For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગેંગસ્ટર માહતોએ રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા 60 વર્ષે લગ્ન કર્યા

Updated: Mar 22nd, 2024

Article Content Image

- માહતોની એન્ટ્રીથી બિહારના રાજકારણમાં ગરમી આવી ગઈ છે, માહતો સામે હત્યા, લૂંટ, અપહરણ વગેરેના 100થી વધુ કેસો નોંધાયેલા છે પણ મોટાભાગના કેસમાં કશું થયું નથી

- અશોક માહતો બિહારનો સૌથી ખતરનાક ગેંગસ્ટર મનાય છે. 1990ના દાયકામાં લાલુએ જ્ઞાતિવાદના જોરે બિહારના રાજકારણમાં પગ જમાવ્યા પછી ઉચ્ચ મનાતી જ્ઞાતિના નેતાઓનું વર્ચસ્વ તોડવા મુસ્લિમ તથા પછાત જ્ઞાતિઓના ગુંડાઓને પોષીને ગેંગસ્ટર બનાવ્યા. મોહમ્મહ શાહબુદ્દીન, મોહમ્મદ તસ્લીમુદ્દીન, અશોક માહતો વગેરે ગેંગસ્ટર્સ એ રીતે લાલુનું પાપ છે.  લાલુએ નવાદાના ભૂમિહાર ગેંગસ્ટર અખિલેશ સિહ સામે અશોક માહતોને ઉતાર્યો પછી હત્યાઓની હારમાળા સર્જાઈ ગઈ. 1998થી 2006નાં 8 વર્ષમાં નવાદા-શેખપુરાનાં 200 ગામોમાં 500થી વધારેની હત્યાઓ થઈ. અશોકના શાર્પ શૂટર્સ પિન્ટુ-પ્રદીપ માહતોએ જ 100થી વધારે હત્યાઓ કરી હોવાનું કહેવાય છે.

બિહારમાં બનેલી એક રસપ્રદ ઘટનામાં કુખ્યાત ગેંગસ્ટર અશોક માહતોએ ૬૦ વર્ષની ઉંમરે ૪૬ વર્ષની અનિતા કુમારી સાથે તાત્કાલિક લગ્ન કરી લીધાં. ૧૭ વર્ષ જેલમાં રહ્યા પછી ગયા વરસે જ બહાર આવેલો માહતો લોકસભાની ચૂંટણી લડવા માગતો હતો  તેથી પોતાના ગોડફાધર લાલુ પ્રસાદ યાદવ પાસે ટિકિટ માગવા ગયેલો. લાલુએ તેને જ્ઞાન આપ્યું કે, કાયદા પ્રમાણે સજા ભોગવીને બહાર આવ્યા પછી બે વર્ષ સુધી ચૂંટણી ના લડી શકે. સાથે સાથે સલાહ આપી કે, લગ્ન કરી લે તો તારી પત્ની ચૂંટણી લડી શકશે ને તેના નામે તુ સત્તા ભોગવી શકીશ.

માહતોને આ સલાહ ગમી ગઈ તેથી તાત્કાલિક અનિતા કુમારીને શોધીને પરણી ગયો ને હવે અનિતાને મુંગેર લોકસભા બેઠક પરથી લડાવવાની તૈયારીમાં લાગી ગયો છે. અત્યારે જેડીયુના રાજીવ રંજન ઉર્ફે લલન સિંહ મુંગેર લોકસભા બેઠકના સાંસદ છે. મુંગેર લોકસભા મતવિસ્તારમાં સૌથી વધારે ૪ લાખ ભૂમિહાર મતદારો છે. કુર્મી અને કુશવાહા મતદારોની સંખ્યા ૨ લાખ છે. સૌથી નિર્ણાયક ૧.૫૦ લાખ વણિક મતદારો છે. 

