દુનિયામાં ફરીવાર માથું ઉચકી રહી છે કોરોનાની નવી લહેર
- ચીન, થાઈલેન્ડ, સિંગાપુર, હોંગકોંગમાં એકાએક કેસમાં વધારો નોંધાતા દુનિયાભરમાં ચિંતા : આ દેશોમાં ભારતીયો વેકેશન માણવા ઉમટેલા છે, પરત આવનાર કેરિયર પણ સાબિત થવાની શક્યતા
- સિંગાપુરમાં 15,000 જ્યારે થાઈલેન્ડમાં 33,030 અને બેંગકોકમાં 6,000 નવા કેસ નોંધાયા : વાઈરસના નવા વેરિયન્ટ્સ પણ જોવા મળ્યા, જાણકારોના મતે એશિયાના સાઉથ ઈસ્ટર્ન ભાગમાં કોરોનાની નવી લહેર : જે વાઈરસ વેરિયન્ટ ઓમિક્રોન દ્વારા રસી બનાવાઈ હતી તે જ વેરિયન્ટ વશ1 હવે રોગ બનીને આગળ વધી રહ્યા છે, રસીની અસરને પણ આ વાઈરસ બિનઅસરકારક પુરવાર કરી રહ્યો છે
કોવિડ-૧૯ કે કોરોના મહામારી જે પાંચ વર્ષ પહેલાં દુનિયા માટે દુ:સ્વપ્ન બનીને આવી હતી તે હજી પણ નામશેષ થઈ નથી. હાલમાં પણ દુનિયાના વિવિધ દેશોમાં તેના છુટાછવાયા કેસ નોંધાય છે. તાજેતરમાં આ મહામારી એકાએક ફરી ચર્ચામાં આવી છે. તેનું કારણ એવું છે કે, છેલ્લાં પંદર દિવસમાં એશિયાના દેશોમાં કોરોનાના કેસમાં એકાએક તોતિંગ વધારો નોંધાય છે. ખાસ કરીને કોરોનાના ઉત્પત્તિ સ્થાન એવા ચીનમાં કોરોનાના મોટાપાયે કેસ આવ્યા છે પણ ચીન આ અંગે ઢાંકપીછોડ કરી રહ્યું છે. બીજી તરફ હોંગકોંગ, સિંગાપુર, થાઈલેન્ડમાં પણ કોરોનાના કેસમાં વ્યાપક વધારો નોંધવામાં આવ્યો છે. જાણકારોના મતે હાલમાં ભારતીયો મોટી સંખ્યામાં આ દેશોમાં વેકેશન માણવા ઉમટેલા છે. તેમને ચેપ લાગવાની અને તેમના થકી આ ચેપ ભારતમાં ફેલાવાની પણ પૂરતી શક્યતાઓ રહેલી છે. ભારતમાં હાલમાં એક્ટિવ કેસ ઓછા છે પણ એકાએક વધારો થઈ શકે છે તે વાતને કે ચિંતાને નકારી શકાય નહીં.
