- અમેરિકા 10 ટકા ટેરિફ નાખશે તો વળતા જવાબમાં યુરોપિયન યૂનિયન અમેરિકા પર અનેક ગણો ટેરિફ ઝિંકવાની તૈયારીમાં
- ટ્રમ્પ પોતાની આડોડાઈ ઉપર જડ રીતે અડેલા છે અને તેઓ કોઈપણ ભોગે ગ્રીનલેન્ડ ઉપર સત્તા ઈચ્છે છે. તેના માટે તેણે પહેલી ફેબ્રુઆરીથી ડેનમાર્ક, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ અને ફિનલેન્ડ ઉપર 10 ટકા ટેરિફ ઝિંકવાના આદેશ આપી દીધા છે. આ ઉપરાંત બ્રિટન અને નોર્વેને પણ ટેરિફ બોમ્બના લપેટામાં લઈ લીધા છે : થોડા વર્ષ પહેલાં ચીન અને લિથુઆનિયા વચ્ચે ઊભા થયેલા સંઘર્ષ બાદ યુરોપિયન યુનિયન આ મુદ્દે હરકતમાં આવ્યું હતું. તે સમયે તાઈવાન મુદ્દે ચીન અને લિથિઆનિયા વચ્ચે ઘર્ષણ થયું હતું. તે સમચે ચીને આડોડાઈ કરતા યુરોપિયન યુનિયને એસીઆઈની રચના કરી હતી : યુરોપિયન યુનિયન દ્વારા પણ અમેરિકા પાસેથી થતી 107.7 અબજ ડોલરની નિકાસ ઉપર ૬ ફેબ્રુઆરીથી પગલાં લેવાશે. આ આયાત ઉપર જે પેકેજની રાહત આપવામાં આવે છે તે છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે.
ગ્રીનલેન્ડને કોઈપણ મુદ્દે અમેરિકા હસ્તક કરવા માટે ટ્રમ્પ ભુંરાયા થયા છે. મતિભ્રષ્ટ રીતે વર્તતતા અમેરિકી પ્રમુખને ચીનના નામે હવે દુનિયાભરના ઓઈલ, રેર અર્થમિનરલ્સ અને અન્ય ખાણ-ખનીજો ધરાવતા દેશો ઉપર તેમનું આધિપત્ય જોઈએ છે. તેના પગલે જ હવે તેઓ વેનેઝુએલા બાદ ગ્રીનલેન્ડ કબજે કરવા માટે મરણિયા બન્યા છે. ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે, ગ્રીનલેન્ડ અમેરિકાની સુરક્ષા માટે અને રેર અર્થ મિનરલ્સ માટે ખૂબ જ જરૂરી છે. તે ઉપરાંત તેના નાટો સાથી ડેનમાર્કની સુરક્ષા માટે પણ ગ્રીનલેન્ડ ખૂબ જ મહત્ત્વનું છે. આ સ્થિતિમાં યુરોપિયન યુનિયને પણ ટ્રમ્પ સામે વાંધો ઉઠાવ્યો છે. તેઓ કોઈપણ કાળે અમેરિકાને ગ્રીનલેન્ડ લેવા દેવા માગતા નથી. યુરોપીય સંઘે ચેતવણી ઉચ્ચારી છે કે, અમેરિકાના આ પગલાથી પશ્ચિમી દેશોની એકતા ભંગ થશે અને ખાસ કરીને નાટોને મોટું નુકસાન જશે.
ટ્રમ્પ પોતાની આડોડાઈ ઉપર જડ રીતે અડેલા છે અને તેઓ કોઈપણ ભોગે ગ્રીનલેન્ડ ઉપર સત્તા ઈચ્છે છે. તેના માટે તેણે પહેલી ફેબ્રુઆરીથી ડેનમાર્ક, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ અને ફિનલેન્ડ ઉપર ૧૦ ટકા ટેરિફ ઝિંકવાના આદેશ આપી દીધા છે. આ ઉપરાંત બ્રિટન અને નોર્વેને પણ ટેરિફ બોમ્બના લપેટામાં લઈ લીધા છે. ટ્રમ્પનું કહેવું છે કે, જો બ્રિટન અને નોર્વે પણ ગ્રીનલેન્ડ ખરીદવાની અમેરિકાની કવાયતમાં વચ્ચે આવશે તો તેમને પણ ભયાનક પરિણામ ભોગવવું પડશે. અમેરિકાએ તો એવી ધમકી પણ આપી દીધી છે કે જો તેઓ બે-ચાર મહિનામાં અમેરિકાને તાબે નહીં થાય તો ૧ જૂનથી ટેરિફ ૨૫ ટકા કરી દેવામાં આવશે. અમેરિકા જતી દરેક વસ્તુ ઉપર ૨૫ ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે. અમેરિકા અને ટ્રમ્પની આવી આડોડાઈ અને તુમાખી સામે આ વખતે યુરોપિયન યુનિયન પણ આકરાપાણીએ આવ્યું છે. તેઓ પણ અમેરિકાને એટલી જ મજબૂતાઈથી વળતો જવાબ આપવા સજ્જ છે. જાણકારોના મતે અમેરિકાના ટેરિફ બોમ્બની સામે યુરોપિયન યુનિયને પણ પોતાના ટેરિફ બોમ્બ સજ્જ કરી લીધા છે અને ગમે ત્યારે અમેરિકા ઉપર ઝિંકી દેશે.
