- ટ્રમ્પના બીજા કાર્યકાળમાં અણઘડ નીતિઓ સામે ન્યાયતંત્ર લાલઘુમ, દર બીજા દિવસે સરકારી નિર્ણયો સામે પ્રતિબંધના ચુકાદા અપાયા
- ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારથી એક વર્ષ દરમિયાન તેમના 150 ચુકાદા સુપ્રીમ કોર્ટે અટકાવી દીધા છે. જાણકારોના મતે તેનો સીધો અર્થ એવો થાય છે કે, અમેરિકી અદાલતે સરેરાશ દર બીજા દિવસે ટ્રમ્પના ચુકાદાને રદ કર્યા છે અથવા તો તેની ઉપર પ્રતિબંધ મુકી દીધો છે : અમેરિકી કોર્ટ દ્વારા ટ્રમ્પના વિવિધ અન્ય નિર્ણયોને પણ અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. જન્મજાત નાગરિકતા, ઈલેક્શન રિફોર્મ, ફેડરલ ફંડ, ટ્રાન્સજેન્ડર્સ, કાયદા અને ન્યાયતંત્ર સાથે સંકળાયેલી એજન્સીઓને નિશાન બનાવવાના નિર્ણયો મુદ્દે કોર્ટે પ્રતિબંધ મુકેલા છે. તે ઉપરાંત નેશનલ ગાર્ડ્સનું ફેડરલાઈઝેશન કરવાનો પણ સમાવેશ થાય છે ઃ અમેરિકી ન્યાયતંત્રનો સ્પષ્ટ સંકેત છે કે, રાષ્ટ્રપ્રમુખ પાસે અસીમિત શક્તિઓ નથી. તેઓ કાયદો અને બંધારણથી બંધાયેલા છે. તેમણે બંધારણના માળખાને આધિન રહીને અમેરિકી કોંગ્રેસની કામગીરીના માળખામાં આવીને કાયદાકીય રીતે કામ કરવું પડશે. સરકારી તંત્ર દ્વારા જો મર્યાદા છોડવામાં આવશે તો ન્યાયતંત્ર દ્વારા લગામ કસવામાં આવશે
દુનિયાભરના દેશો સાથે સતત ટેરિફ મુદ્દે સંઘર્ષ કરી રહેલા અને વૈશ્વિક અર્થતંત્રને ડામાડોળ કરવા મથી રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાની જ સુપ્રીમ કોર્ટે મોટા ઝાટકા આપ્યા છે. તાજેતરમાં જ તુંડ મિજાજી ટ્રમ્પ દ્વારા વિશ્વભરમાં લાગુ કરાયેલા વિવિધ ટેરિફ દરો ઉપર અમેરિકી સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુકી દીધો છે. ટ્રમ્પ પોતાના બીજા કાર્યકાળમાં અદાલતોનું પણ માન જાળવતા નથી. તેઓ સુપ્રીમના જજને ચમચા અને પાગલ ગણાવી રહ્યા છે. તેમણે બેશરમરીતે અદાલતા હુકમનું અપમાન કરીને દુનિયાભરના વ્યાપારિક સંબંધ ધરાવતા દેશો ઉપર ૧૦ ટકાનો નવો ટેરિફ જાહેર કરી દીધો છે. ટ્રમ્પે કરેલી જાહેરાતો સ્પષ્ટ કરે છે કે, અમેરિકામાં રાજતંત્ર અને ન્યાયતંત્ર વચ્ચે એક મોટો જંગ ખેલાઈ રહ્યો છે. તેનું એકમાત્ર કારણ છે, ટ્રમ્પના અવિચારી નિર્ણયો.
