- હજારોની સંખ્યામાં ખરાબ સેટેલાઈટ્સ, રોકેટ્સના ટુકડા, નાના-મોટા પદાર્થો પૃથ્વીની નિચલી ભ્રમણકક્ષામાં તરીને જોખમ ઊભું કરી રહ્યા છે
- અવકાશી કચરો એકબીજા સાથે અથડાઈને પણ વધુ નાના ટુકડામાં પરિવર્તિત થઈ રહ્યો છે તેના કારણે આ કચરાની સંખ્યા અને પ્રમાણ સતત વધી રહ્યું છે. જો સ્થિતિનો ઝડપી અને સચોટ ઉકેલ નહીં આવે તો ભવિષ્યના અવકાશી અભિયાનો માટે મોટી સમસ્યા ઊભી થશે : અવકાશ એક એવી જગ્યા છે જ્યાં નાનકડો કણ જેવો ટુકડો પણ માણસ માટે જીવલેણ સાબિત થાય તેમ છે. આ સંજોગોમાં અવકાશયાત્રીઓ સૌથી મોટા જોખમ વચ્ચે ત્યાં અવકાશી અભિયાનો કરી રહ્યા છે. અંદાજે અત્યંત ઝડપે ગોળ ગોળ ફરતો આ અવકાશી કચરો માણસો જ નહીં સ્પેસ સ્ટેશન માટે પણ જોખમી છે : દુનિયાનું સૌથી શક્તિશાળી અને અત્યંત ઉપયોગી એવું હબલ ટેલિસ્કોપ પણ જોખમમાં છે. અવકાશમાં વધી રહેલી સેટેલાઈટ્સની સંખ્યા અને તેમના નીચે પડવાની શક્યતા વધી રહી છે. આ સંજોગોમાં આગામી સમયમાં ભારત સમાનવ ચંદ્રયાન મોકલવા માગે છે તે ઉપરાંત અમેરિકા, રશિયા અને ચીન પણ સમાનવ અભિયાનો હાથ ધરવા માગે છે ત્યારે આ જોખમોને અવગણી શકાય નહીં
દુનિયાભરના દેશો દ્વારા હાલમાં મોટાપાયે અવકાશી અભિયાનો હાથ ધરવામાં આવેલા છે. એક સમય હતો જ્યારે સ્પેસ સેક્ટર ગણતરીના દેશોનો ઈજારો ગણાતો હતો પણ હાલમાં ઘણા દેશો પોતાની રીતે પોતાના સેટેલાઈટ્સ અવકાશમાં મોકલવા ઉપરાંત અવકાશી સંસોધન કરી રહ્યા છે. તેમાંય સ્પેસ સેક્ટરમાં દુનિયાભરમાં ખાનગી કંપનીઓ ઉતરી આવ્યા બાદ આ સેક્ટર ખૂબ જ વેગવંતું બની ગયું છે. આજે હવામાનની જાણકારી આપનારા ગ્રહો ઉપરાંત, ઈન્ટરનેટ સેવાઓ, ટેલિ કોમ્યુનિકેશન, સૈન્ય મદદ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા સેક્ટરમાં માહિતી અને મદદ આપતા સેટેલાઈટ્સ આજકાલ અવકાશમાં તરતા મુકવામાં આવેલા છે. તેની અસર એ જોવા મળી છે કે, આજે રોજિંદા જીવન ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા, ઈકોનોમી અને ગ્લોબલ જિયોપોલિટિક્સ મામલે સ્પેસ સેક્ટર ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે.
આ વિકાસની સાથે સાથે વિનાશનું પણ એક એવું વાતાવરણ સર્જાયું છે જેના ઉપર હાલ સંશોધકો ધ્યાન આપતા નથી અથવા તો તેની અવગણના કર્યા કરે છે. હકિકતે અવકાશમાં સ્પેસ ડેબ્રિસ એટલે કે અવકાશી કચરાનું સામ્રાજ્ય પણ વધી રહ્યું છે. નકામા સેટેલાઈટ્સ, તેના ટુકડા, જૂના રેકોટના ટૂકડા, અવકાશયાત્રીઓ દ્વારા છોડવામાં આવેલો કચરો અવકાશમાં ફરી રહ્યો છે. તેના કારણે હવે અવકાશી અભિયાનો ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું છે. એક તરફ મંગળ, ચંદ્ર અને અન્ય ગ્રહો ઉપર માણસો મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પૃથ્વીની નજીકના જ અવકાશમાં અને તેના ઉપરના વાતાવરણમાં જોખમી કચરો ફરી રહ્યો છે તેના નિકાલ અને ઉકેલ માટે વિચાર કરવામાં નહીં આવે તો જોખમ વધી જશે.