મહત્ત્વની વાત એ છે કે, યુરોપ દ્વારા જે વળતા ટેરિફ હુમલાની તૈયારી કરવામાં આવે છે તેનું નામ એન્ટિ કોએશન ઈન્સ્ટ્રુમેન્ટ છે. આ એક એવો કાયદો ગણો કે નિયમ ગણો કે યુરોપિયન દેશોનું જોડાણનું ચાર્ટર ગણો પણ તે યુરોપિયન દેશોના રક્ષણ માટે બનાવાયેલું છે. આ નિયમ ૨૦૨૩/૨૬૭૫ યુરોપિયન યુનિયનના સભ્ય દેશોને થતા આર્થિક નુકસાન અને હેરાનગતિ સામે રક્ષણ આપવા બનાવવામાં આવ્યો છે. સીધી ભાષામાં કહીએ તો યુરોપિયન યુનિયનના સભ્ય દેશ સિવાયનો કોઈપણ દેશ જો યુરોપિયન યુનિયનના સભ્ય દેશને ટેરિફ વધારાની ધમકી આપીને કે અન્ય કરવેરા દ્વારા બ્લેકમેલ કરે કે પછી હેરાન કરે તો યુરોપિયન યુનિયન તે દેશ ઉપર એટલો જ અથવા તો તેનાથી અનેક ગણો વધારે ટેરિફ ઝિંકિને તેને પાઠ ભણાવી શકે છે. આ નિયમ ૨૭ ડિસેમ્બર ૨૦૨૩માં જ અમલી કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષ પહેલાં ચીન અને લિથુઆનિયા વચ્ચે ઊભા થયેલા સંઘર્ષ બાદ યુરોપિયન યુનિયન આ મુદ્દે હરકતમાં આવ્યું હતું. તે સમયે તાઈવાન મુદ્દે ચીન અને લિથિઆનિયા વચ્ચે ઘર્ષણ થયું હતું. તે ઘર્ષણને પગલે ચીને પોતાની નીતિઓ બદલી અને ચીનમાંથી બેરીઝ ખરીદવા માટે લિથુઆનિયાને ઘણા બધા દસ્તાવેજો ભરવા પડતા અને કામગીરી કરવી પડતી. લિથુઆનિયા અને તાઈવાન વચ્ચે નજદીકી ઊભી થતાં ચીને આવી આડોડાઈ કરી હતી. તેના જ ઉકેલ માટે યુરોપિયન યુનિયને તાકીદે નવી પોલિસી રચી દીધી હતી. હાલમાં તેને અમેરિકી બોમ્બ સામે ટ્રેડ બઝુકા તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકા જો ટેરિફ વોરમાં ઉતરશે તો યુરોપિયન યુનિયન સીધું જ પોતાનું સૌથી શક્તિશાળી હથિયાર ઉગામી દેશે. જાણકારો માને છે કે, છેલ્લાં બે વર્ષમાં યુરોપિયન યુનિયનના ઘણા દેશોને બીજા દેશો સાથે વિવાદ થયા છે પણ તેમણે ક્યારેય આ નિયમોનો ઉપયોગ કર્યો નથી અને કરવા માગતા નથી. અમેરિકા સામે પણ યુરોપિયન યુનિયનની આ હથિયાર ઉગામવાની ઈચ્છા નથી પણ જો અમેરિકા તેની આડોડાઈ ઉપર અડેલું રહેશે તો યુરોપિયન યુનિયન પાસે કોઈ વિકલ્પ રહેશે નહીં.
