- ગ્લોબલ વોર્મિંગનું પરિણામ : મે અને જૂન મહિનામાં પણ ગરમીથી હાહાકાર મચશે, 40 કરોડથી વધુ લોકોને અસર થશે
- એપ્રિલથી જૂન મહિના સુધી પૂર્વ ભારત, મધ્ય ભારત, ઉત્તર-પશ્ચિમ ભારત અને દક્ષિણ-પૂર્વ ભારતમાં હિટવેવની સ્થિતિ રહેવાની છે. તે ઉપરાંત મે મહિનામાં તો ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાન ૪૫ ડિગ્રીને વટાવી જવાની અને 48 ડિગ્રી સુધી પહોંચવાની ભીતી સેવાઈ રહી છે : ક્લાઈમેટ ચેન્જના પગલે મે અને જૂનમાં અસહ્ય ગરમી અને સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાવાઝોડાની અસર વચ્ચેથી પસાર થવું પડશે. તેના કારણે ગરમી અને બફારામાં વધારો થશે. હીટડોમ્સ અને અલ નિનોના કારણે વરસાદ પણ 90 ટકાની આસપાસ પડે તેવી ભીતી છે. કેટલાક વિસ્તારોમાં દુકાળની સ્થિતિના પણ વરતારા છે : થર્મોડાયેનેમિક લોડિંગ થઈ રહ્યું છે. અતિશય ગરમી જમા થઈ રહી છે. તેના પગલે હીટવેવ લાંબા અને તીવ્ર્ર થઈ રહ્યા છે. એક અહેવાલ જણાવે છે કે, ક્લાઈમેટ ચેન્જના કારણે ભારતમાં ગરમ દિવસોની સંખ્યા સરેરાશ 30 દિવસ જેટલા વધી રહ્યા છે. શરીરને ઠંડક થાય તેવા દિવસો ઘટી રહ્યા છે. ચોમાસું મોડું આવે છે અને ઠંડી ઘટી રહી છે તેથી શરીરને પણ વ્યાપક નુકસાન થઈ રહ્યું છે.
દેશમાં છેલ્લાં કેટલાક સમયથી મોસમનો મિજાજ બદલાયેલો છે. વારંવાર વાતાવરણમાં પલટો આવ્યા કરે છે. માર્ચ મહિનામાં વ્યાપક વાવાઝોડું અને માવઠું આવી ગયા તો તેની પહેલાં જાન્યુઆરી અને ફેબુ્રઆરીમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો જ નહીં. તેમાંય છેલ્લાં એક અઠવાડિયાથી જે ગરમી શરૂ થઈ છે તે લોકો માટે ધીમે ધીમે અસહ્ય થઈ રહી છે. ઉનાળાની શરૂઆત જ એટલા આકરા તાપથી થઈ છે તો હજી મે મહિનામાં તો આનાથી વધારે કફોડી સ્થિતિ થવાના અહેવાલો છે. જાણકારો માને છે કે, આ વખતે ક્લાઈમેટ ચેન્જના કારણે ઋતુચક્રને જે અસર થઈ છે અને કુદરતી ફેરફારો આવી રહ્યા છે તેના પગલે ચોમાસુ ખેંચાવાની અને ગરમી લંબાવાની પૂરતી શક્યતાઓ દેખાઈ રહી છે.
