એસસી-એસટી અનામતમાં ક્રિમી લેયર, મોદી સરકારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી
- એસસી, એસટી અનામતમાં ક્રિમી લેયર અંગેનો ચુકાદો મોદી સરકારના ગળાનું હાડકું બની ગયો છે. મોદી સરકાર તેને ગળી શકે તેમ નથી ને કાઢી પણ શકે તેમ નથી
- મોદી સરકારની હાલત એ રીતે કફોડી છે કે, મલાઈ ખાઈને વગદાર બનેલા દલિતોને સાચવે તો મહાદલિતો ખફા થઈ જાય ને મહાદલિતોને સાચવે તો ચિરાગ પાસવાન ને માયાવતી વગેરે જેમનું પ્રતિનિધિત્વ કરે છે એવા દલિતો બગડે. આ જ હાલત આદિવાસીઓમાં છે. લોકસભાની ચૂંટણીમાં દલિત મતદારો ભાજપની દૂર થયા તેમાં ભાજપનું ધોવાણ થઈ ગયું ને સ્પષ્ટ બહુમતી ના મળી. હવે દલિતોમાં મોટો વર્ગ અલગ થાય તો ભાજપને લોકસભાની ચૂંટણીમાં ૨૦૦ બેઠકો જીતવાનાં પણ ફાંફાં પડી જાય
Creamy Layer in SC-ST Reservation | સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) અનામતમાં પેટા અનામત આપી શકાય એવો ઐતિહાસિક ચુકાદો આપ્યો તેના બદલે અનામતનો મુદ્દો ફરી સળગ્યો છે. આ ચુકાદાએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી કરી નાંખી છે.
ઉત્તર પ્રદેશમાં ૬૯ હજાર શિક્ષકોની ભરતીમાં અનામતના નિયમો ના પળાયા ને પછી યુપીએસસી દ્વારા લેટરલ એન્ટ્રી ભરતીની જાહેરાત કરાઈ તેમાં અનામતની જોગવાઈ ના રખાઈ તેના કારણે મોદી સરકાર અનામત નાબૂદ કરવા માગે છે એવું કોરસ વિપક્ષો કરી જ રહ્યા છે ત્યાં હવે એસસી, એસટી અનામતમાં ક્રિમી લેયર અંગેનો ચુકાદો મોદી સરકારના ગળાનું હાડકું બની ગયો છે. મોદી સરકાર તેને ગળી શકે તેમ નથી ને કાઢી પણ શકે તેમ નથી.
સુપ્રીમના ચુકાદાને માન્ય રાખે તો દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સમુદાયના આગેવાનો બગડે. સુપ્રીમના ચુકાદાને બદલે તો એસસી અને એસટી સમાજમાં જ અત્યંત પછાત વર્ગ છે એ ખફા થઈ જાય. અત્યારે જ દલિતોમાં મહાદલિત નામે નવો ફાંટો પડી જ ગયો છે. દલિતો અત્યંત પછાત વર્ગ એવા આ મહાદલિતોને હાલની અનામત પ્રથાથી ભારે અસંતોષ છે.
મહાદલિતોનું માનવું છે કે, દલિતોમાં ઉચ્ચ કહેવાતી ચોક્કસ જ્ઞાાતિઓના લોકો જ અનામતનો લાભ લઈને પૈસાદાર થયા છે જ્યારે બહુમતી દલિતો તો હતા ત્યાંના ત્યાં જ છે. આ સ્થિતી બદલવા માટે મહાદલિતોને અલગ અનામત આપવી જોઈએ પણ દલિત સમાજના બની બેઠેલા રાજકીય આગેવાનો તેનો વિરોધ કરે છે.
મોદી સરકારની હાલત એ રીતે કફોડી છે કે, મલાઈ ખાઈને વગદાર બનેલા દલિતોને સાચવે તો મહાદલિતો ખફા થઈ જાય ને મહાદલિતોને સાચવે તો ચિરાગ પાસવાન ને માયાવતી વગેરે જેમનું પ્રતિનિધિત્વ કરે છે એવા દલિતો બગડે. આ જ હાલત આદિવાસીઓમાં છે. લોકસભાની ચૂંટણીમાં દલિત મતદારો ભાજપની દૂર થયા તેમાં ભાજપનું ધોવાણ થઈ ગયું ને સ્પષ્ટ બહુમતી ના મળી. હવે દલિતોમાં મોટો વર્ગ અલગ થાય તો ભાજપને લોકસભાની ચૂંટણીમાં ૨૦૦ બેઠકો જીતવાનાં પણ ફાંફાં પડી જાય.