ઉલ્લેખનીય છે કે, અમેરિકી મીડિયા અહેવાલો જ જણાવે છે કે, ગત જાન્યુઆરીમાં ટ્રમ્પે સત્તા હાથમાં લીધી ત્યારથી આ વર્ષની શરૂઆતમાં એટલે કે ફેબુ્રઆરીના મધ્ય સુધીમાં ટ્રમ્પના તંત્રને દેશના ન્યાયતંત્ર દ્વારા વિવિધ તબક્કે ઝાટકા આપવામાં આવ્યા છે. અહેવાલો જણાવે છે કે, અત્યાર સુધીમાં ન્યાયતંત્ર દ્વારા ટ્રમ્પના ૧૪૯ નિર્ણયો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અથવા તો તેને રદ કરવામાં આવ્યા છે. તેમાંય તાજેતરમાં સુપ્રીમે ટ્રમ્પ વિરુદ્ધ ૧૫૦મો જે ચુકાદો આપ્યો તેની વૈશ્વિક અસર જોવા મળી છે. તેનો સીધો અર્થ એ છે કે, ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારથી એક વર્ષ દરમિયાન તેમના ૧૫૦ ચુકાદા સુપ્રીમ કોર્ટે અટકાવી દીધા છે. જાણકારોના મતે તેનો સીધો અર્થ એવો થાય છે કે, અમેરિકી અદાલતે સરેરાશ દર બીજા દિવસે ટ્રમ્પના ચુકાદાને રદ કર્યા છે અથવા તો તેની ઉપર પ્રતિબંધ મુકી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકી સુપ્રીમ કોર્ટે ૨૦ ફેબુ્રઆરીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાના ચુકાદાને રદ કરી દીધો હતો. અમેરિકી કોર્ટ દ્વારા ૬-૩ની સરેરાશ સાથે ઈન્ટરનેશનલ ઈમર્જન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ હેઠળ લગાવવામાં આવેલા ગ્લોબલ ટેરિફને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યા હતા. અદાલતે સ્પષ્ટ જણાવ્યું કે, કોઈપણ દેશ સાથે ટ્રેડ ડીલ દરમિયાન આટલા મોટા પ્રમાણમાં ટેક્સ લગાવવાનો અધિકાર રાષ્ટ્ર પ્રમુખ પાસે ન હોઈ શકે. અમેરિકી કોંગ્રેસ પાસે જ આ અધિકાર છે. અમેરિકી કોંગ્રેસમાં આવા નિર્ણયો બહુમતીથી પસાર થાય ત્યારબાદ જ પ્રમુખ દ્વારા તેની જાહેરાત કરી શકાય અથવા તો તેને લાગુ કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે જ્યારે ટેરિફ જાહેર કર્યો ત્યારે નીચલી અદાલતે તેને ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવ્યા હતા. તે વખતે પણ ટ્રમ્પ અદાલતનો નિર્ણય માન્યા નહોતો. હવે સુપ્રીમ દ્વારા પણ બહુમત સાથે ટ્રમ્પના નિર્ણયોને ગેરબંધારણીય જાહેર કરીને તેના ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
મહત્ત્વની વાત એ છે કે, ટ્રમ્પ દ્વારા દુનિયાભરના દેશો ઉપર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવામાં આવ્યો હતો. તે સમયે ચીન ઉપર ૩૪ ટકા ટેરિફ જ્યારે બાકીના દેશો ઉપર ૧૦ ટકાનો બેઝલાઈન ટેરિફ જારી કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત કેનેડા, મેક્સિકો અને ચીનના કેટલાક સામાન ઉપર ૨૫ ટકા વધારાનો ટેરિફ લાગુ કરવામાં આવ્યો હતો. ફેન્ટાનિલ પ્રોહિબિશનના નામે આ વધારાનો ટેરિફ લાગુ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા તેમાંથી મોટાભાગના ટેક્સને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યા છે. સ્ટિલ, એલ્યુમિનિયમ જેવા કેટલાક સેક્ટરમાં ટેરિફ યથાવત્ રાખ્યા છે. તેમ છતા ટ્રમ્પે ૧૦ ટકા ટેરિફની ફરીથી જાહેરાત કરી દીધી છે. અમેરિકી પ્રમુખ શાંત બેસે તેમ પણ નથી. જાણકારોના મતે અમેરિકી અદાલતો દ્વારા અપાયેલા રાહતને ઝડપથી દૂર કરવા માટે ટ્રમ્પ આકાશ-પાતાળ એક કરી રહ્યા છે. ૧૯૭૪ની કલમ ૧૨૨ હેઠળ તેમણે ૧૦ ટકા ટેરીફ જારી કરી દીધો છે.
આ ટેરિફ પણ ૧૫૦ દિવસ જ લાગુ રહી શકે છે. તે પહેલાં તેને કોંગ્રેસમાં પાસ કરવો જરૂરી છે. અમેરિકી કોંગ્રેસ ઈચ્છે તો જ આગળ આ ટેરિફદર લાગુ રહી શકે છે. બીજી તરફ ટ્રમ્પે કહી દીધું છે કે, કલમ ૩૦૧ હેઠળ તપાસ કરવામાં આવી રહી છે અને તેના આધારે વધારાના ટેરિફ લાગુ કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ ટેરિફના તોફાન ઉપર પ્રતિબંધ મુકતા પહેલાં અમેરિકી કોર્ટ દ્વારા ટ્રમ્પના વિવિધ અન્ય નિર્ણયોને પણ અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. જન્મજાત નાગરિકતા, ઈલેક્શન રિફોર્મ, ફેડરલ ફંડ, ટ્રાન્સજેન્ડર્સ, કાયદા અને ન્યાયતંત્ર સાથે સંકળાયેલી એજન્સીઓને નિશાન બનાવવાના નિર્ણયો મુદ્દે કોર્ટે પ્રતિબંધ મુકેલા છે. તે ઉપરાંત નેશનલ ગાર્ડ્સનું ફેડરલાઈઝેશન કરવાનો પણ સમાવેશ થાય છે.
