- એક પેડ મા કે નામ યોજનાથી વૃક્ષો રોપવાની વાતો વચ્ચે આખે આખા જંગલો અને પર્વતો ઉદ્યોગપતિઓના નામે કરવાની યોજના
- અરવલ્લી પર્વતમાળાને દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંથી એક ગણવામાં આવે છે. તેની ઉંમર અંદાજે ૨.૫ અબજ વર્ષ હોવાનું કહેવાય છે. 800 કિ.મી લાંબી આ પર્વતમાળા ગુજરાતના પાલનપુરથી શરૂ કરીને રાજસ્થાનના સિરોહી, ઉદેપુર, રાજસમંદ, ભિલવાડા, અજમેર, ટોંક, જયપુર અને અલવર થઈને હરિયાણા તથા દિલ્હી સુધી જાય છે : પર્યાવરણ બચાવતા જાણકારોના મતે અંદાજે 40 ટકા જેટલો અરવલ્લી વિસ્તાર નાશ પામ્યો છે અથવા તો તેને ગંભીર નુકસાન થયું છે. કેન્દ્રીય સશક્ત સમિતીનો જ અહેવાલ જણાવે છે કે, માત્ર અલવર જિલ્લામાં જ 1968થી અત્યાર સુધીમાં 31 પર્વતો સમાપ્ત થઈ ગયા છે: રાજસ્થાનના 15 જિલ્લામાં 12,081 પર્વતો આવેલા છે જેની ઉંચાઈ 20 મીટર છે અથવા તો તેનાથી વધારે છે. તેમાં માત્ર 1048 પર્વતો એવા છે જેની ઉંચાઈ 100 મીટર કે તેનાથી વધારે છે. તેનો સીધો અર્થ એ થયો કે, 91 ટકા પર્વતો 100 મીટરની પરિભાષાથી ઓછી ઉંચાઈ ધરાવે છે જેનું નિકંદન નીકળી જાય તેમ છે.
અરવલ્લી પર્વતમાળાને બચાવવા માટે હાલમાં રાજસ્થાનમાં ધમસાણ ચાલી રહ્યું છે. લાખો લોકો સેવ અરવલ્લીના નામે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. અરવલ્લીની પર્વતમાળાઓની આસપાસ ભેગા થઈને આ પર્વતમાળા બચાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પડદા પાછળની કરતૂતો સામે પડયા છે. માત્ર કાયદાકિય પરિભાષાના આધારે હિમાલયથી પણ જૂની પર્વતમાળા ખનન માફીયાઓ અને સ્ટોન માફિયાઓને બારોબાર પધરાવીને ચાર રાજ્યોની પ્રજાની સાથે ધરાર છેતરપિંડી કરવાના આયોજન ચાલી રહ્યા છે. લાખો વર્ષોથી ઉત્તર ભારત અને મધ્ય ભારત માટે કુદરતી ઢાલ બનીને પર્યાવરણ, પાણી, પ્રકૃતિ, પ્રજાતીઓ અને માનવ સભ્યતાનું રક્ષણ કરનારી આ પર્વતમાળાને એકાએક તોડવાનો અને ખનન માટે ખુલ્લી મુકી દેવાનો તઘલખી નિર્ણય લેવાયો છે. માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા નવેમ્બર ૨૦૨૫માં આ પર્વતમાળા અંગે જે આદેશ અને નિર્દેશ અપાયા તેના આધારે કેન્દ્ર સરકારે મનફાવે તેવા અર્થઘટન કરીને ગેરકાયદે ખનન કરતા માફિયાઓને કાયદેસર પર્વતો આપી દેવાનો તખતો તૈયાર કરી લીધો હોય તેમ લાગી રહ્યું છે. તેના કારણે જ પ્રજા આ પર્વતમાળા બચાવવા રસ્તે ઉતરી છે અને સ્થિતિ ધીમે ધીમે ભારેલા અગ્નિ જેવી થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, અરવલ્લી પર્વતમાળાને દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંથી એક ગણવામાં આવે છે. તેની ઉંમર અંદાજે ૨.૫ અબજ વર્ષ હોવાનું કહેવાય છે. આ પર્વતમાળા ગુજરાતના પાલનપુરથી શરૂ કરીને રાજસ્થાનના સિરોહી, ઉદેપુર, રાજસમંદ, ભિલવાડા, અજમેર, ટોંક, જયપુર અને અલવર થઈને હરિયાણા તથા દિલ્હી સુધી જાય છે. અંદાજે ૮૦૦ કિલોમીટર ફેલાયેલી આ પર્વતમાળાનો અંદાજે ૫૫૦ કિ.મીનો વિસ્તાર રાજસ્થાનમાં આવે છે. માઉન્ટ આબુમાં આવેલું ગુરુ શિખર જેની ઉંચાઈ અંદાજે ૧૭૨૨ મીટર છે તે અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઉંચું શિખર ગણાય છે.
