સાઉથ પાર્સમાં થયેલા હવાઈ હુમલા બાદ ઈરાન કુવૈત પર હુમલો કરતા સ્થિતિ વણસી, અમેરિકા-ઈઝરાયેલમાં તડા
હુમલા બાદ ટ્રમ્પનું સતત રટણ રહ્યું છે કે, અમેરિકા આ હુમલા વિશે કશું જાણતું ન હતું. બીજી તરફ નેતન્યાહુએ જણાવ્યું કે, ઈઝરાયેલના હુમલા અંગે અમેરિકાને ખબર જ હતી અને સંયુક્ત રીતે જ નક્કી કરાયું હતું. બીજી બાબત એ છે કે, આ યુદ્ધમાં ઈઝરાયેલ દ્વારા અમેરિકાને ખેંચવામાં આવ્યું છે તે વાત પણ પાયા વિહોણી છે : ભૌગોલિક રીતે કુદરતી ગેસનો ખજાનો ધરાવતો વિશાળ ભાગ ઈરાન અને કતારની વચ્ચે દરિયામાં આવેલો છે. ૯૭૦૦ વર્ગ કિલોમીટરમાં બે ભાગ કરાયા છે. તેમાં સાઉથનો ભાગ ઈરાન પાસે અને નોર્થનો ભાગ કતાર પાસે છે. કહેવાય છે કે, આ કુલ ભાગમાં અંદાજે ૧૮૦૦ ટ્રિલિયન ક્યૂબિક મીટર ગેસ રહેલો છે : કતાર પર થયેલા હુમલામાં કતારની ન્શય્ નિકાસ ક્ષમતાનો ૧૭% હિસ્સો બરબાદ થયો હોવાના અહેવાલો છે. આ હુમલાના કારણે કતારને વાર્ષિક ૨૦ અબજ ડૉલરનું નુકસાન થવાનો અંદાજ છે. આ નુકસાનને કારણે ચીન, ભારત અને યુરોપના દેશોને થતી ગેસની સપ્લાય જોખમમાં મૂકાઈ છે
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં હવે ઓળિયોઘોળિયો ઈઝરાયેલ ઉપર આવી રહ્યો છે. તાજેતરમાં એવા અહેવાલ આવ્યા છે કે, ઈઝરાયેલે યુદ્ધની લક્ષ્મણ રેખા પાર કરી દીધી અને દુનિયાના સૌથી મોટા ગેસ ભંડાર સાઉથ પાર્સ ઉપર હુમલો કરી દીધો. તેનાથી ગિન્નાયેલા ઈરાને હવે કતાર અને સાઉદી અરબમાં આવેલા એનર્જી ઈન્ડસ્ટ્રીના મહત્ત્વના ગણાતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર હુમલો કરી દીધો છે. દોહાના રાસ લફાન ઈન્ડસ્ટ્રીયલ સિટીમાં ભારે નુકસાન થયાના અહેવાલો સામે આવ્યા છે. તેના કારણે યુરોપના દેશોમાં ચિંતા વધવા લાગી છે. અહીંયા મુશ્કેલી સર્જાશે તો યુરોપમાં ગેસની તંગી આકરી થઈ જશે. આ હુમલામાં કતારની ન્શય્ નિકાસ ક્ષમતાનો ૧૭% હિસ્સો બરબાદ થયો હોવાના અહેવાલો છે. આ હુમલાના કારણે કતારને વાર્ષિક ૨૦ અબજ ડૉલરનું નુકસાન થવાનો અંદાજ છે. આ નુકસાનને કારણે ચીન, ભારત અને યુરોપના દેશોને થતી ગેસની સપ્લાય જોખમમાં મૂકાઈ છે.
