- ભૌગોલિક સ્થિતિ, અવિચારી શહેરીકરણ, જંગલોનો નાશ અને અન્ય પરિબળોને પગલે ભારતમાં ઉત્તરોત્તર ગરમી વધશે
- જાણકારોના મતે ભારતમાં હીટવેવની જે સમસ્યા વકરી રહી છે તે પણ ખૂબ જોખમી છે. 1961થી 2021 સુધીની ગરમીની સરેરાશ જોવામાં આવે તો હીટવેવમાં 2.5 દિવસનો વધારો થયો છે. જાણકારો માને છે કે, જે રીતે ભારતમાં ગરમી વધી રહી છે તેના કારણે આ સદીના અંત સુધીમાં હીટવેવમાં 18 દિવસ સુધીનો વધારો થઈ શકે છે : ભારતમાં શહેરીકરણ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. તેના કારણે ગ્રીન કવર ઓછું થઈ રહ્યું છે. કોંક્રિટના જંગલોનો વધારો થતાં શહેરો હીટ આઈલેન્ડમાં ફેરવાઈ રહ્યા છે અને ગરમીમાં સખત વધારો થઈ રહ્યો છે. શહેરોમાં સમસ્યા એ થાય છે કે, કોંક્રિટ અને ડામર ગરમીને લાંબા સમય સુધી શોષી લે છે અને રાતના સમયે તેમાંથી ગરમી મુક્ત થવા લાગે છે અને ગરમીમાં વ્યાપક વધારો થાય છે : ભયાનક ગરમીના કારણે ઘણા લોકોનાં મોત થઈ રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે 1992થી 2015 દરમિયાન ભારતમાં જ લૂ લાગવાથી 24 હજારથી વધારે લોકોનાં મોત થયા હતા. તાજેતરમાં પણ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના કારણે સ્થિતિ વધારે વકરી રહી છે. તેનાથી હીટવેવની સમસ્યા વધારે ગંભીર બની છે
ગરમીના કારણે ચારે તરફ લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. આકાશમાંથી જાણે કે આગ વરસી રહી હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. તાજેતરમાં ભારતની સ્થિતિ સૌથી વધારે ખરાબ છે. રિયલ ટાઈમ ગ્લોબલ ટેમ્પ્રેચર રેંકિંગમાં દુનિયાના ટોચના ૧૦૦ સૌથી ગરમ શહેરોમાંથી ૯૮ શહેરો ભારતના આવે છે. તેવી જ રીતે એક્યુઆઈ ડોટ ઈન ઉપર લાઈવ રેન્કિંગમાં તો તમામ ૧૦૦ શહેરો ભારતના જ બતાવે છે. અનેક શહેરોમાં તાપમાન ૪૫ ડિગ્રીથી ઉપર અને ૪૮ ડિગ્રી સુધી જઈ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લા, મહારાષ્ટ્રના વિદર્ભમાં, રાજસ્થાન, તેલંગણા, ઓડિશા અને છત્તીસગઢમાં ગરમીના કારણે સ્થિતિ અત્યંત કફોડી થઈ ગઈ છે. તાજેતરમાં આવેલા નેચર પત્રિકાન
ા અહેવાલે પણ જણાવ્યું છે કે છેલ્લાં બે દાયકામાં ભારતમાં હીટવેવની તિવ્રતા અને તેનો સમય વધી ગયા છે. તે ઉપરાંત ગરમીના હોટસ્પોટ હવે નવા નવા વિસ્તારોમાં ફેલાઈ રહ્યા છે અને અલનીનો જેવી ઘટનાઓ વાતાવરણ વધારે ખરાબ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વિવિધ કારણોના લીધે જ હવે દર વર્ષે એપ્રિલ મહિનો શરૂ થતાં થતાં તો ભયાનક ગરમી પડવા લાગે છે. જાણકારોના મતે ભારતમાં હીટવેવની જે સમસ્યા વકરી રહી છે તે પણ ખૂબ જોખમી છે. ૧૯૬૧થી ૨૦૨૧ સુધીની ગરમીની સરેરાશ જોવામાં આવે તો હીટવેવમાં ૨.૫ દિવસનો વધારો થયો છે. જાણકારો માને છે કે, જે રીતે ભારતમાં ગરમી વધી રહી છે તેના કારણે આ સદીના અંત સુધીમાં હીટવેવમાં ૧૮ દિવસ સુધીનો વધારો થઈ શકે છે. તે ઉપરાંત મહત્તમ તાપમાનમાં પણ સખત વધારો જોવા મળશે. અત્યાર સુધીમાં ૨૦૨૪માં દિલ્હીના મુંગેશપુરમાં મહત્તમ તાપમાન ૫૨.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયેલું છે. આગામી વર્ષોમાં દેશના કોઈપણ સ્થળે, ખાસ કરીને પશ્ચિમ ભારતમાં ૫૫ ડિગ્રી સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ છે.
