- સતત વધી રહેલા પ્રદુષણથી પીએમ ૨.૫ના કણો હવે લોહીમાં ભળી રહ્યા છે અને હૃદયમાં પહોંચીને બ્લોકેજ ઊભું કરે છે
- લોકોની બદલાયેલી ખાણીપીણી અને ફાસ્ટફૂડનો અતિશય ઉપયોગ પણ જવાબદાર માનવામાં આવી રહ્યો છે. તેમ છતાં જાણકારો દ્રઢપણે માને છે કે, શહેરોમાં જે પ્રદુષણમાં વધારો થયો છે તેણે માણસોના શરીરને રોગનું ઘર કરવાની શરૂઆત કરી દીધી છે ઃ પીએમ ૨.૫ કણો આમ તો માઈક્રોસેન્ટીમીટરમાં હોય છે પણ આવા ૩૦ કણ ભેગા થાય ત્યારે એક વાળના આકારનો ગોળો બને છે. આમ તો તે નરી આંખે દેખાય તેવો પણ નથી હોતો છતાં શરીરમાં અને લોહીમાં ભેગો થાય ત્યારે વધારે નુકસાન કરવા માંડે છે થ પીએમ ૨.૫ કણોના ભરાવાથી હૃદયના સ્નાયુઓ નબળા પડે એટલે તેની કામગીરીને ખોટકાય છે. આ કણો ધબકારા અનિયમિત કરી નાખે છે. ઘણી વખત ધબકારા વધી જાય છે તો ઘણી વખત ધબકારા ઘટી જાય છે. આ અનિયમિતતા એટેક લાવવાની શક્યતાઓને વધારી દે છે
દેશમાં જે રીતે પ્રદુષણ વધી રહ્યું છે તેના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ મોટી નકારાત્મક અસર પડી રહી છે. ઘણા સંશોધકો અને એક્સપર્ટ જણાવે છે કે પ્રદુષણ ખૂબ જ મોટી ઘાતક અસર કરી રહ્યું છે. શહેરોની હવામાં ધૂળ, ઝેરી ધુમાડા અને અન્ય રજકણોના લીધે જે સ્મોગનું પ્રમાણ વધ્યું છે તેનાથી લોકોનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, વધતા જતા પ્રદુષણને કારણે લોકોને શરદી અને ઉધરસ, આંખોમાં બળતરા થવી, લાંબા સમય સુધી ગળું ખરાબ રહેવું કે માથાનો દુઃખાવો અથવા તો મહિના સુધી ઉધરસથી રાહત ન મળવા જેવી સમસ્યાઓ આવી રહી છે. લોકો હવે સમજી રહ્યા છે કે, આ પ્રદુષણના કારણે થઈ રહ્યું છે પણ પ્રદુષણનું વધતું સ્તર લોકોને હાર્ટ એટેક લાવી રહ્યું છે તેણે ચિંતા જન્માવી છે.
હાલમાં દિલ્હીમાં એક્યુઆઈ ૫૦૦ને પાર થઈ રહ્યો છે અને વારંવાર તેના સમાચાર આવી રહ્યા છે પણ હકિકત જોવા જઈએ તો દેશના મોટાભાગના મેટ્રોસિટી અને મોટા શહેરોની હાલત આવી જ છે. અહીંયા પ્રદુષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધેલું છે. તેના તરફ લોકો ધ્યાન આપતા નથી પણ ખરેખર તેમાં વધારો થયો છે. બીજી વાત એવી છે કે, હાલમાં જે હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે તેના માટે કોરોના તથા કોરોનાકાળમાં લીધેલી રસીની આડ અસરો ઉપર પણ શંકા કરવામાં આવી રહી છે. તે ઉપરાંત લોકોની બદલાયેલી ખાણીપીણી અને ફાસ્ટફૂડનો અતિશય ઉપયોગ પણ જવાબદાર માનવામાં આવી રહ્યો છે. તેમ છતાં જાણકારો દ્રઢપણે માને છે કે, શહેરોમાં જે પ્રદુષણમાં વધારો થયો છે તેણે માણસોના શરીરને રોગનું ઘર કરવાની શરૂઆત કરી દીધી છે.