હવામાન ખાતાએ પણ જણાવ્યું છે કે, એપ્રિલથી જૂન મહિના સુધી પૂર્વ ભારત, મધ્ય ભારત, ઉત્તર-પશ્ચિમ ભારત અને દક્ષિણ-પૂર્વ ભારતમાં હિટવેવની સ્થિતિ રહેવાની છે. અહીંયા સરેરાશ ૪૨થી ૪૫ ડિગ્રી તાપમાન રહેશે. તે ઉપરાંત મે મહિનામાં તો ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાન ૪૫ ડિગ્રીને વટાવી જવાની અને ૪૮ ડિગ્રી સુધી પહોંચવાની ભીતી સેવાઈ રહી છે. બીજી તરફ પૂર્વ ભારત, ઉત્તર-પૂર્વ, ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં દિવસ દરમિયાન તો અસહ્ય ગરમી પડશે પણ રાત્રી દરમિયાન લોકોને ગરમીથી રાહત નહીં મળે. આકાશમાંથી જાણે કે આગ વરસતી હોય તેવી ગરમી પડશે અને દેશના અંદાજે ૪૦ કરોડથી વધારે લોકોને મુશ્કેલી પડવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
ચિંતાજનક બાબત એ છે કે આ વખતે હીટડોમ્સ અને અલ નિનોની અસરને પગલે ગરમી જૂન મહિના સુધી ખેંચાશે તેમ દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત વરસાદ પણ ખેંચાશે અને જુલાઈ દરમિયાન વરસાદ પડશે તેવી શક્યતાઓ છે. આ સિવાય સરેરાશ વરસાદનું પ્રમાણ પણ ઘટી જાય તેમ લાગી રહ્યું છે. જાણકારો માને છે કે, ક્લાઈમેટ ચેન્જના પગલે મે અને જૂનમાં અસહ્ય ગરમી અને સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાવાઝોડાની અસર વચ્ચેથી પસાર થવું પડશે. તેના કારણે ગરમી અને બફારામાં વધારો થશે. હીટડોમ્સ અને અલ નિનોના કારણે વરસાદ પણ ૯૦ ટકાની આસપાસ પડે તેવી ભીતી છે. કેટલાક વિસ્તારોમાં તો સરેરાશ વરસાદ ૯૦ ટકાથી ઓછો થવાની અને દુકાળની સ્થિતિ સર્જાવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે.
ખાનગી અને સરકારી હવામાન એજન્સીઓના મતે આ વખતે ગરમી અને દુકાળની સ્થિતિ વધારે જોવા મળી રહી છે. જાણકારો માને છે કે, આ વખતે ૯૦ ટકાની આસપાસ વરસાદ થવાની શક્યતાઓ હાલમાં ૪૦ ટકા જેવી દેખાઈ રહી છે. ત્યારબાદ ૩૦ ટકા શક્યતાઓ એવી પણ જણાઈ રહી છે કે, ૯૦ ટકા કરતા ઓછો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ માત્ર ૨૦ ટકા દેખાઈ રહી છે. આ વખતે ભયાકન ગરમીની સાથે સાથે પ્રદુષણને કારણે પણ સ્થિતિ ખરાબ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. દિલ્હી અને એનસીઆર તથા આસપાસના પ્રદેશોમાં હવાની ગુણવત્તા ખરાબ છે અને આગામી સમયમાં વધારે થઈ શકે છે. તે ઉપરાંત ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદની પણ આવી જ સ્થિતિ છે. વધતી ગરમી અને ઓછી હવાનું દબાણ ધરાવતા સ્થિર વાતાવરણના કારણે પ્રદુષણના કારકો પણ નીચે જ રહે છે અને ગરમી વધવા લાગે છે. જો હવા સ્થિર જ રહેશે અને તેનું દબાણ નહીં વધે તો મે અને જૂન મહિનામાં ગરમીનો પારો અને સુકા વાતાવરણની સ્થિતિ વધુ આકરી થઈ જશે.
બીજી બાજુ આ વખતે હીટ ડોમ્સ અને અલ નીનોને પગલે ગરમી વધારે અને વરસાદ ઓછો થવાની શક્યતાઓ છે. મે અને જૂનના અંત સુધી અસહ્ય ગરમી પડવાના વરતારા છે. બીજી તરફ વરસાદનું અનુમાન પણ બદલાયું છે. આ વખતે કેટલાક વિસ્તારોમાં દુકાળની સ્થિતિ સર્જાવાની શક્યતાઓ પણ ૩૦ ટકા વધુ માનવામાં આવી રહી છે. સરેરાશ વરસાદ પણ ૯૦ ટકાની આસપાસ રહે તેમ લાગી રહ્યું છે. અલ નીનો જો જૂનમાં જ વિકસી ગયું તો જુલાઈ અને ઓગસ્ટમાં ઉત્તરોત્તર વરસાદમાં ઘટાડો જોવા મળશે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં વરસાદ સારો પડે તેવી આશા છે. બીજી તરફ ઉત્તર-પશ્ચિમ ભાગ અને મધ્ય ભારતમાં વરસાદ ખેંચાશે અને ઓછો પડશે તેમ લાગી રહ્યું છે.