રાજકીય રીતે પણ તેની અસર પડે. ચિરાગ પાસવાન સહિતના ભાજપના સાથી અનામતમાં પેટા અનામતની તરફેણમાં નથી. મોદી સરકાર પેટા અનામત કે ક્રીમી લેયરની તરફેણ કરે ને ચિરાગ સહિતના સાથીદારો ખસી જાય તો સરકાર સામે પણ સંકટ ઉભું થાય.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના આદેશની અવગણનાનો મુદ્દો પણ ઉપસ્થિત થાય. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહેલું કે, રાજ્ય સરકારને લાગે કે, એસસી કે એસટી વર્ગની કોઇ જ્ઞાાતિ અત્યંત પછાત છે તો તેને અલગ અનામત આપી શકાય છે. અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) બંને સમુદાયમાં ક્રીમી લેયરમાં આવનારા લોકોને અનામતનો લાભ ન મળવો જોઇએ. તેના બદલે બંને સમાજના ગરીબોને પ્રાધાન્ય મળવું જોઇએ અને તેમને જ અનામતનો લાભ મળવો જોઈએ. સુપ્રીમ કોર્ટની ૭ જજોની બંધારણીય બેંચે આ ચુકાદો આપ્યો છે તેથી સુપ્રીમ કોર્ટ માટે પણ આ મુદ્દો વિશ્વસનિયતાનો છે તેથી સુપ્રીમ કોર્ટ પણ નમતું જોખવા તૈયાર ના થાય. આ કારણે મોદી સરકારની હાલત ઈધર કૂઆં, ઉધર ખાઈ જેવી થઈ ગઈ છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરૂદ્ધમાં દલિત અને આદિવાસી સંગઠનો મેદાનમાં આવી ગયાં છે. આ સંગઠનોએ ૨૧ ઓગસ્ટે ભારત બંધ પાળીને વિરોધ વ્યક્ત કર્યો અને માગણી કરી છે કે, મોદી સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને ફગાવી દઈને એસસી, એસટી અને ઓબીસી અનામત અંગે નવો કાયદો બનાવે. સુપ્રીમ કોર્ટે ૨૦૨૦માં એસસી-એસટી અનામતમાં ક્રીમી લેયરની જોગવાઈ કરવા ફરમાન કર્યું ત્યારે આવો જ વિવાદ થયેલો. એ ચુકાદાને બદલવા માટે દબાણ શરૂ થયેલું.
મોદી સરકારના પ્રધાન રામવિલાસ પાસવાને માગણી કરેલી કે, અનામતને લગતા તમામ કાયદાને બંધારણના નવમા શીડયુલમાં નાંખી દો. દલિત, આદિવાસી અને ઓબીસી સંગઠનોના બનાવેલા મોરચાએ એ માગણી દોહરાવીને કહ્યું છે કે, મોદી સરકાર અનામત અંગેનો નવો કાયદો નવમા શીડયુલમાં સમાવે કે જેથી ભવિષ્યમાં સુપ્રીમ કોર્ટમાં તેને પડકારી ના શકાય.
મોદી સરકારની હાલત એ રીતે કફોડી છે કે, મોદી સરકાર અનામત અંગેનો નવો કાયદો બનાવીને તેને નવમા શીડયુલમાં નાંખે તો પણ સુપ્રીમ કોર્ટ તેને ફગાવી તો શકે જ છે. સામાન્ય માન્યતા એવી છે કે, રાજ્યો અને કેન્દ્રના નવમા શીડયુલમાં સમાવિષ્ટ કાયદાઓ બંધારણીય અર્થઘટનથી પર છે. તેમને ના સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે કે ના તેનું બંધારણી અર્થઘટન કરી શકાય છે. એક રીતે નવમા શીડયુલમાં કાયદાનો સમાવેશ કરાય એટલે પથ્થર કી લકીર થઈ જાય અને પછી કોઈ દિવસ તેને બદલી જ ના શકાય.
આ માન્યતા સાવ ખોટી છે કેમ કે, સુપ્રીમ કોર્ટે ૨૦૧૩માં ચુકાદો આપેલો કે ૧૯૭૩ પછી નવમા શીડયુલમાં સમાવાયા એ બધા ખરડાનું હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ મૂલ્યાંકન કરી શકે છે.
આ સંજોગોમાં બંધારણના નવમા શીડયુલ અને કલમ ૩૧બી હેઠળના ખરડાને કદી નાબૂદ ના કરી શકાય એ ભ્રમ જ છે. એસસી, એસટી અનામતમાં ક્રીમી લેયરનો વિરોધ કરનારાંને આ વાતની ખબર નથી. એ લોકોને બંધારણ વિશે ઓછું જ્ઞાાન હોવાથી તેમણે ભલે આ માગણી કરી પણ સરકાર આ માગણી સ્વીકારી શકે તેમ નથી.
મોદી સરકાર હાલ પૂરતો દલિતો અને આદિવાસીઓનો રોષ શાંત પાડવા આ માગણી સ્વીકારી લે તો તેની હાલત ધોબીના કૂતરા જેવી થઈ જાય. ના ઘરની રહે ના ઘાટની. મહાદલિતો અને અતિ પછાત આદિવાસીઓ તો ભાજપથી અલગ થઈ જ જાય પણ સુપ્રીમ કોર્ટ નવા કાયદાને ફગાવી દે તો દલિત-આદિવાસીઓ પણ ખફા થઈ જાય.
