Get The App

વધતી ગરમીથી એક દાયકામાં ખેત ઉત્પાદન 30 ટકા ઘટી શકે

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
વધતી ગરમીથી એક દાયકામાં ખેત ઉત્પાદન 30 ટકા ઘટી શકે 1 - image

- 2040 સુધીમાં જો સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી વધ્યું તો ખેત ઉત્પાદન અને તેની પાક ગુણવત્તામાં વ્યાપક ઘટાડો નોંધાશે

- છેલ્લાં ચાર દાયકામાં આપણી પૃથ્વીનું તાપમાન 0.5 ડિગ્રી વધ્યું છે જેના કારણે વારંવાર પૂર, દુકાળ અને વાવાઝોડા જેવી સમસ્યાઓ અને કુદરતી આપત્તીઓમાં વધારો થયો છે. ભારતમાં મોટાભાગના ખેડૂતો પાસે નાની અને ઓછી જમીનો છે તેના કારણે તેમની ઉપજ અને આવકને વ્યાપક અસર પડી રહી છે : 2040 સુધીમાં જો તાપમાનમાં સરેરાશ 1.5 ડિગ્રીનો વધારો થશે તો ખેત ઉત્પાદન અને તેની ગુણવત્તા ઉપર વ્યાપક નકારાત્મક અસર પડશે. વધતા કાર્બન ઉત્સર્જનને કારણે આ સદીમાં જ દુનિયાભરમાં ભુખમરો, પૂર, દુકાળ અને નાગરિકોના પલાયન જેવી મોટી સમસ્યાઓ ઊભી કરી દીધી છે : આ સદીના અંત સુધીમાં પૃથ્વીનું તાપમાન 3.7 ડિગ્રીથી 4.8 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી શકે છે. સ્વાભાવિક રીતે તેની સીધી અસર ખેતી અને ખેતપેદાશો ઉપર દેખાવાની છે. ઘઉં, જવાર, સરસો, બટાકા જેવા પાકની ખેતી કરવામાં મોટી સમસ્યા આવશે. વધતી ગરમીના કારણે આ પાક ઓછા લેવાશે અથવા તો વારંવાર નિષ્ફળ જાય તેવું પણ બનશે.

ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગને પગલે જે સ્થિતિ સર્જાઈ છે તેનાથી સમગ્ર વિશ્વ પરેશાન છે. આ એવી સમસ્યા છે જેનાથી કોઈ એક દેશ નહીં પણ સમગ્ર વિશ્વમાં સમસ્યા સર્જાઈ છે કારણ કે પૃથ્વીને જે હાની પહોંચી છે તેનું જ પરિણામ હાલ ભોગવવામાં આવી રહ્યું છે. તેના કારણે જ સમગ્ર વિશ્વમાં ગમે ત્યારે વરસાદ, ગરમી, ઠંડી, અતિવૃષ્ટી, અનાવૃષ્ટી, ખાદ્ય સંકટ અને હવામાન અને વાતાવરણમાં પલટો જેવી સમસ્યાઓ અને બિમારીઓમાં વધારો જેવી ચિંતાઓ વધી છે. તેમાંય ભારતની વાત કરીએ તો અહીંયા ખેતીને વ્યાપક અસર પડી છે. ભારતમાં અંદાજે ૬૦ ટકા લોકો તો ખેતી ઉપર જ આધારિત છે. 

ગ્લોબલ વોર્મિંગની સૌથી મોટી અસર ખેતી ઉપર પડી છે અને આગામી સમયમાં સ્થિતિ વધારે ખરાબ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. વાતાવરણમાં જે રીતે વારંવાર પલટો આવી રહ્યો છે તેના કારણે માત્ર ખેત ઉત્પાદનને જ અસર થઈ રહી છે તેવું નથી. તેના કારણે પાકની ગુણવત્તાને પણ વ્યાપક અસર પડી રહી છે. વાતાવરણમાં થઈ રહેલા વારંવાર પલટાના કારણે દેશમાં ખેતીને મોટું જોખમ ઊભું થયું છે અને તેના પગલે ખાદ્ય સુરક્ષાને મોટું જોખમ પણ સર્જાયું છે. 