મધ્ય ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ ખેંચાવાની અને ઘટવાની શક્યતા વિશે દેશના ૫૧ ટકા ખેત ઉત્પાદનને પણ અસર થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. વરસાદ ભારતીય અર્થતંત્રનો આધારે છે. કૃષિ મંત્રાલયના અંદાજ પ્રમાણે ૫૧ ટકા ખેતી અને ૪૦ ટકા ખેત પેદાશોના ઉદ્યોગો વરસાદ ઉપર જ આધારિત છે. દેશની ૪૭ ટકા વસતીની રોજગારી અને આજીવિકા ખેતી સાથે જોડાયેલી છે. જો વરસાદમાં ઘટાડો થયો તો ગ્રામ્ય વિસ્તારોને નુકસાન જશે. તે ઉપરાંત ખાદ્યન્નનું ઉત્પાદન ઘટશે તો તેના ભાવ વધશે.
સરેરાશ મોંઘવારીમાં વધારો થશે. ચિંતાજનક બાબત એટલી જ છે કે, અલનીનોની અસર અંગે ૨૦૨૩માં જે ધારણા બાંધવામાં આવી હતી તેમાંથી ૯૩ ટકા પૂર્વાનુમાન સાચા પડયા હતા. તેના પગલે જ ૨૦૨૬ની સ્થિતિ અંગે ચિંતા વધી રહી છે.
કોંક્રિટના જંગલો અને ક્લાઈમેટ ચેન્જની ભયાનક અસર પડી રહી છે
ગરમીમાં થઈ રહેલો અસહ્ય વધારો કે ઠંડીમાં થઈ રહેલો ઘટાડો ક્લાઈમેટ ચેન્જની સાથે સાથે માનવ ભુલોનું પણ પરિણામ છે. વિકાસની આંધળી દોટમાં જંગલો અને ખેતરોનું નિકંદન કાઢીને વિશાળ શહેરો વિકસાવવામાં આવ્યા. બીજી તરફ શહેરોમાં અને નગરોમાં મોટી સંખ્યામાં સ્કાયસ્ક્રેપર્સનો જમાવડો કરી દેવામાં આવ્યો. કોંક્રિટના આ જંગલોના કારણે જમીન ગરમ રહેવા લાગી, જમીનની નીચે રહેલી ગરમી ઉપર આવીને જમીન ઉપર જ અટકી જાય છે. ગરમી જમીનને સમાંતર ફર્યા કરે છે અને તાપમાનમાં વધારો થાય છે. બીજી તરફ ક્લાઈમેટ ચેન્જને પગલે થાર્મોડાયેનેમિક લોડિંગ થઈ રહ્યું છે. અતિશય ગરમી જમા થઈ રહી છે. તેના પગલે હીટવેવ લાંબા અને તીવ્ર થઈ રહ્યા છે. એક અહેવાલ જણાવે છે કે, ક્લાઈમેટ ચેન્જના કારણે ભારતમાં ગરમ દિવસોની સંખ્યા સરેરાશ ૩૦ દિવસ જેટલા વધી રહ્યા છે. શરીરને ઠંડક થાય તેવા દિવસો ઘટી રહ્યા છે. ચોમાસું મોડું આવે છે અને ઠંડી ઘટી રહી છે તેથી શરીરને પણ વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત હીટ ડોમ્સ સક્રિય થવાના કારણે પણ સ્થિતિ ખરાબ થઈ રહી છે. ઉપર રહેલું ઉચ્ચ દબાણ ગરમ હવાને નીચે દબાવી રાખે છે. તેના કારણે આ હીટ ડોમ્સનું સર્જન થાય છે અને ગરમીમાં વધારો થાય છે. વર્તમાન સમયમાં મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં સર્જાયેલા ડીટ ડોમ્સને કારણે આકાશ સાફ અને આગ ઝરતી ગરમી પડી રહી છે. તેના કારણે તાપમાન ૪૫ ડિગ્રી સુધી જઈ રહ્યું છે. હાલમાં છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ, બિહાર જેવા મધ્યભારતના રાજ્યો, પશ્ચિમ બંગાળ, પૂર્વ યુપી જેવા પૂર્વ ભારતના સ્થળો, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ જેવા ઉત્તર-પશ્ચિમના રાજ્યો તથા આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં હીટડોમ્સ એક્ટિવ થવાના કારણે તેમને હીટવેવ ઝોન જાહેર કરાયા છે.
