ભારત-ચીન : મિત્રતા અને શત્રુતાના 75 વર્ષના સંબંધોનું સરવૈયું
ચીનના વિસ્તારવાદને કારણે વીસમી સદીમાં ભારત અને ચીન વચ્ચેના સંબંધો વણસ્યા હતા હવે નવી સદી ક્યાં લઈ જાય છે તે જોવું રહ્યું
- ચીનના વિદેશમંત્રી ભારતના પ્રવાસે આવ્યા છે. તેમની ભારત મુલાકાતે નવા કૂટનીતિક સમીકરણો અને નવા જોડાણો તથા ભવિષ્યની મુશ્કેલીઓમાં સાથ સહકારના સંકેત આપવાનું શરૂ કરી દીધું છે ઃ બંને દેશોને એકબીજા સાથે હજારો વર્ષોથી સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધ છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડીને સિલ્ક રૂટ સુધી, બંને દેશોએ વેપાર, બૌદ્ધ ધર્મ અને જ્ઞાાનનું આદાન-પ્રદાન કર્યું જ છે ઃ ૧૯૫૯માં ચીને તિબેટ ઉપર કબજો જમાવ્યો અને દલાઈ લામા શરણું લેવા ભારતમાં આવ્યા ત્યારથી ભારત અને ચીન વચ્ચે ખટરાગ ચાલ્યા કરે છે. ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષની સૌથી મોટી ઘટના જોઈએ તો તે ૧૯૬૨નું યુદ્ધ હતું ઃ ચીન સાથે સરહદે સંબંધ વણસી જાય છે અથવા તો કોઈ આંતરરાષ્ટ્રીય બાબતને કારણે સંબંધો ખરાબ થાય છે. આ સંજોગોમાં ચીન સાથે સાવધાની રાખે જ સંબંધ સુધારવા અને આગળ વધારવા ઉપર કામ કરવું જોઈએ
દુનિયાભરમાં વર્તમાન સમયમાં જે ઝડપથી જિયોપોલિટિક્સ બદલાઈ રહ્યું છે તેના કારણે દુનિયાભરના વિવિધ દેશોના એકબીજા સાથેના સંબંધો અને સમીકરણોમાં પણ ખૂબ જ ઝડપથી અને વ્યાપક ફેરફાર જોવા મલી રહ્યો છે. ઘણા એવા દેશો છે જે પહેલાં સાથે હતા હવે જુદા થવા લાગ્યા છે અને જુદા રહેલા દેશો ચોક્કસ કારણોસર સાથે આવવા લાગ્યા છે. આવા જ એક આશ્ચર્યજનક ફેરફારમાં ચીન અને ભારત પણ જોડાયા છે. તાજેતરમાં ચીનના વિદેશમંત્રી ભારતના પ્રવાસે આવ્યા છે. તેમની ભારત મુલાકાતે નવા કૂટનીતિક સમીકરણો અને નવા જોડાણો તથા ભવિષ્યની મુશ્કેલીઓમાં સાથ સહકારના સંકેત આપવાનું શરૂ કરી દીધું છે.
વૈશ્વિક કૂટનીતિ મુદ્દે દુનિયાભરના જાણકારો માની રહ્યા છે કે, ચીની વિદેશમંત્રીની ભારત મુલાકાત ભવિષ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહે તેમ છે. ભારત અને ચીન જો સાથે ઊભા રહે તો વર્તમાન સમયની મહાસત્તાઓ અને વિકસિત દેશોએ એ વિચાર તો મગજમાંથી કાઢી જ નાખવો જોઈએ કે તેઓ કોઈપણ દેશને ઈચ્છે તે રીતે દબાવી શકશે અથવા તો પોતાની મનમાની ચલાવીને બીજા દેશોને દબડાવી શકશે. ભારત અને ચીન સાથે ઊભા રહે તો વિશ્વની સૌથી મોટી સત્તાઓને હંફાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે.