ઉલ્લેખનીય છે કે, યુએન અને તેને સંલગ્ન અન્ય સંગઠનો દ્વારા તથા ખાદ્ય અને કૃષિ સંગઠનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, સતત વધી રહેલી ગરમી, દુકાળ, પૂર, જમીનના પોષકતત્ત્વોમાં થઈ રહેલો ઘટાડો દુનિયાભરને નુકસાન કરી રહ્યો છે. તેમાં પણ મધ્ય-પૂર્વમાં આવેલા દેશોને તેના કારણે વધારે નુકસાન થઈ રહ્યું છે. ક્લાઈમેટ ચેન્જના કારણે ખેતી ઉપર મોટું જોખમ સર્જાયું છે. જાણકારો એવું માને છે કે, ૨૦૪૦ સુધીમાં જો તાપમાનમાં સરેરાશ ૧.૫ ડિગ્રીનો વધારો થશે તો ખેત ઉત્પાદન અને તેની ગુણવત્તા ઉપર વ્યાપક નકારાત્મક અસર પડશે. વધતા કાર્બન ઉત્સર્જનને કારણે આ સદીમાં જ દુનિયાભરમાં ભુખમરો, પૂર, દુકાળ અને નાગરિકોના પલાયન જેવી મોટી સમસ્યાઓ ઊભી કરી દીધી છે. હવે જો ગરમીમાં વધારો થશે તો એશિયાના દેશોમાં ખેત ઉત્પાદનોમાં ૩૦ ટકા સુધીનો ઘટાડો આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં વિકાસની આંધળી દોટમાં આપણે એ ભુલી રહ્યા છીએ કે આજે પણ દુનિયામાં એવા કરોડો લોકો છે જેમને રોજિંદા ભોજન માટે પણ વલખાં મારવા પડે છે. તેમને બે ટાઈમ ભોજન પણ મળતું નથી. તેના કારણે સ્થિતિ એવી આવી ગઈ છે કે, ૨૦૩૦ સુધીમાં દુનિયામાંથી ભુખમરો દૂર કરવાનું વૈશ્વિક લક્ષ્યાંક પણ સિદ્ધ થાય તેવું હાલમાં લાગતું નથી. બીજી તરફ દેશમાં જે સરેરાશ વરસાદ થઈ રહ્યો છે તેમાં પણ મોટો તફાવત આવ્યો છે. ઓગણીસમી સદીમાં થઈ રહેલા સરેરાશ વરસાદ કરતા વીસમી સદીમાં વરસાદ ઘટયો છે. આ ઉપરાંત ગંગોત્રી હિમનદી પણ પ્રતિવર્ષ સુકાઈ રહી છે. અન્ય નદીઓના જળસ્તરમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. પાણીમાં થઈ રહેલા ઘટાડાના કારણે ખેતીમાં પણ મુશ્કેલી આવી રહી છે. 

ચિંતાજનક બાબત એ છે કે, એક તરફ ક્લાઈમેટ ચેન્જની અસર ખેત ઉત્પાદન ઉપર પડી રહી છે તો બીજી તરફ પરોક્ષ રીતે પાકની ગુણવત્તામાં ઘટાડો, અનાજની વધતી કિંમતો અને ખેડૂતોની આવકમાં થઈ રહેલો ઘટાડો પણ અસર કરી રહ્યો છે. પાક ઉત્પાદન વધારવામાં ઉપજાઉ જમીન, પાણી, અનુકુળ વાતાવરણ, રોગ અને જીવજંતુઓથી રક્ષણ જેવી બાબતો પણ વ્યાપક અસર કરે છે. આ તમામ પાસાઓમાંથી એકપણ પાસું યોગ્ય ન રહે તો પાક ઉત્પાદનને અસર પડે જ છે. તેમાંય ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના કારણે છેલ્લાં એક દાયકામાં તાપમાન વધ્યું છે અને બીજી પણ સમસ્યાઓ સર્જાઈ છે. 

