અમિતાભ બચ્ચનની સુપર પેરોડી કરનાર રાજુ શ્રીવાસ્તવની જીવનલીલાનું હાર્ટફેલ


- કોમેડી કિંગ રાજુ પર 10 વર્ષમાં ત્રણ વાર એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી,  ડિજિટલના જમાનામાં કોમેડીથી લોકોને ભરપૂર હસાવ્યા હતા

- રાજુએ ભારતમાં કોમેડીને એક નવી ઉંચાઈ આપી. કોમેડી એટલે ફિલ્મ કલાકારોની પેરોડી એ માન્યતા તોડીને એક નવો ચિલો ચાતર્યો. ભારતીય પાત્રો અને ભારતીયોની લાક્ષણિકતાઓનું નીરિક્ષણ કરીને તેમાંથી હાસ્ય પેદા કરવાની રાજુમાં જોરદાર તાકાત હતી. લોકોને પોતાનાં લાગે એવાં પાત્રોને કારણે લોકો તરત જ રાજુ સાથે જોડાઈ જતા. ગજોધર ભૈયા સહિતનાં તેમનાં પાત્રો લોકોને પોતાના પૈકી જ એક લાગતાં હતાં. 

છેલ્લા બે દાયકા કરતાં વધારે સમયથી લોકોને હસાવતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું અંતે નિધન થઈ ગયું. ૧૦ ઓગસ્ટે દિલ્હીની હોટલના જિમમાં એક્સરસાઈઝ કરતાં કરતાં રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવતાં ઢળી પડયા હતા. તેમના જિમ ટ્રેનર દ્વારા તાત્કાલિક ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)માં લઈ જવાયા તેથી બચી તો ગયા પણ સ્થિતી નાજુક હતી તેથી આઈસીયુમા રખાયા હતા. 

રાજુ આઈસીયુમાં હતા ત્યારે જ ૧૦ ઓગસ્ટે એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી. જો કે આઈસીયુમાં હતા ત્યારે જ બ્રેઈન સ્ટ્રોક આવતાં વેન્ટિલેટર પર ખસેડવા પડેલા વચ્ચે વચ્ચે તેમની તબિયતમાં સુધારો થયો હોવાના સમાચાર આવતા હતા પણ એ બધી વાતો ઠગારી સાબિત થઈ. તેમની તબિયત ધીરે ધીરે વધારે બગડતી ગઈ. દસેક દિવસ પહેલાં એક દિવસ માટે તેમણે આંખો ખોલી ત્યારે ફરી બેઠા થઈ જશે એવી આશા જાગેલી પણ આ આશા પણ ના ફળી.

સળંગ ૪૨ દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા પછી અંતે શ્રીવાસ્તવનું શરીર હારી ગયું. બુધવારે તેમનું નિધન થઈ ગયું. ડોક્ટરોનું કહેવું છે કે, રાજુનું હૃદય પહેલાં જ બહુ નબળું પડી ગયેલું હતું કેમ કે તેમની ૧૦ વર્ષમાં ત્રણ વાર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 

રાજુ શ્રીવાસ્તવની ૧૦ વર્ષ પહેલાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં પહેલી વાર એન્જિયોપ્લાસ્ટી કરાઈ પછી સાત વર્ષ પહેલાં મુંબઈની જ લીલાવતી હોસ્પિટલમાં ફરી એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. ૧૦ ઓગસ્ટે જિમમાં પડી ગયા પછી ત્રીજી વાર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી તેના કારણે એ શરીરની સિસ્ટમ નબળી પડી ગઈ હતી તેથી બચી ના શક્યા. ડોક્ટર્સ બાયપાસ સર્જરી કરવા પણ વિચારતા રહતા પણ હૃદયની સ્થિતી સારી નહીં હોવાથી બાયપાસ સર્જરીનો વિકલ્પ પણ અજમાવી શકાય તેમ નહોતો. 

રાજુ શ્રીવાસ્તવના નિધનથી લોકો આઘાતમાં છે કેમ કે રાજુની ઉંમર માત્ર ૫૮ વર્ષ હતી. મેડિકલ સાયન્સે કરેલી પ્રગતિ જોતાં આ મોતની ઉંમર ના કહેવાય. રાજુ શ્રીવાસ્તવે લોકોને પોતાની કોમેડીથી ભરપૂર હસાવ્યા હતા. તેના કારણે લોકો તેમને બેહદ ચાહતા હતા. લોકોને ભરપેટ હસાવતો આ માણસ શરીરથી નબળો પડી રહ્યો છે તેનો લાકોને અહેસાસ જ નહોતો. અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો પછી પણ લોકો માનતા હતા કે રાજુ સાજા થઈ જશે પણ એવું ના બન્યું.

