ઉપરાછાપરી હડતાળથી બ્રિટન ત્રસ્ત .

Updated: Jan 21st, 2023


- થાકેલા સુનક હડતાળ વિરોધી કાયદો લાવશે : નર્સો બાદ હવે એમ્બ્યુલન્સવાળા હડતાળ પાડશે

- બ્રિટનમાં એમ્બ્યુલન્સ વર્કર્સની સાથે ટ્રાન્સપોર્ટેશન સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ, ટ્રેન ડ્રાઈવર્સ, ટીચર્સ, પોસ્ટલના દસ લાખથી વધારે કર્મચારીઓ હડતાલ પર જશે તેથી મોટા ભાગની સેવાઓ ઠપ્પ થઈ જશે. વારંવારની હડતાળોથી થાકેલા સુનક હડતાળ વિરોધી કાયદો બનાવી રહ્યા છે તેની સામે પણ વિરોધ છે. 

બ્રિટનમાં છેલ્લા બે મહિનાથી હડતાળો પર હડતાળો પડી રહી છે. છેલ્લા બે દિવસથી નર્સ હડતાળ પર ઉતરી છે ત્યાં હવે એમ્બ્યુલન્લ વર્કર્સે ૧૦ દિવસ માટે હડતાળ પર જવાનું એલાન કરી દીધું છે. બ્રિટનનાં સૌથી મોટાં લેબર યુનિયનમાંથી એક યુનાઈટ નેશનલ દ્વારા એમ્બ્યુલન્સ વર્કર્સ આગામી અઠવાડિયાંમાં ૧૦ દિવસ માટે હડતાળ પર ઉતરી જશે એવું એલાન કરાયું છે. 

યુનિયનનો દાવો છે કે, એમ્બ્યુલન્સ વર્કર્સની સાથે ટ્રાન્સપોર્ટેશન સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ, ટ્રેન ડ્રાઈવર્સ, ટીચર્સ, પોસ્ટલ કર્મચારીઓ પણ હડતાળમાં જોડાશે તેથી દસ લાખથી વધારે કર્મચારીઓ હડતાલ પર જશે. બીજાં નાનાં નાનાં સેક્ટરના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાઈ શકે છે એ જોતાં મોટા ભાગની સેવાઓ ઠપ્પ થઈ જશે.  

બ્રિટનમાં મોંઘવારી બેફામ બની છે ને ફુગાવાનો દર ૧૦ ટકાને પાર થઈ ગયો છે. તેની સામે પગારમાં વધારો થતો નથી, કામ વધતું જાય છે તેથી તણાવ પણ વધતો જાય છે. બાકી હતું તે હડતાળોથી થાકેલા વડાપ્રધાન ઋષિ સુનકે હડતાળ વિરોધી કાયદો બનાવવાની તૈયારી કરી છે. તેના કારણે કર્મચારીઓ અને કામદારો વધારે ભડક્યા છે. 

આ હડતાળ વિરોધી કાયદા હેઠળ કાયદાકીય રીતે હડતાળનું એલાન કરાય તો પણ બધા કર્મચારીઓ હડતાળ પર નહીં જઈ શકે. સંસદમાં રજૂ કરાયેલા એન્ટિ સ્ટ્રાઈક લેજિસ્લેશનમાં મહત્વની જાહેર સેવાઓમાં 'એન્ફોર્સ મિનિમમ સર્વિસ લેવલ' જાળવવા માટે જરૂરી પગલાં ભરવાની સરકારને સત્તા છે. મતલબ કે, કોઈ પણ જાહેર સેવામાં હડતાલ દરમિયાન પણ લોકોને તકલીફ ના પડે એટલી સંખ્યામાં તો કર્મચારીઓ-કામદારો હાજર રાખવા જ પડશે. બલ્કે સરકાર આ કર્મચારીઓ-કામદારોને હાજર રહેવાની ફરજ પાડશે. જે કર્મચારી કે કામદાર નહીં માને એ બધા જ અધિકારો ગુમાવશે. યુનિયનોનું કહેવું છે કે, આ જોગવાઈ કામદારોના અધિકારો પર તરાપ મારનારી છે તેથી તેને ચલાવી ના લેવાય. યુનિયનો તેની સામે ઉગ્ર લડતની તૈયારી કરીને બેઠા છે ત્યારે સુનક સરકારના મંત્રીઓ બેફામ નિવેદનો કરીને બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે. એમ્બ્યુલન્સ વર્કર્સ હડતાળ પાડીને દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે અને એક રીતે મર્ડર કરી રહ્યા છે એવાં નિવેદનો સુનકની પાર્ટી તરફથી થયાં છે. સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીની વિરોધી લેબર પાર્ટી આ કાયદાની વિરૂદ્ધ છે કેમ કે તેની મતબેંક કામદારો અને કર્મચારીઓની છે. તેમનું કહેવું છે કે, સરકાર મોંઘવારીને રોકી શકતી નથી ને વધતી મોંઘવારીના પ્રમાણમાં પગાર વધારતી નથી. ઉલટાનું કામના કલાકો વધારીને કર્મચારીઓ ને કામદારો પર માનસિક અત્યાચાર ગુજારી રહી છે. તેની અસર તેમના જીવન પર પડી રહી છે ને એ લોકો આપઘાત કરી રહ્યા છે. આ રાજકીય આક્ષેપબાજી તો ચાલતી જ રહેશે કેમ કે બ્રિટનની આર્થિક હાલત ખરાબ છે. સુનક તો હમણાં સત્તામાં આવ્યા પણ એ પહેલાંની સરકારોએ ધોળેળા ધોળકાના કારણે મોંઘવારી કાબૂ બહાર જતી રહી છે. મોંઘવારીને કાબૂમાં લેવામાં સમય લાગે. એ દરમિયાન સરકાર પગારો વધારી શકે તેમ નથી તેથી હડતાળો પણ ચાલુ રહેશે. સુનક સરકાર કાયદો બનાવે તો પણ હડતાળોને રોકી નહીં શકે.

