારો દ્વારા કિશોરો અને યુવાનોને હિંસા અને આતંકવાદના રસ્તે દોરી જવાય છે. તેઓ માને છે કે, એક દાયકા પહેલાં કોઈ વ્યક્તિને કટ્ટરવાદના રસ્તે લઈ જવી હોય તો મહિનાઓ અને કદાચ વર્ષો લાગી જતા હતા. આજે હવે ગણતરીના અઠવાડિયા કે દિવસોમાં કિશોરો અને યુવાનોને કટ્ટરવાદી બનાવી શકાય છે. ઓનલાઈન ગેમ્સ, વીડિયો, કન્ટેન્ટ, સોશિયલ મીડિયા દ્વારા ચોક્કસ આયોજન સાથે ગણતરીના દિવસોમાં આ પ્રોપેગેન્ડા પાર પાડી દેવાય છે. ચિંતાજનક બાબત એ કે, કિશોરોની બુદ્ધિ ક્ષમતા અને તર્ક શક્તિ યોગ્ય રીતે વિકસિત થઈ ન હોવાથી તેમને કટ્ટરવાદી બનાવવા ખૂબ જ સરળ થઈ ગયા છે અને તેની ઝડપ પણ ચિંતાજનક રીતે વધી રહી છે.
ચિંતાજનક બાબત એ છે કે, કિશોરો અને યુવાનોને એવી સ્થિતિ બતાવવામાં અને સમજાવવામાં આવે છે જેના કારણે તેઓ સીધા જ હિંસાના વિકલ્પ તરફ આગળ વધે છે. ત્યારબાદ ઓનલાઈન ગેમ્સ અને વીડિયો તથા સોશિયલ મીડિયા કન્ટેન્ટ દ્વારા તેમને હિંસાના વિવિધ વિકલ્પો બતાવવામાં આવે છે. તેના કારણે પશ્ચિમી દેશોમાં હિંસાનું તાંડવ થઈ રહ્યું છે. મોટાભાગે ઓનલાઈન ગેમ્સમાં વ્યક્તિ ગેમમાં રહેલા પાત્રને એકાકાર થઈ જાય છે અને વર્તે છે. કટ્ટરવાદીઓ અને આતંકવાદીઓ આવી હિંસક ગેમ્સ બનાવીને બાળકો, કિશોરો અને યુવાનોને હિંસા તરફ આકર્ષે છે. એક અહેવાલ પ્રમાણે આતંકવાદી સંગઠનો દ્વારા માઈનક્રાફ્ટ અને રોબલોક્સ જેવા જાણીતા ઓનલાઈન પ્લેટફોર્મ થકી યુવાનોને ડાયવર્ટ કરીને આતંકવાદ તરફ લઈ જવામાં આવે છે.
અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની ઈન્ટેલિજન્સ એજન્સીઓએ નોંધ્યું છે કે, રોબલોક્સ જેવી ગેમ્સ અને સોશિયલ મીડિયા કોમ્યુનિટી જેવી કે ડિસ્કોર્ડનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. કિશોરો અને યુવાનોને બનાવટી સીન ઊભો કરીને ગેમ્સમાં હિંસા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેને ગેમ્સમાં અલગ અલગ ચેલેન્જ આપીને તેમાં પાવરફુલ બનાવવામાં આવે છે અને ત્યારબાદ વાસ્તવિક હુમલા તરફ દોરવામાં આવે છે. તેમને ધાર્મિક સ્થાનો, શાળાઓ, જાહેર સ્થળો ઉપર હુમલા માટે વીડિયો ગેમ્સ દ્વારા સજ્જ કરાય છે અને ત્યારબાદ હુમલા માટે છુટા મુકી દેવાય છે.
- નબળી મનઃસ્થિતિ અને સ્પર્ધાત્મકતાનો દૂરુપયોગ કરીને હિંસા કરાવાયા છે
આ અહેવાલ દરમિયાન સૌથી મોટું મનોવૈજ્ઞાાનિક તારણ એ આવ્યું છે કે, બાળકો અને કિશોરોના નબળા અને કુમળા માનસનો તથા યુવાનોમાં રહેલી સ્પર્ધાત્મકતાનો ગેરલાભ લઈને તેમને હિંસાત્મક કામગીરી વધુને વધુ કરવા માટે ઉત્તેજિત કરવામાં આવે છે.
આતંકી જૂથો દ્વારા પહેલાં હિંસક ગેમ્સ થકી સ્કોરબોર્ડનું એક માળખું ઊભું કરાય છે. તેના આધારે કિશોરો અને યુવાનોની ક્ષમતાને આંકવામાં આવે છે. ત્યારબાદ તેઓ કિલ કાઉન્ટ અને માસ એટેક કાઉન્ટ થકી ઓનલાઈન ગેમ્સ રમનારા કિશોરો અને યુવાનોના સ્કોર નક્કી કરે છે.
તેના કારણે તેમનામાં ઉત્સુકતા અને આગળ વધવા માટેની સ્પર્ધાત્મકતા અતિશય વધવા લાગે છે. સંશોધકો માને છે કે, મલ્ટિપ્લેયર ગેમ્સ દ્વારા આવા હુમલા માટેનું વાતાવરણ તૈયાર કરવામાં આવે છે અને તેમને સમાજથી દૂર રાખીને હિંસા માટે સજ્જ કરવામાં આવે છે. તે ઉપરાંત આવા હિંસક બાળકો અને યુવાનોની સોશિયલ મીડિયા કોમ્યુનિટી ઊભી કરીને સતત તેમાં સ્કોરબોર્ડ અપડેટ કરવામાં આવે છે જેથી સ્પર્ધાત્મકતા વધી જાય છે. તેઓ સૌથી પહેલાં માઈનક્રાફ્ટ, ફોર્ટનાઈટ અને કોલ ઓફ ડયૂટી જેવી જાણીતી ગેમ્સ રમાડીને યુવાનોને હિંસક માનસિકતા માટે સજ્જ કરે છે અને સાથે સાથે તેમનું ટીમ પ્લેયર તરીકે જોડાણ વધારે છે.
ત્યારબાદ જે પ્રકારના હિંસા માટે પ્રેરિત કરવાના હોય કે કટ્ટરવાદ શિખવવાનો હોય તેને લગતા વીડિયો અને કન્ટેન્ટનો સોશિયલ મીડિયા ઉપર સતત મારો ચલાવવામાં આવે છે.
તેમાંય શોર્ટ વીડિયોનું અલગોરિધમ ખૂબ જ મોટો રોલ ભજવી જાય છે. કટ્ટરવાદીઓ સોફિસ્ટિકેટેડ ફનલ સ્ટ્રેટેજી દ્વારા યુવાનોને આકર્ષે છે. તેમાં ફસાવે છે.
જાણકારો માને છે કે, દરેક ઓનલાઈન ગેમ્સ દ્વારા યુવાનો હિંસક કે આતંકી અથવા તો કટ્ટરવાદી બનતા નથી પણ આ ગેમ્સ થકી આતંકવાદીઓ યુવાનો અને ટીનએજર્સને કટ્ટરવાદી અને આતંકી બનાવી રહ્યા છે તેની ગંભીરતા હવે સમજાવી જોઈએ.