બીજી તરફ એક સ્પષ્ટ સંકેત પણ છે કે, ભારત હવે ભૂતકાળની જેમ ઉતાવળે કોઈપણ નિર્ણય લેવા માગતો નથી. તે તમામ સાવધાનીઓ રાખીને અને પરિસ્થિતિઓનું નિરિક્ષણ કરીને પોતાના હિતને પ્રાધાન્ય આપીને કામ કરી રહ્યો છે. તે પ્રમાણેની નીતિની રચના કરીને તેને આધિન જ ડગ માંડી રહ્યો છે. ચીન સાથે કામ કરવામાં હવે સતર્તકા વધારે દાખવવામાં આવી રહી છે. વાત એવી છે કે, અમેરિકાએ પોતાની સુવિધા માટે જે રીતે ટેરિફવોર શરૂ કરી દીધું તેના કારણે ભારત માટે થોડી મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું. આ પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે જ ભારતે હવે રશિયા અને ચીન સાથે જોડાઈને નવું સમીકરણ રચવાની તૈયારીઓ કરી લીધી છે. ચીન સાથે જોડાવામાં ભારતે પોતાની સંપ્રભુતાને પણ પ્રાધાન્ય આપ્યું છે અને આપતું રહે તે મહત્ત્વનું છે.
એ બાબત જગજાહેર છે કે, ભારત અને ચીન વચ્ચે સરહદ ઉપર વિવાદ ચાલી રહ્યો છે. ઘણી સરહદે ભારત અને ચીન વચ્ચે જટિલ સ્થિતિનું નિર્માણ થયેલું છે. તાજેતરમાં ભારતીય વિદેશમંત્રી જયશંકરે ચર્ચા દરમિયાન ચીનના વિદેશમંત્રીને જણાવ્યું કે, બંને દેશોના સંબંધો સુધારવાની તાતી જરૂરિયાત છે પણ તેના માટે સૌથી પહેલાં સરહદે તણાવ ઓછો થાય તે જરૂરી છે. બીજી તરફ ચીની વિદેશમંત્રીએ પણ બંને દેશોના સંબંધો સુધારવા અને સહયોગનું વલણ દાખવવાની વાત કરી હતી. ગમે ત્યારે ચીન સાથે સરહદે સંબંધ વણસી જાય છે અથવા તો કોઈ આંતરરાષ્ટ્રીય બાબતને કારણે સંબંધો ખરાબ થાય છે.
ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં જિયોપોલિટિક્સની જે સ્થિતિ છે, અમેરિકાએ ઊભું કરેનું જે સંકટ છે તેના અનુસંધાનમાં ભારત પોતાની સામે રહેલા વિકલ્પોને પ્રાથમિકતા આપવા માગે છે. અહીંયા ખાસ ધ્યાન એ રાખવાની જરૂર છે કે, ચીન પોતાની વિસ્તારવાદી નીતિ માટે પંકાયેલું છે. તે ગમેત્યારે આ દિશામાં પગલું ભરી શકે અથવા આડોડાઈ કરી શકે છે. ભારતે માટે તે સમયે નવી મુશ્કેલી અને તકલીફો આવી શકે તેમ છે. આ બધા જ પાસાને ધ્યાનમાં રાખીને જ ચીન સાથે કામ કરવાની નવી નીતિ વિશે વિચાર કરવો જોઈએ.
ભારત અને ચીન બંને હાલમાં એશિયાના સુપરપાવર ગણાય છે. દુનિયામાં બંને દેશોનો સિતારો બુલંદ થઈ રહ્યો છે.
સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડીને સિલ્ક રૂટ સુધી, બંને દેશોએ વેપાર, બૌદ્ધ ધર્મ અને જ્ઞાાનનું આદાન-પ્રદાન કર્યું જ છે. વીસમી સદીની શરૂઆતથી બંને દેશોના સંબંધમાં ખટાશ આવવા લાગી. ખાસ કરીને ચીન દ્વારા તિબેટ ઉપર કબજો કરવામાં આવ્યો, ૧૯૬૨નું યુદ્ધ અને ત્યારબાદ પણ ચાલી રહેલો સરહદ વિવાદ આજસુધી અકબંધ છે. તેના કારણે બંને દેશઓના સંબંધો ગણા તણાવપૂર્ણ થઈ ગયા છે. બંને દેશો હાલમાં એકબીજા સાથે સંવાદ અને સહયોગની વાત કરે છે પણ સામરિક પ્રતિસ્પર્ધા અને સરહદોનો તણાવ ઘણા પડકારો ઊભા કરે તેમ છે. તેમ છતાં હાલની એસસીઓ સમિટમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી ભાગ લેવાના છે અને તેના પગલે આગામી જોડાણ અથવા સહયોગના બીજા ઘણા મુદ્દા સામે આવે છે.