હડતાળ વિરોધી કાયદા મુદ્દે અમેરિકા-બ્રિટન સામસામે

સુનક સરકારના હડતાળ વિરોધી કાયદાના કારણે અમેરિકા અને બ્રિટન વચ્ચે પણ જીભાજોડી જામી છે. સુનક સરકારે દાવો કરેલો કે, પોતાના હડતાળ વિરોધી કાયદાને વૈશ્વિક સ્તરે સમર્થન મળ્યું છે. યુનાઈટેડ નેશન્સ અને યુએસ બંનેએ તેની સામે વાંધો લઈને હાથ અધ્ધર કરી દીધા છે. 

સુનકે દાવો કરેલો કે, યુનાઈટેડ નેશન્સની કામદારોના અધિકારો માટેની એજન્સી ઈન્ટરનેશનલ લો ઓર્ગેનાઈઝેશન 'મિનિમમ સર્વિસ લેવલ'ની તરફેણ કરે છે. આઈએલઓએ આ મુદ્દે પોતાને દૂર રાખવા કહ્યું છે. અમેરિકાએ તો બ્રિટનના પ્રસ્તાવિત કાયદાને કામદારોના અધિકારોની વિરૂધ્ધ જ ગણાવ્યો છે. સામે બ્રિટનની સરકારે વળતો પ્રહાર કર્યો છે કે, અમેરિકામાં આ કાયદાથી આકરા કાયદા અમલમાં છે તેથી અમેરિકા અમને સલાહ ના આપે.ફ્રાન્સમાં પણ હડતાળના વાયરસ

ફ્રાન્સમાં સરકાર પેન્શનના ભારથી બેવડ : 31 જાન્યુઆરી બાદ બધું ઠપ થશે

- યુરોપના ઠંડા દેશોમાં મોટા ભાગનાં લોકો 90 વર્ષથી વધારે જીવે છે તેથી સરકારે 42 વર્ષ નોકરી કરનારને ઓછામાં ઓછું 28 વર્ષ તો પેન્શન ચૂકવવું જ પડે છે. તેના કારણે સરકાર માટે ઘાટ કરતાં ઘડામણ મોંઘું પડી રહ્યું છે. સરકારની 40 ટકા રકમ પેન્શનમા જ જાય છે તેથી સરકાર બેવડ થઈ ગઈ છે.

યુરોપના મોટા ભાગના દેશોમાં આર્થિક હાલત ખરાબ છે. તેના કારણે હડતાળો અને દેખાવો ચાલી રહ્યા છે. આ યાદીમાં હવે ફ્રાન્સ પણ ઉમેરાયું છે. 

ફ્રાન્સમાં પ્રેસિડેન્ટ મેક્રોનની સરકારે પેન્શનના નિયમોમાં સુધારો કરવાનો નિર્ણય લેતાં ભડકેલાં લોકો રસ્તા પર ઉતરી આવ્યાં છે. બરફવર્ષા વચ્ચે ૧૦ લાખથી વધારે લોકોએ રાજધાની પેરિસમાં ઉમટીને ઉગ્ર દેખાવો કર્યા. 

યુનિયનોએ સરકારને અલ્ટિમેટમ પણ આપ્યું છે કે, ૩૧ જાન્યુઆરી સુધીમાં પેન્શન સુધારા પાછા નહીં ખેંચાય તો કર્મચારીઓ હડતાળ પાડીને બધી સેવાઓ ઠપ્પ કરી દેશે. પ્રેસિડેન્ટ મેક્રો પણ સામે મમતે ચડયા છે. તેમણે પણ એલાન કર્યું છે કે, આ પેન્શન સુધારા પાછા નહીં ખેંચાય. બંને પક્ષ મમતે ચડતાં ફ્રાન્સમાં ભર શિયાળે ગરમીનો માહોલ થઈ ગયો છે.

