- સામાન્ય તાવ અને શરદી-ઉધરસમાં પણ લોકો એન્ટિબાયોટિક લેતા થયા છે અને તેના કારણે તેમનું શરીર બિમારીઓ સામે નબળું થવા લાગ્યું છે
- લોકો હવે એન્ટિબાયોટિક્સ લેતા હોય છે તો પણ તેમની બિમારી ઝડપથી મટતી નથી અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો આવતો નથી. અવિચારી ઉપયોગોએ દેશમાં સુપરબગ્સની સ્થિતિ ઊભી કરી દીધી છે : 1928માં લંડનના એક મેડિકલ ઈન્સ્ટિટયૂટમાં સ્કોટલેન્ડના વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર ફ્લેમિંગે વાઈરસ અને બેક્ટેરિયા ઉપર શોધ કરવા દરમિયાન પહેલી વખત પેનિસિલિન નામની એન્ટિબાયોટિકની શોધ કરી હતી. તે દુનિયાની પહેલી એન્ટિબાયોટિક હતી : દેશમાં દર વર્ષે સાત લાખ લોકો એન્ટિબાયોટિકની આડઅસરો અને તેનાથી સર્જાતી સુપરબગ સ્થિતિનો સામનો કરતા હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ અંદાજ માંડયો છે કે, લોકોમાં સુધારો નહીં થાય તો 2050 સુધીમાં ભારત સહિત વિશ્વમાં લગભગ એક કરોડ લોકોના દર વર્ષે મૃત્યુ થઈ શકે છે
દેશમાં એક તરફ મેડિકલ ક્ષેત્રમાં વિવિધ સંશોધન કરીને લોકોનું આયુષ્ય વધારે લાંબુ કરવા મથામણ કરી રહ્યા છે અને નવી દવાઓ અને ફોર્મ્યુલા લાવી રહ્યા છે ત્યાં લોકો જાતે જ પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. માત્ર લોકો જ નહીં પણ ઘણી ફાર્મા કંપનીઓ માત્ર નફાખોરી માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહી છે.
સામાન્ય રીતે કોઈપણ બિમારીમાં ઝડપી અને સચોટ સારવાર માટે એન્ટિબાયોટિકનો ઉપયોગ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે અને તેના કારણે આ દવાઓનું બજાર પણ મોટું અને નફો કરાવતું છે. સંશોધકોએ ચેતવણી આપી છે કે, લોકો દ્વારા જે રીતે એન્ટિબાયોટિક દવાઓનો અવિચારી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે તમામ દવાઓ તેમના શરીરને વધારે ખરાબ કરી રહી છે. સ્થિતિ એવી થઈ રહી છે કે, લોકો હવે એન્ટિબાયોટિક્સ લેતા હોય છે તો પણ તેમની બિમારી ઝડપથી મટતી નથી અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો આવતો નથી. અવિચારી ઉપયોગોએ દેશમાં સુપરબગ્સની સ્થિતિ ઊભી કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, ૧૯૨૮માં લંડનના એક મેડિકલ ઈન્સ્ટિટયૂટમાં સ્કોટલેન્ડના વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર ફ્લેમિંગે વાઈરસ અને બેક્ટેરિયા ઉપર શોધ કરવા દરમિયાન પહેલી વખત પેનિસિલિન નામની એન્ટિબાયોટિકની શોધ કરી હતી. બીજા વિશ્વયુદ્ધમાં જ્યારે લાખો સૈનિકો સંક્રમણથી મરતા હતા ત્યારે પેનિસિલિન એક વરદાન સાબિત થઈ હતી. તેનાથી અગણિત સૈનિકોનો જીવ બચાવી શકાયો હતો. પેનિસિનિલ દ્વારા જ આધુનિક વિજ્ઞાનનો માર્ગ પ્રશસ્ત થયો અને એન્ટિબાયોટિક યુગની શરૂઆત થઈ. નવાઈની વાત એ છે કે, ૧૯૪૫ બાદ ફેલ્મિંગે જ ચેતવણી આપી હતી કે, એન્ટિબાયોટિક દવાઓનો અતિશય ઉપયોગ પ્રતિરોધ જન્માવશે અને દવાની અસર જ નહીં થાય.