ઈતિહાસકારો જણાવે છે કે, અરવલ્લી પર્વતમાળા પહેલાં ગાઢ જંગલો, સમૃદ્ધ ઔષધિય છોડ અને વનસ્પતીઓ, વિવિધ વન્યજીવોથી ભરપૂર હતી. દીપડા, રિંછ, ઝરખ, સાંભ, નીલગાય અને અનેક પક્ષીઓની પ્રજાતીઓ આ જંગલમાં જોવા મળે છે. જાણકારોના મતે અરવલ્લી પર્વતમાળાઓમાં ૫૦ જેટલા સસ્તનવર્ગના પ્રાણીઓની પ્રજાતીઓ, ૩૦૦થી વધારે પક્ષીઓની પ્રજાતી અને ૭૦ જેટલી સરીસૃપોની પ્રજાતીઓ જોવા મળે છે. અરવલ્લીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે કુદરતી ઢાલ તરીકે કામ કરે છે. તે થારના રણને પૂર્વ તરફ આગળ વધવા દેતી નથી. આ એક કુદરતી દીવાલ છે લાખો ટન રેતીને અટકાવીને ઊભી છે. બીજી તરફ તેના પથ્થરો અને ખડકો વરસાદ દરમિયાન ભૂજળને રિચાર્જ કરે છે. તે ઉપરાંત બનાસ, લુની, સાબરમતી, સાહિબી, રૂપારેલ અને ખારી નદીઓ આ પર્વતમાળામાંથી નીકળે છે. ઉત્તર ભારતની જળ સુરક્ષા અને જળવાયુ સુરક્ષા માટે આ પર્વતમાળાને સૌથી સુરક્ષિત અને મહત્ત્વની ગણવામાં આવે છે.
ચિંતાજનક વાત એ છે કે, લેભાગુ સત્તાધિશો, અધિકારીઓ અને લાંચિયા બાબુઓની મેલી વૃત્તિને પગલે કુદરતી ઢાલમાં કાણા પડવા લાગ્યા છે. છેલ્લાં કેટલાક દાયકામાં અરવલ્લીમાં કાયદેસરની સાથે સાથે ગેરકાયદે ખનન અને અતિક્રમણની પ્રવૃત્તિ ખૂબ જ વધી ગઈ છે. તે ઉપરાંત રિયલ એસ્ટેટ વિસ્તારોના વ્યાપ અને રસ્તાના નિર્માણને પગલે ભારે નુકસાન થઈ રહ્યું છે. પર્યાવરણ બચાવતા જાણકારોના મતે અંદાજે ૪૦ ટકા જેટલો અરવલ્લી વિસ્તાર નાશ પામ્યો છે અથવા તો તેને ગંભીર નુકસાન થયું છે. કેન્દ્રીય સશક્ત સમિતીનો જ અહેવાલ જણાવે છે કે, માત્ર અલવર જિલ્લામાં જ ૧૯૬૮થી અત્યાર સુધીમાં ૩૧ પર્વતો સમાપ્ત થઈ ગયા છે. ઘણી જગ્યાઓએ પર્વતો ખોદીને સમથળ કરી દેવાયા છે અને તેના કારણે હવે જળસ્ત્રોત સુકાવા લાગ્યા છે, તાપમાન વધવા લાગ્યું છે અને પ્રદુષણના સ્તરમાં પણ ભયાનક વધારો થયો છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાનો ૨૦૨૫નો આંતરિક મૂલ્યાંકન સર્વે જણાવે છે કે, રાજસ્થાનના ૧૫ જિલ્લામાં ૧૨,૦૮૧ પર્વતો આવેલા છે જેની ઉંચાઈ ૨૦ મીટર છે અથવા તો તેનાથી વધારે છે. તેમાં માત્ર ૧૦૪૮ પર્વતો એવા છે જેની ઉંચાઈ ૧૦૦ મીટર કે તેનાથી વધારે છે. તેનો સીધો અર્થ એ થયો કે, ૯૧ ટકા પર્વતો ૧૦૦ મીટરની પરિભાષાથી ઓછી ઉંચાઈ ધરાવે છે, જેનું નિકંદન નીકળી જાય તેમ છે.