જાણકારોના મતે છેલ્લાં ૬૦થી વધુ વર્ષો દરમિયાન દુનિયાભરના દેશો દ્વારા અનેક અવકાશી અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. તેમાંય છેલ્લાં એક દાયકામાં તેમાં તોતિંગ વધારો થયો છે. હજારો ઉપગ્રહો, લાખો પ્રયોગો, પ્રક્ષેપણ અને અગણિત પ્રયોગો અવકાશ ક્ષેત્રે કરવામાં આવી રહ્યા છે. તેની અસર એવી થઈ છે કે, હવે અવકાશમાં વ્યાપક પ્રમાણમાં કચરો ભેગો થવા લાગ્યો છે. સ્થિતિ એવી થઈ છે કે, પૃથ્વીની ઉપરના વાતાવરણાં આ ટુકડા, સુક્ષ્મ કણો અને મોટી વસ્તુઓ અને નકામા સેટેલાઈટ્સ હવે નડતરૂપ બની રહ્યા છે. આ ભંગારની સંખ્યા સૌથી મોટી સમસ્યા છે. અવકાશી કચરો એકબીજા સાથે અથડાઈને પણ વધુ નાના ટુકડામાં પરિવર્તિત થઈ રહ્યો છે તેના કારણે આ કચરાની સંખ્યા અને પ્રમાણ સતત વધી રહ્યું છે. જાણકારો માને છે કે, જો સ્થિતિનો ઝડપી અન સચોટ ઉકેલ નહીં આવે તો ભવિષ્યના અવકાશી અભિયાનો માટે મોટી સમસ્યા ઊભી થશે. ખાસ કરીને માનવયુક્ત મિશન દરમિયાન ગંભીર અકસ્માત સર્જાશે તો મોટી જાનહાની થશે.
મહત્ત્વની વાત એ છે કે, આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન કે જે હાલમાં ઘણા અવકાશી પ્રયોગો માટે માનવજાત માટે ખૂબ જ મહત્ત્વનું સ્ટેશન છે તે પણ જોખમાઈ રહ્યું છે. હાલમાં તે પૃથ્વીથી ૪૦૦ કિ.મી ઉંચાઈ ઉપર આવેલું છે. અહીંયા જ સૌથી વધારે કચરો અવકાશમાં ફરી રહ્યો છે. અવકાશ એક એવી જગ્યા છે જ્યાં નાનકડો કણ જેવો ટુકડો પણ માણસ માટે જીવલેણ સાબિત થાય તેમ છે. આ સંજોગોમાં અવકાશયાત્રીઓ સૌથી મોટા જોખમ વચ્ચે ત્યાં અવકાશી અભિયાનો કરી રહ્યા છે. અંદાજે અત્યંત ઝડપે ગોળ ગોળ ફરતો આ અવકાશી કચરો માણસો જ નહીં સ્પેસ સ્ટેશન માટે પણ જોખમી છે.
હકિકત એવી છે કે, અવકાશમાં જે કચરો ફરી રહ્યો છે તેમાંથી મોટાભાગના કચરા ઉપર વોચ રાખવામાં આવેલી હોવાના અહેવાલો છે. શક્તિશાળી દૂરબીનો અને એડવાન્સ રડાર દ્વારા તેમની ઝડપ અને તેમના આવવા અથવા તો ટકરાવાની શક્યતાઓને જોઈ શકાય છે કે પામી શકાય છે. ચિંતાજનક બાબત એ છે કે, મોટા ટુકડાઓ આ દૂરબિન કે સેન્સર દ્વારા જોઈ શકાય છે પણ નાના અને ઝીણા ટુકડાઓ જે દેખાતા નથી તે વધારે નુકસાન કરી શકે તેમ છે. તેનો સીધો અર્થ થાય છે કે, અવકાશી યાત્રાઓ સંપૂર્ણ સુરક્ષાની માહિતી સાથે થતી નથી. તેમાં ક્યાંક ને ક્યાંક ખામી રહેલી હોય છે. ટેક્નોલોજી એવી રીતે વિકસિત થઈ છે કે, આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની સમાંતર રીતે કોઈ અવકાશી કચરો આવી જાય તો તે સમયે સ્પેસ સ્ટેશનની ગતિ અને કક્ષાને બદલી શકાય છે. આ કામગીરી લાંબો સમય ચાલે તેમ દેખાતું નથી. ક્યારેક જો નાના મોટા ટુકડાનો સમુહ આ રીતે આવી જશે તો મુશ્કેલી સર્જાશે.