ફ્રાન્સમાં પેન્શન સુધારાની બબાલ છેલ્લાં ચાર વર્ષથી ચાલે છે. સરકારે ૨૦૧૯માં આ પેન્શન સુધારા લાવવાની જાહેરાત કરી ત્યારે પણ આ રીતે ભડકો થઈ ગયેલો ને લોકો રસ્તા પર ઉતરી આવેલાં. એ વખતે કોરોના આવી જતાં સરકારે પેન્શનના નિયમોમાં ફેરફારનો અમલ મોકૂફ રાખવાની જાહેરાત કરેલી. કોરોના ગયો એ સાથે જ સરકારને સુધારાનો સણકો ઉપડતાં પાછો ભડકો થઈ ગયો છે. પેન્શન સુધારામાં મુખ્ય મુદ્દો કર્મચારીઓની સેવાનાં વરસો વધારવાનો છે. અત્યારે ફ્રાન્સમાં નિયમ છે કે, સરકારી કર્મચારી તરીકે પેન્શન મેળવવું હોય તો ૪૨ વર્ષ સુધી અથવા ૬૨ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી નોકરી કરવી પડે મેક્રો સરકાર ૪૩ વર્ષની નોકરી અથવા ૬૪ વર્ષની વયમર્યાદા એવો ફેરફાર કરવા માગે છે. મેક્રો સરકારની દલીલ છે કે, યુરોપના તમામ મોટા દેશોમાં સરકારી કર્મચારીઓ માટેની નિવૃત્તીની વયમર્યાદા ૬૫ વર્ષથી વધારે છે. જર્મનીમાં તો ૬૭ વર્ષની વયમર્યાદા છે. આ સંજોગોમાં ફ્રાન્સમાં ૬૪ વર્ષ કરાય તો કશું ખોટું નથી પણ યુનિયનોને વાંધો પડયો છે. જો કે મૂળ મુદ્દો એ છે કે, સરકારને પેન્શનનો ભાર પરવડતો નથી. 

યુરોપના ઠંડા દેશોમાં લોકોનું આયુષ્ય લાંબું હોય છે. મોટા ભાગનાં લોકો ૯૦ વર્ષથી વધારે જીવે છે. આ કારણે સરકારે ૪૨ વર્ષ નોકરી કરનારને ઓછામાં ઓછું ૨૮ વર્ષ તો પેન્શન ચૂકવવું જ પડે છે. તેના કારણે સરકાર માટે ઘાટ કરતાં ઘડામણ મોંઘું પડી રહ્યું છે. સરકાર કર્મચારીઓને જે રકમ ચૂકવે છે તેમાંથી ૪૦ ટકા રકમ પેન્શનમા જ જાય છે તેથી સરકાર બેવડ થઈ ગઈ છે.  યુનિયનો સ્વીકારે છે કે, પેન્શનનો બોજ વધારે છે. આ બોજ ઘટાડવાનો ઉપાય પણ તેમની પાસે છે. ફ્રાન્સમાં સોશિયલ સીક્યુરિટી હેઠળ તમામ ઘરડાં લોકોને પેન્શન મળે છે. યુનિયનોની દલીલ છે કે, સરકારે ધનિકો, ઉચ્ચ અધિકારીઓ કે બીજાં સાધનસંપન્ન લોકોનું પેન્શન ઘટાડી દેવું જોઈએ.  સરકાર પેન્શનની વયમર્યાદા વધારે તેની સામે પણ તેમને વાંધો નથી. તેના બદલામાં સરકાર લાભો વધારે એવી તેમની માગણી છે.  મેક્રો અત્યારે મક્કમ છે પણ પ્રચંડ વિરોધ જોતાં નિવૃત્તીની વયમર્યાદા વધારવાના બદલામાં લાભો વધારીને સમાધાન કરી લેશે એવું લાગે છે.

- ફ્રાન્સમાં પાંચ પ્રકારની સોશિયલ સીક્યુરિટી

ફ્રાન્સમાં સરકાર તરફથી લોકોને પાંચ પ્રકારની સોશિયલ સીક્યુરિટી મળે છે. બિમારી, વૃધ્ધાવસ્થા કે નિવૃત્તિ, કામના સ્થળે અકસ્માત, કામના કારણે થતા રોગ અને ફેમિલિ પેન્શન એમ પાંચ લાભ તમામ નાગરિકોને અપાય છે. ફ્રાન્સમાં વરસોથી એક સિધ્ધાંત સ્વીકારાયો છે કે, કોઈ પણ વ્યક્તિના આરોગ્ય અને નિભાવની જવાબદારી સરકારની છે. સાથે સાથે વ્યક્તિને રોજગારી આપવાની જવાબદારી પણ સરકારની છે. આ કારણે દરેક વ્યક્તિને મેડિકલ સુવિધા અને પેન્શન મળે છે. 

દરેક ટેક્સ ભરનારી વ્યક્તિએ આ માટેનાં ફંડમાં યોગદાન આપવું ફરજિયાત છે. જેમની આવક ટેક્સપાત્ર ના હોય એ લોકોને મેડિકલ માટેના ફંડ સિવાયનાં ફંડમાં યોગદાન આપવામાંથી મુક્તિ મળે છે.    Sports

    RECENT NEWS