સમજવા જેવી વાત એ છે કે, ૨૦ નવેમ્બર ૨૦૨૫માં સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળા વિશે સમાન પરિભાષાને મંજૂરી આપી હતી. તેના હેઠળ કહેવાય છે કે, ૧૦૦ મીટર અથવા તો તેનાથી ઉંચા પર્વતોને જ અરવલ્લી પર્વતમાળાનો ભાગ માનવામાં આવશે. બીજી તરફ જો ૫૦૦ મીટરના વિસ્તારમાં આવા ૧૦૦ મીટરથી ઉંચો બીજો પર્વત આવેલો હશે તો તે બંને વચ્ચેનો વિસ્તાર પણ અરવલ્લી રેન્જ ગણાશે. સરકાર એમ જણાવી રહી છે કે, પર્વતો વિશે જે ગેરસમજ પ્રવર્તેલી છે તે માનનીય કોર્ટના આદેશથી સ્પષ્ટ થશે. ૯૦ ટકાથી વધારે અરવલ્લી વિસ્તાર સુરક્ષિત થઈ જશે. નવી માઈનિંગ લીઝ ઉપર પણ ત્યાં સુધી પ્રતિબંધ રહેશે જ્યાં સુધી સસ્ટેનેબલ માઈનિંગ મેનેજમેન્ટ પ્લાન તૈયાર થતો નથી.
બીજી તરફ પર્યાવરણ બચાવવા મથી રહેલા જાણકારો કહે છે કે, સરકાર ગેરમાર્ગે દોરી રહી છે. આ પરિભાષા પ્રમાણે ૧૦૦ મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતા અંદાજે ૧.૧૮ લાખ પહાડો છે જે સંરક્ષણમાંથી આપોઆપ નીકળી જશે. તેના કારણે માત્ર ૧૦૪૮ પર્વતો વધશે જેમને આ પરિભાષા હેઠળ રક્ષણ મળશે અને બાકી બધું જ ભુમાફિયાઓ, ખનન માફિયાઓ અને સ્ટોન માફિયાઓને આપી દેવાશે.
ખનન માફિયાઓ માટે અરવલ્લી ખુલ્લી મુકવાનો કારસો થયાનો પ્રજાનો આરોપ
મહત્ત્વની વાત એ છે કે, સુપ્રીમના આદેશ બાદ સરકારે જે રીતે ઝડપી કામગીરી હાથ ધરી છે તેના કારણે ગુજરાતના પાલનપુરથી શરૂ કરીને દિલ્હીના રાયસિના હિલ્સ સુધી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમાંય રાજસ્થાનમાં તો પ્રજા આકરાપાણીએ થવા લાગી છે. પ્રજાનો આરોપ છે કે, ખનન માફિયાઓ માટે અરવલ્લી પર્વત ખુલ્લી મુકવા અને મળતિયાઓને લાભ કરાવી પાછલા બારણે પોતે લાભ લેવા માટે આ ગોઠવણ કરવામાં આવી રહી છે. કેટલાક જાણકારોનો મત છે કે, ૨૦૧૦માં એફએસઆઈ દ્વારા જે માપદંડ રાખવામાં આવ્યા હતા તેમાં ૩ ડિગ્રી ઢોળવનો માપદંડ હતો. ૨૦૨૪માં એફએસઆઈની નવી ટેકનિકલ કમિટી આવે જેણે ૪.૫૭ ડિગ્રી ઢોળવનો માપદંડ આપ્યો. તેના કારણે આ પર્વતમાળાની ૪૦ ટકા ટેકરીઓ અને પર્વતો નવા નિયમના કારણે જોખમાય તેમ હતા. બીજી તરફ નેતાઓએ તો હાથમાં એટલું બાથમાં કરવાની વૃત્તિથી ૧૦૦ મીટરના ઉંચાઈનો માપદંડ આપી દીધો. તેના કારણે સ્થિતિ એ આવી ગઈ છે કે, ૯૧ ટકા અરવલ્લી પર્વતમાળા સંરક્ષણમાંથી બહાર જતી રહે તેમ છે. લોકોનો આરોપ છે કે, તંત્ર દ્વારા જે રીતે મનગમતું અર્થઘટન કરાઈ રહ્યું છે તેના કારણે મોટા પર્વતો ઉપર પણ સંકટ આવી શકે તેમ છે. બીજી તરફ પર્યાવરણના જાણકારોએ ચેતવણી આપી છે કે, આ પર્વતો કાપવામાં આવશે અને ઓછા થશે તો દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં કેર વર્તાશે. તેઓ જણાવે છે કે, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં આવેલા ઉંચા પર્વતો પીએમ ૨.૫ના કાણોને શોષવાનું અને આગળ ફેલાતા રોકવાનું કામ કરે છે. દિલ્હી અત્યારે જ ગેસ ચેમ્બર બનેલું છે. જો આ પર્વતો ઘટી જશે તો દિલ્હી, એનસીઆર અને હરિયાણામાં જે પ્રદુષણ વધશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેના પગલે રાજસ્થાનમાં પણ પ્રદુષણનો અજગર ભરડો લેવા માંડશે. આ ઉપરાંત નાની ટેકરીઓ છે તે થારના રણની ઉડતી રેતીને રોકવાનું કામ કરે છે. હવે આ ટેકરીઓનો પણ અંત આવશે તો થારનું રણ ખૂબ જ ઝડપથી વિસ્તરવા લાગશે અને સ્થિતિ કાબુ બહાર જતી રહેશે. તે ઉપરાંત આ પર્વતમાળા સિરિસ્કા અને રણથંભોર અભ્યારણ્યમાં વસતા વન્યજીવો માટે એક ગ્રીન કોરિડોર જેવી છે.