બંને દેશો સિંધુ ખીણની સંસ્કૃતિથી એકબીજા સાથે જોડાયેલા છે. તે સમયે સિલ્ક રૂટથી વેપાર થતો હતો અને આ જ રસ્તે ભારતનો બૌદ્ધ ધર્મ ચીન સુધી પહોંચેયો હતો. મહત્ત્વની વાત એ છે કે, ૧૯૪૭માં ભારત આઝાદ થયો અને ૧૯૪૮માં ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટીની સત્તા આવી. ભારતે ૧૯૪૯માં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાને માન્યતા પણ આપી હતી. તે દરમિયાન કોરિયન યુદ્ધ, યુએન જેવા વૈશ્વિક મુદ્દે પણ તેને સમર્થન આપ્યું હતું. ૧૯૫૪માં તિબેટ સાથે વેપાર સમજુદી દરમિયાન ભારતના પંચશીલના સિદ્ધાંતોએ હિન્દી-ચીની ભાઈભાઈનું સૂત્ર વૈશ્વિક સ્તરે જાણીતું બનાવ્યું હતું. ત્યારબાદ ૧૯૫૯માં ચીને તિબેટ ઉપર કબજો જમાવ્યો અને દલાઈ લામા શરણું લેવા ભારતમાં આવ્યા ત્યારથી ભારત અને ચીન વચ્ચે ખટરાગ ચાલ્યા કરે છે.
ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષની સૌથી મોટી ઘટના જોઈએ તો તે ૧૯૬૨નું યુદ્ધ હતું. અકસાઈ ચીન અને અરુણાચલ પ્રદેશના સરહદ વિવાદને કારણે આ યુદ્ધ થયું હતું. આ યુદ્ધાના કારણે જ તત્કાલિન સરકારની ઉદારતાવાદી અને આદર્શવાદી નીતિઓ સામે સવાલ ઊભા થયા હતા. તેના પગલે ચીન ઉપર અવિશ્વાસ ફેલાયો હતો. ૧૯૬૭માં નાથુ લા અને ચોલામાં થયેલા સંઘર્ષમાં ભારતે મજબૂત લડાઈ લડી હતી તેમ છતાં ૧૯૬૨ના પરાજયની અસર લાંબા સમય સુધી જોવા મળી હતી. ભારતે આ ઘટના પછી પોતાની સૈન્ય તાકાત અદ્વિતિર રીતે વધારી દીધી પણ બંને દેશઓના સંબંધોને ત્યાં લૂણો લાગી ગયો. ચીન ઉપરનો વિશ્વાસ જતો રહ્યો.ત્યારબાદ જોવા જઈએ તો ૧૯૭૦ના દાયકામાં બંને દેશોના સંબંધો સુધારવા માટે પ્રયાસ કરાયા હતા. ખાસ કરીને ૧૯૭૬માં રાજદૂત સ્તરે ચર્ચા કરવાની અને સંબંધ સુધારવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ૧૯૭૯માં અટલ બિહારી વાજપેયીની ચીન યાત્રા અને ૧૯૮૮માં રાજીવ ગાંધીની યાત્રાએ પંચશીલના આધારે બંને દેશોના સંબંધોમાં નવો પ્રાણ પૂરવાનું કામ કર્યું હતું. તેના પછી ૧૯૯૩માં નસિમ્હા રાવ અને લી પેંગે સરહદ ઉપર શાંતિ જાળવવા કરાર કર્યા હતા.