લલનસિંહ ભૂમિહાર, કુર્મી-કુશવાહા અને વણિક મતદારોના જોરે જીતે છે. આરજેડી પાસે લલન સિંહને હરાવી શકે એવો ભૂમિહાર નેતા નથી તેથી લાલુએ કુર્મી માહતોને પસંદ કર્યા છે. ૧.૫૦ લાખ યાદવ અને ૯૦ હજાર મુસ્લિમો લાલુ સાથે છે. માહતો કુર્મી-કુશવાહાના ૨ લાખ મતોમાં ગાબડું પાડે અને ધાકનો ઉપયોગ કરીને વણિક મતદારોને આરજેડી તરફ વાળે તો લલનસિંહને હરાવી શકાય એવી લાલુની ગણતરી છે. માહતોનો નવાદા અને શેખુપુરામાં આતંક હતો તેથી આ બંને જિલ્લામાં પણ આરજેડીને ફાયદો થશે એવું લાલુને લાગે છે.

માહતોની એન્ટ્રીથી બિહારના રાજકારણમાં ગરમી આવી ગઈ છે. માહતો સામે હત્યા, લૂંટ, અપહરણ વગેરેના ૧૦૦થી વધારે કેસ નોંધાયેલા પણ મોટા ભાગના કેસોમાં કશું ના થયું. માહતોને નવાદા જેલ તોડીને ભાગવાના કેસમાં ૧૭ વર્ષની સજા થતાં ૨૦૦૬થી જેલમાં બંધ હતો. માહતો જેલમાં હોવા છતાં તેની ગેંગ જ્ઞાતિવાદ પર કામ કરતી તેથી તેનો પ્રભાવ યથાવત રહ્યો. નવાદા અને શેખપુરા જિલ્લામાં માહતોના પ્રબાવનો જોરે માહતોનો ભત્રીજો પ્રદીપ સરકાર બે વાર વિધાનસભાની ચૂંટણી જીત્યો છે.

માહતોનો ઉદય બિહારના રાજકારણમાં ૧૯૯૦ના દાયકામાં થયો. લાલુએ જ્ઞાતિવાદના જોરે બિહારના રાજકારણમાં પગ જમાવ્યા પછી ઉચ્ચ મનાતી જ્ઞાતિના નેતાઓનું વર્ચસ્વ તોડવા મુસ્લિમ તથા પછાત જ્ઞાતિઓના ગુંડાઓને પોષીને મોટા ગેંગસ્ટર બનાવ્યા. મોહમ્મહ શાહબુદ્દીન, મોહમ્મદ તસ્લીમુદ્દીન, અશોક માહતો વગેરે બિહારના કુખ્યાત ગેંગસ્ટર્સ એ રીતે લાલુનું પાપ છે. નવાદા જિલ્લામાં એ વખતે ભૂમિહાર ગેંગસ્ટર અખિલેશ સિહનું રાજ હતું. બેગુસરાઈના કોંગ્રેસી સાંસદ રાજો સિંહની છત્રછાયામાં મોટા થયેલા અખિલેશ સામે લાલુએ અશોક માહતોને ઉતાર્યો પછી નવાદા અને શેખપુરામાં હત્યાઓની હારમાળા સર્જાઈ ગઈ.

માહતોએ કુર્મી અને કોરી ગુંડાઓની ગેંગ બનાવીને સવર્ણોને ઠાર કરવા માંડયા. સામે અખિલેશે પણ એ જ ભાષામાં જવાબ આપવા માંડતાં ૧૯૯૮થી ૨૦૦૬નાં ૮ વર્ષમાં નવાદા-શેખપુરાનાં ૨૦૦ ગામોમાં ૫૦૦થી વધારેની હત્યાઓ થઈ. પિન્ટુ માહતો અને પ્રદીપ માહતો અશોકના ખાસ માણસો હતા. બંનેએ જ ભેગા મળીને ૧૦૦થી વધારે હત્યાઓ કરી હોવાનું કહેવાય છે.