આ તમામ મુદ્દે અમેરિકી ન્યાયતંત્રનો સ્પષ્ટ સંકેત છે કે, રાષ્ટ્રપ્રમુખ પાસે અસીમિત શક્તિઓ નથી. તેઓ કાયદો અને બંધારણથી બંધાયેલા છે. તેમણે બંધારણના માળખાને આધિન રહીને અમેરિકી કોંગ્રેસની કામગીરીના માળખામાં આવીને કાયયાકીય રીતે કામ કરવું પડશે. અમેરિકી અદાલતોનો સ્પષ્ટ સંકેત છે કે, સરકારી તંત્ર દ્વારા જો મર્યાદા છોડવામાં આવશે તો ન્યાયતંત્ર દ્વારા લગામ કસવામાં આવશે. અમેરિકાના સરકારી તંત્ર અને ન્યાયતંત્ર વચ્ચેના શક્તિ સંતુલનની આ અમેરિકી બંધારણની ખાસિયત છે.
અમેરિકી ન્યાયંત્ર દ્વારા ટ્રમ્પની તુમાખી ઉપર પ્રતિબંધ લગાવ્યાના ઘણા ઉદાહરણો છે. તેમાંથી કેટલાક મોટા અને મહત્ત્વના છે. જન્મસિદ્ધ નાગરિકતાનો વિવાદ તેમાંનો એક છે. તેના વિશે ટ્રમ્પે લીધેલા નિર્ણયોને કોર્ટે અટકાવી દીધા છે. એક્ઝિક્યુટિવ ઓર્ડર ૧૪૧૬૦ કે જેનો આશય અમેરિકામાં જ જન્મ લેનારા કેટલાક બાળકોને દેશની નાગરિકતાથી વંચિત રાખવાનો હતો.
નીચલી ફેડરલ કોર્ટ દ્વારા તેના ઉપર તરત જ રોક લગાવી દેવામાં આવી હતી. તેના વિશે અન્ય અદાલતોમાં કાયદાકીય લડાઈ ચાલી રહી છે પણ આ વિષય અત્યંત સંવેદનશીલ છે અને તેના ઉપર કાયદાકિય લડાઈ ચાલે તેમ છે.
આ ઉપરાંત બીજો મહત્ત્વનો ચુકાદો વોટિંગ સાથે જોડાયેલા કાર્યકારી આદેશ ઉપર સ્ટે મુકવાનો હતો. માર્ચ ૨૦૨૫માં ટ્રમ્પ દ્વારા આ મુદ્દે કાર્યકારી આદેશ જારી કરવામાં આવ્યા હતા. તેની સામે ઓક્ટોબર ૨૦૨૫ અને ત્યારબાદ જાન્યુઆરી ૨૦૨૬માં ફેડરલ કોર્ટે દ્વારા તેના ઉપર સ્ટે મુકી દેવામાં આવ્યો છે. તેમાં મતદારોને પોતાના નાગરિકતા સિદ્ધ કરવા માટે પાસપોર્ટ અથવા તો નાગરિકતાના અન્ય દસ્તાવેજો બતાવવાનું ફરજિયાત કરવાનો આદેશ અપાયો હતો. કોર્ટે જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ પાસે ચૂંટણી પ્રક્રિયાઓને એકતરફી બદલવાનો કોઈ અધિકાર નથી. આ સત્તા માત્ર કોંગ્રેસ અને રાજ્યો પાસે છે.
બીજી તરફ નિર્વાસન કામગીરી અને પગલાં ઉપર પણ કોર્ટે સ્ટે મુકી દીધો છે. એ.એ.આર.પી.વી ટ્રમ્પમાં સુપ્રીમ કોર્ટે તંત્રના એલિયન એનીમી એક્ટ ૧૭૯૮નો ઉપયોગ કરીને લોકોને અલ સાલ્વાડોરની અત્યંત સુરક્ષિત જેલમાં મોકલવાના નિર્ણયને અટકાવી દીધો હતો. કોર્ટે જણાવ્યું કે, આ સમગ્ર કાયદાનો ઉપયોગ આ પ્રકારની કામગીરી માટે જરાય યોગ્ય નથી.