જાણકારો માને છે કે, ઉત્તરભારતના રાજ્યોમાં આ સમસ્યા થોડી વધારે જ પ્રમાણમાં વકરી છે.
સામાન્ય રીતે જોવા જઈએ તો ફેક્ટરીઓ બારે મહિના કામ કરે જ છે તથા ગાડીઓ અને અન્ય વાહનો પણ બારે મહિના રસ્તા ઉપર ચાલતા જ હોય છે. સ્થિતિ એવી થાય છે કે, અહીંયા શિયાળાની શરૂઆત થાય ત્યારે વાતાવરણ બદલાય છે. અહીંયા હવા મંદ પડી જાય છે અને ધુમ્મસ આવવાની શરૂઆત થઈ જાય છે. બીજી તરફ દિવાળી જેવા તહેવારની આસપાસ મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવે છે.
હવે સ્થિતિ એવી થાય છે કે, હવા મંદ પડી ગઈ છે, ધુમાડા વધી રહ્યા છે અને શિયાળાની ઝાકળ અને ધુમ્મસની સાથે આ ધુમાડા ભેગા થઈ રહ્યા છે. તેના કારણે સ્મોગ બની રહ્યું છે. તેના પગલે હવામાં પીએમ ૨.૫ના સ્તરમાં વધારો થઈ રહ્યો છે જે શરીરને વધારે નુકસાન પહોંચાડે છે.
હકિકતે પીએમ ૨.૫ કણો આમ તો માઈક્રોસેન્ટીમીટરમાં હોય છે પણ આવા કણો ભેગા કરવામાં આવે ત્યારે સ્થિતિ કથળવા લાગે છે. આવા ૩૦ કણ ભેગા થાય ત્યારે એક વાળના આકારનો ગોળો બને છે. આમ તો તે નરી આંખે દેખાય તેવો પણ નથી હોતો છતાં શરીરમાં અને લોહીમાં ભેગો થાય ત્યારે વધારે નુકસાન કરવા માંડે છે. માત્ર સામાન્ય બાબત વિચારીએ કે શરીરમાં ઓક્સિજનની જરૂર પડે છે. આપણે શ્વાસ થકી જે ઓક્સિજન લઈએ છીએ તે ફેફસામાં જાય છે. ફેફસા દ્વારા ઓક્સિજનને શોષીને લોહીમાં મોકલવામાં આવે છે. હવે પ્રદુષિત હવામાં પીએમ ૨.૫ના અસંખ્યા કણો હોય છે જે શ્વાસ વાટે શરીરમાં જાય છે અને બ્લોક થઈ જાય છે.
ફેફસાં તેને ફિલ્ટર કરવામાં વધારે મુશ્કેલી અનુભવે છે. તેના કારણે પ્રારંભિક ધોરણે શરદી અને ખાંસી થાય છે. જેમ જેમ પ્રદુષિત હવા વધે તેમ તેમ આ પ્રદુષિત કણો ફિલ્ટર થયા વગર લોહીમાં ભળવા લાગે છે.
સમજવા જેવી વાત એ છે કે, નાક દ્વારા જ્યારે હવા અંદર જાય છે ત્યારે નાકના વાળ વચ્ચે અવરોધ લાવે છે અને તેના કારણે ઘણો કચરો નાકમાં રહી જાય છે. તેના દ્વારા મ્યુકસ થાય છે.