રાજુએ ભારતમાં કોમેડીને એક નવી ઉંચાઈ આપી. કોમેડી એટલે ફિલ્મ કલાકારોની પેરોડી એ માન્યતા તોડીને એક નવો ચિલો ચાતર્યો. ભારતીય પાત્રો અને ભારતીયોની લાક્ષણિકતાઓનું નીરિક્ષણ કરીને તેમાંથી હાસ્ય પેદા કરવાની રાજુમાં જોરદાર તાકાત હતી. લોકોને પોતાનાં લાગે એવાં પાત્રોને કારણે લોકો તરત જ રાજુ સાથે જોડાઈ જતા. ગજોધર ભૈયા સહિતનાં તેમનાં પાત્રો લોકોને પોતાના પૈકી જ એક લાગતાં હતાં. 

રાજુ મૂળ તો એક્ટર હતા તેથી બીજા કોમેડિયનો કરતાં એક ડગલું આગળ હતા. દાંતમાં સળી નાંખીને ખોતરતા હોય એવી હરકતો સહિતની ભારતીયોની સામાન્ય આદતોને પણ આબેહૂબ રજૂ કરીને રાજુ લોકોને પેટ પકડીને હસાવતા. ઉત્તર ભારતના અલગ અલગ વિસ્તારોની લોકબોલીનો પ્રયોગ પણ રાજુની ખાસિયત હતી. આ કારણે લોકોને રાજુ પોતાનામાંથી જ એક લાગતા. રાજુ શ્રીવાસ્તવે કારકિર્દીની શરૂઆત કોમેડી શો કરીને કરેલી પણ પછી એક્ટર બનવાનું સપનું સાકાર કરવા મુંબઈ આવી ગયા. મુંબઈમાં અભિનેતા તરીકે બહુ સફળતા ના મળી.  અનિલ કપૂરને સુપરસ્ટાર બનાવનારી ૧૯૮૮ની તેઝાબ અને સલમાન ખાનની પહેલી સુપરહીટ ફિલ્મ મૈંને પ્યાર કિયામાં રાજુએ નાના નાના રોલ કરેલા. શાહરૂખને સુપરસ્ટાર તરીકે સ્થાપિત કરનારી બાઝીગરમાં પણ રાજુ હતા. રાજુએ આ રીતે પાંચેક વરસ સુધી ફિલ્મોમાં નાના રોલ કર્યા પણ પછી લાગ્યું કે, આ રીતે વાત નહીં જામે એટલે કોમેડી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ભારતમાં એ વખતે બહુ સ્ટેન્ડ અપ કોમેડિયન નહોતા. રાજુએ અમિતાભ બચ્ચનની પેરોડી કરવા માંડી ને ઉત્તર ભારતીય ભાષામાં પોતાની પણ આગવી સ્ટાઈલ વિકસાવી. અમિતાભ રાજુને ફળ્યા અને કોમેડીયન તરીકે જામી ગયા. એ પછી રાજુએ ફિલ્મોમાં નાના નાના રોલ કર્યા પણ મુખ્ય કામ કોમેડિયનનું જ હતું. 

રાજુને મુંબઈ તથા ઉત્તર ભારતમાં પ્રસિધ્ધી મળેલી પણ આખો દેશ નહોતો ઓળખતો. ૨૦૦૫માં આવેલા ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ શોના કારણે રાજુ દેશભરમાં જાણીતા થઈ ગયા. નવજોત સિધ્ધુ અને શેખર સુમન આ શોના જજ હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ રાજુ સાથે આ શોમાં ભાગ લીધો હતો. આ શો દ્વારા રાજુ દેશભરમાં છવાઈ ગયેલા. રાજુની જબરદસ્ત ટેલેન્ટની ત્યારે લોકોને ખબર પડી. ભારતમાં આવો જોરદાર કોમેડિયન છે એ વાતની લોકોને જાણ થઈ. 

રાજુની કોમેડી પર લોકો એટલાં ફિદા હતાં કે, રાજુ જ શો જીતશે એવું લોકોને લાગતું હતું. રીઝલ્ટ જાહેર થયું ત્યારે સુનિલ પાલને વિજેતા જાહેર કરાયેલો જ્યારે અહેસાન કુરેશી ફસ્ટ રનર અપ હતા. રાજુ શ્રીવાસ્તવ સેકન્ડ રનર અપ બન્યા હતા. નિયમિત રીતે આ શો જોનારા આ પરિણામથી ગુસ્સે થઈ ગયેલા. લોકોએ શો પ્રસારિત કરનારી ચેનલ પર ફોનનો મારો ચલાવીને ખોટું પરિણામ અપાયું હોવાનો આક્રોશ ઠાલવેલો એ હદે લોકો રાજુ પર ફિદા હતા. 

જો કે રાજુ શ્રીવાસ્તવે ખેલદિલી દાખવીને સુનિલ પાલ સહિતનાં કોમેડિયન્સના ભરપેટ વખાણ કરેલાં. બીજા કોમેડિયન્સ સાથે શો પણ કરેલા ને ફિલ્મો પણ કરેલી, કપિલ શર્મા જેવા બીજા કોમેડિયન્સના શોમાં પણ આવેલા. કોઈ પણ પ્રકારના રાગદ્વેષ વિના માત્ર કોમેડીને વરેલા હોય એ રીતે જ વર્તતા રાજુ શ્રીવાસ્તવના નિધનથી આ કારણ જ લોકો આઘાતમાં છે. 