ભારતમાં ગરમીમાં જે વ્યાપક વધારો થયો છે તેની પાછળ એક નહીં પણ ઘણા કારણો જવાબદાર છે. તેમાં સૌથી પહેલું તો ભૌગોલિક કારણ છે. ભારત ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવે છે.
કર્ક રેખા અને મકર રેખાની વચ્ચે આવતા આ વિસ્તારમાં સામાન્ય રીતે જ ગરમી વધારે હોય છે. અહીંયા સુર્યના કિરણો સીધા પડતા હોવાથી તાપમાન સરેરાશ કરતા થોડું વધારે રહે છે. તે ઉપરાંત ઉત્તર પશ્ચિમ ભારત અને તેમાંય ખાસ કરીને રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં થારનું રણ છે જે ગરમીમાં ભયાનક સ્તરે તપે છે. તેમાંથી નીકળતી ગરમી લૂ બનીને સમગ્ર ભારતમાં તાપમાનનો પારો ઉંચો લઈ જતી હોય છે.
આ સિવાય જોઈએ તો ભારતમાં શહેરીકરણ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. તેના કારણે ગ્રીન કવર ઓછું થઈ રહ્યું છે. કોંક્રિટના જંગલોનો વધારો થતાં શહેરો હીટ આઈલેન્ડમાં ફેરવાઈ રહ્યા છે અને ગરમીમાં સખત વધારો થઈ રહ્યો છે. શહેરોમાં સમસ્યા એ થાય છે કે, કોંક્રિટ અને ડામર ગરમીને લાંબા સમય સુધી શોષી લે છે અને રાતના સમયે તેમાંથી ગરમી મુક્ત થવા લાગે છે. તેના પગલે શહેરી વિસ્તારોમાં ગામડાની સરખામણીએ તાપમાન વધારે રહે છે. તેમાંય દિલ્હી, નાગપુર, અમદાવાદ, ઈન્દોર, વિદર્ભ, જલગાંવ અને અન્ય શહેરોનું તાપમાન ગામડા કરતા ઘણું વધારે આવે છે. સરેરાશ આઠથી દસ ડિગ્રીનો તફાવત જોવા મળે છે.
ગરમી અને અન્ય કુદરતી સમસ્યાઓ વધવાનું એક મોટું કારણ જંગલોનો અવિચારી નાશ પણ છે. જંગલો અને વૃક્ષો કુદરતી એરકંડિશનર તરીકે કામ કરતા હોય છે.
શહેરોના વિકાસમાં જંગલોનું નિકંદન કાઢવામાં આવ્યું અને ધરતીનું કુદરતી કવચ ઓછું થઈ ગયું. ક્લાઈમેટ ઈમ્પેક્ટ સ્ટ્રેકરના એક અહેવાલ પ્રમાણે ભારતમાં ખેતીના વિસ્તાર અને ઔદ્યોગિકરણ તથા શહેરીકારણના નામે મોટપાયે જંગલોનો નાશ થયો છે. જંગલોનો નાશ થવાથી કુદરતી સંતુલન ખોરવાઈ રહ્યું છે. તાપમાન વધી રહ્યું છે, ઠંડી ઘટી રહી છે, વરસાદ પણ અનિયમિત થઈ ગયો છે. શહેરોમાં પણ ગ્રીન કવર ઘટી ગયું છે અને તેના કારણે ગરમીમાં વ્યાપક વધારો થયો છે.
ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ પણ ભારતમાં ગરમી વધવાનું એક મોટું પરિબળ છે. ૨૦૧૪થી ૨૦૨૩ની સમયગાળાને ભારતના સૌથી ગરમ દાયકા તરીકે નોંધવામાં આવ્યો હતો. આ દરમિયાન કાર્બન ડાયોક્સાઈડનું સ્તર ૪૨૫ પીપીએમના નવા સ્તરે પહોંચી ગયું હતું. ઈન્ટરગવર્નમેન્ટર પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જનો અહેવાલ જણાવે છે કે, હાલમાં વૈશ્વિક તાપમાન પૂર્વ ઔદ્યોગિક સમયગાળા કરતા ૧.૧ ડિગ્રી વધી ગયું છે. ૨૦૨૪માં મહાસાગરોની ગરમીમાં પણ છેલ્લાં ૬૫ વર્ષમાં સૌથી મોટો વધારો નોંધાયો હતો. ૧૯૬૦થી ૨૦૨૫ સુધીમાં મહાસાગરો જેટલા ગરમ નથી થયા તેનાથી વધારે પ્રમાણમાં છેલ્લાં બે દાયકામાં થયા છે. છેલ્લાં બે દાયકામાં મહાસાગરો ગરમ થવાનું પ્રમાણ બમણું થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, મોટાભાગે સમયાંતરે ભારતમાં અલ નીનોની અસર અને ચોમાસામાં વિલંબના કારણે પણ ગરમીના પ્રમાણમાં વધારો થઈ જાય છે. ઈતિહાસના આંકડા પણ જણાવે છે કે, ભારતમાં અલનીનોની અસર દરમિયાન ચોમાસું નબળું રહે છે. તેમાંય ૧૮૭૭માં સુપલ અલ નીનોના કારણે ભારતમાં લાખો લોકોના જીવ ગયા હતા. આ વખતે પણ અલ નીનોની અસર ભયાનક રહેવાના વરતારા છે. બીજી તરફ દેશમાં ઔદ્યોગિકરણો જે અંધાધૂંધ અને અવિચારી વિકાસ થયો તેના કારણે ગ્રીનહાઉસ ગેસમાં વ્યાપક વધારો થયો છે. ઉનાળામાં ઘર, મકાન, ઓફિસ, ગાડી અને બીજા વાહનો ઠંડા રાખવામાં એસી ચાલે છે, વીજળીની ડિમાન્ડ અને વપરાશ વધી જાય છે. તેના કારણે બહારની ગરમીમાં વધારો થાય છે.
ગરમીના કારણે સ્થિતિ એવી થઈ છે કે, લોકોને જીવ ગુમાવવાના વારા આવી રહ્યા છે. ભયાનક ગરમીના કારણે ઘણા લોકોનાં મોત થઈ રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે ૧૯૯૨થી ૨૦૧૫ દરમિયાન ભારતમાં જ લૂ લાગવાથી ૨૪ હજારથી વધારે લોકોનાં મોત થયા હતા. તાજેતરમાં પણ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના કારણે સ્થિતિ વધારે વકરી રહી છે. તેનાથી હીટવેવની સમસ્યા વધારે ગંભીર બની છે. તેના પગલે લોકોનાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આ સિવાય ખેતી અને મજૂરી કામ ઉપર પણ વ્યાપક અસર પડી છે. તેનાથી કૃષિ ઉત્પાદન ઘટયું છે, સ્વાસ્થ્ય ખર્ચ વધ્યો છે અને લોકોની આવકમાં પણ ઉતારચઢાવ જોવા મળી રહ્યા છે.
જાણકારોના મતે ભારતમાં અને ખાસ કરીને તેના શહેરી વિસ્તારોમાં દિવસની ગરમી અને લૂ કરતા રાતનું તાપમાન વધારે જીવલેણ બની રહ્યું છે. શહેરી વિસ્તારોમાં ગ્રીન કવર ઓછું છે અને કોંક્રિટના વિશાળ મકાનોના કારણે ગરમી ઉપર ઉઠતી જ નથી અને નીચે ભરાઈ રહે છે. રાત્રી દરમિયાન આ ગરમી શહેરોમાં અને ખાસ કરીને મકાનોમાંથી નીકળવા મથે છે પણ લોકોના ઘર બંધ હોય છે અને તેથી પૂરતું વેન્ટિલેશન મળતું નથી. તેના પગલે લોકો માટે આ ગરમી અસહ્ય થઈ જાય છે અને ઘણા કિસ્સામાં મોત પણ થવા લાગે છે.