કેટલાક પાક એવા હોય છે જેમને ચોક્કસ તાપમાન અને વાતાવરણની જરૂર હોય છે. વાતાવરણમાં ફેરફાર આવે કે તાપમાન વધે એટલે તેમના ઉપર નકારાત્મક અસર શરૂ થઈ જાય છે. ઘઉં, સરસવ, જવ અને બટાકાના ઉત્પાદન માટે ઓછા તાપમાનની જરૂર હોય છે. જેમ જેમ ગરમી વધતી જાય તેમ તેમ તેમના પાકને અસર થવા લાગે છે. તેવી જ રીતે જો ગરમી વધી જાય તો મકાઈ, જુવાર અને અન્ય અનાજને પણ નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. વધુ ગરમીના કારણે આ પાકમાં દાણા ભરાતા નથી અને તેની ગુણવત્તા ઘટી જાય છે. તેના પગલે સરેરાશ નુકસાન જાય છે. 

ખાસ વાત એ છે કે, ગ્લોબલ વોર્મિંગ ખાદ્ય સુરક્ષાના ચારેય પાસા જેવા કે ભોજનની ઉપલબ્ધતા, ભોજનની પહોંચ, ભોજનનો ઉપયોગ અને ખાદ્ય પદ્ધતિની સ્થિરતા તમામને અસર કરે છે. જો સરેરાશ ગરમીમાં મોટો વધારો થવા લાગે તો આપણી સામે ભોજનની અછત અથવા તો તેની સાથે સંકળાયેલા જોખમો ઊભા થવા માંડે છે. હાલમાં જે રીતે ગરમી વધી રહી છે અને કાર્બન ઉત્સર્જન થઈ રહ્યું છે તેના આધારે એક અંદાજ માંડવામાં આવ્યો છે કે, આ સદીના અંત સુધીમાં પૃથ્વીનું તાપમાન ૩.૭ ડિગ્રીથી ૪.૮ ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી શકે છે. સ્વાભાવિક રીતે તેની સીધી અસર ખેતી અને ખેતપેદાશો ઉપર દેખાવાની છે. ઘઉં, જવાર, સરસો, બટાકા જેવા પાકની ખેતી કરવામાં મોટી સમસ્યા આવશે. વધતી ગરમીના કારણે આ પાક ઓછા લેવાશે અથવા તો વારંવાર નિષ્ફળ જાય તેવું પણ બનશે.

બીજી તરફ મકાઈ, જવાર અને અન્ય અનાજના પાકમાં પણ જો ભરાયેલા દાણા નહીં આવે અને ગુણવત્તા ઓછી આવશે તો તેની ખેતી પણ નિષ્ફળ જશે. ખેડૂતોને પાક લેવા છતાં નુકસાન જશે. આ અનાજની ખેતી કરવું પણ મુશ્કેલ અથવા તો અશક્ય થવા લાગશે. તાપમાન વધવાથી વરસાદના પ્રમાણમાં પણ ઘટાડો થશે તે સ્વાભાવિક છે. તેના કારણે જમીનના ભેજને પણ નુકસાન થશે. જમીનનો ભેજ ઘટવા લાગશે તો દુકાળ થવાની શક્યતાઓ વધી જશે. ક્લાઈમેટ ચેન્જના કારણે જમીનના પોષણની ગણવત્તાને પણ નુકસાન થઈ શકે છે કારણ કે વધતી ગરમીથી જમીનમાં રહેલો નાઈટ્રોજન ઓછો થવા લાગે છે. તેને વધારવા માટે રાસાયણિક ખાતરોનો હાલમાં પણ વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે અને ભવિષ્યમાં તેનું પ્રમાણ અનેકગણું વધી જશે. તેના પગલે જમીનની પોષણક્ષમતા અને ઉપજાઉ ક્ષમતા ઘટવા લાગશે.

આજે સમગ્ર વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની પ્રતિકુળ અસરો જોવા મળી રહી છે. ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો ધરાવતા ટોચના ૨૦ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. છેલ્લાં ચાર દાયકામાં આપણી પૃથ્વીનું તાપમાન ૦.૫ ડિગ્રી વધ્યું છે જેના કારણે વારંવાર પૂર, દુકાળ અને વાવાઝોડા જેવી સમસ્યાઓ અને કુદરતી આપત્તીઓમાં વધારો થયો છે. ભારતમાં મોટાભાગના ખેડૂતો પાસે નાની અને ઓછી જમીનો છે તેના કારણે તેમની ઉપજ અને આવકને વ્યાપક અસર પડી રહી છે. તેના કારણે તેમની સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. 