આ ઘટનાથી અમેરિકા બરાબર અકળાયું છે. અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે આ ઘટનાને પગલે તડા પડયા હોય તેમ લાગી રહ્યું છે. અમેરિકાએ નિવેદન આપ્યું કે, ઈઝરાયેલે સાઉથ પાર્સ ઉપર હુમલો કર્યો તેની જાણકારી તેમની પાસે નથી. અમેરિકાને વિશ્વાસમાં લીધા વગર આ હુમલા કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, આ હુમલાની અમને અગાઉથી જાણ નહોતી. બીજી તરફ, ઈઝરાયલનો દાવો છે કે, આ હુમલો કરવા માટે બંને દેશે વાતચીત કરી હતી. સંયુક્ત રીતે જ હુમલા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ મુદ્દે બંને દેશના વડા વચ્ચે થયેલી શાબ્દિક ખેંચતાણ હાલમાં વૈશ્વિક ધોરણે ચર્ચાને ચકડોળે ચઢી છે. વિશ્વના સૌથી મોટા ગેસ ફિલ્ડ એવા ઈરાનના સાઉથ પાર્સ પરના હુમલા બાદ ટ્રમ્પનું સતત રટણ રહ્યું છે કે, અમેરિકા આ હુમલા વિશે કશું જાણતું ન હતું. બીજી બાબત એવી છે કે, આ હુમલાની માહિતી બહાર આવ્યા બાદ તેમણે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને સીધી ચેતવણી આપી દીધી હતી. જાણકારોના મતે ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાનના ગેસ ફિલ્ડ પર હવે વધુ હુમલા ના થવા જોઈએ. હું તમને આવું નહીં કરવાની સલાહ આપું છું.
બીજી તરફ નેતન્યાહુ પણ અકળાયેલા છે. તેમણે ટ્રમ્પ અને અમેરિકાના દાવાને ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું કે, ઈઝરાયેલના હુમલા અંગે અમેરિકાને ખબર જ હતી અને સંયુક્ત રીતે જ નક્કી કરાયું હતું. બીજી બાબત એ છે કે, આ યુદ્ધમાં ઈઝરાયેલ દ્વારા અમેરિકાને ખેંચવામાં આવ્યું છે તે વાત પણ પાયા વિહોણી છે. અમેરિકાને શું કરવું કે ન કરવું તેની તેને જાણ છે. તેના પોતાના લક્ષ્ય જુદા છે. જો કે, અમેરિકી ચેતવણી અંગે તેમણે આડકતરો સ્વીકાર કરીને ફરી આવી કામગીરી નહીં કરવાની પણ જાહેરાત કરી હતી. બંને નેતાઓના આ નિવેદનો બાદ તેમની વચ્ચે તડા પડયા હોવાની વાત ફરતી થઈ છે. સમગ્ર વિશ્વમાં આ ચર્ચા ચાલી છે. જોકે અમેરિકા તેને દબાવવા પ્રાયસ કરે છે. અમેરિકાને નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેક્ટર તુલસી ગાબાર્ડે નિવેદન આપતા કહ્યું હતું કે, બંને દેશોના લક્ષ્ય જુદા છે છતાં બંને દેશો એકબીજાના ખાસ મિત્રો છે. અમેરિકાના વોર સેક્રેટરી પીટ હેગસેથે પણ મિત્રતાનું રટણ કર્યું હતું.
ચિંતાજનક એ છે કે, ઈઝરાયેલના આ હુમલાને પગલે પશ્ચિમ એશિયાનું આ યુદ્ધ વધારે આકરું થઈ રહ્યું છે. ઈરાને રોષે ભરાઈને જે રીતે કતાર ઉપર હુમલા કર્યા છે તેનાથી ખાડી દેશો અને યુરોપમાં ભયનો માહોલ છે. મહત્ત્વની વાત એ છે કે, ઈરાનનો સાઉથ પાર્સ અને કતારનો રાસ લફાન દુનિયાના સૌથી મોટા કુદરતી ગેસના ભંડાર છે. ફારસની ખાડી નીચે આ ક્ષેત્રો આવેલા છે. ઈરાન અને કતારે પારસ્પરિક રીતે આ ભંડારની વહેંચણી કરેલી છે. હવે જો આ કોઈપણ ભાગ ઉપર હુમલો કરવામાં આવે તો ઈરાન ગુસ્સે થઈને વળતો હુમલો કરે તે સ્વાભાવિક છે.