તેના ત્રણ વર્ષ બાદ ૧૯૯૬માં ચીની પ્રમુખ જિયાંગ જેમિનની ભારત યાત્રાએ સંબંધમાં સુધારાના વિશ્વાસને મજબૂત બનાવ્યો હતો. હવે ૨૧મી સદીની વાત કરીએ તો બંને દેશેના સંબંધો ઘણા સારા હતા. તેમાંય વેપારમાં તો ખૂબ જ મોટાપાયે વૃદ્ધિ થઈ હતી. આ બધા વચ્ચે ચીને સમયાંતરે આડોડાઈ કરીને અને ઘુસણખોરીના પ્રયાસ કર્યા હતા. અરુણાચલમાં આજે પણ ગમે ત્યારે નવા નકશો જારી કરીને વિવાદ ઊભો કરે છે. તેમ છતાં વેપારને પગલે ભારત અને ચીન એકબીજાની સાથે ટકેલા છે.
- 21મી સદીમાં બંનેના સંબંધોમાં વ્યાપક પરિવર્તન જોવા મળ્યું
ભારતે ૧૯૯૮માં પરમાણુ પરીક્ષણ કર્યું અને તેના કારણે ચીનના પેટમાં તેલ રેડાયું હતું. તેમ છતાં તેણે બંને દેશોના સંબંધો જળવાઈ રહે તે માટે પ્રયાસ ચાલુ રાખ્યા હતા.
વાત જ્યારે વણસી જ્યારે ૨૦૦૩માં ચીને સિક્કિમ ઉપર ભારતની સંપ્રભુતાને માન્યતા આપવાની સાથે સાથે અરુણાચલ તો ચીનનું જ હોવાનું રટણ ચાલું રાખ્યું. તેમ છતાં બંનેના સંબંધ ખાસ વણસ્યા નહોતા. ત્યારબાદ ૨૦૧૭માં ડોકલામ વિવાદ થયો. ડોકલામમાં ભારતે પગલું ભરીને ભુતાનના સમર્થન માટે ચીનનું સડક નિર્માણ અટકાવી દીધું હતું. ત્યારબાદ ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં બંને દેશોના સેના વચ્ચે સંઘર્ષ થયો હતો. તેમાં ભારતના ૨૦ અને ચીનના ૪૦થી વધુ સૈનિકો શહીદ થયા હતા. તેના કારણે ભારત અને ચીનના સંબંધો અત્યંત વણસી ગયા હતા. ત્યારબાદ એલએસી ઉપર બંને દેશોની સેનાની હાજરી અને સૈનિકોની સંખ્યામાં પણ મોટાપાયે વધારો જોવાયો હતો. જાણકારોના મતે હવે ૨૦૨૫માં ભારત અને ચીનના સંબંધોમાં નવેસરથી પરિવર્તન આવે તેવું દેખાઈ રહ્યું છે. બંનેના સંબંધમાં સકારાત્મકતા આવે તેમ લાગી રહ્યું છે. એસ જયશંકર અને ચીની વિદેશમંત્રી વાંગ યી વચ્ચે તાજેતરમાં જે મુલાકાત થઈ તેમાં સરહદ વિવાદ, ઉકેલ, શાંતિ અને ડીએસ્કેલેશન ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. તે ઉપરાંત અજીત ડોભાલ સાતે પણ બેઠકમાં એલએસી પર સ્થિરતા લાવવા સહમતી સધાઈ હતી. હવે સૂત્રોમાં ગણગણાટ છે કે, ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઈટની વાત ચાલી રહી છે. ઓક્ટોબર મહિનાથી તેની જાહેરાત કરવામાં આવે તેવી ગણતરી છે. ભારતીય પીએમ નરેન્દ્ર મોદી ઓગસ્ટના અંતમાં એસસીઓ બેઠકમાં ભાગ લેવા માટે ચીન જવાના છે. તે સમયે આ પ્રકારની જાહેરાત કરવામાં આવે તથા અન્ય કોઈ ભાગીદારી કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ગલવાન વિવાદ બાદ મોદીની આ પહેલી ચીનયાત્રા હશે. આ દરમિયાન સાવચેતી સાથે ડ્રેગન સાથે ફરી સારા સંબંધો કેવી રીતે વિકસે છે તેના ઉપર સમગ્ર વિશ્વનું ધ્યાન હશે.