ગળામાં અને નાક થકી અન્ય જગ્યાએ આ કચરો પહોંચે છે. તેથી શરદી અને ખાંસી જેવી બિમારી વધવા લાગે છે. બીજી તરફ કેટલાક ડોક્ટરો અને જાણકારો માને છે કે, આવા પ્રદુષિત વાતાવરણમાં રહેવાના કારણે શરીરમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શન અને વાઈરલ ઈન્ફેક્શન વધે છે. તેના કારણે શરીરમાં ઈન્ફ્લેમેશન વધી જાય છે. તેના પગલે શરીરમાં ચોક્કસ પ્રકારનું પ્રવાહી બને છે. તે વારંવાર નાક દ્વારા બહાર નીકળ્યા કરે છે.
સ્થિતિ એવી થાય છે કે, પીએમ ૨.૫ના કણો પ્રદુષિત હવામાંથી વારંવાર શરીરમાં પ્રવેશ કરે છે અને ફેફસામાં તથા ગળામાં ઈન્ફ્લેમેશન વધારતા રહે છે. તેના પગલે શરદી મટતી નથી અને મહિનાઓ સુધી ખાંસી પણ આવ્યા કરે છે.
જાણકારો સ્પષ્ટ માને છે કે, દિલ્હી-એનસીઆર, નોઈડા અને અન્ય પ્રદુષિત વિસ્તારો કે શહેરમાં રહેવા દરમિયાન પીએમ ૧૦ કણો આપણા અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ જેવા કે નાક, મોઢા અને સાઈનસ સુધી પહોંચી જાય છે.
બીજી તરફ ધૂળ, બાંધકામ સાઈટો કે ડેમોસિલશન પ્રોજેક્ટની સાઈટો ઉપર ઉડતો કચરો, સિમાન્ટ અને અન્ય રજકણો તથા કારખાનાઓમાંથી નીકળતા ધુમાડામાં જે પીએમ ૨.૫ પાર્ટિકલ હોય છે તે લોએર રેસ્પિરેટરી ટ્રેક્ટ જેવા કે બ્રોન્કાઈ, ફેફસાં વગેરેમાં પહોંચી છે.
આ પાર્ટિકલ્સ ત્યાં ભેગા થાય છે અને ઈન્ફ્લેમેશન ઊભું કરે છે. તેના કારણે વાઈરલ ઈન્ફેક્શન મટતું નથી. તેના પગલે શરદી અને ખાંસી જેવી સામાન્ય બિમારીઓ પણ મહિનાઓ સુધી ખેંચાય છે.
બીજી તરફ નાકમાં કચરો ભરાય છે એટલે શરદી અને ખાંસી થાય છે પણ પીએમ ૨.૫ કણો અત્યંત સુક્ષ્મ હોય છે અને તે નાકમાં કે ગળામાં ચોંટતા નથી પણ સીધા ફેફસા સુધી પહોંચી જતા હોય છે. ફેફસાની દીવાલોમાંથી ઓક્સિજન ફિલ્ટર થઈને લોહીમાં ભળે છે. પીએમ ૨.૫ના કણો આ દીવાલ ઉપર ચોંટી જાય છે અને લોહીમાં સીધા પ્રવેશ કરવા લાગે છે. સીધી ભાષામાં વાત કરીએ તો આપણે જ્યારે ચા બનાવીએ છીએ ત્યારે તપેલીમાં ચા અને ખાંડ બંને નાખીએ છીએ. તેમાં ચા બની જાય ત્યારે ગળણીમાં માત્ર ચાના કુચા આવે છે અને ખાંડ તેમાં ઓગળી ગઈ હોય છે. તેવી જ રીતે પીએમ ૨.૫ પાર્ટિકલ્સ પણ એવા જ છે જે ફેફસાની દીવાલ ઉપર ચોંટીને સીધા લોહીમાં ભળી જતા હોય છે.
