For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એપલ સામે અમેરિકામાં કેસ, આઈફોન સામે શું વાંધો છે?

Updated: Mar 23rd, 2024

Article Content Image

- વિશ્વની સૌથી મોટી ટેક કંપની એપલ સામે સ્માર્ટફોન માર્કેટમાં મોનોપોલી સ્થાપીને હરિફાઈને કચડી નાંખવાનો કેસ કરાતા ખળભળાટ મચ્યો છે

- એપલને દોષિત ઠેરવાય તો બહુ મોટો ફટકો પડે. એપલને અબજોના દંડથી ફરક પડતો નથી પણ તેણે પોતાની પ્રોડક્ટમાં ફેરફાર કરવો પડે. તેના કારણે આઈફોન પણ બીજા ફોન જેવો જ થઈ જાય તેથી ભવિષ્યમાં તેની આવકને પણ ફટકો પડે. અત્યારે ઉત્તર અમેરિકામાં વેચાતા સ્માર્ટફોનમાંથી ૭૨ ટકા ફોન આઈફોન હોય છે. આ માર્કેટમાંથી ધીરે ધીરે બીજા સ્માર્ટફોન ગાયબ થઈ રહ્યા છે પણ આઈફોન બદલાય તો લોકો પછી આઈફોનને જ પસંદ ના કરે. અમેરિકાની કોર્ટના નિર્ણયની બીજા દેશોમાં પણ અસર પડશે. યુરોપીયન યુનિયનમાં તો એપલ પર તવાઈ છે જ તેથી એપલ સામે નવા કેસ પણ મંડાઈ જાય. 

અમેરિકામાં વિશ્વની સૌથી મોટી ટેક કંપની એપલ સામે સ્માર્ટફોન માર્કેટમાં મોનોપોલી સ્થાપીને હરીફાઈને કચડી નાખવાનો કેસ કરાતાં ખળભળાટ મચ્યો છે. એપલ સામે પહેલાં પણ આ આક્ષેપો થયેલા પણ હવે અમેરિકાની સરકારે ન્યુ જર્સીમાં આવેલી ફેડરલ કોર્ટમાં અમેરિકાની સરકારે ૧૬ સ્ટેટના એટર્ની જનરલ સાથે મળીને કેસ ફેડરલ એન્ટિટ્રસ્ટ કાયદાનો ભંગ કર્યો હોવાનો કેસ ઠોકી દેવાયો છે.

અમેરિકા માને છે કે, મુક્ત અને ન્યાયી હરીફાઈના કારણે પ્રોડક્ટ કે સેવા ઓછા દરે મેળવવી એ ગ્રાહકનો અધિકાર છે. કોઈ પણ કંપની ગમે તે રીતે હરીફોને કચડીને પોતાની મોનોપોલી ઉભી કરીને મનમાની ચલાવે એ ના ચાલે. કોઈ પ્રોડક્ટ કે સેવા આપતી ટોચની બે કંપની હાથ મિલાવી લે કે પછી વિલિનીકરણ કરીને  પોતાની મોનોપોલી ઉભી કરીને ગ્રાહકોને હરીફાઈના કારણે મળતા લાભ છિનવી લે એ પણ ના ચાલે. આ મોનોપોલીને રોકવા માટે એન્ટિ ટ્રસ્ટ લો બનાવાયા છે.  આ કાયદાનો ભંગ કરનારને આકરો દંડ કરાય છે.

એપલ મોટી કંપની છે તેથી તેને ખંખેરવા કેસ કરાયો છે કે પછી હરીફ કંપનીઓએ નાણાં વેરીને એપલને આંટીમાં લેવાનો કારસો કર્યો છે એ ચર્ચા અત્યારે જોરશોરથી ચાલી રહી છે. એપલના વધતા પ્રભાવના કારણે બીજી મોટી કંપનીઓએ ઈર્ષાના કારણે અમેરિકાની સરકાર પર દબાણ લાવીને કેસ કરાવ્યો હોવાની પણ શક્યતા છે. જો કે અમેરિકાનું કહેવું છે કે, આ બધી વાતો ખોટી છે અને એપલ સામે તેને હજારોની સંખ્યામાં ફરિયાદો મળી છે. તેના આધારે કેસ કરવાનો નિર્ણય લેવાયો છે.