ગરમીની ઋતુમાં સામાન્ય રીતે રાત્રે શરીર આરામ ઝંખે છે. આખો દિવસ ગરમી હોવાથી શરીર રાત્રે ઠંડુ પડવા પ્રયાસ કરે છે અને રિકવર થાય છે. સમસ્યા એ થાય છે કે, શહેરોમાં હવે રાતનું સરેરાશ તાપમાન પણ ૩૫થી ૩૭ ડિગ્રી જેટલું હોય છે. તેના કારણે શરીર અને મગજને આરામ મળતો નથી. તેમાંય નાના મકાનોમાં રહેતા ગરીબો, મિડલ ક્લાસના લોકો પાસે એસી લગાવવા જેવી વ્યવસ્થા હોતી નથી. આ લોકોના મકાન ઠંડા થતા નથી અને શરીર પણ તેના પગલે ગરમ રહે છે અને સ્થિતિ વધારે ખરાબ થવા લાગે છે. જાણકારોના મતે બહારની ગરમી કરતા ઘરની ગરમી શરીરને સરેરાશ વધારે નુકસાન કરે છે.
અમદાવાદમાં ઉનાળા દરમિયાન રાત્રીનું તાપમાન વધતા મોતના આંકડા વધી જાય છે
શહેરોમાં વકરી રહેલી ગરમી લોકો માટે જીવલેણ બની રહી છે તેનો અંદાજ છે પણ તેનું પ્રમાણ કેટલું ભયાનક છે તે તાજેતરમાં સામે આવ્યું હતું. ગાંધીનગરના ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થના એક અધિકારીએ આ વિશે ઉંડો અભ્યાસ કરીને એક અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં વિવિધ વિસ્તારોના તાપમાનમાં મોટો તફાવત જોવા મળે છે. બીજી તરફ અમદાવાદમાં દિવસની સરખામણીએ રાત્રીનું તાપમાન પણ અસહ્ય રીતે વધવા લાગ્યું છે. અમદાવાદમાં સામાન્ય દિવસોમાં વિવિધ કારણોના લીધે સરેરાશ લગભગ ૧૦૦ લોકોનાં મોત થાય છે. તેમાં ઉનાળામાં ગરમીનું કારણ વધારે પ્રબળ બની જાય છે. બીજી તરફ તેમણે એવું પણ જણાવ્યું કે જ્યારે દિવસનું તાપમાન ૪૫ ડિગ્રી અને રાત્રીનું તાપમાન ૨૮ ડિગ્રી સુધી હોય છે ત્યારે મોતનો આંકડો વધતો નથી. જેમ જેમ રાત્રીની ગરમીનું પ્રમાણ વધવા લાગે છે તેમ તેમ લોકોનાં મોતના આંકડા મોટા થતા જાય છે. રાત્રીનું તાપમાન ૨૮ ડિગ્રીથી વધવા લાગે અને ૩૦ ડિગ્રી સુધી પહોંચી જાય છે ત્યારે શહેરમાં મોતનો આંકડો ૧૬૫ સુધી જતો રહે છે. બીજી તરફ રાત્રીનું તાપમાન ૩૦ ડિગ્રીને પાર કરી જાય છે ત્યારે રોજિંદા મોતનો આંકડો ૨૬૫ થઈ જાય છે. તેમના મતે રાત્રી દરમિયાન મકાનો બંધ રાખીને ઉંઘવું, રહેવું અને ગરમી બહાર ન નીકળવી તે સ્વાસ્થ્ય માટે સૌથી જોખમી પરિબળ છે અને તેના કારણે લોકોને ભયાનક લૂ લાગે છે અને તેમના મૃત્યુની શક્યતાઓ વધવા લાગે છે.