અહીંયા સરેરાશ ૫ થી ૮ ડિગ્રી વધુ તાપમાન નોંધાવાની અને અનુભવ થવાના એંધાણ છે. અહીંયા અંદાજે દસ દિવસ સુધી હીટવેવ પણ રહેવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
ગરમી અને વરસાદના બેવડા મારથી ખેડૂતોની સ્થિતિ ખરાબ થવાના વરતારા
ચિંતાજનક બાબત એ છે કે, અલ નીનોની અસર પાછી આવી છે. તેના કારણે દેશમાં વરસાદ ઘટશે અને વાતાવરણમાં પણ સતત ફેરફાર દેખાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે, ગત દોઢ વર્ષ સુધી દેશમાં અલ નીનાની અસર હતી તેથી સ્થિતિ થોડી સુધારા ઉપર હતી પણ હવે પેસેફિક મહાસાગરમાં ઈનએસઓ-ન્યૂટ્રલ સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ અલ નીનો ઝડપથી સક્રિય થવાની સ્થિતિ પણ સર્જાઈ છે.
એક અહેવાલ પ્રમાણે ઈક્વિટોરિયલ પેસિફિક મહાસાગરમાં ઓશન એટમોસ્ફિયર કુપલિંગ પહેલાથી વધારે મજબૂત થઈ ગયું છે. અલ નીનો જૂનમાં સંપૂર્ણ એક્ટિવ થવાની શક્યતા છે. આ વખતે ચોમાસું પૂરું થવા સુધીમાં અલ નીનો સિસ્ટમ એકદમ શક્તિશાળી થઈ જાય તેવું દેખાઈ રહ્યું છે. તેના કારણે જ ચોમાસું નબળું પડવાનો અંદાજ આપવામાં આવ્યો છે.
ખાસ કરીને ચોમાસાના બીજા તબક્કામાં વરસાદ અનિયમિત અને અનિશ્ચિત થઈ જાય તેવું પણ બને. આ વર્ષે મે અને જૂન મહિનામાં ભીષણ ગરમી પડશે. ત્યારબાદ જૂનના અંતમાં ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતા છે. જાણકારો એવું પણ માને છે કે ચોમાસાની શરૂઆતમાં અલ નીનો અક્ટિવ થવા દરમિયાન વરસાદ ૧૦૧ ટકા(એલપીએ) થવાની પણ શક્યતા છે. ત્યારબાદ જુલાઈમાં ૯૫ ટકા અને ઓગસ્ટમાં ૯૦ ટકા તથા સપ્ટેમ્બરમાં ૮૫ ટકા થવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે.
જૂનમાં ચોમાસાની સાથે જ અલનીનો મજબૂત થઈ જશે અને ત્યારબાદ ઋતુચક્રને વ્યાપક અસર કરશે. ચિંતાજનક સ્થિતિ એવી છે કે, બદલાતા વાતાવરણને કારણે દેશના ૪૦ કરોડથી વધારે લોકોને સીધી અસર થવાની ભીતી સેવાઈ રહી છે.
તેમાંથી મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખેડૂતો અને ખેતી ઉપર અસર પડવાના કારણે ખાદ્યાન્ન ક્ષેત્ર ઉપર અસર પડશે. તેના કારણે સામાન્ય માણસ સુધી પણ તેની નકારાત્મક અસરો લંબાશે તે સ્વાભાવિક છે.