હવે આ પર્વતો કપાશે તો વન્યજીવોનું અસ્તિત્વ પણ જોખમાશે. રણની રેતી આવવાતી ખેડૂતો પાયમાલ થશે, વન્યજીવો અસ્તિત્વ ગુમાવશે અને દિલ્હી-એનસીઆર તથા હરિયાણામાં શ્વાસ લેવું પણ મુશ્કેલ થવા લાગશે. તે ઉપરાંત પાણીના જે સ્ત્રોત હાલ મળી રહ્યા છે અને જે સરોવરો સર્જાયેલા છે તે તમામ સુકાવા લાગશે અને આગામી પેઢી, હવા, પાણી અને ભોજન માટે વલખાં મારતી થઈ જશે.
22 વર્ષ પહેલાં કોંગ્રેસરાજમાં પર્યાવરણ માટે જરૂરી ગણાતા પર્વતો હવે ભાજપરાજમાં નકામા થઈ ગયા
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારના પહેલા કાર્યકાળમાં એટલે કે ૨૦૦૩માં એક વિશેષ સમિતીની રચના કરાઈ હતી. તેણે સુચન કર્યું હતું કે, સ્થાનિક લોકોના રોજગાર માટે, વિકાસ માટે અને તેમને રોજગાર સુધી પહોંચાડવા માટે ૧૦૦ મીટર અથવા તો તેનાથી વધારે ઉંચાઈના પર્વતોને જ અરવલ્લીનો ભાગ માનવામાં આવે. તે સિવાયના પર્વતોને ખનન માટે અને અન્ય વિકાસ કામ માટે તોડી પાડવામાં કે ખોદી કાઢવામાં આવે. તત્કાલિન રાજ્ય સરકારે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી. સુપ્રીમ કોર્ટે ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૦માં આ વાતને ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે, માત્ર ઉંચાઈના આધારે અરવલ્લીને સિમિત કરી શકાય નહીં. તેના દ્વારા પર્યાવરણને મોટું નુકસાન થશે અને આવનારી પેઢીને તેનું ખરાબ પરિણામ ભોગવવાનું આવશે. હવે મજાની વાત એ છે કે, ૨૨ વર્ષ પહેલાં ૨૦૦૩માં થયેલી અરજીમાં ૨૦૧૦માં આવેલા ચુકાદાએ જણાવ્યું કે, પર્વતમાળા જરૂરી છે. તેના ૧૫ વર્ષ બાદ એકાએક ભાજપ સરકારની સિમિતીની ભલામણ આવી અને ૧૦૦ મીટર કે તેનાથી ઉપરની ઉંચાઈ ધરાવતા પર્વતને જ અરવલ્લીનો દરજ્જો આપવાના આદેશ અપાઈ ગયા. હવે સવાલ એ થાય છે કે, ૨૨ વર્ષ પહેલાં જે પરિભાષા ખોટી લાગતી હતી અને જે પર્વતો પર્યાવરણ માટે જરૂરી હતા તેમાં ફેરફાર કેવી રીતે થયો. હવે પરિભાષા સાચી થઈ ગઈ અને પર્વતો બિનજરૂરી થઈ ગયા.