ફ્લેમિંગની વાત હવે સાચી પડી રહી છે. તે સમયે જે કહેવામાં આવ્યું હતું તે હવે લોકો ભોગવી રહ્યા છે. ભારત જેવા દેશમાં એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ માથાનો દુ:ખાવો બની ગયો છે.
લોકો ડોક્ટરની સલાહથી એન્ટિબાયોટિક દવા લઈ લે છે અને ફરીથી બિમારી આવે ત્યારે જાતે જ તે દવા લઈ આવે છે. તે ઉપરાંત દવાઓનો ડોઝ ઓછો લે છે અથવા તો નાની-મોટી બિમારીમાં પણ તેનો ઉપયોગ કરવા લાગે છે. તેના કારણે શરીરમાં જે-તે બિમારીના બેક્ટેરિયા અને વાઈરસ ધીમે ધીમે દવાથી જ ટેવાઈ જાય છે અને તેઓ સુપરબગ બનીને સામે આવે છે. તેના કારણે લોકો વધારે બિમાર પડે છે.
સ્થિતિ એવી થાય છે કે, આ લોકોને સામાન્ય દવાઓ અસર કરતી નથી. તે ઉપરાંત એન્ટિબાયોટિકનો વધારે ડોઝ તેમના શરીરને વધારે જોખમમાં મુકે છે. લોકોને દવાનો ખર્ચ વધતો જાય છે પણ તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થતો નથી. આ દવાઓનો અતિશય ઉપયોગ ઉપરથી નવી બિમારીઓને જન્મ આપે છે. તેના પગલે લોકોના શરીરની સ્થિતિ એવી થઈ જાય છે કે, તેમને સામાન્ય ખાંસી, તાવ કે શરદી થયા હોય અથવા તો સામાન્ય ઈજા થઈ હોય તો તેમની સારવાર કરવી પણ મુશ્કેલ બની જાય છે. તેમને દવાઓ અસર જ કરતી નથી. પહેલાં જે બિમારીઓનો ઈલાજ સામાન્ય અને સસ્તી દવાઓથી થતો હતો તેની સારવાર લેવા માટે અને તેમાંથી બહાર આવવા માટે મોંઘાદાટ ઈન્જેક્શનો અને દવાઓ લેવા પડે છે. આ લોકોને સારવાર માટે વારંવાર તપાસ કરાવવી પડે છે, વારંવાર ડોક્ટર પાસે જવું પડે છે અને તેમના માટે વિવિધ કોમ્બિનેશનની દવાઓ બનાવવી પડે છે. આ દવાઓનો ડોઝ વધે તો શરીરમાં બીજી આડઅસરો થવા લાગે છે. વારંવાર એન્ટિબાયોટિક લેવાથી ચામડીમાં લાલ લાલ ઝીણી ફોડલીઓ થાય છે અને લાંબા સમય સુધી અવિચારી રીતે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે તો કિડની, લિવર અને પેટની સમસ્યાઓ પણ થઈ શકે છે.