અહેવાલો પ્રમાણે ચીન અને થાઈલેન્ડમાં મોટો ઉછાળો છે પણ ચીન દ્વારા કેસોની સંખ્યા અને સ્થિતિ વિશે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. એક અહેવાલ એવું પણ જણાવે છે કે, કોરોના હવે લોકલાઈઝ થઈ ગયો છે. તે વિવિધ વિસ્તારો અને પ્રદેશોમાં સામાન્ય ફ્લૂની જેમ ચાલી રહ્યો છે. તેને હવે પબ્લિક ઈમર્જન્સી ગણી શકાય નહીં. જાણકારો માને છે કે, ચોક્કસ સમયસીમા બાદ વાઈરસ લોકલ થઈ જાય છે અને લોકોમાં નવી નવી ફ્લૂ જેવી સામાન્ય બિમારી પેદા કરતા હોય છે. આવી સામાન્ય બિમારીઓની ચિંતા કરવાની હોતી નથી, પણ સમસ્યા ત્યારે થાય છે જ્યારે વાઈરસના કારણે ફેલાતી આ બિમારીની સંખ્યા અને ગંભીરતા વધવા લાગે છે. તેમાં થતો અચાનક વધારો ચોક્કસ ચિંતાજનક હોય છે. હાલમાં છેલ્લાં પંદર દિવસમાં કોરોનાના કેસ જે રીતે વધ્યા છે તે સ્પષ્ટ જણાવે છે કે, એશિયામાં આ સ્થિતિને હળવાશથી લઈ શકાય તેમ નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે હોંગકોંગમાં કોરોનાના કેસમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે. તેમાં જે રીતે કેસ વધી રહ્યા છે તે જણાવે છે કે, હોંગકોંગમાં કોરોનાની નવી લહેરમાં આવી છે. સ્થાનિક સ્વાસ્થ્ય સુરક્ષા કેન્દ્રોના આંકડા પ્રમાણે માર્ચ મહિનામાં કોરોનાનો સંક્રમણ દર ૧.૭ ટકા હતો જે મે મહિનાના અંતમાં ૧૧.૪ ટકા પહોંચી ગયો છે. આ આંકડો મોટો છે. ખાસ કરીને ઓગસ્ટ ૨૦૨૪ પછી કોરોનાના કેસમાં થયેલો વધારો ચિંતાજનક છે. અખબારી અહેવાલો જણાવે છે કે, છેલ્લાં એક મહિનામાં ૩૦થી વધુ મોત થયા છે અને અંદાજે ૮૦ લોકો હજી પણ સિરિયસ છે. હોંગકોંગના સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા કોરોનાના વધતા વ્યાપ અંગે ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
વાત એવી છે કે, કોરોનાના ટેસ્ટિંગ દરમિયાન પોઝિટિવ કેસ આવવાનો દર પણ એક વર્ષની ટોચે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, પોઝિટિવ આવનારા કેસમાં ૮૩ ટકા લોકો ૬૫ વર્ષ કે તેથી વધારે ઉંમરના છે. તેમાંથી ૯૦ ટકા લોકો પહેલેથી જ સ્વાસ્થ્ય સંબંધિત જૂની બિમારીઓથી પીડાઈ રહેલા છે. હાલમાં જે કેસ વધ્યા છે તે બે વર્ષ દરમિયાન નોંધાયેલા કેસના સ્તરે પહોંચ્યા નથી પણ એકાએક થયેલો વધારો ચિંતાજનક સ્તરે છે. જાણકારો માને છે કે, હોસ્પિટલાઈઝેશનમાં વધારો, આઈસોલેશન સેન્ટરોમાં વધારો, મોટી હોસ્પિટલોમાં કેસ ટ્રાન્સફર કરવા જેવી બાબતો જણાવે છે કે, ૭૦ લાખથી વધુની વસતી ધરાવતા શહેરમાં કોરોના ફરી માથું ઉચકી રહ્યો છે.
એશિયાના બીજા દેશની વાત કરીએ તો સિંગાપુરમાં પણ કોરોનાના એક્ટિવ કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. માત્ર મે મહિનાના ત્રણ અઠવાડિયામાં જ કોરોનાના કેસમાં ૨૮ ટકા જેટલો તોતિંગ વધારો થયો છે. હાલમાં કોરોનાના એક્ટિવ કેસ ૧૪,૨૦૦ને વટાવી ગયા છે. જાણકારોના મતે જાહેર નહીં થયેલા અથવા જાતે જ હોમ ક્વોરન્ટાઈન થયેલા લોકોની સાથે જોવામાં આવે તો આ આંકડો ૧૫,૦૦૦ને પાર પહોંચી ગયો છે. બીજી ચિંતાજનક બાબત એ પણ છે કે, દરરોજ હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યામાં પણ ૩૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. સૂત્રોના મતે સિંગાપુરમાં ન્ખ.૭ અને શમ્.૧.૮ નામના નવા વેરિયન્ટ જોવા મળી રહ્યા છે જે મુખ્યત્વે વશ.૧ સ્ટ્રેન સાથે જાડાયેલા છે. આ વાઈરસના નવા વેરિયન્ટ ઝડપથી ફેલાવો કરી રહ્યા છે. જાણકારો એવું પણ માને છે કે, વાઈરસ ફેલાવાની ઝડપ કરતા લોકોની ઈમ્યુનિટીમાં મોટાપાયે ઘટાડો થયેલો છે અને કદાચ તેના કારણે પણ વાઈરસના ચેપમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.