જાણકારો માને છે કે, યુરોપિયન યુનિયનના ૨૭ સભ્ય દેશો છે. તેમને આર્થિક સ્થિરતા અને કવચ પૂરું પાડવા માટે આ નિયમની રચના કરાઈ હતી. આ તમામ સભ્ય દેશોમાંથી કોઈની પણ સામે બહારના દેશો આર્થિક પ્રતિબંધો અથવા ટેરિફ વોરની શરૂઆત કરે કે બ્લેકમેઈલિંગ કરે તો આ નિયમનો ઉપયોગ કરવાની સહમતી સાધવામાં આવેલી છે. યુરોપિયન યુનિયનના સભ્ય દેશો સંયુક્ત રીતે કોઈ એક કે તમામ સભ્ય દેશ સામે ઊભા થયેલા આર્થિક પડકારોનો સામનો કરવા માટે સામેના દેશના વેપાર અથવા તો રોકાણ અને અન્ય આર્થિક વ્યવહારો ઉપર પગલાં લેવાનું નક્કી કરે છે. ઘણા મુદ્દે તેઓ અલગ અલગ કેસ અને સ્થિતિ પ્રમાણે પગલાં લઈ શકે તેવું પણ બને.
મહત્ત્વની વાત એ છે કે, યુરોપિયન યુનિયન દ્વારા ચાર તબક્કામાં પગલાં લેવાનું નક્કી કરવામાં આવેલું છે. સૌથી પહેલો તબક્કો તો તપાસનો છે. યુરોપિયન યુનિયન દ્વારા કોઈપણ સભ્ય દેશની વિનંતી, અરજીના આધારે અથવા તો કેટલાક કેસમાં સુઓમોટો લઈને જે-તે દેશની અથવા તો સમગ્ર યુનિયનની આર્થિક મુશ્કેલીઓની તપાસ કરવામાં આવે.
તેના માટે નિમાયેલા કમિશન દ્વારા ઝડપથી બેઠક બોલાવીને તમામ પાસાઓની તપાસ કરીને અને માહિતી મેળવીને ચાર મહિનાની અંદર પગલાં લેવાનું નક્કી કરવાનું હોય છે. ત્યારબાદ યુરોપિયન યુનિયનનું કમિશન નક્કી કરે છે કે ખરેખર આર્થિક સમસ્યાઓના કારણે કેટલું નુકસાન થઈ શકે છે. તેના આધારે તે વિવાદ ઉપર ઉતરેલા દેશને આવા પગલાં ન લેવા સમજાવે છે.
સૂત્રોના મતે મોટાભાગે સમજાવટ અથવા તો વાટાઘાટ કરવા દરમિયાન પગલાં લેનારા દેશ માની જતા હોય છે અને ચર્ચા માટે તૈયાર થઈ જતા હોય છે. યુરોપિયન યુનિયનનું કમિશન વિવાદ ઊભો કરનારા જે-તે દેશ સાથે વાટાઘાટ માટે તૈયાર થાય છે. તેઓ પ્રયાસ કરે છે કે જે-તે વિવાદનો ઉકેલ આવી જાય. તેમાં સીધી વાતચીત કે વાટાઘાટ, મધ્યસ્થી તો ક્યારેક કાયદાકિય મદદ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને અદાલતોની મદદ દ્વારા પણ સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ તમામ પ્રયાસો દરમિયાન જે-તે વિવાદિત દેશ ઉકેલ લાવવા માટે સહનત નથી થતો તો પછી પગલાં લેવાનું નક્કી કરવામાં આવે છે. યુરોપિયન યુનિયન દ્વારા આ સંજોગોમાં આર્થિક પ્રતિબંધો અથવા તો ટેરિફ નાખવા જેવા કિસ્સામાં તેના જેટલા જ અથવા તો તેના કરતા અનેક ગણા પ્રતિબંધો અને ટેરિફ લાગુ કરવામાં આવે છે.