એક વખત લોહીમાં પહોંચ્યા બાદ આ કણો હૃદય સુધી પહોંચી જાય છે. તેના દ્વારા લોહીની નળીઓમાં અને ધમનીઓમાં સોજો આવવ લાગે છે. તેના કારણે રોગપ્રતિકારક શક્તિ ખોટી રીતે એલર્ટ થઈ જાય છે અને લોહીની નળીયો સંકોચાવા લાગે છે. સોજો આવવાથી અને રોગ પ્રતિકારક શક્તિ ખોટી દિશામાં સક્રિય થવાથી ધમનીઓમાં લોહીનું પરિભ્રમણ ધીમુ થવા લાગે છે. તેના કારણે લોહીને ઝડપથી ફેલાવા માટે હૃદયને વધારે જોર લગાવવું પડે છે. વારંવાર આવું થાય એટલે બ્લડ પ્રેશર વધવા લાગે છે. તે ઉપરાંત પીએમ ૨.૫ના કણો મોટી સંખ્યામાં લોહીમાં ભળે એટલે લોહીને ગાઢ બનાવે છે અને તેનાથી ક્લોટિંગ થાય છે. આ ક્લોટિંગ જીવલેણ બની શકે છે.
પ્રદુષિત વિસ્તારમાં લાંબો સમય રહેવાથી હૃદયને ગંભીર નુકસાન થાય છે
જાણકારો જણાવે છે કે, જ્યારે લોહીમાં આવા ગઠ્ઠા થવા લાગે ત્યારે તે હૃદયની નળીયોમાં ફસાઈ જાય છે. તેના કારણે હૃદયના તે ભાગને ઓક્સિજન મળવાનું ઓછું થઈ જાય છે.
માત્ર લોહીની નળીઓ જ બ્લોક થાય છે તેવું નથી. પીએમ ૨.૫ના કણો જેમ જેમ શરીરના બીજા અંગોમાં જાય છે તેમ તેમ તેને પણ નુકસાન પહોંચાડવા માંડે છે. જેમ લોખંડને કાટ લાગે છે તેમ બીજા અંગે અને તેની નશોને પણ ખરાબ કરવા માંડે છે. ખાસ કરીને માંસપેશિઓ અને સ્નાયુઓને નુકસાન થાય છે. હૃદયના સ્નાયુઓ નબળા પડે એટલે તેની કામગીરીને પણ મોટી અસર પડે છે. બીજી તરફ આ પ્રદુષણના કણો ધબકારા અનિયમિત કરી નાખે છે. ઘણી વખત ધબકારા વધી જાય છે તો ઘણી વખત ધબકારા ઘટી જાય છે. આ અનિયમિતતા એટેક લાવવાની શક્યતાઓને વધારી દે છે. જાણકારો સ્પષ્ટ ચેતવણી આપે છે કે, આવા પ્રદુષિત વાતાવરણમાં લાંબા સમય સુધી રહેવામાં આવે તો હૃદયની નસોમાં કચરો જમા થાય છે અને તેના કારણે ક્લોટિંગ ઊભું થાય છે જે એટેક લાવી શકે છે. જાણકારો સ્પષ્ટ જણાવે છે કે, એક્યુઆઈ વધતા જે પ્રદુષણ વધે છે તે માત્ર આંખ, નાક કે ગળાને અસર કરે છે તેવું નથી પણ ફેફસાં અને હૃદયને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે. જે રીતે છેલ્લાં એક દાયકામાં પ્રદુષણનું સ્તર મોટા શહેરોમાં વધ્યું છે તેના કારણે સ્વાસ્થ્ય ઉપર જોખમ પણ વધ્યું છે. વધી રહેલા પ્રદુષણથી માત્ર વાઈરલ ઈન્ફેક્શન નહીં પણ હવે ફેફસાં અને હૃદયની ગંભીર બિમારીઓ થઈ શકે છે. જો ખાનપાન સુધારવામાં ન આવે, યોગ્ય કસરત કરવામાં ન આવે અને શુદ્ધ હવા શ્વાસમાં ન લેવામાં આવે તો હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી જાય છે.