એશિયાના અન્ય દેશોની વાત કરીએ તો ત્યાં પણ રોગના પ્રમાણમાં વધારો થયો જ છે. બેંગકોકમાં ૬ હજાર કેસ નોંધવામાં આવ્યા છે. તેવી રીતે થાઈલેન્ડમાં પણ કોરોનાએ એકાએક માથુ ઉચકતા નવા કેસની સંખ્યા ૩૩,૦૩૦ સુધી પહોંચી ગઈ છે જે વધારે પણ થઈ શકે છે. હાલમાં પર્યટન સ્થળોએ અને જાહેર સ્થળોએ ચેતવણી ઉચ્ચારવામાં આવી ગઈ છે અને કોરોનાના ટેસ્ટિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ સ્વાસ્થ્ય અધિકારીઓએ રસીકરણ ઉપર ફરી ભાર મુકવાનો આગ્રહ કર્યો છે. તેઓ માને છે કે, બુસ્ટરડોઝ આપવાની ફરીથી શરૂઆત કરાવવી જોઈએ અને લોકોને પણ તેના માટે પ્રેરિત કરવા જોઈએ. થાઈલેન્ડમાં સોંગક્રાન ફેસ્ટિવલ બાક ચેપ વકર્યો છે. આ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ત્યાંથી જ વાઈરસ વધારે ફેલાયો હોવાનું જાણકારો માને છે.
બીજી તરફ ચીને પોતાના આડોડાઈ ચાલુ જ રાખી છે. તેમાં જાન્યુઆરી મહિનાથી કોરોનાના નવા કેસ આવવા લાગ્યા છે પણ તેના વિશે કોઈ વૈશ્વિક માહિતી કે આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. તેમ છતાં સૂત્રોના મતે માર્ચ મહિનાથી શરૂ કરીને મે મહિનાના અંત સુધીમાં ચીનમાં કોરોનાના કેસમાં બમણો વધારો થયો છે. તેવી જ રીતે હોસ્પિટલમાં સારવાર કરાવનારા અને કોરોના પોઝિટિવ આવનારા લોકોની સંખ્યા પણ બમણી થઈ ગઈ છે. સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા જાણાકારોના મતે ચીન, થાઈલેન્ડ, હોંગકોંગ જેવા દેશોમાં આ બિમારી અને મહામારી ફરી માથુ ઉચકી રહી છે તેનું એક કારણ વેક્સિનેશનનો અભાવ પણ છે. અહીંયા લોકો દ્વારા બુસ્ટરડોઝ લેવામાં જે ઉદાસિનતા દાખવવામાં આવી હતી તે હાલમાં નડી રહી છે. વચ્ચે પણ સરકારોએ રસીકરણની ઝુંબેશ ચલાવી હતી પણ લોકો તેમાં સહભાગી થયા નહોતા.
તેના કારણે જ લોકોની ઈમ્યુનિટી ઝડપથી ઘટી રહી છે અને તેઓ કોરોનાના નવા વેરિયન્ટના કેસમાં એકાએક મોટા વધારો નોંધાવા લાગ્યો છે.