ભારત માટે વધુ ચિંતાની વાત એટલે પણ છે કે, આપણા દેશની ૬૦ ટકા વસતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી ઉપર જ આધારિત છે. દેશના ઘણા લોકો માટે ખેતી વ્યવસાય પણ છે અને જીવન જીવવાનું એકમાત્ર સાધન પણ છે. આ સંજોગોમાં ક્લાઈમેટ ચેન્જ કે વાતાવરણમાં થતા વારંવાર પલટાના કારણે ખેતીને નુકસાન વધી જશે તો લોકોની આવક અને ભોજનની જરૂરીયાતને પણ વ્યાપક અશર પડશે. તેનાથી ખાદ્ય સુરક્ષા સામે મોટો પડકાર ઊભો થશે.

ક્લાઈમેટ ચેન્જથી ખેતી, આજીવિકા અને માનવ અસ્તિત્વ સામે મોટું જોખમ

ક્લાઈમેટ ચેન્જના કારણે પૃથ્વીને જે રીતે નુકસાન થઈ રહ્યું છે તે અત્યંત જોખમી છે. જાણકારો માને છે કે, ક્લાઈમેટ ચેન્જના કારણે ખેતી, આજીવિકા અને માનવ અસ્તિત્વ સામે મોટું જોખમ ઊભું થશે. બીજી વાત એવી છે કે, વર્ષ ૨૦૫૦ સુધીમાં પૃથ્વીની વસતીનો આંકડો ૯.૫૦ અબજ સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ સંજોગોમાં આપણે બે અબજ જેટલા વધારાના લોકો માટે અંદાજે ૭૦ ટકા વધારે અનાજ ઉગાડવું પડશે અને ભોજનની વ્યવસ્થા કરવી પડશે. તેના કારણે જ ખેતી અને તેની પદ્ધતિઓને હવે ક્લાઈમેટ ચેન્જના આધારે પરિવર્તિત કરીને તેને વધારે ટકાઉ અને ઉપજાઉ બનાવવી પડશે. હવે પર્યાવરણને ઓછું નુકસાન થાય તેવી પદ્ધતિઓ દ્વારા ખેતી કરવી પડશે. માત્ર ભારત કે ખેતીને જ નહીં પણ ગ્લોબલ વોર્મિંગને પગલે સમગ્ર માનવ સભ્યતાને અસર થઈ રહી છે અને તેને બચાવવા માટે દરેક દેશે સભાનતા સાથે પ્રયાસ કરવા પડશે. 

પૃથ્વીના સરેરાશ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે તે ચિંતાજનક છે. તેમાંય ભારતમાં પણ ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે તે મોટો પડકાર છે. ખેતીમાં નુકસાન જવાના ભયથી અને ભૂતાકાળની ઘટનાઓને પગલે ઘણા ખેડૂતો હવે ખેતી છોડીને અન્ય વ્યવસાય કે નોકરીમાં જોડાઈ રહ્યા છે. ખેડૂતોને ખેતીમાં ટકાવી રાખવા માટે નવા પ્રયાસો, નવી પદ્ધતિઓ અને નવા સંસાધનો તરફ વળવું પડશે.

 બીજી સમજવા જેવી બાબત એ છે કે, ગ્લોબલ વાર્મિંગ એક કોઈ એક દેશ પૂરતી સમસ્યા નથી તેના માટે સમગ્ર વિશ્વએ એક થઈને પ્રયાસ કરવા પડશે. ક્લાઈમેટ ચેન્જની અસરો ઉલટાવવા અને ઓછી કરવા માટે સામુહિક પ્રયાસ જરૂરી છે. આ માત્ર કોઈ એક દેશ ઉપર નહીં પણ સમગ્ર માનવજાત ઉપર જોખમ છે.