અશોક માહતોની નોંધ સૌથી પહેલાં અફસર ગામના હત્યાકાંડના કારણે લેવાઈ કે જ્યારે પિન્ટુએ ૨૦૦૦ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે જીતનારી અખિલેશની પત્ની અરૂણાસિંહના ઘર પર હુમલો કરીને ૧૨ લોકોને મોતને ઘાટ ઉતારી દીધેલા. ભારે હોહા થતાં રાબડીદેવી સરકારે અશોક માહતોને જેલમાં પૂર્યો પણ ૨૦૦૧ના ડીસેમ્બરમાં માહતો સાત ખૂંખાર અપરાધીઓ સાથે નવાદા જેલ તોડીને ભાગ્યો. ભાગતી વખતે તેના ભત્રીજા પ્રદીપ સરકારે ત્રણ પોલીસોની હત્યા કરેલી. બહાર આવીને માહતોએ ફરી ખૂનામરકી ચાલુ કરીને ૨૦૦૩માં અખિલેશના સસરા સહિત છ લોકોને ઘરમાં ઘૂસીને ઠાર મારેલા. જો કે માહતોએ સૌથી વધારે ખળભળાટ ૨૦૦૫માં સાંસદ રાજોસિંહની હત્યા કરીને મચાવેલો. 

આ હત્યાના થોડા મહિના પછી જ બિહારમાં સત્તાપરિવર્તન થયું અને નીતિશ કુમાર મુખ્યમંત્રી બનતાં લાલુના ગુંડાઓ પર તવાઈ આવી તેમાં માહતોનો નંબર પણ લાગી ગયો. માહતોની ક્રાઈમ કુંડળી જોતાં તેનું એન્કાઉન્ટર કરી દેવાશે એવું લાગતું હતું પણ નીતિશની કુર્મી જ્ઞાતિનો હોવાથી માહતો બચી ગયા અને ૧૭ વર્ષની જેલની સજા થઈ. માહતો જેલમાં હતો ત્યારે નીતિશના એક જમાનાના ખાસ સાથી ઉપેન્દ્ર કુશવાહાને મદદ કરેલી તેથી કુશવાહા માહતોને બહાર લાવવા મથ્યા કરતા હતા પણ ભાજપ સવર્ણોને નારાજ કરી શકે તેમજ નીતિશ ભાજપને નારાજ કરી શકે તેમ નહોતા તેથી માહતોનો જેલવાસ લંબાતો ગયો. 

લાલુ અને નીતિશ વચ્ચે ૨૦૧૫મા જોડાણ થયું ત્યારે માહતોને બહાર લાવવાનો તખ્તો ઘડાયેલો પણ માહતો બહાર આવે એ પહેલાં નીતિશ પાછા ભાજપની પંગતમાં બેસી ગયા. છેવટે બીજી વારના લાલુ-નીતિશના જોડાણ વખતે માહતો બહાર આવી શક્યો. 

માહતો પત્નીને આગળ કરીને રાજકારણમા પગ જમાવવા મથી રહ્યો છે પણ એ સરળ નથી. માહતોના કટ્ટર દુશ્મન અખિલેશની પત્ની અરૂણા બે ટર્મથી ભાજપની ધારાસભ્ય છે તેથી અખિલેશ ભાજપની છત્રછાયામાં છે. 

મોકાનો લાભ ઉઠાવીને અખિલેશે પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું છે તેથી માહતોએ તેની સામે પણ ટક્કર લેવી પડશે. 

ગેંગસ્ટર અજયસિંહે ટિકિટ માટે તાત્કાલિક લગ્ન કરેલાં

લાલુપ્રસાદ યાદવે અશોક માહતોને રાજકીય મહત્વાકાંક્ષા પૂરી કરવા બતાવેલી ફોર્મ્યુલા વાસ્તવમાં નીતિશ કુમારની છે. ૨૦૧૧માં નીતિશની જેડીયુનાં દરૌંદાનાં ધારાસભ્ય જગમાતો દેવી ગુજરી ગયાં ત્યારે તેમના દીકરા અજય કુમાર સિંહે ટિકિટ માગી હતી. ગેંગસ્ટર તરીકે કુખ્યાત અજયસિંહ સામે અજયસિંહ સામે હત્યા, ધાડ વગેરેના ૩૦ જેટલા કેસ હોવાથી નીતિશે ટિકિટ નહોતી આપી પણ સલાહ આપી હતી કે, તાત્કાલિક ૨૫ વર્ષથી વધારે ઉંમરની ભણેલીગણેલી કોઈ છોકરી સાથે પરણી જા તો તેને ટિકિટ આપી દઈશ. 