જાણકારો માને છે કે, અમેરિકા સાથે છેલ્લાં સમયની વાટાઘાટો ચાલી રહી છે. જો અમેરિકા દ્વારા દાદ દેવામાં નહીં આવે તો યુરોપ આકરા પગલાં લેવા સજ્જ છે. ઉદાહરણ તરીકે જો અમેરિકા નહીં માને તો યુરોપ આકરા પગલા લઈને અમેરિકા અને તેની કંપનીઓને ફિક્સમાં મુકી દેશે. સૌથી પહેલાં તો યુરોપિયન યુનિયનમાં આવેલી તમામ અમેરિકી કંપનીઓ ઉપર દબાણ લાવશે. યુરોપના બજારમાં કામ કરતી અમેરિકી કંપનીઓમાં ૪.૫ કરોડ લોકો કામ કરે છે. યુરોપના પગલાંથી તે તમામ ઉપર અસર પડે તેમ છે. આ ઉપરાંત યુરોપિયન યુનિયન પોતાની અમેરિકામાં થતી નિકાસ ઉપર પણ કાબુ લાવી દે અને પ્રતિબંધો મુકી દે. તે ઉપરાંત યુરોપમાં આવેલી અમેરિકન ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઉપર પણ પ્રોટેક્શન હટાવી દે. જાણકારો માને છે કે, અમેરિકા દ્વારા જે આક્રમકતા દાખવવામાં આવી રહી છે અને દબાણ કરવામાં આવી રહ્યું છે તેને ડામવા આકરા પગલાં જરૂરી છે. અમેરિકા હવે જેટલું યુરોપિયન યુનિયનને નુકસાન કરવાની તૈયારી કરી રહ્યું છે તેટલું જ નુકસાન અમેરિકાને કરવા માટે યુરોપિયન યુનિયન સજ્જ છે. એક વાત છે કે, જ્યારે પણ વિવાદનો ઉકેલ આવે ત્યારે યુરોપિયન યુનિયન પણ આવા પ્રતિબંધો દૂર કરી દે છે. તેના માટે સભ્ય દેશોમાંથી ૫૫ ટકા દેશોનું સમર્થન મળે ત્યારે જ પ્રતિબંધો પાછા ખેંચાય છે. ઘણી વખત તેમાં ઘણા મહિના પસાર થઈ જતા હોય છે.
યુએસ સામે યુરોપીયન યુનિયનનું એસીઆઈ ઈકોનોમિક વેપન સાબિત થશે
જાણકારોના મતે અમેરિકાએ ૧ ફેબ્રુઆરીથી યુરોપિયન યુનિયનના કેટલાક દેશો ઉપર ૧૦ ટકા ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ યુરોપિયન યુનિયન દ્વારા પણ અમેરિકા પાસેથી થતી ૧૦૭.૭ અબજ ડોલરની નિકાસ ઉપર ૬ ફેબ્રુઆરીથી પગલાં લેવાશે. આ આયાત ઉપર જે પેકેજની રાહત આપવામાં આવે છે તે છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે. તેને એન્ટિ કોરેશન પગલાં તરીકે જ જોવાઈ રહ્યા છે. ત્યારબાદ પણ કેવા પગલાં લેવામાં આવશે તે હાલ નક્કી નથી પણ અમેરિકાનું વલણ નક્કી કરશે. આ વખતે ફ્રાન્સ અને જર્મની પણ એસીઆઈ પ્રમાણે વર્તવા માટે મક્કમ છે. તેમાંય જર્મનીના નાણામંત્રી લાર્સ ક્લિંગબેઈલે જણાવ્યું કે, ફ્રાંસના પ્રમુખ મેક્રોં દ્વારા એસીઆઈ હેટળ પગલાં લેવાનું જે પ્રપોઝલ અપાયું છે તેને જર્મની સમર્તન આપે છે. અમેરિકાને પાઠ ભણાવવો જ જોઈએ. યુરોપિયન યુનિયને પણ અમેરિકાની મર્યાદા સમજાવવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષથી આ વિવાદ ચાલતો આવ્યો છે. ગત વર્ષે અમેરિકા સાથે વાટાઘાટો થઈ તે સમયે પણ યુરોપિયન યુનિયન દ્વારા આ પગલાં અંગે ચેતવણી આપવામાં આવી હતી. ખાસ વાત એ છે કે, યુરોપિયન પાર્લામેન્ટના લિબ્રલ રિન્યૂ ગ્રૂપના પ્રમુખ દ્વારા પણ એસીઆઈના આધારે પગલાં લેવાને સમર્થન આપવામાં આવ્યું હતું. જાણકારો મને છે કે, અમેરિકા દ્વારા હાલમાં યુરોપિયન યુનિયનના પગલાંની ચેતવણીને અમેરિકા હળવાશથી લઈ રહ્યું છે પણ વાસ્તવિક રીતે તેની ખૂબ જ ગંભીર અસર થશે. એસીઆઈ હવે અમેરિકા સાથે વિવાદમાં ઈકોનોમિક ન્યૂક્લિયર વેપન સાબિત થશે.