અમેરિકાના જસ્ટિસ ડીપાર્ટમેન્ટે એપલ સામે આરોપ મૂક્યો છે કે, આઈફોન એપ સ્ટોર પર પોતાના નિયંત્રણનો દુરૂપયોગ કરીને એપલ ગ્રાહકો અને એપ ડેવલપર્સને બાનમાં રાખી રહી છે. પોતાની સામે પડકારરૂપ લાગે એવી એપને દબાવી દેવા તથા હરીફોની પ્રોડક્ટ્સને ઓછી આકર્ષક લાગે એ માટે ગેરકાયદેસર પગલાં ભરે છે.  એપલ આ રીતે મોનોપોલી ઉભી કર્યા પછી ગ્રાહકો પાસેથી પ્રોડક્ટ અને સેવા માટે વધારે ચાર્જ વસૂલીને પોતાનો નફો વધારી રહી છે.

આ બધી ટેકનિકલ વાતો છે તેથી સરળ શબ્દોમાં આક્ષેપોને સમજવા જરૂરી છે. અમેરિકાનો આક્ષેપ છે કે, એપલમાં બીજી કંપનીનાં હાર્ડવેર કે સોફ્ટવેરનો ઉપયોગ કરી શકાતો નથી. આ રીતે એપલ સુનિયોજિત લૂંટ ચલાવી રહી છે.  ઉદાહરણ તરીકે હરીફ કંપનીઓની સ્માર્ટ વોચ આઈફોન સાથે કનેક્ટ નથી કરી શકાતી તેથી ગ્રાહકોએ જખ મારીને એપલની મોંઘી સ્માર્ટ વોચ ખરીદવી પડે છે. આઈફોનમાં એપલ ચાર્જરથી માંડીને હેડફોન સુધીનું બધું એપલ કંપનીનું જ વાપરવું પડે છે. આ બધી પ્રોડક્ટ મોંઘીદાટ છે તેથી ગ્રાહકો પર બોજ વધે છે.

આઈફોનમાં બહારનાં કોઈ સોફ્ટવેર નાંખી શકાતાં નથી એ પણ ગ્રાહકોને બાનમાં રાખવા જેવું છે. એપલ બેંકો અને બીજી ફાયનાન્સિલ કંપનીઓ પોતાની ટેપ-ટુ-પે ટેકનોલોજી ના વાપરે એ માટેના પેંતરા કરે છે, તેમને બ્લોક કરે છે. આ રીતે આઈફોન ગ્રાહકોને એપલ પે ટ્રાન્ઝેક્શન્સ દ્વારા જ પેમેન્ટની ફરજ પાડે છે. આ રીતે એપલ પે ટ્રાન્ઝેક્શન્સ દ્વારા અબજોની ફી વસૂલીને નફો વધારે છે. એપલ પોતાને ફાયદો ના થાય એવી સ્ટ્રીમિંગ અને સુપર એપ્સને પણ એપલ સ્ટોર પર નથી મૂકતી. 

આ રીતે ગ્રાહકોની પસંદગીને મર્યાદિત કરીને અન્યાય કરે છે. હરીફોના ફોન પરથી મોકલાયેલા મેસેજને ગ્રીન બબલ્સ દ્વારા અલગ બતાવાય છે, વીડિયો તથા બીજા ફીચર્સ પણ એપલમાં દેખાતાં નથી. એ રીતે આઈફોન જ સુપીરિયર હોય એવો દેખાવ ઉભો કરાયો છે. તેના કારણે એપલ ફોન નહીં ધરાવનારાં લોકોમાં લઘુતાગ્રંથિ આવે છે અને સામાજિક રીતે ભેદભાવ ઉભા કરાય છે.