સ્પેસ સ્ટેશનની સુરક્ષા માટે વારંવાર તેની કક્ષા બદલવાની જે કામગીરી કરવામાં આવે છે તેને સુરક્ષા ઉપાય તરીકે સ્વીકારી લેવાયું છે પણ તે જોખમી અને અત્યંત ખર્ચાળ છે. સ્પેસ સ્ટેશન અવકાશમાં ગતિ કરે છે તેને ચલાવવા માટે ઈંધણની જરૂર પડે છે. માત્ર સોલાર એનર્જીથી આટલું મોટું સ્પેસ સ્ટેશન ચાલી શકે તેમ નથી. જે સમયે સ્પેસ ડેબ્રિસના ભયથી તેની કક્ષામાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે ઈંધણ વધારે વપરાય છે. તેને બીજો સપ્લાય ન આવે ત્યાં સુધી ચલાવવાનું હોય છે. તે ઉપરાંત આ કામગીરી દરમિયાન અવકાશી પ્રયોગો અને સ્પેસ સ્ટેશનની અંદર ચાલતા પ્રયોગો પણ બંધ કરી દેવા પડે છે. જો વારંવાર સ્પેસ સ્ટેશનની કક્ષા બદલવામાં આવે તો તેમાં ઈંધણનો વ્યાપક વ્યય થશે જે આગામી સમયમાં વધારે ખર્ચાળ સાબિત થશે.
બીજી મહત્ત્વની વાત એ છે કે, જે તે સમયે જ્યારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની રચના કરવામાં આવી હતી ત્યારે તેની પાછળ ઘણા ઉપયોગલક્ષી વિચારો કારણભૂત હતા. તેમાં સૌથી મોટો વિચાર હતો કે શક્ય એટલા લાંબા સમય સુધી આ સ્પેસ સ્ટેશનનો ઉપયોગ કરવો. જાણકારોના મતે આ સ્પેસ સ્ટેશનમાં ઘણી સમસ્યા પહેલેથી જ સર્જાયેલી છે. તેનો ઉપયોગ હવે લાંબા ભવિષ્ય સુધી થાય તેવું લાગતું નથી. તેમાં ઘણું સમારકામ કરતા રહેવું પડે છે. બીજી તરફ સ્પેસ ડેબ્રિસથી બચાવવા માટે વારંવાર સ્પેસ સ્ટેશનની કક્ષામાં પરિવર્તન કરવામાં આવે છે તેની અસર પણ સ્પેસ સ્ટેશન ઉપર પડી રહી છે. કહેવાય છે કે, વારંવાર કક્ષા પરિવર્તન થવાના કારણે અવકાશી કચરાથી તો કદાચ બચી જવાશે પણ સ્પેસ સ્ટેશનના સાધનોને, તેની ઉપર લગાવવામાં આવલા સાધનોને નુકસાન થવાની પૂરતી શક્યતાઓ છે. આ ઉપરાંત નાના ટૂકડા અને કચરાને રોકવા માટે સ્પેસ સ્ટેશન ઉપર વ્યવસ્થા કરવામાં આવી હોવાના દાવા કરાયા છે પણ તે કેટલો સમય અને કેટલી મર્યાદામાં સાથ આપશે તેના વિશે કોઈ નક્કર દાવો કરી શકાય તેમ નથી.
બીજી તરફ જો મોટા ટુકડા અને વધુ જોખમો પદાર્થો વ્યાપક જથ્થામાં કે વધુ પડતી ઝડપે આવી ગયા તો તેને પણ કાબુ કરવા અથવા તો નાથવા જોખમ વધારી દેશે. આ સંજોગોમાં સ્પેસ સ્ટેશનની એકાએક કક્ષા બદલવી મુશ્કેલ થશે અને તેના કારણે અકસ્માત થવાની કે ગંભીર સ્થિતિ સર્જાવાની શક્યતા રહેલી છે. અવકાશયાત્રીઓને ગંભીર સ્થિતિ માટે જ તૈયાર કરવામાં આવે છે છતાં ઘણી વખત અજાણતા કે કોઈ એવા સમયે અકસ્માત થયો તો અવકાશયાત્રીઓને જીવનું જોખમ પણ થઈ શકે છે. તેમાંય ભારત દ્વારા તાજેતરમાં જે અવકાશી અભિયાન હાથ ધરાયું હતું તે નિષ્ફળ ગયું હતું. ઈસરો પોતાની સફર પૂરી કરી શક્યું નહોતું. આગામી સમયમાં ભારત સમાનવ ચંદ્રયાન મોકલવા માગે છે તે ઉપરાંત અમેરિકા, રશિયા અને ચીન પણ સમાનવ અભિયાનો હાથ ધરવા માગે છે ત્યારે આ જોખમોને અવગણી શકાય નહીં.