રાજુ શ્રીવાસ્તવ ડિજિટલ જમાનાના કોમેડિયન હતા તેથી તેમની કોમેડી યુટયુબ સહિતનાં પ્લેટફોર્મ પર છે તેની આપણે મજા માણી શકીશું. અલબત્ત રાજુને લાઈવ ફરી નહીં જોઈ શકાય, તેમની કોમેડીને નહીં માણી શકાય તેનો અફસોસ રહેશે. 

રાજુ માટે અમિતાભ અન્નદાતા હતા, આદર્શ હતા

રાજુ શ્રીવાસ્તવના અંતિમ દિવસોમાં  ફિલ્મોમાં બને એવી ઘટના બની હતી. હોસ્પિટલમાં દાખલ રાજુ કોઈ પ્રતિક્રિયા નહોતા આપતા ત્યારે ડૉક્ટરે કહેલું કે, રાજુ તમારી વાતોની ભલે પ્રતિક્રિયા ના આપે પણ આસપાસનો અવાજ સાંભળે છે. કોઈ પ્રિયઆ સંજોગોમાં  વાત કે અવાજ તેઓ સાંભળશે તો મગજ વધુ સક્રિય થશે અને સાજા થવામાં સરળતા રહેશે.

રાજુ અમિતાભ બચ્ચનને આદર્શ માનતા હતા. તેમના અવાજની નકલ કરીને નામના મેળવી હોવાથી પોતાના અન્નદાતા માનતા હતા. રાજુના પરિવારે અમિતાભની ઓફિસમાં ફોન કરીને રાજુની ખરાબ તબિયતની માહિતી આપી તો ખબર પડી કે,  બચ્ચન રાજુને દાખલ કરાયા ત્યારથી રોજ ફોન પર સાજા થઈ જવાની શુભેચ્છા આપતા મેસેજ મોકલતા હતા. ફોનમાં અમિતાભના વાંચ્યા વગરના ૧૦ મેસેજ પડયા હતા. અમિતાભના મેસેજ વાંચી સંભળાવતાં રાજુના શરીરમાં હલચલ દેખાવા માંડેલી.

રાજુના પરિવારે બચ્ચનને ઓડિયો મેસેજ મોકલવા વિનંતી કરતાં  પાંચ મિનિટમાં જ અમિતાભે એક આડિયો મેસેજ મોકલ્યો હતો. બચ્ચને રાજુને કહેલું કે, રાજુ ઉઠો, બસ બહોત હુઆ. જલદી ઉઠ, સબ કો બહોત હંસાના હૈ, અભી બહોત કામ કરના હૈ.  

આ ઑડિયો મેસેજથી શરીરમાં સળવળાટ થવા લાગેલો પણ મગજને વધારે નુકસાન થયું હોવાથી અસર ના થઈ. 

રાજુને દાઉદે ધમકી આપેલી, રાજકારણમાં ના જામ્યા

રાજુ શ્રીવાસ્તવ પોતાના શોમાં કોઈની પણ ફિરકી લેતાં ગભરાતા નહોતા. આ કારણે રાજુ શ્રીવાસ્તવને દાઉદ ઈબ્રાહીમ તરફથી ધમકી પણ મળી હતી. રાજુ શ્રીવાસ્તવે લાલુ પ્રસાદ યાદવ સહિતના નેતાઓની તેમની હાજરીમાં જ પેરોડી કરી હતી. લાલુએ પોતે તેની મજા લીધી હતી પણ દાઉદ એવી ખેલદિલી નહોતો બતાવી શક્યો.  

રાજુ શ્રીવાસ્તવ પોતાના શોમાં દાઉદ તથા તેની ગેંગના સભ્યોની ભારે મજાક ઉડાવતો હતો. પાકિસ્તાનીઓની પણ બરાબર ખેંચતો હતો. તેનાથી અકળાયેલા દાઉદે ૨૦૧૦માં પાકિસ્તાનથી ફોન કરીને ફરી પોતાની કોમેડી નહીં કરવા ધમકી આપેલી. રાજુએ તેનાથી ડર્યા વિના દાઉદની ફિરકી લેવાનું ચાલુ રાખેલું. 

રાજુ શ્રીવાસ્તવ વિશે રસપ્રદ વાત એ છે કે, રાજકારણમાં આવવાનું નક્કી કરીને તેમણે પીછેહઠ કરેલી. ૨૦૧૪માં અખિલેશની સમાજવાદી પાર્ટીએ રાજુને કાનપુર બેઠક પરથી ટિકિટ આપી હતી. રાજુએ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત પણ કરી નાંખેલી પણ અઠવાડિયા પછી સમાજવાદી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી નાંખી હતી.

City News

Sports

RECENT NEWS