એપલે આ વાતોને ખોટી ગણાવી છે. એપલનું કહેવું છે કે, આઈફોન વધારે સુરક્ષિત હોવાથી લોકો તેનાથી ખુશ છે તેથી એક વાર આઈફોન  ખરીદ્યા પછી બીજો ફોન ખરીદવા વિશે વિચારતા નથી. ગ્રાહકોની પ્રાઈવસી અને સીક્યુરિટી સૌથી મહત્વની હોવાથી તેની સુરક્ષા માટે પોતાને કોઈ પણ પગલાં લેવાનો અધિકાર છે. અમેરિકાના કાયદા હેઠળ એપલને પોતાના બિઝનેસ પાર્ટનર પસંદ કરવાનો પણ હક છે તેથી ટેપ-ટુ-પેમાં કોને બ્લોક કરવા ને કોના ના કરવા એ પોતે જ નક્કી કરી શકે. કઈ એપને એપલ સ્ટોરમાં એન્ટ્રી આપવી કે ના આપવી એ નક્કી કરવાનો અધિકાર પણ એપલને છે. 

એપલ અને અમેરિકાની સરકારની દલીલોના આધારે ફેડરલ કોર્ટ શું નિર્ણય લેશે તેના પર સૌની નજર છે. એપલને દોષિત ઠેરવાય તો બહુ મોટો ફટકો પડે. એપલને અબજોના દંડથી પણ ફરક પડતો નથી પણ તેણે પોતાની પ્રોડક્ટમાં ફેરફાર કરવો પડે. તેના કારણે આઈફોન પણ બીજા ફોન જેવો જ થઈ જાય તેથી ભવિષ્યમાં તેની આવકને પણ ફટકો પડે.

અત્યારે ઉત્તર અમેરિકામાં દર વર્ષે વેચાતા સ્માર્ટફોનમાંથી ૭૨ ટકા ફોન આઈફોન હોય છે. ૨૫ ટકા સેમસંગના અને બાકીના ૩ ટકામાં બીજી કંપનીઓ આવી ગઈ. યુ.એસ. કેનેડા, મેક્સિકો, સેન્ટ્રલ અમેરિકાના ૭ દેશ, કેરેબિયન ટાપુ વગેરે ઉત્તર અમેરિકામાં આવે છે. આ માર્કેટમાંથી ધીરે ધીરે બીજા સ્માર્ટફોન ગાયબ થઈ રહ્યા છે પણ આઈફોન બદલાય તો લોકો પછી આઈફોનને જ પસંદ ના કરે.

બીજું એ કે, કેમ કે અમેરિકાની કોર્ટના નિર્ણયની બીજા દેશોમાં પણ અસર પડશે. યુરોપીયન યુનિયનમાં તો એપલ પર તવાઈ છે જ. યુરોપિયન યુનિયન કોર્ટે તો ક્રોસ પ્લેટફોર્મ ગેમ ફોર્ટનાઈટને એપલ સ્ટોરમાં નહીં લેવા બદલ એપલને ૧૮૦ કરોડ યુરોનો દંડ પણ ફટકાર્યો છે. એપલ સ્ટોરમાં લેવાતી એપ્સ પાસેથી ૩૦ ટકા ફી વસૂલાય છે તેની સામે સોંગ્સ અને મ્યુઝિક એપ સ્પોટિફાય પણ કોર્ટમાં ગઈ છે. 

એપલની તરફેણમાં એક મહત્વનો મુદ્દો છે એ છે કે, અમેરિકામાં એન્ટિટ્રસ્ટ લો હેઠળ છેલ્લે કોઈ કંપનીને દોષિત ઠેરવાઈ હોય એવું ૨૦૦૧માં બનેલું. માઈક્રોસોફ્ટે વિન્ડોઝની સાથે તેનું ઈન્ટરનેટ એક્સપ્લોરર જ વાપરવું પડે એ પ્રકારનું સોફ્ટવેર બનાવ્યું તેમાં દંડ થયેલો. એપલે એવું કશું કર્યું નથી તેથી એ બચી શકે.

એપલમાં 1980માં રોકેલા 10 હજાર 1.71 કરોડ ડોલર થઈ ગયા

અમેરિકામાં એપલ સામે કેસ થયો તેના કારણે એપલના શેરના ભાવમાં કડાકો બોલી ગયો. ૨૧ માર્ચ, ૨૦૨૪ના રોજ એપલના શેરનો ભાવ ૧૭૧ ડોલરની આસપાસ હતો. ૨૦૨૩ના ડીસેમ્બરમાં એપલ શેર ૧૯૮ ડોલર પર હતો એ જોતાં ત્રણ મહિનામાં લગભગ ૧૩ ટકા તૂટયો છે. જો કે એપલનો સ્માર્ટફોન માર્કેટમાં શેર અને શેરનો ઈતિહાસ જોતાં શેર એક હદથી વધારે નહીં તૂટે અને રોકાણકારોએ રડવું નહીં પડે એવું બજારના નિષ્ણાતો માને છે. 