ફારસની ખાડી નીચે આવેલા કુદરતી ગેસના આ ભંડારના બે ભાગ છે. તેમાં ઉત્તરનો ભાગ એટલે કે નોર્થ ફિલ્ડ કતાર પાસે છે. તેવી જ રીતે સાઉથ પાર્સ એટલે કે દક્ષિણનો ભાગ ઈરાન પાસે છે. કતારના ભાગમાં રાસ લફાન આવેલું છે. અહીંયાનું મુખ્ય ઈન્ડસ્ટ્રીયલ કેન્દ્ર ગણાય છે. અહીંયા ગેસ ઉપર પ્રોસેસ કરવામાં આવે છે. તે અંદાજે ૬૦૦૦ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે. આ કેન્દ્રને કતારના અર્થતંત્રની કરોડરજ્જુ કહેવામાં આવે છે. આ ગેસફિલ્ડની મદદથી જ કતાર દુનિયામાં ત્રીજા ક્રમનો સૌથી મોટો એલએનજીનો નિકાસકાર દેશ બનેલો છે.
આમ જોઈએ તો રાસ લફાન ઈન્ડસ્ટ્રીયલ સિટી માત્ર રાલ સફાન માત્ર એક જગ્યા નથી. દુનિયામાં એનર્જી સેક્ટરનું સૌથી મોટું કેન્દ્ર અને નિકાસ કેન્દ્ર છે. દરિયાના પેટાળમાંથી નીકળતો ગેસ પાઈપ દ્વારા રાસ લફાન આવે છે. અહીંયા તેને ઠંડો કરીને લિક્વિડ ફોર્મમાં લાવવામાં આવે છે. તેને એલપીજી બનાવીને જહાજો દ્વારા દુનિયાભરના દેશોમાં મોકલવામાં આવે છે.
કતાર ગેસ એટલે કે કતાર એનર્જી એલએનજીના મોટા પ્લાન્ટ, પેટ્રોકેમિકલ્સના કારખાના અને દુનિયાનો સૌથી મોટો એલએનજીની નિકાસ કરતો પોર્ટ આવેલો છે. હાલમાં કતાર નોર્થ ફિલ્ડ ઈસ્ટ અથવા તો ર્નોર્થ ફીલ્ડ સાઉથ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યું છે. તેના કારણે તેની એલએનજી ઉત્પાદનની ક્ષમતા ૭૭ મિલિયન ડોલરથી વધી ૧૨૬ મિલિયન ડોલર ટન પ્રતિ વર્ષ પહોંચી જવાની ધારણા છે.
ચિંતાજનક વાત એ છે કે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલી આડોડાઈ હવે દુનિયાભરને ભોગવવાની આવે તેમ છે. અમેરિકા અને ઈઝરાયેલથી ગિન્નાયેલું ઈરાન હવે તેમના સાથી દેશો કતાર અને સાઉદીના એનર્જી સેક્ટરને ટાર્ગેટ કરી રહ્યું છે. તાજેતરમાં કતારના મુખ્ય એનર્જી સેન્ટર ગણાતા રાસ લફાન ઈન્ડસ્ટ્રીયલ સિટી ઉપર હુમલો કરવામાં આવ્યો. અહીંયા બેલાસ્ટિક મિસાઈલથી હુમલો કરતા વ્યાપક નુકસાન થયું છે અને મોટાપાયે આગ લાગી છે. તેને કાબુ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ એવો અહેવાલ છે કે, ઈરાને સાઉદી અને કતાર ઉપર હુમલા કર્યા બાદ ઈઝરાયેલે ઈરાનના સાઉથ પાર્સ ઉપર હુમલો કર્યો છે.
બીજી તરફ સાઉદીએ દાવો કર્યો છે કે, ઈરાન દ્વારા વધારે ડ્રોન્સ મોકલવામાં આવ્યા હતા પણ તેને તોડી પાડવામાં આવ્યા છે. તેઓ એનર્જી સેક્ટરને બરબાદ કરવાના ઈરાદે જ મોકલવામાં આવ્યા હોય તેમ જણાતું હતું. આ દરમિયાન કેટલીક મિસાઈલ પણ તોડી પડાઈ હતી.
તેમાંથી એક બેલાસ્ટિક મિસાઈલનો કાટમાળ રિયાધના સાઉથમાં આવેલા એક રિફાઈનરી પાસે પડયો હતો. સાઉદીએ જણાવ્યું હતું કે, જરૂર જણાશે તો અમે પણ સૈન્ય પગલાં લેવા માટે સજ્જ છીએ. અમે અમારા દેશોના આર્થિક સંસાધનોના રક્ષણ માટે કોઈપણ હદે જઈશું. દેશની સુરક્ષા માટે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે.