આ ઉપરાંત ટ્રમ્પ સરકાર દ્વારા કાર્યકારી આદેશ ૧૩૭૭૧ હેઠળ કોઈપણ કાર્યકારી વિભાગ અથવા એજન્સીને કોઈ નવો નિયમ જાહેર કરવાની સત્તા આપવાની તૈયારી કરવામાં આવી હતી જેમાં ઓછામાં ઓછા બેને રદ કરવાનો પ્રસ્તાવ આપવો જરૂરી હતો. આ નવા નિયમો હેઠળ કામગીરીનો ખર્ચ ઝીરો ડોલર અથવા તો તેને સમાંતર લાવવો જરૂરી હોવાનું જણાવાયું હતું. તે ઉપરાંત કાર્યકારી આદેશ ૧૩૯૮૮ કે જેમાં જાતીની ઓળખ અથવા તો જાતીની માહિતીના આધારે થતા ભેદભાવને અટકાવવો અથવા તેનો વિરોધ કરવો તેમ થતો હતો.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ અમેરિકી પ્રમુખ જો બાઈડેન દ્વારા ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ આ ચોથો કાર્યકારી આદેશ જારી કરાયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સત્તા સંભાળતાની સાથે જ કેટલાક જ કલાકોમાં રદ કરી દીધો હતો. આ મુદ્દે પણ કોર્ટ દ્વારા ટ્રમ્પ સરકારની વિરુદ્ધ ચુકાદા આપવામાં આવ્યા અને તેમની કામગીરીઓ અટકાવી દેવામાં આવી.
- કાયદાકિય સંસ્થાઓને પણ પાંગળી કરવાના તઘલખી નિર્ણયો અટકાવાયા
અમેરિકી ન્યાયતંત્ર દ્વારા ટ્રમ્પના કેટલાક તઘલખી નિર્ણયોને પણ અટકાવવામાં આવ્યા હતા. તેમાં નેશનલ ગાર્ડનું સંઘીયકરણ કરવાનો નિર્ણય પણ હતો.
ડિસેમ્બર ૨૦૨૫માં ટ્રમ્પ વિરુદ્ધ ઈલિનોઈસમાં સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. તેમાં સુપ્રીમમાં ૬-૩ સરેરાશે ચુકાદો આપવામાં આવ્યો કે, રાષ્ટ્રપ્રમુખ જરૂરી બંધારણીય શરતોની પૂર્તિ કર્યા વગર ઈલિનોઈસના નેશનલ ગાર્ડને સંઘીય નિયંત્રણમાં લઈ શકે નહીં. કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે, સંઘીયકરણ કરવા માટે જરૂરી કાયદાકીય માપદંડોનું પાલન કરવું જરૂરી છે. આ ઉપરાંત કાયદાકિય સંસ્થાઓની પણ તોડવાના અને દબાવવાના ટ્રમ્પના ચુકાદાને અટકાવી દેવાયો હતો. પર્કિન્સ કોઈ અને વિલ્મરહેલ જેવી વિશેષ કાયદાકીય સંસ્થાઓને દબાવવાના અને નિશાના બનાવવાના ટ્રમ્પના દેશને અદાલતોએ ગેરકાયદે જાહેર કર્યા હતા.
ટ્રમ્પ તંત્ર દ્વારા જારી કરાયેલા તમામ કાર્યકારી આદેશોને અયોગ્ય ગણાવી રદ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. કોર્ટોએ જણાવ્યું હતું કે, આવા નિર્ણયો લેવાથી કે આદેશો બંધારણ દ્વારા અપાયેલા વિશેષ અધિકારો અને નિષ્પક્ષ ન્યાય પ્રક્રિયાના સિદ્ધાંતોથી તદ્દન વિપરિત છે. આ સિવાય સૈન્યની હાજરી અને તેમને વિવિધ સ્થાને ડિપ્લોય કરવાના નિર્ણયોને પણ અટકાવાયા હતા. શિકાગો જેવા શહેરમાં નેશનલ ગાર્ડની તહેનાતીને સુપ્રીમ કોર્ટે અટકાવી હતી.
ડીઈઆઈ પ્રોગ્રામ અને ફંડિગ ઉપર પણ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ટીચર્સની ટ્રેનિંગ અને મેડિકલ રિસર્ચ માટે ગ્રાન્ટ, કોલંબિયા યુનિવર્સિટી સહિતની કેટલીક યુનિવર્સિટી તથા કાયદાકીય સંસ્થાઓ સામે દંડાત્મક પગલાં અને ફંડિંગ રોકવાના આદેશોને પણ સુપ્રીમે ફગાવી દીધા હતા.
વિદેશી મદદ અંગેનો પણ નિર્ણય કોર્ટે અટકાવ્યો હતો. જોકે, કેટલાક કિસ્સામાં કોર્ટે સરકારને રાહત પણ આપી હતી. તે સિવાય ૪ અબજ ડોલરની વિદેશી મદદ રોકવા મુદ્દે પણ કાયદાકીય વિવાદ ચાલી રહ્યો છે.