કોરોનાનો સ્ટ્રેન વશ1 માણસોની ઈમ્યુનિટી ઓછી કરી નાખે છે
સ્વાસ્થ્ય સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોનાનો નવો વેરિયન્ટ જોવા મળી રહ્યો છે તે મૂળ તો સ્ટ્રેન વશ૧માંથી આવેલા છે. આ બંને વેરિયન્ટ માણસોની ઈમ્યુનિટી સિસ્ટમ ઉપર સીધો જ એટેક કરે છે અને તેને ઓછી કરી નાખે છે. જાણકારોના મતે વશ૧ હકિકતે તો ઓમિક્રોન મ્છ૨.૮૬નો જ એક સ્ટ્રેન છે. ઓગસ્ટ ૨૦૨૩માં આ ઓમિક્રોન અને તેનો સ્ટ્રેન જોવા મળ્યો હતો. તે સમયે પણ આ સ્ટ્રેન ઈમ્યુનિટી જ ઘટાડતો હોવાની નોંધ લેવાઈ હતી. અમેરિકી સ્વાસ્થ્ય જાણકારોએ ચેતવણી ઉચ્ચારી છે કે, આ સ્ટ્રેનના ૩૦ જેટલા મ્યુટેશન છે. નવો વેરિયન્ટ અને સ્ટ્રેન પહેલાના સ્ટ્રેનની સરખામણીએ વધારે શક્તિશાળી થઈ ગયો છે. તે ઝડપથી અને મોટી સંખ્યામાં ફેલાઈ રહ્યો છે. હાલમાં દુનિયામાં ચાલી રહેલા કોરોનાના એક્ટિવ કેસમાં આ વેરિયન્ટ સૌથી સામાન્ય છે. તે મોટાભાગે દુનિયામાં ફેલાઈ ગયો છે અને તેના દ્વારા જ સંક્રમણ વધી રહ્યું છે. જાણકારો એવું પણ માને છે કે, કોરોનાની પીક ચાલતી હતી ત્યારે દુનિયાભરમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. તે સમયે લોકોને જે રસી આપવામાં આવી હતી તે રસી હાલમાં વશ૧ને ખાસ અસર કરતી હોય તેમ લાગતું નથી.
આ નવો વિકસિત થયેલો સ્ટ્રેન વશ૧ રસીની અસરને ખાળીને આગળ વધી રહ્યો છે તેથી તેના માટે નવી બુસ્ટર રસીની જરૂર પડી શકે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.
બેદરકારી ભારે પડી શકે છે
ભારતમાં હાલમાં કોરોનાના નવા કેસની સંખ્યા ઓછી છે. હાલમાં ૨૫૭ એક્ટિવ કેસ છે અને મોટાભાગના હોમ આઈસોલેશનમાં જ રહેલા કેસ છે. જાણકારોના મતે નવો વેરિયન્ટ અસર કરી રહ્યો છે પણ હાલમાં ભારતમાં ચિંતા કરવા જેવી નથી. બીજી તરફ તાજેતરમાં મળેલી નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલની બેઠકમાં જણાવાયું હતું કે, હાલમાં કેસ ઓછા છે પણ એશિયાના અન્ય દેશોમાં જે ઝડપથી કેસ વધી રહ્યા છે તે જોતાં બેદરકારી રાખવી યોગ્ય નથી. ખાસ કરીને હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે. ઘણા લોકો અને પરિવારો દ્વારા સિંગાપુર, થાઈલેન્ડ, બેંગકોક, પતાયા, હોંગકોંગ, બાલી, ઈન્ડોનેશિયા જેવા દેશોમાં ટ્રાવેલિંગ કરવામાં આવી રહ્યું છે. આ દેશોમાં ફરવા ગયેલા અને પાછા આવી રહેલા લોકોની તપાસ થવી જોઈએ અથવા તો તેમણે જાત તપાસ કરાવીને સ્વાસ્થ્યની ખાતરી કરી લેવી જોઈએ. હાલમાં મુંબઈમાં એક્ટિવ કેસ વધ્યા છે અને ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે તે જોતાં આ રાજ્યોમાં તાકીદે પગલાં લેવાય અને ટેસ્ટિંગ તથા ટ્રિટમેન્ટમાં ઝડપ લાવવામાં આવે તેમ દેખાઈ રહ્યું છે.