- 9700 વર્ગ કિ.મીમાં ફેલાયેલા ભંડાર 13 વર્ષ સુધી દુનિયાને ગેસ આપી શકે
સાઉથ પાર્સની વાત કરવામાં આવે તો આ ગેસ ફિલ્ડ ઈરાન અને કતારની વચ્ચે આવેલો જ એક ભાગ છે. ભૌગોલિક રીતે કુદરતી ગેસનો ખજાનો ધરાવતો વિશાળ ભાગ બંને દેશોની વચ્ચે દરિયામાં આવેલો છે. ૯૭૦૦ વર્ગ કિલોમીટરમાં આ ભાગ ફેલાયેલો છે. આ ભાગને કાલ્પનિક સરહદ દ્વારા સમુદ્રમાં જ બે ભાગમાં વહેંચવામાં આવી છે. તેમાં સાઉથનો ભાગ ઈરાન પાસે છે.
કહેવાય છે કે, આ કુલ ભાગમાં અંદાજે ૧૮૦૦ ટ્રિલિયન ક્યૂબિક મીટર ગેસ રહેલો છે. સામાન્ય રીતે જોવા જઈએ તો દુનિયામાં રહેલા કુદરતી ગેસના અધિકારિક ભંડારો મુજબ માત્ર ૮ ટકા જ થાય છે. તેમ છતાં તેને દુનિયાના એનર્જી સેક્ટરનો સ્તંભ માનવામાં આવે છે. અહેવાલો પ્રમાણે તેમાં હાલમાં પણ એટલો ગેસ રહેલો છે કે, આગામી ૧૩ વર્ષ સુધી સમગ્ર દુનિયાને તેનો સપ્લાય કરી શકાય તેમ છે. સાઉથ પાર્સન ઈરાનની લાઈફલાઈન કહેવામાં આવે છે. ઈરાનના અસાલુયેહમાં સાઉથ પાર્સ દેશના કુલ પ્રાકૃતિક ગેસ પ્રોડક્શનનો લગભગ ત્રીજા ધરાવે છે.
આ ગેસ દ્વારા જ ઈરાનની વીજળી, હીટિંગ અને પેટ્રોકેમિકલ્સની ઈન્ડસ્ટ્રી ધમધમે છે. સાઉથ પાર્સ ગેસ ફિલ્ડનો ઈરાનવાળો ભાગ મજબૂત છે. તેને દુનિયાનો સૌથી મોટો ગેસ સ્ટોરેજ માનવામાં આવે છે. જે સંપૂર્ણ રીતે સમુદ્ર તટની નીચે છે. તે ઈરાનના કિનારાથી ૧૦૦ કિલોમીટર દૂર ફારસની ખાડીમાં છે. તેનો કુલ વિસ્તાર ૩૭૦૦ વર્ગ કિલોમીટર છે. તેમાં અંદાજે ૧૪.૨ ટ્રિલિયન ક્યૂબિક મીટર નેચરલ ગેસ છે. તે ઉપરાંત ૧૮ બિલિયન બેરલ ગેસ કંડેનસેટ પણ રહેલું છે. તે ઈરાનના કુલ ગેસ ભંડારનો ૪૦ ટકા ભંડાર છે. તે ઉપરાંત વિશ્વના કુલ ગેસ ભંડારનો ૮ ટકા ભંડાર છે. ઈરાને તેને સમયાંતરે અને તબક્કાવાર વિકસિત કર્યો છે. હાલમાં તે ૨૪ ફેઝમાં વિકસિત થયેલો વિભાગ છે. અસાલુયેહ અને કાંગન તેના મુખ્ય કિનારાના પ્રોસેસિંગ કેન્દ્રો છે. ઈરાન માટે એનર્જી સિક્યોરિટી અને પેટ્રોકેમિકલ્સ ઉત્પાદનનો મુખ્ય આધાર આ પ્રદેશ છે. ઈરાનના પણ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન સાઉથ પાર્સ તેના માટે અત્યંત કિમતી છે. તેના ઉપર હુમલા કરવામાં આવે તે ઈરાન કયારેય સાંખી લે તેમ નથી.