આ ચુકાદો મોદી સરકાર માટે પડતા પર પાટુ સમાન છે. લોકસભાની ચૂંટણીમાં દલિતોના મત ના મળતાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી તેથી દલિતોને કઈ રીતે પોતાની તરફ પાછા વાળવા તેની ગડમથલમાં ભાજપ લાગેલો હતો ત્યાં આ ચુકાદો આવી જતાં હવે ભાજપ માટે પોતાની સાથે રહેલા દલિતોને કઈ રીતે સાચવવા એ સવાલ આવીને ઉભો રહી ગયો છે.
એસસી-એસટીમાં ધનિક-વગદારો સ્વૈચ્છિક રીતે અનામતનો લાભ છોડે તો સંઘર્ષ ના થાય
એસસી અને એસટી અનામતમાં પેટા અનામતનાં વિરોધી માયાવતીએ પોતે સ્વીકાર્યું છે કે દલિત સમાજમાં માત્ર ૧૦ ટકા લોકો જ અનામતનો લાભ લઈને પૈસાદાર બન્યા છે અને એ લોકો ઉચા હોદ્દા પર પહોંચ્યા છે. માયાવતીનું કહેવું છે કે, આ ૧૦ ટકા લોકોના બાળકો પાસેથી અનામતનો લાભ છીનવી શકાય નહીં કેમ કે ભારતમાં હજુય જ્ઞાાતિવાદી માનિસકતા પ્રવર્તે છે અને લોકોના વિચાર હજુ બદલાયા નથી.
દલિતો પાસે પૈસા આવવા છતા સમાજમાં સ્વીકૃત નથી તેથી તેમને મળતો અનામતનો લાભ છિનવી લેવો યોગ્ય ન કહેવાય.માયાવતીની દલીલ મોટા ભાગના ક્રીમી લેયરમાં આવી શકે એવા દલિતોને ગળે ઉતરે છે કેમ કે તેમનો સ્વાર્થ જોડાયેલો છે. આ સંજોગોમાં અનામતમાં પેટા અનામત કે ક્રીમી લેયરથી દલિતો અને આદિવાસીઓમાં જ સંઘર્ષ ઉભો થાય જ.
આ સમસ્યાનો ઉકેલ એ છે કે, દલિત અને આદિવાસી સમાજના ધનિક અને પૈસાદાર લોકો સ્વૈચ્છિક રીતે અનામતનો લાભ લેવાનું બંધ કરીને જાહેરાત કરે કે, હવે પછી પોતે કે પોતાનાં સંતાનો અનામતનો લાભ નહીં લે. તેના બદલે દલિત-આદિવાસીઓમાં અત્યંત ગરીબ પરિવારનાં સંતાનોને આ લાભ અપાય. ધનિક અને વગદાર દલિતો કે આદિવાસીઓ એવું વલણ અપનાવે એ શક્ય નથી લાગતું એ જોતાં સંઘર્ષ નક્કી છે.
ક્રિમી લેયર મુદ્દે સુપ્રીમ કોર્ટ મોદી સરકારની હાલત બગાડી શકે
સુપ્રીમ કોર્ટે ૨૦૨૦માં એક મહત્વના ચુકાદામાં અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)ને અનામતનો લાભ આપવા માટે ક્રીમી લેયરની જોગવાઈ કરવા આદેશ આપ્યો હતો પણ મોદી સરકારે તેનો અમલ નથી કર્યો.
અધર બેકવર્ડ ક્લાસ (ઓબીસી)માં અનામતનો લાભ લેવા માટે વરસે ૮ લાખની આવક મર્યાદા નક્કી કરેલી છે. ૮ લાખ કરતાં વધારે આવક હોય એ બધા ક્રિમી લેયર એટલે કે મલાઈદાર માણસો ગણાય ને તેમને અનામતનો લાભ ના મળે.
અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)માં પણ અનામતનો લાભ લઈ લઈને મલાઈદાર બનેલા લોકો માટે ક્રિમી લેયર નક્કી કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફરમાન કરેલું. આ ફરમાનનો અમલ કઈ રીતે કરવો એ મામલે મોદી સરકાર ગોથાં ખાય જ છે ત્યાં સુપ્રીમ કોર્ટે ફરી એ ચુકાદો દોહરાવ્યો છે.
સુપ્રીમ કોર્ટ આ ચુકાદાના અમલ મુદ્દે આકરું વલણ અપનાવે તો મોદી સરકારની હાલત બગડી જાય કેમ કે જેમનો અનામતનો લાભ છિનવાઈ જાય એ દલિતો અને આદિવાસીઓ કદી ભાજપને મત ના આપે. ભાજપે માંડ માંડ દલિતો અને આદિવાસી મતદારોને પોતાની તરફ વાળ્યા છે પણ આ જનાધાર ખસી જાય.