ચિંતાજનક બાબત એ છે કે, આ દવાઓ જ્યારે શરીરમાં જાય છે ત્યારે બિમારીના વાઈરસને મારવાની સાથે સાથે સારા વાઈરસને પણ મારી નાખે છે. તાજેતરમાં આવેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે, દેશમાં દર વર્ષે સાત લાખ લોકો એન્ટિબાયોટિકની આડઅસરો અને તેનાથી સર્જાતી સુપરબગ સ્થિતિનો સામનો કરતા હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ અંદાજ માંડયો છે કે, જો આ સ્થિતિ ઉપર પકડ નહીં આવે અને લોકોમાં સુધારો નહીં થાય તો ૨૦૫૦ સુધીમાં ભારત સહિત વિશ્વમાં લગભગ એક કરોડ લોકોના દર વર્ષે મૃત્યુ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ બિમારીમાં ઉપયોગમાં લેવાતી દવાઓને ત્રણ ભાગમાં વહેંચી છે. પહેલી દવા જે સામાન્ય સંક્રમણ માટે સુરક્ષિત છે અને તેની શરીર ઉપર ખાસ કોઈ આડઅસર થતી નથી. બીજા ભાગમાં એવી દવાઓને રાખવામાં આવી છે જેનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ અને તેના માટે ડોક્ટરનું નિરિક્ષણ પણ જરૂરી છે. ત્રીજા વર્ગમાં એવી દવાઓ આવે છે જે માત્ર જીવન રક્ષક ગણાય છે અને તેને જીવ બચાવવા માટે જ ઉપયોગમાં લેવાય છે. તેના માટે તમામ ગાઈડ લાઈન્સનું પાલન કરવું પડે છે. સ્થિતિ એવી થઈ છે કે, મોટાભાગે આ કોઈ આદેશો અને નિયમોનું પાલન થતું નથી. કેટલાક લોદો દ્વારા પશુપાલન દરમિયાન પણ એન્ટિબાયોટિક દવાઓ પશુઓ અને મરઘીઓને આપવામાં આવે છે. માંસાહાર કરનારા લોકોમાં આ દવાઓની અસર ધરાવા પશુઓનું માંસ આવે છે અને તેના કારણે લોકોની તબિયત વધારે ખરાબ થાય છે.
યુએનના ખાદ્ય અને કૃષિ સંગઠન તથા ભારતના એઈમ્સ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, ભારતમાં એન્ટિબાયોટિકનો જે ઉપયોગ કરવામાં આવે છે તેમાંથી ૫૦ ટકા જેટલો ઉપયોગ પશુપાલન દરમિયાન કરવામાં આવે છે. દુધ આપનારા પશુઓને સંક્રમણથી બચાવવા માટે વારંવાર દવાઓ આપવામાં આવે છે. ૨૦૨૨માં આવેલા એક અભ્યાસમાં સામે આવ્યું હતું કે, જે પશુઓને વારંવાર એન્ટિબાયોટિક આપવામાં આવતા હતા તેમાંથી ૧૦-૧૨ ટકા પશુઓના દૂધના નમુનામાં એન્ટિબાયોટિકની હાજરી હતી. દેશમાં દર વર્ષે ૭૦ ટકાથી વધારે મરઘી ઉછેર કરનારા લોકો તેમના દાણામાં રોગપ્રતિકારક દવાઓ નાખે છે. સરકારે નિયમો અને કાયદા બનાવ્યા છે પણ તેનો યોગ્ય અમલ થતો નથી.
અધિકારીઓ અને ગુનેગારો વચ્ચેના મેળાપીપણામાં જ બધું ગોઠવાઈ જાય છે અને આ ધંધા ચાલ્યા કરે છે.
જાણકારો કહે છે કે, વૈશ્વિક સ્તરે અને ભારતમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું દર્દીઓ, ડોક્ટરો, હોસ્પિટલો, ખેડૂતો, પશુપાલકો દ્વારા અમલીકરણ કરવામાં આવે તો આ સ્થિતિ ઉપર આંશિક કાબુ મેળવી શકાય તેમ છે. જો તેમ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં લોકોને સ્વાસ્થ્યની મોટી સમસ્યાઓ નડશે.
ભારતમાં ફાર્મા સેક્ટરનું મોટું બજાર, સરકાર-કંપનીઓની ગોઠવણ આગળ બધું જ નકામું
જાણકારોના મતે ભારતમાં ફાર્મા સેક્ટરનું ખૂબ જ મોટું બજાર છે. આ બજાર કલ્પના કરતા પણ વધારે છે. અહીંયા વાઈરસજન્સ બિમારીઓ વધારે થતી હોવાથી અહીંયા એન્ટિબાયોટિકની દવાઓનું માર્કેટ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ફેલાયું છે. ૨૦૨૩માં આ બજાર ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનું હતું.