એપલના શેરમાં રોકણકારો ધૂમ કમાયા છે. એપલનો આઈપીઓ ૧૨ ડીસેમ્બર, ૧૯૮૦ના દિવસે આવેલો. એપલના આઈપીઓમાં એ વખતે રોકેલા ૧૦ હજાર ડોલર અત્યારે ૧.૭૧ કરોડ ડોલર થઈ ગયા છે. મતલબ કે, ૧.૭૧ લાખ ટકા વળતર મળ્યું છે. અત્યારે ભાવ તૂટયો તેથી વેલ્યુ ઘટી, બાકી ત્રણ-ચાર મહિના પહેલાં ૨ કરોડ ડોલર હતા. ૧૯૮૦ પછી રોકાણકારોને સૌથી વધારે કમાણી કરાવનારી વોરન બફેટની બર્કશાયર હેથવે નંબર વન છે પણ બફેટની કંપનીનો આઈપીઓ ૧૯૬૫માં આવેલો તેથી એપલને સૌથી વધારે કમાણી કરાવનારી કંપની ગણાવાય છે. ૩ ટ્રિલિયન ડોલર કરતાં વધારે માર્કેટ કેપ સાથે એપલ વરસો સુધી દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની રહી છે. નજીકના ભૂતકાળમાં પડેલા કેટલાક ફટકાના કારણે શેરનો ભાવ ઘટતાં માઈક્રોસોફ્ટ એપલને પછાડીને આગળ નિકળી ગઈ છે.

ગુગલ, મેટા, એપલ પર યુરોપીયન યુનિયનમાં તવાઈ

એપલ સહિતની ટેક કંપનીઓ લાંબા સમયથી અમેરિકા અને યુરોપીયન યુનિયનના રડાર પર છે. આ પૈકી યુરોપીયન યુનિયન વધારે આક્રમક છે અને રાક્ષસી તાકાત ધરાવતી ટેક કંપનીઓને નાથવા ડિજિટલ માર્કેટ એક્ટ સહિતના આકરા કાયદા બનાવ્યા છે. યુરોપીયન યુનિયન એન્ટિટ્રસ્ટ ચીફ માર્ગારેટ વેસ્ટાગેર ટેક જાયન્ટ્સ આ કાયદાઓનો ભંગ ના કરે તો કોઈ દયા બતાવ્યા વિના આકરો દંડ ફટકારી દે છે. યુરોપીયન યુનિયને હમણાં જ એપલને ૧૮૦ કરોડ પાઉન્ડનો જંગી દંડ ફટકાર્યો હતો. 

હવે યુરોપીયન યુનિયન એપલ ઉપરાંત ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ સહિતનાં પ્લેટફોર્મની માલિક કંપની મેટા તથા ગુગલ સામે  ડિજિટલ માર્કેટ એક્ટના ભંગની ફરિયાદોના કેસમાં તપાસ કરવાનું છે. આ ત્રણેય કંપનીઓ પોતાની કેટલીક સેવાઓ માટે ફી લાદીને યુઝર્સને ડિજિટલ માર્કેટ એક્ટના ફાયદાનો લાભ નથી લેવા દેતી એવી ફરિયાદ છે.

નવેમ્બરમાં પોતાની મુદત પૂરી થાય એ પહેલાં માર્ગારેટ ત્રણેય કંપનીઓ સામેની તપાસ પૂરી કરી દેવા માગે છે. તપાસમાં ત્રણેય કંપનીઓ દોષિત ઠરશે જ તેથી ત્રણેય કંપનીએ તેમના વાર્ષિક ટર્નઓવરના ૧૦ ટકા દંડ ભરવા તૈયારી રાખવી પડશે.

Gujarat