અજયસિંહે તાત્કાલિક અખબારમાં જાહેરખબર આપી. ૧૬ છોકરીના બાયો-ડેટા આવ્યા તેમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહેલી ૨૬ વર્ષની કવિતાસિંહની પસંદગી કરીને અજયસિંહે શ્રાદ્ધ પક્ષમાં લગ્ન કર્યાં હતાં. કવિતા અજયસિંહ કરતાં છ મહિના મોટી છે. લગ્ન પછી અજય-કવિતા સીધાં નીતિશના બંગલે આશિર્વાદ લેવા ગયેલાં. 

નીતિશે લગ્નની ભેટના રૂપમાં જેડીયુના ઉમેદવાર તરીકેનો મેન્ડેટ આપ્યો. કવિતા નવવધૂના પહેરવેશમાં જ સીધી ફોર્મ ભરવા ગયેલી. અજયસિંહના મસલ પાવરના જોરે કવિતા ૨૦૧૧ની પેટાચૂંટણીમાં જીતીને ૨૬ વર્ષની ઉંમરે ધારાસભ્ય બની ગયેલી. ૨૦૧૫માં જીતીને બીજી વાર ધારાસભ્ય બની પછી નીતિશે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કવિતાને સિવાન બેઠક પરથી ટિકિટ આપી. 

બિહારમાં જેના નામનો ખૌફ હતો એ મોહમ્મદ શાહબુદ્દીનનો ગઢ મનાતી સિવાન બેઠક પર શાહબુદ્દીનની પત્ની હીના શાહબને હરાવીને સોપો પાડી દીધો હતો. અજયસિંહના જોરે નીતિશે લાલુના ખાસ શાહબુદ્દીનનો સિવાનમાંથી દબદબો ખતમ કરી નાંખ્યો.

અશોક માહતો પર બુક લખાઈ, વેબ સીરીઝ બની

બિહારના સૌથી ખૂંખાર ગેંગસ્ટર્સમાં એક અશોક માહતોના ક્રાઈમ્સ પર બુક લખાઈ છે અને વેબ સીરિઝ પણ બની છે. ૨૦૧૮માં આઈપીએસ ઓફિસર અમિત લોઢાએ બિહાર ડાયરીઝ બુક લખી હતી.

 લોઢાએ કોઈના નામનો ઉલ્લેખ નહોતો કર્યો પણ આ બુક અશોક માહતો ગેંગ પર આધારિત હતી. અશોક માહતો અને તેના શાર્પશૂટર પિન્ટુ માહતો પર આધારિત બુક પરથી ખાકી, ધ બિહાર ચેપ્ટર વેબ સીરિઝ પણ બની. લોઢા બિહારના શેખુપુરામાં એસપી હતા ત્યારે પિન્ટુ મહાતોની ધરપકડ થઈ હતી. 

આ પુસ્તક અને વેબ સીરિઝના કારણે બિહારની નીતિશ કુમાર સરકારે લોઢા પર હોદ્દાનો દુરૂપયોગ કરવાનો આરોપ મૂકીને સસ્પેન્ડ કરી દીધેલા. લોઢાએ અપરાધીઓ સામે જોરદાર કામગીરી કરી હોવાથી હોહા થઈ જતાં સરકારે લોઢાને સસ્પેન્ડ નથી કરાયા એવી સ્પષ્ટતા કરીને વિવાદને શાંત પાડેલો પણ લોઢાના નેટફ્લિક્સ સાથેના કરાર બદલ ભ્રષ્ટાચારનો કેસ કરેલો. 

આવક કરતાં વધારે સંપત્તિ ધરાવવાનો આ કેસ હજુ ચાલે છે. જાન્યુઆરીમાં જ પટણા હાઈકોર્ટે છ મહિનામાં કેસની તપાસ કરવા સરકારને આદેશ આપ્યો છે. લોઢાએ બુકમાં માહતોને વિલન બતાવ્યો તેના કારણે તેમના પર તવાઈ આવી. લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી નીતિશ સરકારમાં ભાગીદાર હતી તેથી લાલુના કહેવાથી નીતિશે લોઢા સામે પગલાં લીધેલાં.

Gujarat