જાણકારો માને છે કે, જે રીતે દવાઓનો બેફામ ઉપયોગ થાય છે અને કોઈ સરકારી નિયંત્રણ આવતું નથી તેના કારણે ૨૦૩૦ સુધીમાં આ બજાર ૮૫,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી જાય તેમ છે.
ઉલ્લેખનીય છે કે, ભારત વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી વધુ એન્ટિબાયોટિક દવાઓ બનાવતો દેશ છે. ભારતમાં એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ દુનિયામાં સૌથી વધારે કરવામાં આવી રહ્યો છે. એક અહેવાલ પ્રમાણે દર વર્ષે ભારતમાં લોકો ૧૩૦૦ કરોડ જેટલા એન્ટિબાયોટિક દવાઓના ડોઝ અલગ અલગ બિમારીમાં લેતા હોય છે.
સરકારે ઘણા નિયમો લાગુ કર્યા છે અને ઘણી દવાઓ ઉપર પ્રતિબંધ મુક્યા છે છતાં બધું જ બજારમાં ઉપલબ્ધ છે. કેટલાક લોકો કહે છે કે, સરકાર અને ફાર્મા કંપનીઓના મેળાપીપણા ચાલી રહ્યા છે અને તેના કારણે જ દવાઓનું માર્કેટ મોટું થતું જાય છે. જે કંપનીઓને પાંચ-દસ રૂપિયામાં દવા બનીને રેડી થાય છે તે ૧૦૦ રૂપિયાની કિંમતે વેચવામાં આવે છે. આ ઉપરાંત લાઈફ સેવિંગ ડ્રગ્સ કે જેને જીવન રક્ષક દવાઓ કહેવાય છે તેમાં પણ સરકાર ભાવ ઘટાડવાની વાતો કરે છે પણ બધે તેનો અમલ થતો નથી. ભારતમાં માત્ર શરદી, ખાંસી અને તાવ જેવા રોગના જ વર્ષે ૩૫ કરોડથી વધારે દર્દીઓ હોય છે. તેની સામે ડોક્ટરોની સંખ્યા ઓછી છે અને તેથી નફાખોરી આ ધંધામાં પણ વધી રહી છે.
ઘણા ડોક્ટરો પણ ફાર્મા કંપનીઓ સાથે મળીને તેમની દવાઓ વેચવાના ધંધામાં જોડાઈ ગયા છે. હાલમાં ડોક્ટરોની સંખ્યા ૧૩ લાખ છે. તેમાંય ૧૦.૪ લાખ એલોપેથિક ડોક્ટરો અને ૪.૫ લાખ હોમિયોપેથિ, આયુર્વેદિક અને યુનાની ડોક્ટરો છે. દેશમાં ૧૦૦૦ની વસતી ઉપર એક ડોક્ટર હોવો જોઈએ પણ ભારતમાં તો ૦.૭ ડોક્ટરની સરેરાશ આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો આ સરેરાશ માત્ર ૦.૨ ડોક્ટરની છે.
બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, હાર્ટ, કિડની, લિવર, કેન્સર અને અનય્ ગંભીર બિમારીઓમાં જે દવાઓ અને અન્ય સામગ્રીનો ઉપયોગ થાય છે તેના ભાવ ઘટાડવાની જાહેરાતો થાય છે પણ લોકોને જોઈએ તેવો ફાયદો થતો નથી.
કંપનીઓ દ્વારા મોટાપાયે નફાખોરી કરવામાં આવે છે અને કોઈ કાયદો કે નિયમ તેને બાંધતા નથી. તેના કારણે દેશમાં લોકો પોતાની રીતે જે મળે તે દવા લઈને સાજા થવા પ્રયાસ કરી રહ્યા છે. તેના કારણે લોકોનું સ્વાસ્થ્ય વધારે જોખમાયું છે.