ખાનગી કંપનીઓના સેટેલાઈટ હબલ ટેલિસ્કોપ માટે સમસ્યા ઊભી કરી રહ્યા છે
દુનિયાનું સૌથી શક્તિશાળી અને અત્યંત ઉપયોગી એવું હબલ ટેલિસ્કોપ પણ જોખમમાં છે. અવકાશમાં વધી રહેલી સેટેલાઈટ્સની સંખ્યા અને તેમના નીચે પડવાની શક્યતા વધી રહી છે.
સ્પેસ એક્સ અને અન્ય ખાનગી કંપનીઓ દ્વારા અવકાશમાં મોટાપાયે સેટેલાઈટ છોડવામાં આવ્યા છે. તેના કારણે હબલ ટેલિસ્કોપને કામ કરવામાં મોટી સમસ્યા આવી રહી છે અને તસવીરો પણ બ્લર ખેંચાઈ રહી છે. પૃથ્વી ઉપર પણ બેઝ કેમ્પને નુકસાન થશે અને પ્રોજેક્ટ પણ ખોરંભે ચડી જશે. તેની પાસેથી પસાર શતાં સેટેલાઈટને પણ જોખમ રહે છે. જાણકારો તો એવું માને છે કે, માત્ર હબલ ટેલિસ્કોપ જ નહીં પણ અવકાશમાં ફરતા અન્ય ટેલિસ્કોપને પણ નુકસાન થઈ શકે છે. તેમની કામગીરી અવરોધાઈ શકે છે.
આ ખાનગી સેટેલાઈટની સંખ્યા વધવાના કારણે દિવસે ને દિવસે સ્થિતિ ખરાબ થઈ રહી છે. કેટલાક જાણકારો તો માને છે કે, આપણે હવે આગામી સમયમાં આ સમસ્યા સાથે જ જીવવું પડશે અને તેનો કોઈ ઉકેલ આવશે નહીં.
જાણકારો સ્પષ્ટ પણે માને છે કે, આ સેટેલાઈટના કારણે ઘણા ટેલિસ્કોપનું કામ ખરોવાયું છે અને તેમને નિરિક્ષણમાં તકલીફ થઈ છે. હબલ ટેલિસ્કોપના કામમાં પણ અનેક વખત ડખા થયા છે. હબલ ટેલિસ્કોપ ૧૯૯૦માં પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. તે વધારેમાં વધારે કામ કરી શકે છે.
અવકાશમાં ચાલી રહેલી નેચરલ એકટિવિટી, બ્લેક હોલની સ્થિતિ, તારાઓનું નિર્માણ જેવી ઘણી બાબતે સમસ્યા સર્જાઈ રહી છે. અને આગળ પણ સર્જાઈ શકે છે. ખાસ કરીને બ્રહ્માંની ઉંમર વિશે આ ટેલિસ્કોપ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હલબ ટેલિસ્કોપ હાલમાં પૃથ્વીની સપાટીથી ૩૩૫ માઈલ ઉપર પૃથ્વીની નીચલી કક્ષામાં સ્થાપિત કરાયો છે.
તે સ્ટારલિંક અને અન્ય ખાનગી સેટેલાઈટથી માત્ર ૧૦ માઈલ જ નીચે હબલ ટેલિસ્કોપ આવેલું છે.
આ સંજોગોમાં કેટલાક જાણકારો તેને ઉપર લઈ જવાની જ સુચના આપે છે અને સમર્થન પણ આપે છે. જાણકારો એવું પણ માને છે કે, આગામી વર્ષોમાં આપણે આવું કરવું પણ પડશે અને સ્થિતિ કાબુ કરવી પડશે. તે અશક્ય નથી પણ મુશ્કેલ જરૂર છે.


